એવોકાડો એ ભારતીય ફળ નથી, પરંતુ તે દેશમાં સરળતાથી ઉપલબ્ધ છે અને તેને ખાવાથી થતાં અદ્ભુત ફાયદાઓને કારણે પણ તે લોકપ્રિય છે. આ ફળને ઘણાં લોકો રૂટિનમાં ટોસ્ટ, સ્ક્રેમ્બલ એગ, સલાડ અને સૂપ સાથે જ્યારે અન્ય લોકો તેને ફળ તરીકે તેના મૂળ સ્વરૂપમાં ઉપયોગમાં લે છે. જર્નલ ઓફ અમેરિકન હાર્ટ એસોસિયેશનમાં પ્રકાશિત તાજેતરના એક અભ્યાસમાં 11,000થી વધુ મહિલાઓ અને પુરુષોને 30 વર્ષથી વધુ સમય સુધી ફોલો કરવામાં આવ્યા હતા અને જાણવા મળ્યું હતું કે એવોકાડોનું સેવન કાર્ડિયોવાસ્ક્યુલરની બીમારી અને હૃદય રોગના જોખમ ઘટાડે છે.
એવોકાડો એ પોષકતત્ત્વોથી ભરપૂર ફળ છે, જેમાં ડાયેટરી ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, MUFA અને બહુઅસંતૃપ્ત ફેટી એસિડ્સ તેમજ ફાયટોન્યુટ્રિઅન્ટ્સ અને બાયોએક્ટિવ સંયોજનો છે, જે કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય સાથે સ્વતંત્ર રીતે સંકળાયેલા છે. એવું કહેવામાં આવે છે કે, અઠવાડિયામાં અડધા જેટલા એવોકાડોનું સેવન પણ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે. તો ચાલો આજે આપણે એવોકાડોના સેવનથી થતાં ફાયદાઓ વિશે જાણીએ.
લોઅર BMI
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, એવોકાડો ખાનાર લોકોમાં પોષકતત્વોનું પ્રમાણ ઊંચું અને મેટાબોલિક સિન્ડ્રોમનો દર નીચો છે. તેમનું વજન, BMI, પેટની ચરબી ઓછી અને HDLનું ઊંચું સ્તર પણ હોય છે.
એન્ટી-ઑકિસડન્ટોથી સમૃદ્ધ
કેટલાક પોષકતત્વો ચરબીમાં દ્રાવ્ય હોય છે. તેનો અર્થ એ છે કે, તમારે તેને ચરબી સાથે લેવું જોઈએ જેથી તમારું શરીર તેને યોગ્ય રીતે શોષી શકે. એવોકાડો કેરોટીનોઈડથી ભરપૂર હોય છે અને તેમાં લાઈકોપીન અને બીટા કેરોટીન જેવા એન્ટીઓક્સીડેન્ટ પણ સામેલ હોય છે.
એન્ટિકાર્સિનોજેનિક
વર્ષ 2015ના કેન્સર સંશોધન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, એવોકાડોમાંથી મેળવેલા સંયોજન એવોકાટિન બી, એ કમ્પાઉન્ડ લ્યુકેમિયા કોષોને મારવામાં મદદ કરી શકે છે.
હૃદય રોગનું જોખમ ઘટાડે છે
દરરોજ એક એવોકાડો ખાવાથી સીરમ LDL કોલેસ્ટ્રોલનું સ્તર નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
તૃપ્તિનું સ્તર સુધારે છે
અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે, ભોજન સાથે એવોકાડો ખાનારા લોકો 23% વધુ સંતુષ્ટિ અનુભવે છે, જે તેમની તૃપ્તિ સ્તરમાં સુધારો કરે છે.
મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિમાં વધારો કરી શકે છે
આ ફળ ઓલીક એસિડમાં સમૃદ્ધ છે, એક ઓમેગા -9 ફેટી એસિડ જે સુધારેલ સમજશક્તિ સાથે જોડાયેલ છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ઓમેગા-9 ફેટી એસિડ્સ યાદશક્તિમાં વધારો કરી શકે છે.
ડિપ્રેશનનું જોખમ ઘટાડે છે
મોનોઅનસેચ્યુરેટેડ ચરબી ખાવાથી ડિપ્રેશન ઓછું થાય છે અને ફોલેટની ઊંચી માત્રા તમારા મગજના સારા રસાયણો, ડોપામાઇન અને સેરોટોનિનને જાળવવામાં મદદરૂપ થાય છે.
અલ્ઝાઈમર અને પાર્કિન્સન જેવા ન્યુરોડીજનરેટિવ રોગોને અટકાવે છે
ન્યુરોબાયોલોજીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, એવોકાડોસમાં હાજર "વિવિધ બાયોએક્ટિવ પોષકતત્વો" આ પ્રકારના રોગોના નિવારણ અને ઉપચારમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
તમારી ઉંમર પ્રમાણે તમારી આંખોને સ્વસ્થ રાખે છે
આ ફળ કેરોટીનોઈડ્સ લ્યુટીન અને ઝેક્સાન્થિનથી ભરપૂર છે, જે તમારી આંખોના સ્વસ્થ કોષોનું રક્ષણ અને જાળવણી કરવામાં મદદ કરી શકે છે. એવોકાડો ઉંમર સાથે મેક્યુલર રંગદ્રવ્યને વધારવામાં મદદ કરી શકે છે.
પેઢાના રોગને અટકાવે છે
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, એવોકાડોના મુખ્ય ઘટકો પિરિઓડોન્ટલ રોગ સામે રક્ષણાત્મક અસરમાં વધારો કરી શકે છે.
આર્થરાઈટીસના દુખાવામાં રાહત આપે છે
એવોકાડોમાં રહેલું ઓમેગા-3 હિપ અથવા ઘૂંટણના સંધિવાવાળા દર્દીઓને મદદ કરી શકે છે.
મેટાબોલિક સિન્ડ્રોમ સામે લડી શકે છે
મેટાબોલિક સિન્ડ્રોમ એ હાઈ બ્લડસુગર, હાઈ સીરમ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેશર અને હાઈ બોડી માસ ઈન્ડેક્સ સહિત સંબંધિત સમસ્યાઓનો એક સમૂહ છે, જે ટાઈપ-2 ડાયાબિટીસ અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ વધારી શકે છે.એવું જાણવા મળ્યું હતું કે, એવોકાડોની "લિપિડ-લોઅરિંગ, એન્ટિહાઇપરટેન્સિવ, એન્ટિડાયાબિટીક, એન્ટી-ઓબેસિટી, એન્ટિથ્રોમ્બોટિક, એન્ટિએથેરોસ્ક્લેરોટિક અને કાર્ડિયોપ્રોટેક્ટીવ અસરો" આ સિન્ડ્રોમ સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે.
લીવરનું ડેમેજ ઘટાડે છે
એવોકાડોસમાં અમુક રસાયણો હોય છે, જે લીવરના ઝેર સામે રક્ષણ આપે છે.અને હેપેટાઈટીસ-સી વાયરસથી લીવરને થતાં નુકસાનને પણ ઘટાડી શકે છે.
સગર્ભા સ્ત્રીઓ માટે ઉત્તમ
એવોકાડોમાં ફોલેટ અને પોટેશિયમ તેમજ ફાઈબર, મોનોઅનસેચ્યુરેટેડ ચરબી અને લિપિડ-દ્રાવ્ય એન્ટીઑકિસડન્ટ હોય છે. જે માતાના સ્વાસ્થ્યને નિરોગી અને તંદુરસ્ત રાખવામાં સહાયરૂપ સાબિત થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.