એક અભ્યાસ મુજબ જે વ્યક્તિને નિરંતર સમાચારો તપાસતા રહેવાની ઘેલછા હોય છે તેમને તણાવ, ચિંતા અને શારીરિક બીમારીનો ભોગ બનવાની શક્યતા વધુ રહે છે. આ અભ્યાસ જર્નલ હેલ્થ કમ્યુનિકેશનમાં પ્રકાશિત થયો હતો. છેલ્લાં બે વર્ષથી આપણે કોવિડ રોગચાળાથી લઈને રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ, વિરોધ પ્રદર્શનો, સામૂહિક ગોળીબાર અને વિનાશક જંગલી આગ સુધીની ચિંતાજનક વૈશ્વિક ઘટનાઓમાંથી પસાર થયા છીએ. આ પ્રકારના સમાચારો વ્યક્તિ પર શારીરિક અને માનસિક બંને રીતે ખરાબ અસર પહોંચાડે છે.
24-કલાકના સમાચાર ચક્રના સંપર્કમાં આવવાથી વ્યક્તિની માનસિક અને શારીરિક બંને સુખાકારી પર ગંભીર અસરો પડી શકે છે. અભ્યાસના તારણો દર્શાવે છે કે, જે લોકોને સમાચાર જોવાનું વધુ પડતું વ્યસન હોય તે નોંધપાત્ર રીતે વધુ પડતી શારીરિક અને માનસિક બીમારીઓના શિકાર બને છે. ટેક્સાસ ટેક યુનિવર્સિટીની કોલેજ ઓફ મીડિયા એન્ડ કોમ્યુનિકેશનના એડવર્ટાઇઝિંગના એસોસિએટ પ્રોફેસર બ્રાયન મેકલાફલિન કહે છે, ‘સમાચારોમાં આ ક્રાઈમ અને મર્ડર જેવી ઘટનાઓને નિરંતર જોવાથી લોકોની મનોસ્થિતિ હાઇ એલર્ટમાં આવી જાય છે અને તે સામાન્ય સ્થિતિમાં પણ જોખમો મહેસૂસ કરવા લાગે છે.’
આ વ્યક્તિ પોતાની જાતને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માટે સમાચારો પર 24 કલાક અપડેટ્સની તપાસ કરતો રહે છે, પરંતુ તેનાથી કોઈ ફાયદો થતો નથી અને તે જેટલા વધુ સમાચારને તપાસે છે તેટલો જ તેમને જીવન પ્રત્યે જોખમનો ડર વધુ રહે છે. મેકલાફલિન અને તેના સાથીદારો, ડો. મેલિસા ગોટલીબ અને ડો. ડેવિન મિલ્સે 1,100 યુએસ પુખ્ત વયના લોકોના ઓનલાઇન સર્વેક્ષણના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું ને આ ઘટનાનો અભ્યાસ કર્યો હતો કે, જેને બોલચાલની ભાષામાં ‘સમાચારના વ્યસન’ તરીકે ઓળખવામાં આવે છે.
સર્વેક્ષણમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું હતું ત્યારે એવા સ્ટેટમેન્ટ સાંભળવા મળ્યા હતા કે, ‘હું સમાચારોમાં એટલો બધો ગરકાવ થઈ જાઉં છું કે હું મારી આસપાસની દુનિયાને ભૂલી જાઉં છું’, ‘મારું મન વારંવાર સમાચારો વિશેના વિચારોમાં વ્યસ્ત રહે છે’, ‘મને સમાચાર વાંચવાનું કે જોવાનું બંધ કરવું મુશ્કેલ લાગે છે’ અને "હું ઘણીવાર શાળા કે કામના સ્થળે સમાચાર પર ધ્યાન આપતો નથી.’
આ અભ્યાસના પરિણામો દર્શાવે છે કે, ‘સર્વેક્ષણ કરાયેલ 16.5% લોકો ગંભીર બીમારીથી પીડાતા હતા તે સમાચારના વ્યસની હતા. આવી વ્યક્તિઓ અવારનવાર સમાચારોમાં એટલી બધી ડૂબી જતી હોય છે અને વ્યક્તિગત રીતે સમાચારોમાં રચ્યાપચ્યા રહેતા હોય છે કે, આ વાર્તાઓ વ્યક્તિના જાગૃત વિચારો પર પ્રભુત્વ ધરાવવા લાગે છે, પરિવાર અને મિત્રો સાથેના સમયને વિક્ષેપિત કરે છે અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનાવે છે.’
જ્યારે સર્વેક્ષણમાં ભાગ લેનારાઓએ છેલ્લા મહિનામાં માનસિક આરોગ્ય અથવા શારીરિક બીમારીના લક્ષણોનો કેટલી વખત અનુભવ કર્યો છે, તેમ પૂછવામાં આવ્યું તો 73.6% લોકોએ માનસિક અસ્વસ્થતાનો અનુભવ કર્યો હોવાનું જણાવ્યું હતું જ્યારે બાકીના લોકોએ શારીરિક બીમારીનો અનુભવ કર્યો હોવાનું જણાવ્યું હતું. મેકલાફલિનના જણાવ્યા અનુસાર, આ તારણો દર્શાવે છે કે લોકોને સમાચારો સાથે તંદુરસ્ત સંબંધ વિકસાવવામાં મદદ કરવા માટે કેન્દ્રિત મીડિયા સાક્ષરતા ઝુંબેશની જરૂર છે. તે કહે છે, ‘અમે ઇચ્છીએ છીએ કે લોકો સમાચારોમાં વ્યસ્ત રહે, પરંતુ તે મહત્વનું છે કે તે સમાચારો સાથે તંદુરસ્ત સંબંધ રાખે.’
આ ઉપરાંત, આ અભ્યાસમાં સમાચાર ઉદ્યોગ કેવી રીતે સમસ્યાને વેગ આપી શકે છે તે વિશે વ્યાપક ચર્ચાની જરૂરિયાત પણ કહેવામાં આવી છે. મેકલાફલિન કહે છે, ‘આર્થિક દબાણ અને ટેકનોલોજીનો વિકાસ આ બે પરિબળોએ લોકોમાં સમાચારનું વ્યસન લગાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ વ્યસન માત્ર તંદુરસ્ત લોકશાહી જાળવવાના ધ્યેય માટે જ હાનિકારક નથી, પરંતુ તે વ્યક્તિઓના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે.’ જો કે, આ અભ્યાસની મર્યાદા એ છે કે, તે એક સમયે એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે. તેમાં કયાંય પણ સમાચારના વ્યસન અને સ્વાસ્થ્યને થતી તકલીફનો સીધો સંબંધ જણાવ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.