મંકી પૉક્સનો ખતરો:યુરોપ અને ઉત્તર અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયામાં એલર્ટ, ભારત પર આ સંક્રમણનું કેટલું જોખમ?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં બુધવારે મંકી પૉક્સનો પહેલો કેસ મળ્યા બાદ હવે સ્વીડન, ઇટલી અને ઓસ્ટ્રલિયામાં પણ કેસ જોવા મળ્યા છે. આ પ્રકારની દુર્લભ બીમારીઓ ઝડપથી ફેલાતાં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) પણ એક્શનમાં આવ્યું છે. ચાલો જાણીએ મંકી પૉક્સ શું છે? આ બીમારી ફેલાવવા પાછળ ક્યાં-ક્યાં કારણો જવાબદાર છે? ભારત માટે તે કેટલું જોખમી છે?

મંકી પૉક્સ વાયરસ દર્દીના ઘામાંથી બહાર આવી શકે છે અને આંખો, નાક અને મોં દ્વારા તમારા શરીરમાં પ્રવેશી શકે છે.
મંકી પૉક્સ વાયરસ દર્દીના ઘામાંથી બહાર આવી શકે છે અને આંખો, નાક અને મોં દ્વારા તમારા શરીરમાં પ્રવેશી શકે છે.

મંકી પૉક્સ વિશેના 10 મહત્વપૂર્ણ પોઈન્ટ્સ
1. અછબડા જેવું છે મંકી પોક્સ
આ એક વાયરલ ઇન્ફેકશન છે, જે પહેલીવાર વર્ષ 1958માં બંદરમાં જોવા મળ્યું હતું. વર્ષ 1970માં પહેલીવાર માણસમાં આ બીમારીના ચેપની પૃષ્ટિ થઇ હતી. મંકી પૉક્સના વધુ પડતા કેસ મધ્ય અને પશ્ચિમ આફ્રિકી દેશોમાં જોવા મળે છે. વર્ષ 2017ના નાઇઝીરીયામાં મંકીપૉક્સનો પ્રકોપ જોવા મળ્યો હતો. જેમાં 75% પુરુષો દર્દીઓ હતા.

2. છુત-અછૂતની બીમારી છે મંકી પૉક્સ
આ વાયરસ દર્દીના ઘાવમાંથી નીકળીને આંખ,કાન અને મોઢા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ સિવાય વાંદરા, ઉંદર, ખિસકોલી જેવા કોઈ જીવના કરડવાથી અથવા તેના લોહી અને બોડી ફ્લ્યુડસને અડવાથી પણ આ બીમારી ફેલાઈ શકે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, માંસ બરાબર ના પકવેલું હોય અથવા તો સંક્રમિત પશુનું માંસ ખાવાથી પણ આ બીમારીની ઝપેટમાં આવી શકો છો.

3. અત્યાર સુધી 8 દેશમાં મંકી પોક્સ ફેલાયો છે
બ્રિટનમાં 7 મેના રોજ મંકી પોક્સનો પહેલો દર્દી જોવા મળ્યો હતો. હાલ તો અહીં દર્દીઓની સંખ્યા 9 છે. બીજી તરફ સ્પેનમાં 7 અને પોર્ટુગલમાં 5 દર્દીઓ મંકી પૉક્સના શિકાર બન્યા છે. અમેરિકા, ઈટલી, સ્વીડન અને ઓસ્ટ્રેલિયામાં મંકી પૉક્સના 1-1 દર્દી જોવા મળ્યા છે. તો ફ્રાન્સમાં 1 અને કેનેડામાં 13 શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે.

4. મંકી પૉક્સ ફેલાવાનું કારણ
લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના પ્રોફેસર જિમી વ્હિટવર્થે ન્યુઝ એજન્સી રોયટર્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે છેલ્લા ઘણાં સમયથી ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ બંધ હતું, પરંતુ નિયમોના બંધનમાંથી મુક્તિ મળ્યા બાદ લોકોની આફ્રિકી દેશમાં અવર-જવર વધવા લાગી અને બની શકે કે તેના કારણે જ મંકી પૉક્સનાં કેસ સામે આવી રહ્યા છે.

યૂકેમાં આ બીમારી ગે પુરુષોમાં યૌન સંબંધથી ફેલાય છે કે નહીં તેના પર પણ તપાસ ચાલી રહી છે.
યૂકેમાં આ બીમારી ગે પુરુષોમાં યૌન સંબંધથી ફેલાય છે કે નહીં તેના પર પણ તપાસ ચાલી રહી છે.

5. સમલૈંગિકો પર ભારે પડ્યું
યુકેની હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA)નું કહેવું છે કે, યુકેમાં અત્યાર સુધી જોવા મળતા મંકી પૉક્સના મોટાભાગના કિસ્સાઓમાં દર્દીઓ એવા પુરુષો છે કે, જે પોતાને ગે અથવા બાયસેક્સ્યુઅલ તરીકે ઓળખાવે છે. મંકી પૉક્સને હજુ સુધી સેક્સ્યુઅલી ઇન્ફેક્ટિવ બીમારી માનવામાં નથી આવી, પરંતુ એવું પણ બની શકે છે કે તે સમલૈંગિકોની વચ્ચે સેક્સ્યુઅલ કોન્ટેક્ટથી ફેલાઇ રહ્યો હોય. જેને ધ્યાનમાં રાખીને એજન્સીએ ગે પુરુષોને પણ ચેતવણી આપી છે.

6. WHO એક્શન મોડમાં
મંકી પૉક્સના વધતા ચેપને જોતાં WHO તેને લગતી તમામ માહિતી પોતાની વેબસાઈટ પર અપડેટ કરી રહી છે. આ સાથે જ એજન્સી અસરગ્રસ્ત દેશોના સહયોગથી સંક્રમિત લોકોની પણ તપાસ કરી રહી છે. બ્રિટનમાં આ બીમારી ગે પુરુષોમાં યૌન સંબંધથી ફેલાય છે કે નહીં તેના પર પણ તપાસ ચાલી રહી છે. સંભવિત દર્દીઓની ઓળખ માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

7. મંકી પૉક્સ કેટલો ખતરનાક છે?
WHO અનુસાર મંકી પૉક્સ એક દુર્લભ રોગ છે, જેનું ચેપ અમુક કિસ્સાઓમાં ગંભીર સાબિત થઈ શકે છે. આ વાઈરસના બે સ્ટ્રેન છે - પ્રથમ કોંગોલી સ્ટ્રેન અને બીજો વેસ્ટ આફ્રિકન સ્ટ્રેન છે. બંને 5 વર્ષથી નાના બાળકોને પોતાનો શિકાર બનાવે છે. કોંગો સ્ટ્રેઇનનો મૃત્યુદર 10 ટકા અને પશ્ચિમ આફ્રિકન સ્ટ્રેઇનનો મૃત્યુદર 1 ટકા છે. યુકેમાં વેસ્ટ આફ્રિકન સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે.

મંકી પૉક્સના કારણે ચહેરા પર રેશિઝ થવા લાગે છે, જે શરીરના અન્ય ભાગમાં પણ ફેલાય છે.
મંકી પૉક્સના કારણે ચહેરા પર રેશિઝ થવા લાગે છે, જે શરીરના અન્ય ભાગમાં પણ ફેલાય છે.

8. મંકી પૉક્સના લક્ષણો
WHO અનુસાર મંકી પૉક્સના લક્ષણો ચેપના 5મા દિવસથી 21મા દિવસ સુધી આવી શકે છે. પ્રારંભિક લક્ષણો ફ્લૂ જેવા છે, તેમાં તાવ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, કમરનો દુખાવો, ધ્રુજારી, થાક અને સુજેલી લસિકા ગાંઠોનો સમાવેશ થાય છે. આ પછી ચહેરા પર ફોલ્લી નીકળવા લાગે છે, જે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાય છે. આ ચેપ દરમિયાન ફોલ્લીઓમાં ઘણાં ફેરફાર આવે છે અને છેવટે ચેચક બીમારીની જેમ પોપડાં બનીને નીચે ખરી જાય છે.

9. આ સમયે ભારત ખતરાથી બહાર
અત્યાર સુધી ભારતમાં મંકી પૉક્સનો એકપણ શંકાસ્પદ દર્દી જોવા મળ્યો નથી. તેથી અહીં હજુ આ બીમારી ફેલાવાનું વધારે જોખમ નથી. જોકે, સાવચેતી રાખવાની તો અહીં પણ જરૂર છે. નિષ્ણાતોના મત મુજબ યુરોપ અને ઉત્તર અમેરિકામાં કેવી રીતે મંકી પોક્સના કેસ ઝડપથી વધ્યા છે? તેની માહિતી મળ્યા બાદ જ તે આ અંગે કંઈક કહી શકશે.

10. મંકી પૉક્સની સારવાર કરવી
ઘણાં સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે, ચેચકની રસી મંકી પૉક્સ પર 85% સુધી અસરકારક છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એસોસિએશન (FDA) એ વર્ષ 2019 માં 'Jynneos' નામની રસીને મંજૂરી આપી હતી. તેનો ઉપયોગ ચેચક અને મંકી પૉક્સ બંને માટે થાય છે. તેને યુરોપિયન મેડિસિન્સ એજન્સી દ્વારા વર્ષ 2013માં મંજૂરી આપવામાં આવી હતી. અમેરિકામાં પહેલો કેસ મળતાં જ સરકારે 'Jynneos' ના 1.3 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે.