તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીધામમાં 3 કલાકમાં 3 ઇંચ, અબડાસામાં 2થી અઢી ઇંચ વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંજારમાં પોણા બે, મુન્દ્રામાં દોઢ તો નખત્રાણામાં એકથી દોઢ ઇંચ પાણી વરસ્યું
  • ભુજમાં અડધો ઇંચ, ગઢશીશા વિસ્તારમાં એકથી દોઢ ઇંચ

ભુજઃ અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્ર પર સર્જાયેલ  સર્કયુલેશનનની અસર તળે કચ્છમાં સતત 5મા દિવસે વરસાદની હાજરી જોવા મળી હતી. શુક્રવારે ઉકળાટભર્યા માહોલ વચ્ચે ગાંધીધામમાં 3 ઇંચ, અબડાસામાં 2થી અઢી ઇંચ, સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે અડધોથી અઢી ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.
 
ગાંધીધામમાં  બપોરે મેઘરાજાની શાહી સવારીનું અચાનક આગમન થયું હતું. બપોરે 12.30થી 3.30 આસપાસ હળવા અને ભારે વરસાદી ઝાપટાને કારણે ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે રાબેતા મુજબ શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં એક સમયે ભારે કડાકો આકાશમાં અનુભવાયો હતો. વરસાદના પગલે વાહન વ્યવહારને પણ વ્યાપક અસર થવાની સાથે જનજીવન ખોરવાઇ ગયું હતું. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.જોડિયા નગર આદિપુર અને ગળપાદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ 1થી 2 ઇંચ વરસાદ વરસ્યાના અહેવાલ મળ્યા છે. 
 
અબડાસાના મુખ્ય મથક નલિયામાં સાંજે 5 વાગયા પછી એકાએક ધોધમાર વરસાદ તુટી પડયો હતો. 1થી દોઢ કલાક મુશળધાર વરસાદ વરસ્યા પછી છાંટા વરસવાનું રાત્રી સુધી જારી રહ્યું હતું. સતાવાર રીતે નલિયામાં 2 ઇંચ વરસાદની નોંધ થઇ હતી. તાલુકાના કોઠારા વિસ્તારના કોઠારા ઉપરાત વરાડિયા, સાંધવ, સાંયરા, પૈયા, ભેદી, ખીરસરા સહિતના ગામોમાં દોઢથી 2 ઇંચ અને કયાંક અઢી ઇંચ જેટલો ભારે વરસાદ વરસતાં પાપડીઅો જોશભેર વહી નિકળી હતી. વરસાદથી ખેતીના પાકોને ફાયદો થશે તેવું જણાવાયું હતું.
 
આ તરફ અંજારમાં પણ બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ગાજ વીજ સાથે આવેલો મેઘો મન મુકીને વરસ્યો હતો અને જોતજોતામાં શહેર આખું પાણી પાણી થઈ ગયું હતું. અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાયેલુ હોવાથી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યાના વચ્ચે 37 એમ.એમ એટલે કે પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. અંજાર શહેરની સાથે ગામડાઓમાં પણ વરસાદ પડ્યો હોવાથી તળાવોમાં નવા નીરની આવક થઈ હતી.
 
મુન્દ્રા-નગરમાં સતત એક અઠવાડીયાથી વાદળછાયા વાતાવરણ બાદ શુક્રવારે ફરી  અડધા કલાકમાં એક ઇંચ વરસાદ સાથે કુલ દોઢ ઇંચ વરસાદ પડતાં જળબંબોળ પરિસ્થીતી સર્જાઈ હતી.અને મુન્દ્રા સ્થિત મામલતદાર કચેરીમાં 40 મી.મી વરસાદની નોંધ થઇ હતી. બપોરે 11.30ના સમયગાળા દરમ્યાન ભારે ગાજવીજ સાથે મેઘરાજાએ આગમન કરતાં નગરમાં ચોમેર પાણી વહી નીકળ્યા હતા.અને ફરી ઓસવાળ શેરી,મૈત્રી કોમ્પ્લેક્સ,ગુર્જરવાસ અને લોહાણા મહાજનવાડી પાસે કેડ સમાં પાણી ભરાયા હતા.જયારે ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઝરપરા,ભુજપુર,દેશલપર,લુણી,ભદ્રેશ્વરમાં સામાન્ય છાંટા પડ્યા હોવાના વાવડ પ્રાપ્ત થયા હતા.
 
જિલ્લા મથક ભુજમાં દિવસભર ઘનઘોર વાદળો વચ્ચે બપોરના એકાદ વાગ્યે તે પછી સાડા ત્રણથી ચાર વાગયાના સમયમાં જોરદાર ઝાપટાં વરસતાં 15 મી.મી એટલે કે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી રાબેતા મુજબ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તાલુકાના વિવીધ ગ્રામ્ય વિસ્તારમા|થી વરસાદના અહેવાલ મળ્યા છે.
 
નખત્રાણા તાલુકાના દેવપર ગામે જોરદાર વરસાદ પડતાં ગામની નજીક પચાયત અને શાળા વચ્ચે છેલો આવી જતા લોકોને નિકળવું મુશ્કેલ થઈ પડયું હતું.રવાપર મા સાંજે વરસાદ નું જોરદાર જાપટું પડતાં પદયાત્રીઓ ભિંજાયા હતા.  અમુક કેમ્પમાં પાણી ભરાતા  યાત્રીકો રાત્રીરોકાણ મા ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. નખત્રાણામાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ પડતાં જોતજોતામાં તો અહી એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ધોધમાર વરસાદથી વથાણ સહિતના છેલામાં ફરી વરસાદી પાણી જોશભેર વહિ નિક્ળયા હતા. મંગવાણામાં પણ જોરદાર વરસાદી ઝાપટું વરસ્યાના અહેવાલ મળ્યા છે. 
 
માડવીના ગઢશીશા અને આસપાસના ગામોમાં બપોરે સાડા ત્રણના અરસામાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો. એકથી દોઢ ઇં જેટલો વરસાદ પડતાં પદયાત્રી સેવા કેમ્પમાં પાણી ભરાવા સાથે નુકશાની આયોજકોને સહન કરવી પડી હતી. ભારે પવનના કારણે પારસ ટેકરી અને ગઢશીશા પોલીસ સ્ટેશન પાસે બંધાયેલા સ્ટોલને નુકશાન થયું હતું. 
 

મધ્યમથી ભારે વરસાદનો વર્તારો 
સાેરાષ્ટ્ર પર છવાયેલું લો પ્રેશર મજબુત બની ડીપ્રેશનમાં ફેરવાવાની સંભાવના જોતાં રાજયના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ મધ્યમ થી ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે. આગામી સોમવાર સુધી કચ્છના તમામ વિસ્તારોમાં હળવોથી મધ્યમ અને એકાદ-બે સ્થળે ભારે વરસાદ વરસાવનો વર્તારો ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...