તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક ચાંચિયાઓએ ભારતની ત્રણ માછીમારી બોટમાં લૂંટફાટ મચાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નારાયણસરોવર: એક તરફ બીએસએફે કચ્છના ક્રીક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં પાકિસ્તાની બોટ પકડી પાડી છે. તો બીજી તરફ પાકિસ્તાની ચાંચિયાઓએ ભારત-પાકિસ્તાનને જોડતી જખૌ નજીકની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે 3 જેટલી ભારતીય માછીમારી બોટમાં લૂંટપાટ મચાવી આતંક સર્જયો હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. સુત્રો પાસેથી જાણવા મળેલી વિગત અનુસાર જખૌ બંદરેથી ઓપરેટ થયેલી જામસલાયાની 3 માછીમારી બોટ IMBL પાસેનો દરિયો ખેડી રહી હતી ત્યારે અચાનક પાકિસ્તાની ચાંચિયાઓ આ માછીમારી બોટ પાસે ધસી આવ્યા હતા. 

પાક ચાંચિયાઓએ બોટમાં રહેલ સામાન સાથે તેમા સવાર માછીમાર ક્રુ મેમ્બરના સરસામાનની પણ ચોરી કરી આતંક મચાવ્યો હતો. જોકે જખૌ કોસ્ટગાર્ડ સહિતની અન્ય એજન્સીઓનો સંર્પક સાધ્યો તે તેમણે ઘટના અંગે અજાણતા દર્શાવી મળેલ માહિતીના આધારે તપાસ કરાઇ રહ્યાનું જણાવાયું હતું. તો જખાૈ પોર્ટમાંથી જેમના મારફત ટોકન ઇસ્યુ કરાય છે તેમણે પણ લુંટપાટની ઘટનાથી અજાણતા દર્શાવતા ઘટનાને સતાવાર સમર્થન મળી શકયું નહોતું.

શુક્રવારે આ બોટને કોટેશ્વરની એક જેટી પર લાંગરાઇ હતી. આ બોટ એટલી નબળી હાલતમાં હતી કે તેમાં પાણી ભરાઇ ગયું હતું. શનિવારે સવારે બીએસએફના જવાનોને આ પાણી ઉલેચવા માટે બરાબરનું ધંધે લાગવું પડયું હતું. પાણી ઉલેચી આ બોટને એન્કર કરી અન્યત્ર લાંગરવી પડી હતી. જયાં સુધી આ બોટ કસ્ટમના હવાલે ન થાય ત્યાં સુધી તેની સાચવણીની જવાબદારી બીએસએફ હસ્તક હોય છે.

ભારત-પાકને જોડતી દરિયાઇ સરહદના ઝીરો પોઇન્ટ પાસે શુક્રવારે બીએસએફની 108 બટાલીયનના જવાનોએ બિનવારસુ હાલતમાં એક પાકિસ્તાની ફીશીંગ બોટને પકડી પાડી હતી. બોટમાં સવાર 4થી 5 જેટલા શખસો નાસી છુટવામાં સફળ રહ્યા હતા. આ બોટમાંથી મળી આવેલ 3 મોબાઇલ અને પાકિસ્તાની સીમકાર્ડની હાલ વિવિધ એજન્સીઓ ઝીણવટભરી તપાસ કરી રહી છે. ફીશીંગ બોટને આજે કસ્ટમના હવાલે કરવામાં આવશે. તો મોબાઇલ ફોનને વધુ તપાસાર્થે નારાયણસરોવર પોલીસને સોંપવામાં આવ્યા છે. સુત્રોની વાત માનીએ તો પાકિસ્તાને કચ્છ સરહદની સામેપાર મોબાઇલ ટાવર ખડકી દીધા છે. જે 3 મોબાઇલ બોટમાંથી મળ્યા છે તેની કોલ ડિટેઇલ તપાસી કચ્છની ક્રિક સરહદે કયાં સુધી આ પાકિસ્તાની મોબાઇલ ટાવરના સિગ્નલ કયાં સુધી પકડાય છે તેની તપાસ કરવામાં આવશે. કચ્છને જોડતી આ દરિયાઇ સરહદ અટપટા નાલાઓ ધરાવે છે બોટમાં સવાર જે શખસો ભાગી છુટયા છે તેઓ આવા અટપટા નાલા પાર કરવાનો અનુભવ ધરાવતા હોવાથી ભાગી છુટવામાં સફળ રહ્યાનુ મનાઇ રહ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...