દર વર્ષે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ‘નેશનલ ન્યૂટ્રિશન્સ વીક’ ઊજવવામાં આવે છે. આની પાછળનો ઉદ્દેશ્ય એટલો જ છે કે લોકો સારાં પોષકતત્ત્વો મેળવે અને તેના ફાયદાઓ વિશે જાગૃત બને.
આ ડાયટ ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવે છે
આજકાલ શુગર ફ્રી ડાયટનું ચલણ ખાસ્સું વધ્યું છે. એટલા માટે કે મેદસ્વિતા, ડાયાબિટીસ અને મેટાબોલિઝમને કન્ટ્રોલમાં લાવવા માટે લોકો શુગર ફ્રી ડાયટ તરફ વળ્યાં છે. આ ડાયટ ફૂડ પોષકતત્ત્વોથી ભરપૂર હોવાની સાથે એનાથી ઘણા ફાયદા થાય છે. શુગર ફ્રી ખોરાક એટલે એવું નથી કે એમાં ખાંડનું સેવન કરવાનું જ નથી. બસ, ધ્યાન એ રાખવાનું છે કે એમાં વધારે પડતી ખાંડ ન હોય. શુગર ફ્રી ફૂડ એટલે જરૂરિયાત કરતાં વધારે માત્રામાં શુગરનો ઉપયોગ ન હોય, કારણ કે વધારે પડતી
શુગરનું સેવન ઈમ્યુન સિસ્ટમને નબળી બનાવે છે.
સામાન્ય શુગરમાં સિમ્પલ કાર્બોહાઈડ્રેટ હોય છે. તેથી તે તરત પચી જાય છે અને લોહીમાં ભળી જાય છે. તેના લીધે બ્લડ શુગર લેવલ વધે છે.
શુગર ફ્રી ડાયટની કામગીરી
શુગર ફ્રી ડાયટની ખાસ વાત એ છે કે તે લેવાથી બ્લડ શુગરમાં અચાનક ફેરફાર આવતા નથી. હા, તેનાથી મેટાબોલિક રેટ સુધરે છે અને પેટ પણ ભરેલું હોય તેવું લાગે છે. આ ડાયટમાં સ્વાદમાં ખાટાં ફળોનું સેવન પણ કરવામાં આવે છે. હા, કેટલીક ફૂડ આઈટમ્સ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવે છે.
કઈ વસ્તુઓ શુગર ફ્રી ડાયટમાં લઈ શકાય?
ચાઈના સીડ, ટામેટાં, બેરી અને બ્રાઉન રાઈસ જેવી ફાઈબરયુક્ત વસ્તુઓ, આખું અનાજ, ઓટ્સ, ચણાનો લોટ, ફાડા અને અન્ય હાઈ ફાઈબર ફૂડ, ઓલિવ ઓઈલ, અખરોટ, બદામ અને કોળા સહિતના હેલ્ધી ફેટ, મલાઈ વગરનું દૂધ, દહીં, મઠો, છોતરાસહિત દાળ. ઈંડાં અને માછલીનું પણ સેવન કરી શકાય. પપૈયું, સફરજન, નારંગી, જામફળ સહિતનાં ફળ તેમજ વટાણા, ગવાર, ફુલાવર, પાલક, લીલાં શાકભાજીનો એમાં સમાવેશ કરી શકાય. આ ઉપરાંત શુગર ફ્રી શાકભાજીમાં કોબી ખાઈ શકાય, કારણ કે એમાં ઓછી ખાંડ અને ઓછી ફેટ બંને હોય છે. આ સિવાય તેમાં મેગ્નેશિયમ, સોડિયમ, આયર્ન, કેલ્શિયમ, વિટામિન-એ, સી, ઈ, કે જેવાં પોષકતત્ત્વો છે, જે સ્વાસ્થ્યને સુધારી શકે છે.
આ ફૂડ ન લેવું
જંક ફૂડ, મીઠાઈ, કેન્ડી, રીફાઈન્ડ અનાજ. સોડા, કોલ્ડ ડ્રિન્ક્સ, શેરડીથી બનેલી ખાંડ, ટેબલ શુગર.
એનાથી શું ફાયદા થાય?
બ્લડ શુગરનું લેવલ જળવાય. ડાયાબિટીસનું જોખમ ઘટે છે. આંતરડાના રોગથી બચાવે છે. બેક્ટેરિયાના સંક્રમણથી પણ બચી શકાય છે. તે શરીરના સોજા મટાડે છે.
સ્વસ્થ શરીરમાં જરૂરી એવાં બધાં જ પોષકતત્ત્વો હોવાં જોઈએ. એવી ઘણી બધી વસ્તુઓ છે, જેમાં સૌથી વધુ ન્યૂટ્રિશન્સ જોવા મળે છે. જેમકે-
લસણ : લસણ દરેક ફૂડનો સ્વાદ વધારે છે. ઉપરાંત એમાં જરૂરી ન્યૂટ્રિશન્સ પણ હોય છે. વિટામિન-સી, બી-1 તેમજ બી-6, કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, મેંગેનિઝ વગેરેથી ભરપૂર લસણ સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે છે. લસણ હૃદયના રોગો, પેટનો દુખાવો, કબજીયાત મટાડે છે.
બટાકા : એક મોટા બટાકામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કોપર તેમજ મેંગેનિઝ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એમાં વિટામિન-સી અને વિટામિન-બી પણ હોય છે. જો બટાકા યોગ્ય રીતે ખાવામાં આવે તો તે ભૂખ ઓછી કરવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે.
બ્લૂબેરી : ફળોમાં પોષકતત્ત્વોની વાત આવે ત્યારે સૌપ્રથમ બ્લૂબેરીનું નામ આવે છે. એમાં કેલેરી ઓછી હોય છે પણ વિટામિન, મિનરલ્સથી ભરપૂર હોય છે. બ્લડપ્રેશરમાં બ્લૂબેરી ફાયદાકારક સાબિત થાય છે.
ડાર્ક ચોકલેટ : હાઈ કોકોથી ભરપૂર ડાર્ક ચોકલેટમાં સૌથી વધારે પૌષ્ટિક પદાર્થો જોવા મળે છે. એમાં પણ આયર્ન, ફાઈબર, મેગ્નેશિયમ, કોપર અને મેંગેનિઝ હોય છે. તે માનસિક તણાવ દૂર કરે છે.
આખું અનાજ : આખા અનાજમાં ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. જોકે, તે ફાઈબર અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. આ અનાજનો ભોજનમાં સમાવેશ કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
બીન્સ : હૃદય માટે ગુણકારી છે. શરીરમાંથી વધારાના કોલેસ્ટ્રોલને દૂર કરે છે. શરીરને સ્વસ્થ રાખવામાં તેનો મહત્ત્વનો ફાળો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.