મેડિકલ જગતની એક મોટી સફળતાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધી છે. તાજેતરમાં રેક્ટલ કેન્સરના કેટલાક દર્દીઓ પર કરવામાં આવેલા ક્લિનિકલ ટ્રાયલમાં ડોસ્ટરલિમેબ નામના ડ્રગે કમાલ કર્યો છે. માત્ર 6 મહિનામાં જ તેની મદદથી દર્દીઓને કેન્સરથી સંપૂર્ણપણે છૂટકારો મળી ગયો છે. આ રિસર્ચ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ દવા 100% અસરકારક
સ્ટડીના લેખક ડૉ. લુઈસ એ ડિયાઝનું કહેવું છે કે, કેન્સરના ઈતિહાસમાં પહેલી વખત કોઈ દવાથી બધા દર્દીઓ સાજા થયા. અત્યાર સુધી કોઈ ડ્રગ અથવા સારવાર એવી નહોતી જે કેન્સરથી હંમેશાં માટે છૂટકારો અપાવી શકે. ભલે આ સ્ટડી નાની છે, પરંતુ આપણા માટે જીવલેણ કેન્સરની વિરુદ્ધ મોટી સફળતા છે. તેમજ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ડૉ. એલન પી વિનુકના જણાવ્યા પ્રમાણે, કોઈ કેન્સર રિસર્ચમાં દરેક દર્દી સાજો થઈ જાય એ પોતાનામાં જ એક મોટી કામીયાબી છે.
તમામ દર્દીઓના શરીરમાંથી ટ્યુમર ગાયબ થયું
આ ટ્રાયલમાં અમેરિકામાં રહેતા રેક્ટલ કેન્સરના 18 દર્દીઓને સામેલ કરવામાં આવ્યા. તે બધા કેન્સરના એક જ સ્ટેજમાં હતા. એટલે કે કેન્સર તેમના ગુદામાર્ગમાં હતું અને બીજા અંગોમાં નહોતું ફેલાયું. વૈજ્ઞાનિકોએ તેને 6 મહિના સુધી સતત ડોસ્ટરલિમેબનો ડોઝ આપ્યો. 12 મહિના પછી પરિણામો સામે આવ્યા કે દર્દીઓના શરીરમાં રહેલું ટ્યુમર સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયું હતું. તેના પછી આ દર્દીઓની શારીરિક તપાસ, એન્ડોસ્કોપી, PET સ્કેન અથવા MRI સ્કેન કરવામાં આવ્યું, પરંતુ કોઈપણ તપાસમાં ટ્યુમર મળ્યું નહોતું.
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, તમામ દર્દી ક્લિનિકલ ટ્રાયલ પહેલા કિમોથેરપી, રેડિએશન અને ઈનવેસિવ સર્જરી જેવી સારવાર કરાવી ચૂક્યા હતા. સાઈડઈફેક્ટ તરીકે તેમને યુરિન, બોવેલ, અને સેક્સ સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, કોઈપણ દર્દીમાં ડોસ્ટરલિમેબ ડ્રગની કોઈ સાઈડઈફેક્ટ જોવા નહોતી મળી.
ડોસ્ટરલિમેબ ડ્રગ શું છે?
ડોસ્ટરલિમેબ લેબમાં બનાવવામાં આવેલું એક એવું ડ્રગ છે, જે મનુષ્યના શરીરમાં એન્ટિબોડીઝના સબ્સિટટ્યુટની જેમ કામ કરે છે. કેન્સરથી પીડિત લોકોની ઈમ્યુન સિસ્ટમ ઘણી કમજોર થઈ જાય છે, જેના કારણે તેમાં એન્ટિબોડીઝનું લેવલ પણ ઘટી જાય છે. આવી સ્થિતિમાં બીમારીથી લડવા માટે બહારની દવાની જરૂર પડે છે.
ડોસ્ટરલિમેબ ડ્રગને એન્ડોમિટ્રિયલ કેન્સરની સારવાર માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. તેને અમેરિકા અને યુરોપમાં 2021માં મંજૂરી મળી હતી. તેનું મેન્યુફેક્ચર કરનારી કંપની ટેસારોએ વર્ષ 2020માં તેને બનાવવાનું શરૂ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.