હાલત કફોડી / કચ્છમાં દુકાળના પગલે દૂધના ઉત્પાદનમાં અધધ 40 ટકાનો ઘટાડો

decline in production of milk by 40 percent

  • ગત ચોમાસુ નબળુ જતા પશુપાલકોની હાલત કફોડી
  • અગાઉ પાંચ લાખ લિટર બાદ હવે ત્રણ લાખ લિટર સુધી ઉત્પાદન સીમિત થઇ ગયું

divyabhaskar.com

May 16, 2019, 10:14 AM IST

ભુજઃ કચ્છમાં કાળમુખા દુકાળના કારણે ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ વિકટ બની છે. પાણી અને ઘાસ-ચારાની તંગીના લીધે હવે પશુઓના હાડકાં દેખાવા લાગ્યા છે. જેના પગલે પશુઓએ દુઘ આપવાનું પણ ઓછું કરી દેતા પશુપાલકો પર પડ્યા પર પાટુ સમાન પરિસ્થિતિ સર્જાઇ છે. આ બધાની વચ્ચે સરહદ ડેરીએ દૂધના ભાવમાં પશુપાલકોને વધારો આપવાનો નિર્ણય કર્યો છે.

કચ્છમાં ભૂકંપ બાદ ઔદ્યોગિક યુગનો ભલે આરંભ થયો હોય પરંતુ પશુપાલન આજે પણ આ જિલ્લાનો મુખ્ય વ્યવસાય છે. પરંતુ છેલ્લા બે ચોમાસાથી કચ્છમાં અપુરતા વરસાદને કારણે પશુપાલકો પર આફત આવી છે. સેંકડો માલધારીઓ હિજરત કરી ગયા છે. તો બીજીબાજુ પાણી અને ઘાસચારની ભયંકર અછત સર્જાઇ છે. સરકારે સબસીડી અને ઘાસ ડેપો શરૂ કર્યા છે. પરંતુ તેનાથી પશુધારકોને ખાસ કોઇ ફાયદો થયો નથી. ઘાસચારો પુરતો અને પૌષ્ટિક નથી. જેના કારણે પશુઓએ દૂધ આપવાનું ઓછું કરી દીધું છે. જેના પરિણામ સ્વરૂપે પશુપાલકોને આવકમાં મોટો ફટકો પડ્યો છે.

સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે, કચ્છમાં પાંચ લાખ લિટર દૂધનું ઉત્પાદન થતું હોય છે. પરંતુ દુકાળના કારણે હાલ ત્રણ લાખ લિટર જ દૂધનું ઉત્પાદન થઇ રહ્યું છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પણ 60થી 70 હજાર લિટર દૂધનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા છે. પશુપાલકોની હલાત દયનીય છે. જેના પગલે સરહદ ડેરીએ પ્રતિ કીલો ફેટ રૂ.20નો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

ગુરૂવારથી પશુપાલકોને પ્રતિ ફેટ રૂ.600ના બદલે 620 આપવામાં આવશે. જેનાથી પશુપાલકોને લિટરે સવાથી દોઢ રૂપિયાનો વધારો મળશે. પશુપાલકોનેદાણામાં પણ સબસીડી આપવામાં આવી રહી છે.

X
decline in production of milk by 40 percent
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી