કચ્છ / હરામીનાળામાંથી સાગમટે 5 પાકિસ્તાની બોટ ઝડપાઇ, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ, સર્ચ ઓપરેશન

5 Pakistani boat caught near haraminala kutch, BSF start combing

  • પેટ્રોલિંગ દરમિયાન બિન વારસી હાલતમાં બોટ મળી આવી
  • કચ્છ સીમા સામે પાકિસ્તાન 4 સબમરીન તહેનાત કરશે
  • નાના કદની આ સબમરીન જાન્યુઆરી સુધી પાક નેવીમાં સામેલ કરી દેવાશે

Divyabhaskar.com

Oct 13, 2019, 04:10 AM IST

કચ્છ: કચ્છના સરહદી વિસ્તાર નજીક આવેલા હરામીનાળામાં ગેરકાયેદર ભારતીય સીમા વિસ્તારમાંથી પાંચ પાકિસ્તાની બોટ BSFએ ઝડપી પાડી હતી. જોકે આ બોટમાંથી માછીમારોના સામાન સિવાય અન્ય કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી. તેથી આ બોટમાં આવેલા શખ્સ માછીમારો હોવાનું સામે આવી રહ્યું છે. BSFએ બોટમાં સવાર ઘૂસણખોરોને પકડવા માટે કોમ્બિંગ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પહેલા પણ કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. બન્ને બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી.

સાંજ સુધી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું
આ બોટમાંથી બીએસએફને 6 આઇકાર્ડ મળ્યા હતા જેની તપાસ હજુ ચાલી રહી છે તેવા સમયે વધુ 5 બોટ પકડાતાં સુરક્ષા એજન્સીઓ માટે બોટ ઝડપાવવી મોટો પડકાર બની ગયો છે. બોર્ડર સિકયોરીટી ફોર્સની 79 બટાલિયનના જવાનો પેટ્રોલીંગમાં હતા ત્યારે શુક્રવારની મધરાત્રીએ તેમને હરામીનાળામાંથી 5 જેટલી પાક ફીશીંગ બોટ બિનવારસુ હાલતમાં મળી આવી હતી. એક સામટી 5 બોટ ઝડપાવવા છતાં બોટમાં સવાર એક પણ ઘુસણખોર હાથ ન લાગતાં તેમને ઝડપવા માટે સમગ્ર ક્રીક વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જોકે મોડી સાંજ સુધી આ સર્ચ ઓપરેશન બાદ કોઇ મહત્વની સફળતા સીમા સુરક્ષા દળને હાથ લાગી નહોતી.

અવાર-નવાર પાકિસ્તાની બોટ ઝડપાય છે
નોંધનીય છેકે ઓગસ્ટ મહિનામાં બીએસએફને કચ્છ જિલ્લા નજીક ભારત-પાક સરહદની બાજુમાં હરામી નાળાની ખાડીમાંથી બે પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવતી હતી. સિંગલ એન્જિનવાળી બે પાકિસ્તાની બોટ બિનવારસુ હાલતમાં મળી આવતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે એ સમયે એ વિસ્તારમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.

IMBએ અને સિરક્રીક પર પાકિસ્તાનનો હંમેશાં રહ્યો છે નાપાક ડોળો
કચ્છની સંવેદનશીલ જળસીમાની સામેપાર પાકિસ્તાને 4 સબમરીન તૈનાત કરવાની કવાયત હાથ ધરતાં ભારતિય સુરક્ષાદળો પણ આ ઘટનાક્રમને લઇ સતર્ક બની ગયા છે. પાકની આ કવાયત પર ભારતિય સુરક્ષા એજન્સીઓ ચાંપતી નજર રાખી રહ્યા છે. સુત્રોએ આપેલી મહત્વની માહિતી અનુસાર તુર્કી દ્વારા પાકિસ્તાનને નાના કદની સબમરીન આપવામાં આવશે. ત્યારે પાકિસ્તાન આ તમામ સબમરીનને કચ્છની સામેપાર તૈનાત કરશે તે લગભગ નિશ્ચીત મનાઇ રહ્યું છે. પાક નેવીમાં આ સબમરીન જાન્યુ 2020 સુધી સામેલ થશે. આમેય આઇએમબીએલ અને સિરક્રીક પર પાકિસ્તાનનો હરહંમેશ નાપાક ડોળો મંડરાયેલો જ રહ્યો છે. તેવા સમયે કચ્છની સામેપાર સબમરીનની તૈનાતીના નિર્ણયને હળવાશથી લઇ શકાય તેમ નથી.

સીમા વિસ્તારમાં પગદંડો જમાવવાની પેરવી
સિરક્રીક સહિતના ક્રીક વિસ્તાર તેમજ આંતરરાષ્ટ્રિય જળસીમાને સ્પર્શતા ખુલ્લા દરિયામાં ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાતા પેટ્રોલીંગ પર નજર રાખવા સાથે આ વિસ્તાર પર પોતાનો પગદંડો જમાવવાની પેરવી પાકિસ્તાન કરી રહ્યું છે. સબમરીનની તૈનાતી તેનો જ એક ભાગ છે. આ સબમરીનમાં આધુનિક ઉપલબ્ધ હથિયાર ઉપલધબ્ધ કરાવાશે તેવીય માહિતી હાથ લાગી છે.

કચ્છની દરિયાઇ સરહદેથી 9 માસમાં 14 પાક બોટ પકડાઇ, ઘુસણખોર 6 જ મળ્યા
કચ્છની દરિયાઇ સરહદેથી પાછલા 9 માસ એટલે કે જાન્યુઆરીથી શુક્રવારની મધરાતે ઝડપાઇ તે મળી કુલ 14 જેટલી બોટ પકડાઇ ચુકી છે. તો વિતેલા વર્ષની વાત કરીએ તો ઝડપાયેલી બોટનો આંકડો 20થી ઉપર થવા જાય છે. ચિંતા ઉપજાવે તે બાબત એ છે કે આ 14 માંથી 11 બોટ એવી છે કે જે બિનવારસુ હાલતમાં મળી છે. એટલે કે આ બોટમાં સવાર શખસો પાકિસ્તાન તરફ ભાગી છુટવામાં સફળ રહ્યા છે. માત્ર 3 જ બોટ એવી છે કે જેમાંથી સીમા સુરક્ષા દળને 6 ઘુસણખોર પકડવામાં સફળતા મળી હતી.

X
5 Pakistani boat caught near haraminala kutch, BSF start combing

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી