સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંશન(CDC)ના જણાવ્યા પ્રમાણે, સિગારેટના ધુમાડામાં 7 હજાર પ્રકારનાં કેમિકલ હોય છે. આ કેમિકલ હાર્ટ અટેક, સ્ટ્રોક, કેન્સર સહિત ઘણી મોટી બીમારીઓનું કારણ છે. તેની સૌથી વધારે અસર ફેફસાં પર થાય છે, આથી ફેફસાંનાં કેન્સરથી થતા મૃત્યુમાં 10માંથી 9 મૃત્યુનું કારણ ધુમ્રપાન હોય છે. તેના જોખમથી બચવાનો એકમાત્ર ઉપાય છે: ધુમ્રપાન છોડવું.
હાર્ટ ફાઉન્ડેશનનાં જણાવ્યા પ્રમાણે, જો વ્યક્તિ સિગારેટ પીવાનું છોડી દે છે તો બીજીવાર હાર્ટ અટેકનું જોખમ 50% ઓછું થાય છે. સિગારેટ છોડવાના 6 મોટા ફાયદા આપણે નરી આંખે પણ જોઈ શકીએ છીએ. આ ઉપરાંત સિગારેટ છોડવા માટે 3D ફોર્મ્યુલા અસરકારક માનવામાં આવી છે. 10 માર્ચના રોજ નો-સ્મોકિંગ ડેની ઉજવણી કરવામાં આવી. ઇન્ડિયન ચેસ્ટ સોસાયટી મહારાષ્ટ્રના સ્ટેટ ચેરમેન ડૉ. સંજીવ મેહતાએ ભાસ્કર સાથે વાતચીત દરમિયાન સિગારેટ છોડવાથી શરીર પર શું અસર થાય છે અને સિગારેટ કેવી રોતે છોડવી તે જણાવ્યું.
સિગારેટ છોડવાથી શરીરમાં આ ફેરફાર આવે છે:
હૃદય: ધબકારા નોર્મલ થઇ જાય છે
જો કોઈ ચેન સ્મોકર સિગારેટ છોડે છે તો એક દિવસ પછી કોરોનરી ડિસીઝ અને હાર્ટ અટેકનું જોખમ ઘટવા લાગે છે. 15 વર્ષ પછી હૃદય સામાન્ય વ્યક્તિ જેવું થઇ જાય છે.
સ્કિન: ત્વચા ચમકદાર બને છે
સિગારેટ પીવાથી ત્વચા પર વધુ ઉંમર દેખાય છે. સિગારેટ છોડતા જ તેની અસર ઘટવા લાગે છે. તે પહેલાં જેવી ચમકદાર બની જાય છે.
કમર: ચરબી ઘટે છે, સુગર સુધરે છે
કમર આજુબાજુ ચરબી ઘટે છે. ડાયાબિટીસનું જોખમ ઘટે છે . પહેલેથી ડાયાબિટીસ જોય તો તેમનું બ્લડ સુગર કન્ટ્રોલમાં રહે છે.
મોં: ટેસ્ટ પરખવાની ક્ષમતા વધે છે
સિગારેટ છોડ્યાને લગભગ 18 કલાક પછી સ્મેલ અને ટેસ્ટની ક્ષમતા વધવા લાગે છે. સમય જતા તે ફરીથી જૂની સ્થિતિમાં આવી જાય છે.
ફેફસાં: શ્વાસ લાંબા અને સ્થિર થઇ જાય છે
સિગારેટ છોડ્યાને 2થી 3 અઠવાડિયાં પછી ફેફસાંની ક્ષમતા વધે છે. શ્વાસની તકલીફ દૂર થાય છે. 10 વર્ષ પછી ફેફસાંનાં કેન્સરનું જોખમ લગભગ અડધું થઇ જાય છે.
આંખો: નાઈટ વિઝન સુધરે છે
સિગારેટ છોડતાની સાથે જ આંખોને થતું નુકસાન ઓછું થવા લાગે છે. આંખોની રોશની સુધરે છે. ખાસ કરીને રાતે વધારે સ્પષ્ટ દેખાવા લાગે છે.
સિગારેટ છોડવા 3D ફોર્મ્યુલા વાપરો:
1. ડીલે એટલે કે ટાળો: એક રિસર્ચ પ્રમાણે, સિગારેટ પીવાની ઈચ્છા 3થી 5 મિનિટમાં પૂરી થઇ જાય છે. સિગારેટ છોડ્યાના પ્રથમ દિવસે વધારે ઈચ્છા થાય છે, જ્યારે પણ ઈચ્છા થાય તો ઓછામાં ઓછી 5થી 7 મિનિટ સુધી ટાળો.
2. ડિસ્ટ્રેક્ટ એટલે કે ધ્યાન ભટકાવો: સિગારેટ પીવાના વિચારોથી ધ્યાન ભટકાવો. ફરવા નીકળો અથવા ક્રોસવર્ડ સોલ્વ કરવા લાગો. ધ્યાન ભટકાવવાથી મગજમાં આવતા સિગારેટ પીવાના વિચારો દૂર કરી શકાય છે.
3. ડ્રિન્ક વૉટર એટલે કે પાણી પીઓ: સિગારેટ પીવાની ઈચ્છા રોકવા માટે પાણી પીઓ. પાણી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધારે છે. ધુમ્રપાન છોડતી વખતે પાણી શરીરને હાઈડ્રેટ રાખીને નેગેટિવ અસર ઓછી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.