• Home
 • Local
 • Gujarat
 • Bhuj
 • Vighakot located in the big desert of Kutch that was a trade route for trade with West Asia and China

DB ઓરિજિનલ / કચ્છના મોટા રણમાં આવેલું વિઘાકોટ પશ્ચિમ એશિયા અને ચીન સાથે વેપાર માર્ગનું ટ્રેડ સેન્ટર હતું

Vighakot located in the big desert of Kutch that was a trade route for trade with West Asia and China

 • 3000 વર્ષ પહેલા કરીમ શાહીમાં લોહયુગની માનવ વસાહત હતી
 •  હડપ્પન અવશેષો ખડકાળ ટાપુઓ પૂરતા મર્યાદિત હતા
 • કચ્છના અફાટ રણમાં પહેલા નદીઓ વહેતી હતી

Divyabhaskar.com

Nov 22, 2019, 03:51 PM IST
રોનક ગજ્જર, ભુજ: કચ્છના મોટા રણવચાળે આવેલી કરીમશાહીમાં અને વિઘાકોટમાં આજથી 800થી લઈને 3000 વર્ષ પહેલા લોહયુગમાં અહીં લોકો વસતા હોવાનું હાલનું મોટું પુરાતત્વીય સંશોધન સામે આવ્યું છે. આ સાથે હાલ ભારત-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટ એ વખતે પશ્ચિમ એશિયા અને ચીન સાથે વેપાર માર્ગનું ટ્રેડ સેન્ટર હોવાનું રસપ્રદ અને અભૂતપૂર્વ તારણ પણ સંશોધકોએ શોધી કાઢ્યું છે.
હડપ્પન સંસ્કૃતિ બાદનું મહત્વનું સંશોધન
કચ્છ માટે હડપ્પન સંસ્કૃતિ બાદનું ગણનાપાત્ર અને મહત્વનું સંશોધન પ્રસિદ્ધ એલીસવિયર જર્નલમાં આ રિસર્ચ પેપર આર્કિયોલોજીકલ રિસર્ચ ઈન ઇન્ડિયાના નામે પ્રસિદ્ધ થયું છે. આજથી ત્રણ વર્ષ પહેલા આઈ.આઈ.ટી ખડગપુર,કચ્છ યુનિવર્સિટી,ડેક્કન કોલેજ,કોલકતા યુનિવર્સિટી અને પી.આર.એલ લેબના સંયુક્ત પ્રયાસોથી કચ્છના મોટા રણમાં કાળાડુંગર અને વિઘાકોટ વચ્ચેના વિસ્તારોમાં સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન દરમિયાન અહીંથી માટીના વાસણો,મોટી માત્રામાં હાડકા અને ચારકોલ મળી આવ્યા હતા. જેનું ઓપ્ટીકલી સ્ટીમ્યુલેટેડ લુમીનેસસેન્સ અને રેડિયોકાર્બન પદ્ધતિ દ્વારા પૃથ્થકરણ કરતા તાજેતરમાં એ નિષ્કર્ષ આવ્યો કે,આ અવશેષો લોહયુગના હોવાનું ફલિત થયું હતું.તેમ કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તર વિભાગના સહાયક અધ્યાપક અને સંશોધક ડો. ગૌરવભાઇ ચૌહાણે ‘ભાસ્કર’ ને જણાવ્યું હતું.
હાલના કચ્છના અફાટ રણમાં ત્યારે નદીઓ વહેતી
આઇ.આઇ.ટીના નિષ્ણાતોના મતે કચ્છ વિસ્તારમાં મળેલા હડપ્પન અવશેષો ખડકાળ ટાપુઓ પૂરતા મર્યાદિત હતા. અહીંના રણમાં હજી સુધી માનવીય વસાહતના કોઈ જ પુરાવા કે નિશાન જોવા ન હતા મળ્યા. અહીંના નવા પુરાવા મુજબ સિંધુ ખીણની સંસ્કૃતિના પતન પછી ઉદભવેલા માનવ વસવાટનાં સ્થળોએ હવામાન પલટા અને પાણીની અછતને કારણે સમાપ્ત થયા હોવાનું ચોંકાવનારું તારણ પણ કાઢ્યું હતું. અહીંની માટી અને તેના તત્વો તપાસ જાણવા મળ્યું કે, કચ્છના અફાટ રણમાં પહેલા નદીઓ વહેતી હતી અને પુષ્કળ પાણીના કારણે જ પ્રારંભિક આયર્ન યુગથી મધ્યયુગીન સમય સુધી માનવ વસવાટ અહીં ટકી હતી.
સંશોધન માટે બીએસએફે ખાસ પરવાનગી આપી હતી
આ સંશોધનનું નેતૃત્વ આઈ.આઈ.ટી ખડગપુરના અનિંન્દ્યા સરકાર,ડેક્કન કોલેજ પુનાના આરતી દેશપાંડે,કચ્છ યુનિવર્સીટીના ભૂસ્તરશાત્રવિભાગના વડા ડો.મહેશ ઠક્કર,ડો.ગૌરવ ચૌહાણ,ઈસરોના ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના અનિલ શુક્લા અને નવીન જુયાલ અને ડિપાર્ટમેન્ટ ઓફ બોટોની કોલકતા યુનિવર્સિટીના સુબીર બેરા સહિતના સંશોધકોએ કર્યું હતું. જે ઇન્ટરડિસિપ્લિન રિસર્ચનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.આ સંશોધન દરમિયાન બી.એસ.એફ દ્વારા ખાસ પરવાનગી આપવામાં આવી હોવાનું પણ સંશોધકોએ ઉમેર્યું હતું.
મોટા રણમાં નવું શું શું મળી આવ્યું ?
કચ્છના મોટા રણમાં થયેલા સંશોધનમાં માટલા,છીપલા,ઘડા,બરણીઓ અને આખલાના પૂતળાં જેવી વસ્તુઓ ઉપરાંત હાડકાં અને દાંત સહિતના અસંખ્ય પ્રાણી અવશેષો પણ મળી આવ્યા છે. જેથી તે સીધું દર્શાવે છે કે મોટી સંખ્યામાં હાડકાં હતા એટલે એ સમયે સંભવત પશુપાલનએ મોટો વ્યવસાય હતો.
સંશોધકોએ વિદ્યાકોટને ટ્રેડ સેન્ટર માન્યું
વિઘાકોટમાં ચાઈનીઝ અવશેષો મળતા આશ્ચર્ય સંશોધકોના મતે કરીમશાહી અને વિઘાકોટ બન્ને કદાચ આ સમય દરમિયાન ટ્રેડ સેન્ટર તરીકે કાર્યરત હતા.વિઘાકોટમાં તેઓને 1100 વર્ષ જૂનું ચાઇનીઝ કિંગબાઈ પોર્સેલેઇન મળ્યું ,જે દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં બનાવવામાં આવ્યું હતું. આ સાથે દસમી સદીના પર્શિયાના સ્ગ્રાફિઆટો માટીકામ મળી આવ્યા છે.જેથી સંશોધકોએ કહ્યું કે,પશ્ચિમ એશિયા અને ચીન વચ્ચેના લાંબા અંતરના વેપાર માર્ગ માટે વિઘાકોટ મહત્વનું ટ્રેડસેન્ટર હતું.
X
Vighakot located in the big desert of Kutch that was a trade route for trade with West Asia and China

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી