તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In View Of The Well being Of The People, The Three day Fair Of Hajipur Is Now Postponed

લોકોની આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખી હાજીપીરનો ત્રણ દિવસીય મેળો હાલે મુલત્વી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાહેર હિતમાં ગાઇડલાઇનનું પાલન કરવા વહીવટી તંત્રની અપીલ - Divya Bhaskar
જાહેર હિતમાં ગાઇડલાઇનનું પાલન કરવા વહીવટી તંત્રની અપીલ
  • યાત્રાનો પ્રારંભ ન કરવા અનુરોધ- 31 માર્ચ બાદ મિટિંગ કરી ઉર્ષની નવી તારીખ જાહેર કરાશે
  • કલેક્ટર, મેળા સમિતિ, મુસ્લિમ હિત રક્ષક સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

ભુજઃ કોરોનાને પગલે રણકાંધીએ યોજાનારા ત્રણ દિવસીય હાજીપીરનો મેળો હાલ પૂરતો મોકૂફ રખાયો છે. ક્લેક્ટર, મેળા સમિતિ, દરગાહના મુંજાવર અને અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિની મળેલી બેઠકમાં ચર્ચા-વિચારણાના અંતે મેળો હાલ પૂરતો મુલત્વી રાખવાનો નિર્ણય લેવાયો હતો.

લોકોની આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખીને હાલ પૂરતો મેળો મોકૂફ રાખવાનો નિર્ણય
કોમીએકતાના પ્રતીક સમા સોદ્રાણાના શહેનશાહ હાજીપીરની દરગાહ પર દર વર્ષે ચૈત્ર મહિનામાં મેળો યોજવામાં આવે છે. આ મેળામાં કચ્છ, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી શ્રધ્ધાળુઓ પગ પાળા તેમજ વાહનો દ્વારા હાજરી આપતા હોય છે પરંતુ કોરોનાની ગંભીરતાને લઇને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ મહામારી જાહેર કરી છે અને કોરોનાને મહાત આપવા માટે સરકાર પણ સતર્ક છે ત્યારે તા.18/3, બુધવારના કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જો કે,એક તબક્કે જુદી-જુદી સંસ્થાઓ દ્વારા મેળો ચાલુ રાખવા અંગે કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઇ હતી પરંતુ ચર્ચા-વિચારણાના અંતે લોકોની આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખીને હાલ પૂરતો મેળો મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. વહીવટી તંત્ર સાથે આગામી તા.31/3 બાદ મિટિંગ યોજી ઉર્ષની નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. બેઠકમાં કલેક્ટર, પશ્ચિમ કચ્છ પોલીસવડા, મેળા સમિતિ, અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિના હોદ્દેદારો, મુંજાવરો વગેરે હાજર રહ્યા હતા.

જાહેર હિતમાં ગાઇડલાઇનનું પાલન કરવા વહીવટી તંત્રની અપીલ
જે દર્શનાથીઓ હાજીપીર પહોંચી ગયા છે તેઓ દર્શન કરી સાવચેતીપૂર્વક પરત ફરે અને જે શ્રધ્ધાળુઓએ હજુ યાત્રાનો પ્રારંભ નથી કર્યો તેઓને યાત્રા પ્રારંભ ન કરવા કલેકટર દ્વારા અનુરોધ કરાયો છે. સરકારની ગાઇડલાઇન મુજબ હાજીપીરમાં વધારે સંખ્યામાં લોકોના ભેગા થવા, ખાણી પીણીના સ્ટોલ ઉભા કરવા, સેવા કેમ્પો શરૂ કરવા પર અને કોઇપણ પ્રકારના મેળાવડા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. દરમ્યાન જરૂર પડે કોરોનાના લક્ષણ ધરાવતી વ્યકિતને કવોરેન્ટાઇન કરાશે. જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા દ્વારા બિનજરૂરી યાત્રા ન કરવા જણાવાયું છે.

પદયાત્રીઓ ભચાઉ સુધી પહોંચી આવ્યા
આ અંગે મેળા સમિતિના પ્રમુખ હાજી દાઉદભાઇનો સંપર્ક સાધતા જણાવ્યું હતું કે, મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ વગેરે સ્થળોએથી પદયાત્રીઓ આવતા હોય છે. તેમણે વધુમાંએમ પણ કહ્યું હતું કે, મેળાને લઇને પદયાત્રીઓ ભચાઉ સુધી પહોંચી આવ્યાની વિગતો મળી રહી છે.
યાત્રાળુઓ મુસાફરી ટૂંકાવી સહકાર આપે
પગપાળા આવનારા યાત્રાળુઓ કે જેઓ અહીં આવવા નીકળી ગયા છે તેઓ પણ પોતની મુસાફરી ટુંકાવી અને સાથ સહકાર આપે તેવી અપીલ અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રા દ્વારા કરાઇ છે. આ મુદે કચ્છ કલેકટર દ્વારા પણ મેળો મુલત્વી રાખવામાં આવ્યો હોવા અંગે ટ્વીટ કરાઇ છે. સોશ્યલ મીડિયા મારફતે પણ મેળો મોકૂફ રખાયો હોવા અંગે જાણ કરવામાં આવી રહી હોવાનું હાલેપોત્રાએ કહ્યું હતું.

લુણી લુણંગદેવ સ્થાનકે યોજાનારો મેળો પણ મોકૂફ
મુન્દ્રા તાલુકાના લુણીમાં મહેશ્વરી સમાજના આસ્થાના પ્રતીકએવા લુણંગદેવ સ્થાનકે યોજાનાર બે દિવસીય મેળો કોરોના મહામારીના પગલે મોકૂફ રાખવામાં આવ્યો છે. તા.18/3ના લુણંગધામ ખાતે કારોબારી, સમાજના આગેવાનો અને તાલુકા પ્રમુખોની મળેલી બેઠક કિશોરભાઇ પિંગોલના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં બે દિવસીય મેળો મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. વધુમાં ભુજ તાલુકા મહેશ્વરી સમાજ પ્રમુખ મંગલભાઇ ફમા તથા સમસ્ત કારોબારીએ કોરોનાને લઇને લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરથી બહાર ન નીકળવા અપીલ કરી  હતી.

અન્ય સમાચારો પણ છે...