• Home
  • Kutchh
  • Bhuj
  • An offense was registered against four including the Principal of Sahajanand Institute

કચ્છ / વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની તપાસ કરાતા સહજાનંદ ઇન્સ્ટિટ્યુટના પ્રિન્સિપાલ સહિત ચાર મહિલાકર્મી સામે નોંધાયો ગુનો

An offense was registered against four including the Principal of Sahajanand Institute

  • ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત મહિલા કોલેજની ચકચારી ઘટના
  • મહિલા આયોગે પોલીસ પાસે રિપોર્ટની માંગ કરતાં પોલીસ હરકતમાં આવી

Divyabhaskar.com

Feb 15, 2020, 02:27 PM IST
ભુજઃ ભુજમાં આવેલી સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યુટમાં માસિક ધર્મને લઈને છાત્રાઓ સાથે શારિરીક પરિક્ષણના બનાવને લઇને રાજ્યભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તો, આ કેસમાં મહિલા આયોગ દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસને તપાસનો રિપોર્ટ આપવાની માંગ કરતાં એ ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને સહજાનંદ ઇન્સ્ટિટ્યુટના મહિલા પ્રિન્સિપાલ, કોઓર્ડિનેટર, સુપરવાઇઝર અને પીયુન સહિત ચાર જણાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહિલા આયોગે પોલીસ પાસે રિપોર્ટની માંગ કરતાં પોલીસ હરકતમાં આવી
આ ચકચારી ઘટનાને લઇને મહિલા આયોગે પશ્ચિમ કચ્છ પોલીસ વડા પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપવાની માંગ કરતાં શુક્રવારે સવારે એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સહિતનો સ્ટાફ મહિલા કોલેજમાં પહોંચી ગયો હતો. ભોગ બનનાર યુવતીઓ સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ એક ભોગ બનનાર યુવતીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોલેજના પ્રિન્સિપાલ રીટાબેન રાણીંગા, કોઓર્ડિનેટર અનિતાબેન, પીયુન નયનાબેન અને સુપરવાઇઝર રમીલાબેન સહિતનાઓએ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓ સાથે માસિક ધર્મની ચકાસણી કરવા માટે બળજબરી પુર્વક કપડાં કઢાવી તેમજ અન્ય સહાધ્યાયીઓ માસિક ધર્મમાં છે કે નહીં તે ચકાસણી કરી હતી. તેમજ આરોપીઓએ એવી ધમકી આપી હતી કે, આ બાબતે કોઇને ફરિયાદ કરી છે તો, કોલેજમાંથી કાઢી મુકવામાં આવશે અને ભોગ બનનારી યુવતીઓ પાસેથી આ અંગે ક્યાંય કાર્યવાહી કરશુ નહીં તેવું લખાવી લીધું હતું. ભોગ બનનાર યુવતીની ફરિયાદ પરથી પોલીસે આરોપી ચાર મહિલાઓ સામે આઇપીસી કલમ 384, 506, 355, 104 અને 114 મુજબ ગુનો નોંધીને આગળની તપાસ મહિલા પીએસઆઈએ હાથ ધરી છે.
કોંગ્રેસે સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની ઘટના મુદ્દે તટસ્થ તપાસની કરી માગ
સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી છાત્રાઓના કપડા ઉતારીને માસિકધર્મની તપાસણી જેવી શર્મસાર ઘટના મુદ્દે જવાબદારો સામે તટસ્થ તપાસ કરવાની માગ સાથે કલેક્ટર સમક્ષ રજૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતમાં આવી ઘટનાઓ રોજ-બરોજ બનતી રહે છે પરંતુ છાત્રાલયની આ ઘટનાએ માનવતાને શર્મસાર કરી મૂકી છે. વિજ્ઞાનના યુગમાં ટ્રસ્ટીઓ, સંચાલકોએ આવી રૂઢીવાદી માનસિકતાથી દીકરીઓને યાતના આપી, શરમજનક પરિસ્થિતિમાં મૂકી છે, જે માફીને પાત્ર નથી. આવી ઘટનાઓથી વાલીઓનો શૈક્ષણિક સંસ્થાઓ પ્રત્યેનો વિશ્વાસ ડગી જશે. સંસ્થા કચ્છ યુનિ. અંતર્ગત આવે છે અને મુખ્ય ટ્રસ્ટી યુનિ.ના ઇ.સી.મેમ્બર હોઇ તટસ્થ તપાસ કે કાનૂની રાહે પગલા લેવાશે તે શંકા ઉપજાવે છે. આ પ્રકરણમાં અલગ તટસ્થ તપાસ સમિતિની રચના કરવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવનાર હોવાનું સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના મહિલા કોંગ્રેસ પ્રભારી કલ્પનાબેન જોષીએ જણાવ્યું હતું.
જવાબદાર ત્રણ મહિલા કર્મચારીઓ ફરજમોકૂફ : ઇન્ચાર્જ કુલપતિ
કચ્છ યુનિવર્સિટી સાથે સંકળાયેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓના ઋતુધર્મ તપાસ કરવાના બનાવ અંગે ઇ.ચા. કુલપતિ દર્શનાબેન ધોળકિયાએ જણાવ્યું હતું કે, ત્રણ મહિલા સભ્યોની તપાસ સમિતિએ સંસ્થામાં તપાસ કર્યા બાદ જવાબદાર ત્રણ મહિલા કર્મચારીઓ આચાર્યા, રેક્ટર અને પટાવાળાને ફરજમોકૂફ કરવાના આદેશ સાથેનો રીપોર્ટ ક્લેક્ટરને સોંપવામાં આવ્યો છે. વધુમાં કચ્છ યુનિ.ના ઇ.ચા. કુલસચિવે સત્તાવાર રીતે લેખિતમાં છાત્રાઓ સાથે બનેલી આ ઘટનાને વખોડી કાઢી, સામેલ ત્રણેય મહિલા કર્મચારીઓને સંસ્થા દ્વારા ફરજમોકૂફ કરવામાં આવે તેવો આદેશ કર્યો છે.
લેખિત રીપોર્ટ નથી મળ્યો : કલેક્ટર
સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટની છાત્રાલયમાં બનેલી ઘટના અંગે ક્લેક્ટરે જણાવ્યું હતું કે, તપાસ સમિતિના માૈખિક રીપોર્ટ મુજબ સંસ્થાના આચાર્ય, રેક્ટર અને પટાવાળાને ફરજમોકૂફ કરવામાં આવ્યા છે. જો કે, આ અંગે લેખિતમાં રીપોર્ટ સાંજે 7 વાગ્યા સુધીમાં મારા હાથમાં આવ્યો ન હોવાનું જિલ્લા સમાહર્તાએ ઉમેર્યું હતું.
X
An offense was registered against four including the Principal of Sahajanand Institute
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી