કોરોનાએ એન્ટ્રી માર્યાની સાથે આજ દિન સુધી 'ઈમ્યુનિટી' શબ્દ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કોરોનાકાળ પહેલાં સામાન્ય લોકો ઈમ્યુનિટી પ્રત્યે એટલા સજાગ નહોતા. એકસપર્ટ જણાવે છે કે ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ હોય તેને કોવિડ ઈન્ફેક્શનનું જોખમ ઓછું રહે છે. ના કરે ને નારાયણ જો ઈન્ફેક્શન થઈ પણ જાય તો આવા લોકોની રિકવરી ઝડપથી થાય છે. આ વાત વાયુ વેગે વહેતી થતાં જ રાતોરાત ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ બનાવવા માટે લોકોમાં અલગ પ્રકારની દોડ શરૂ થઈ ગઈ. તેનો લાભ લઈ માર્કેટમાં મોટા ભાગની પ્રોડ્ક્ટ્સ ઈમ્યુનિટી બૂસ્ટરના દાવા સાથે વેચાવા લાગી.
જાહેર ખબરોમાં ઈમ્યુનિટી બૂસ્ટર શબ્દનો પ્રયોગ કરી હવે કંપનીઓ તેમની પ્રોડક્ટ વેચવા લાગી. તેમનો દાવો છે કે આ પ્રોડક્ટ લેવાથી તમારાં શરીરની ઈમ્યુનિટી વધી જશે. જોકે એક્સપર્ટ આ દાવાનું ખંડન કરે છે. તેવામાં મોટો પ્રશ્ન એ છે કે શું કંપનીઓ હેલ્ધી ડાયટ અને ઈમ્યુનિટી બૂસ્ટરના નામે ભ્રમ ફેલાવી રહી છે?
આ દાવાઓ કેટલા સાચા છે અને કેટલા ખોટા? હેલ્ધી રહેવા માટે ઈમ્યુનિટીની શું ભૂમિકા હોય છે? આવો આ સવાલોના જવાબ જાણીએ...
ઈમ્યુનિટીની ABCD
બીમારીઓ સામે લડવાની શારીરિક ક્ષમતાને ઈમ્યુનિટી કહેવાય છે. તે આપણા શરીરને બેક્ટેરિયા, વાઈરસ અથવા પેરાસાઈટ્સ જેવા પેથોજેન્સથી બચાવે છે. ઈમ્યુન સિસ્ટમ કોશિકાઓ, ટિશ્યુ અને ઘણા અંગોનું એક નેટવર્ક હોય છે. તે એકસાથે મળી શરીરને કોઈ પણ ઈન્ફેક્શન કે બીમારી સામે લડવામાં મદદ કરે છે.
અમેરિકાની નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીન જર્નલ પ્રમાણે, ઈમ્યુન સિસ્ટમમાં ઘણા અંગો સામેલ હોય છે. તેમાં WBC (વ્હાઈટ બ્લડ સેલ્સ), લિમ્ફ સિસ્ટમ પણ સામેલ છે. આ તમામ શરીરમાં ઘૂસણખોરી કરનારા તત્વોને રોકે છે. આખી ઈમ્યુન સિસ્ટમમાંથી કોઈ એક અંગ કે સેલ્સ કે ટિશ્યુ નબળાં પડી જાય તો બીમાર થવાની આંશકા વધી જાય છે.
મેડિકલમાં ઈમ્યુનિટી બૂસ્ટર નામનો કોઈ શબ્દ જ નથી
નવી દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં સીનિયર કન્સલ્ટન્ટ ડૉ. મનોજ શર્માનું કહેવું છે કે, શરીરને બીમારીઓથી બચાવવા માટે ઈમ્યુનિટી મહત્ત્વની ભૂમિકા ભજવે છે તે વાત સાચી છે પરંતુ તેને કોઈ ખાસ ખોરાક, પ્રોડક્ટ અથવા ફૂડ સપ્લિમેન્ટથી નથી વધારી શકાતી. ઈમ્યુનિટી બિલ્ડિંગ નામનો તો કોઈ શબ્દ જ નથી કારણ કે મેડિકલ સાયન્સમાં તેનો ક્યાંય ઉલ્લેખ નથી. માર્કેટ ડ્રિવન કંપનીઓની આ એક સ્ટ્રેટેજી છે.
