ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 11 દિ’માં કચ્છના 978 ખેડુતોનું રજીસ્ટ્રેશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંજારમાં સૌથી વધુ અને અબડાસામાં સૌથી ઓછા ખેડુતોએ કરાવી નોંધણી

ભુજઃ રાજય સરકારે ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે 1 ઓકટોબરથી રાજય સહિત કચ્છમાં પણ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આરંભી દીધી છે ત્યારે કચ્છમાં 11 દિવસના સમયગાળામાં 978 ખેડુતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નોંધણી કરાવી છે. જિલ્લામાં સૌથી વધુ નોંધણી અંજાર અને સૈાથી ઓછી અબડાસા તાલુકામાં થઇ છે. 
 
તાલુકા મથક તેમજ ગ્રામ પંચાયત ધરાવતા ગ્રામ્ય વિસ્તારો કે જેમાં કોમ્પ્પયુટર-ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં ખેડુતો નોંધણી કરાવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાયા બાદ કામગીરીની વિધીવત શરૂઆત કરવામાં આવી હતી. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થવાના દિવસથીજ સર્વર ડાઉનની સમસ્યા ઉભી થતાં ખેડુતોને હાલાકી વેઠવાનો વારો આવીજ રહ્યો છે. આ કારણોસર પ્રક્રિયા થોડી ધીમી ચાલતી હોવાનો ગણગણાટે થઇ રહ્યો છે. દિવાળી પછી ટેકાના ભાવે નિયત કરાયેલ કેન્દ્રો પરથી મગફળીની ખરીદીની શરુઆત કરવામાં આવશે. કચ્છમાં ચાલુ સાલે 28750 હેકટરમાં મગફળીના પાકનું વાવેતર થયું છે. ગાંધીધામને બાદ કરતાં તમામ તાલુકામાં વાવેતર થયું છે. 
 

વરસાદથી થયેલી નુકશાનીની અસર
જિલ્લામાં અવિરત વરસેલા વરસાદથી ખેતી પાકોને મોટી નુકશાની પહોંચી છે. ત્યારે મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પર પણ તેની અસર જોવા મળી રહી છે. અબડાસા અને નખત્રાણા તાલુકામાં મગફળીનું વ્યાપક વાવેતર થાય છે. સતત વરસાદથી પાકને હાનિ પહોંચતા આ 2 તાલુકામાં હજુ સુધી માત્ર 47 ખેડુતોએ જ નોંધણી કરાવી છે. મોટાભાગના ખેડુતો પાક ધોવાઇ જતાં તેની જ ચિંતામાં પડયા છે.