આજે સૌથી વધુ પ્રચલિત રોગોમાંનો એક સ્ટ્રોક કોઈપણ ઉંમરે કોઈનાં પર પણ હુમલો કરી શકે છે અને તે હુમલાથી વ્યક્તિનું અચાનક મૃત્યુ નિપજી શકે અથવા તો તેને લાંબા ગાળાની અપંગતા પણ મળી શકે છે. સ્ટ્રોક એ ભારતમાં હૃદય અને રક્તવાહિનીઓની બીમારીઓ પછી મૃત્યુનું બીજું સૌથી સામાન્ય કારણ છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ (NCDIR) ઇન્ડિયાનાં જણાવ્યા પ્રમાણે આપણા દેશમાં સ્ટ્રોકની ઘટનાઓનાં સરેરાશ 119 લાખથી 145 લાખ કેસ છે અને સ્ટ્રોકને કારણે 86.5 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત ભારતમાં દર વર્ષે સ્ટ્રોકનાં 1.44 થી 1.66 કરોડ નવા કેસ સામે આવે છે.
એક અંદાજ મુજબ ભારતમાં સ્ટ્રોકનો ફ્રિકવન્સી દર 119-145/100000 અને 280-360/100000ની વચ્ચે અસરગ્રસ્ત થાય છે. આંકડાઓ દર્શાવે છે કે, કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે અને ગમે ત્યાં સ્ટ્રોક આવી શકે છે અને દર 4માંથી 1 પુખ્ત વયનો વ્યક્તિ તેમનાં જીવનકાળ દરમિયાન તેનો અનુભવ કરશે. યંગ સ્ટ્રોક તરીકે ઓળખાતાં ‘ઇસ્કેમિક સ્ટ્રોક’ 20 થી 45 વર્ષની વયનાં યુવાનોમાં પ્રવર્તે છે. આ સ્ટ્રોક ત્યારે આવે છે જ્યારે ડોક અથવા મગજમાં રક્તવાહિનીઓમાં અવરોધ ઊભો થાય છે, મોટાભાગે લોહી ગંઠાઈ જવાથી અથવા રક્તવાહિની સાંકડી થઈ જાય ત્યારે આ સમસ્યા થાય છે.
વર્તમાન સમયમાં નાની ઉંમરે લોકો વધુ પડતાં સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે, જે ખતરનાક છે કારણ કે, તે પ્રારંભિક અપંગતા અને અકાળે મૃત્યુનું જોખમ વધારે છે. સ્ટ્રોકને કારણે ઘણીવાર ગળવામાં મુશ્કેલી, ભાવનાત્મક સમસ્યાઓ, પીડા, ઊંઘમાં ખલેલ, હતાશા અને અસમર્થતા ઉપરાંત લકવો અને વાણી, દ્રષ્ટિ અને હલનચલનમાં ખામી આવી શકે છે.
અન્ય લોકો પર વધુ નિર્ભરતા પણ આત્મવિશ્વાસ અને જીવન માટેનો ઉત્સાહ ગુમાવવામાં પરિણમે છે. અન્ય લોકો પર ઉચ્ચ સ્તરની નિર્ભરતા સ્ટ્રોકનાં દર્દીઓમાં વધુ પડતી જોવા મળી છે. ઊંડી લાગણીઓ એ ભાવનાત્મક સમસ્યાઓનું કારણ પણ બને છે અને જ્યારે લાગણીઓ વધુ પડતી હાવી થઈ જાય છે ત્યારે મગજની પેશીઓનાં અમુક ભાગોને અસર કરે છે અને તેનાં કારણે ઓક્સિજન અને પોષકતત્વો મગજ સુધી યોગ્ય રીતે પહોંચતા નથી અને પરિણામે વ્યક્તિનું મૃત્યુ થાય છે. આ સ્ટ્રોકની ઘટનાથી આપણા મગજમાં 20 લાખ ન્યુરોન્સનું નુકસાન થઈ શકે છે. ભવિષ્યના પરિણામોને ટાળવા માટે આ સમસ્યાનું તાત્કાલિક નિદાન અને સારવાર શોધવાની જરૂર છે.
તેમાં જરાપણ નવાઈ નથી કે, આજે યુવાન ઓછામાં ઓછી કસરત, જંકફૂડ, બિનઆરોગ્યપ્રદ ખોરાકની ટેવો, બેઠાડું કામ, સોશિયલ મીડિયા પર વધુ પડતો સ્ક્રીન ટાઇમ આ પ્રકારની જીવનશૈલી તરફ ઝૂકી રહ્યા છે. આના પરિણામે વિવિધ જોખમી પરિબળોમાં પરિણમે છે, જેમાં હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેશર, હાઈ બ્લડ સુગર લેવલ અને મોટાપાનો સમાવેશ થાય છે, જે તેમને સ્ટ્રોક તરફ દોરી જાય છે.
સ્વાસ્થ્ય સાથે જોડાયેલ જોખમો
આ બીમારીઓની જો યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો આ લાંબી બીમારીઓમાં પરિણમે છે. અમેરિકન સ્ટ્રોક એસોસિએશને સતત લોકોમાં જાગૃતિ લાવવા અને સ્ટ્રોક નિવારણમાં સહાય માટે કામ કર્યું છે. સમય જતાં તેમણે ફાસ્ટ (FAST) નામની પદ્ધતિ વિકસાવી હતી, જે સ્ટ્રોકના ઝડપી મૂલ્યાંકન અને સારવાર માટે વપરાય છે.
ચહેરો (Face) - ચકાસો કે વ્યક્તિ સ્મિત કરી શકે છે કે નહીં.
આર્મ્સ (Arms) - જુઓ કે વ્યક્તિ હાથ ઊંચા કરી શકે છે કે નહીં.
વાણી (Speech) - વાત કરતી વખતે કોઈપણ પ્રકારની ગડબડ દેખાઈ છે કે નહીં તે માટે અવલોકન કરો.
સમય (Time) - તાત્કાલિક હોસ્પિટલ અથવા ઇમરજન્સી મેડિકલ કેરનો સંપર્ક કરો.
યંગ સ્ટ્રોક એટલે કે ‘ઇસ્કેમિક સ્ટ્રોક’નાં લક્ષણો
આ રોગ માટે અનેક પ્રકારનાં લક્ષણો જવાબદાર છે અને વ્યક્તિનાં જીવન પર તેની કાયમી અસર રહે છે. સ્ટ્રોક અથવા ‘ઇસ્કેમિક એટેક’નાં જોખમને ઘટાડવા માટે નિષ્ણાતો અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ્સ વારંવાર એક અલગ પદ્ધતિ તરફ વળે છે. સ્ટ્રોક એ એવી સ્થિતિ છે કે, જે વ્યક્તિ પર લાંબા ગાળાની અસર કરી શકે છે. આ બીમારીનાં દર્દીને સામાન્ય જીવનમાં પાછા ફરવા માટે ખૂબ જ કપરા સંજોગોમાંથી પસાર થવું પડે છે. સામાન્ય જીવનમાં ફરી આવવા માટે સ્પીચ એજ્યુકેશન, વર્ડ રિલેટેડ ટ્રિટમેન્ટ વગેરે પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે. આ સંકેતોને ઓળખવા અને તરત જ સારવાર મેળવવી એ નિર્ણાયક છે કારણ કે, સાર-સંભાળ મેળવવા માટે રાહ જોવાથી ઉલટાવી ન શકાય તેવા પરિણામો આવી શકે છે.
ભવિષ્યમાં સ્ટ્રોકના જોખમને ઘટાડવા માટે જીવનશૈલીમાં પરિવર્તન જરૂરી હોઈ શકે છે. તે શક્ય છે કે પ્રિસ્ક્રિપ્શનો અને અન્ય ક્લિનિકલ હસ્તક્ષેપો અપૂરતાં છે. કસરત કરવી, તંદુરસ્ત વજન જાળવવું, વધુ ઓર્ગેનિક અથવા તંદુરસ્ત આહાર લેવો, સુગર આધારિત ભોજનનું સેવન ઘટાડવું, પૂરતો આરામ કરવો, દબાણ અને તણાવને યોગ્ય રીતે નિયંત્રિત કરવો અને ડાયાબિટીસ, હાયપરટેન્શન અને ઉચ્ચ કોલેસ્ટ્રોલ જેવી અન્ય પરિસ્થિતિઓને નિયંત્રિત કરવી એ જીવનશૈલીમાં પરિવર્તનનાં ઉદાહરણો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.