ભાટિયા હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ડૉ. સમ્રાટ શાહ જણાવે છે કે, 'ઈમ્યુન સિસ્ટમમાં ઘણા પ્રકારના સેલ્સ હોય છે. તે વિવિધ પ્રકારના બેક્ટેરિયા અથવા વાઈરસ સામે લડત આપે છે. આટલી જટિલ રચનામાંથી કઈ ચોક્કસ કોશિકા અથવા કોશિકાઓ બીમારી દૂર કરવાનું કામ કરવું છે તેની ઓળખ કરવી મુશ્કેલ છે. આ કોશિકાઓની સંખ્યા કેવી રીતે વધારી શકાય તેની ઓળખ કરવી પણ મુશ્કેલ છે.'
એક્સપર્ટના જણાવ્યાનુસાર, અત્યાર સુધી કોઈ પણ રિસર્ચમાં એવું સાબિત નથી થયું કે કોઈ ખાસ ફૂડ પ્રોડક્ટ, ડ્રિન્ક અથવા વિટામિન્સ સપ્લિમેન્ટ લેવાથી ઈમ્યુનિટી વધારી શકાય છે. આપણું શરીર સતત ઈમ્યુન સેલ્સ બનાવે છે. નિશ્ચિત સમય બાદ તે આપમેળે નાશ પામે છે. આ પ્રક્રિયાને મેડિકલ ટર્મમાં એપોપ્ટોસિસ કહેવાય છે. તેથી એ વાતનો કોઈ સ્પષ્ટ જવાબ જ નથી કે સારી ઈમ્યુનિટી માટે કઈ કોશિકા કામ કરે છે.
આ રીતે ઈમ્યુન સિસ્ટમ યૌદ્ધાનું કામ કરે છે
શરીરને નુક્સાન પહોંચાડનારા તમામ તત્વોથી આ સિસ્ટમ બચાવે છે. સ્ટ્રોન્ગ ઈમ્યુન સિસ્ટમ ઘણા પ્રકારના પરિબળો પર નિર્ભર કરે છે. તેમાં 8 કલાકની પૂરતી ઊંઘ, પૂરતો આરામ, સંતુલિત ભોજન, તણાવ રહિત જીવન, રેગ્યુલર એક્સર્સાઈઝ સહિતના પરિબળો સામેલ છે. તે શરીરમાં ઈન્ટરફેરોન બનવામાં મદદ કરે છે. ઈન્ટરફેરોન વાઈરસ સંક્રમિત કોશિકાઓથી બનેલું પ્રોટીન છે. તે સ્વસ્થ કોશિકાઓને વાઈરસ અથવા બેક્ટેરિયાથી સુરક્ષિત રાખવાનું કામ કરે છે.
આ કામ કરવાથી ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ બનશે
સંશોધકો લાઈફસ્ટાઈલ અને ઈમ્યુન રિસ્પોન્સ વચ્ચેનું કનેક્શન સમજવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધીના રિસર્ચમાં એવું પુરવાર થયું નથી કે કોઈ એક ખાસ પ્રોડક્ટનાં સેવનથી ઈમ્યુનિટી બૂસ્ટ કરી શકાય છે. જોકે ઘણાં રિસર્ચ પ્રમાણે બેલેન્સ્ડ ડાયટથી ઈમ્યુન સિસ્ટમ સારી થાય છે. ડૉ. શાહ જણાવે છે કે, માત્ર ઈમ્યુન સિસ્ટમ જ નહિ શરીરનો દરેક ભાગ તમને સ્વસ્થ રાખવા માટેની ભૂમિકા ભજવે છે. કોઈ ખાસ પ્રોડક્ટનાં સેવનને બદલે બેલેન્સ્ડ ડાયટ અને સારી લાઈફસ્ટાઈલ અપનાવી જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.