વિશ્વ હિપેટાઇટિસ દિવસ-2022:હિપેટાઈટિસ અને પાચનની સમસ્યાઓ વચ્ચે એક મજબૂત જોડાણ, જાણો ઍક્સ્પર્ટ પાસેથી બીમારીનાં લક્ષણો અને સારવારની રીત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

'વિશ્વ હિપેટાઇટિસ દિવસ' દર વર્ષે 28 જુલાઇનાં રોજ હિપેટાઇટિસ વિશે જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે, જે ચેપી રોગોનાં જૂથ હેપેટાઇટિસ A, B, C, D અને E તરીકે ઓળખાય છે. જો સમયસર હિપેટાઇટિસની ઓળખ ન થાય તો તે તમારાં જીવન માટે જોખમી બની શકે છે. આજે 'વિશ્વ હિપેટાઇટિસ દિવસ' પર આ બીમારી વિશે, તેનું નિદાન કેવી રીતે કરવું? અને તેને કેવી રીતે અટકાવવી તેના વિશે માહિતી મેળવીશું અને આ બીમારી અંગે લોકોમાં વધુ ને વધુ જાગરૂકતા લાવવાનો પ્રયાસ કરીશું.

ઝેન મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, ચેમ્બુર, મુંબઈના ડાયરેક્ટર અને ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. રોય પટનકર, હિપેટાઇટિસ-સી વિશે વાત કરતાં કહે છે, કે તે તમને પેટની સમસ્યાઓ તરફ દોરી શકે છે. હિપેટાઇટિસ અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યાઓ વચ્ચે એક મજબૂત જોડાણ છે.

હિપેટાઇટિસની બીમારી ધરાવતાં ઘણાં લોકોને પેટમાં દુખાવાની સમસ્યા રહે છે. હિપેટાઇટિસ-સી એ એક પ્રકારનું લીવર ઇન્ફેક્શન છે, જે હિપેટાઇટિસ-સી વાયરસ (HCV) દ્વારા થાય છે, આ બીમારી ચેપગ્રસ્ત વ્યક્તિનાં લોહીનાં સંપર્ક દ્વારા ફેલાય છે. હિપેટાઇટિસ-સી એ પૂર્વ-કેન્સર છે અને તે તમને સિરોસિસની સમસ્યા તરફ દોરી શકે છે. આ સમસ્યાના નિવારણ માટે કોઈ રસી ઉપલબ્ધ નથી એટલે આ બીમારીની ઝપેટમાં ના આવીએ તેની વિશેષ સાવચેતી રાખવી.

હિપેટાઈટિસ પાચનતંત્ર પર કેવી રીતે અસર કરે છે?
આ હકીકત તો સૌ કોઈ જાણે જ છે, કે શરીરનાં મોટાભાગનાં કાર્ય માટે લીવર તંદુરસ્ત રહે તે જરૂરી છે. શરીરનો આ ભાગ પિત્ત ઉત્પન્ન કરે છે અને તે ચરબીને પચાવવા માટે ખૂબ જ જરૂરી છે. તે પિત્તાશયમાં સંગ્રહિત થાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે નાના આંતરડામાં મોકલવામાં આવે છે. ડૉક્ટર સમજાવે છે કે, પિત્તને પેટનાં એસિડ્સ અને સ્વાદુપિંડમાંથી પાચક પ્રવાહી સાથે જોડવામાં આવે છે, જેથી આંતરડાને લોહીના પ્રવાહમાં પોષકતત્વોને શોષવામાં મદદ મળે. ડૉ. પટનકરના જણાવ્યા મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ હેપેટાઇટિસ-સીનો ચેપ લાગે છે, ત્યારે તેની પિત્ત ઉત્પન્ન કરવાની લીવરની ક્ષમતા પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને ચરબીયુક્ત ખોરાકનું પાચન પણ મુશ્કેલ બને છે.

ડૉક્ટર કહે છે કે, જ્યારે શરીરમાં પિત્ત યોગ્ય માત્રામાં ન બને તો આંતરડા માટે ખોરાકમાંથી પોષકતત્વોને શોષવાનું કાર્ય મુશ્કેલ બને છે.આનાથી ભૂખ, ઉબકા, ઝાડા અને ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. પિત્તની સમસ્યાને કારણે તમારી આંતરડાની ખોરાક પાચનની ગતિ ધીમી પડી જાય છે. જો શરીરમાં પિત્તનું ઉત્પાદન યોગ્ય માત્રામાં ન થાય તો તમારા શરીરનો સ્ટૂલનો ભાગ સફેદ અથવા નિસ્તેજ દેખાઈ શકે છે. આનો સીધો અર્થ એવો નીકળે છે કે તમારું લીવર સ્વસ્થ નથી. આ બીમારીમાં વ્યક્તિને પોતાનું વજન ઘટતું હોય એવો અનુભવ પણ થઈ શકે છે.

શું હિપેટાઇટિસ-સી નો કોઈ સચોટ ઈલાજ છે?
એન્ટિવાયરલ દવાઓ હેપેટાઇટિસ-સી ચેપ ધરાવતાં લોકો પર 95% જેટલી અસર કરે છે, પરંતુ તે કોઈ સચોટ નિદાન નથી.

હિપેટાઇટિસ-સી નાં લક્ષણો શું છે?

  • રક્તસ્ત્રાવ થવો
  • થાક લગાવો
  • ભૂખ ના લાગવી
  • ત્વચા અને આંખો પીળી પડી જવી
  • ઘાટા પીળા રંગનો પેશાબ આવવો
  • ત્વચા પર ખંજવાળ આવવી
  • પેટમાં પ્રવાહી જમા થવું વગેરે

ઘણા લોકોમાં હળવા લક્ષણો હોય છે અથવા કોઈ લક્ષણો નથી હોતાં, તેથી જ હિપેટાઇટિસને 'સાયલન્ટ' રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે.હેપેટાઇટિસ વાયરસ તમારાં શરીરમાં પ્રવેશે તે પછીનાં 2 થી 6 અઠવાડિયા બાદ તેનાં લક્ષણો દેખાય છે.

સારવાર
ડૉ. પટનકર કહે છે, કે પેટના દુખાવાથી રાહત મેળવવા માટે, વ્યક્તિએ ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ સાથે હેપેટાઇટિસ-સીની સારવાર કરવી જોઈએ. પોતાની જાતે ડૉક્ટરના પ્રિસ્ક્રિપશન વગર કોઈપણ દવાઓ ના લેવી. એકવાર તમે આ સારવારનો કોર્સ યોગ્ય રીતે પૂર્ણ કરી લો તો તમારી પેટની સમસ્યાઓ દૂર થઈ જશે. આ બીમારીથી પીડિત લોકોએ વધારે પડતો મસાલેદાર ખોરાક ટાળો અને ઓછાં પ્રમાણમાં ભોજન લો.