તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

15ના ટોળાએ હવામાં 3 રાઉન્ડ ફાયર કરી બે લોકો પર હુમલો કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉમાં ફાયરીંગ સાથે થયેલા ધીંગાણા બાદ સોપો
  • ઘટના બીજા દિવસે પણ કોઇ આરોપી પોલીસના હાથ ન લાગ્યો

ગાંધીધામ/ભચાઉઃ ભચાઉમાં બે યુવકો સાથે ગઈકાલે રાત્રે પંદરેક યુવાનોએ ઘાતક હથિયારો સાથે ધાક-ધમકી કર્યા બાદ હવામાં ફાયરીંગ કરી તેમજ મારામારી કરી એક યુવકને માથામાં ઈજા પહોંચાડી હોવાનો બનાવ બહાર આવ્યો છે. ગત રાત્રે 11 વાગ્યાના અરસામાં ભચાઉના મહારાણા પ્રતાપ ગેટ વિસ્તારમાં બનેલાં આ બનાવથી પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. હવામાં ફાયરીંગ સાથે ધાકધમકી-મારામારી ભચાઉના બટીયા વિસ્તારના તૈયબાનગરમાં રહેતાં અને લોટ દળવાની ઘંટી ચલાવતા 19 વર્ષિય આકીબ અલી અકબર બલોચે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત રાત્રે જમીને તે અને તેના મામાનો દીકરો આરીફ અબ્દુલ ભટ્ટી પાન-માવો ખાવા ગયા હતા. બન્ને દુકાનની બહાર ઉભા હતા ત્યારે આરોપીઓ ત્યાં આવી તેની સાથે મજાક મસ્તી કરવા માંડ્યા હતા. 

આરોપીઓએ તેમની પાસેની મોટર સાયકલની લાઈટો મોઢાં પર ફેંકી કહ્યું હતું કે ‘આ ગામ અમારું છે. અમે કોઈના બાપથી બીતા નથી, તમારાથી થાય તે કરી લેજો.’ ત્યારબાદ આરોપીઓ ત્યાંથી જતા રહેલાં. આરોપી જતા રહ્યા બાદ આકીબ અને આરીફ મહારાણા પ્રતાપ ગેટ પાસે આઈસ્ક્રીમની દુકાને આઈસ્ક્રીમ ખાવા ગયેલા. તે સમયે ફરી એ આરોપીઓ ત્યાં આવી ચઢ્યા હતા. ઉપરાંત તેમની સાથે બીજા 8થી 10 માણસો લાલ રંગની બ્રેઝા અને સિલ્વર રંગની ઈસુઝુ કારમાં લાકડીઓ, ધારીયા અને તલવારો સાથે આવી ચઢ્યા હતા. બાદમાં આરોપીઓએ તેમની સાથે ધાક-ધમકી કરી આરીફને માર મારતાં તેને માથામાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આરોપીઓએ હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કરી ફરિયાદી સાથે રિવોલ્વરથી ધાક-ધમકી કરી હોવાનું પણ લખાવાયું છે. 

આ બનાવ બાદ મધરાત્રે ભચાઉ પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. બનાવ અંગે મધરાત્રે સવા ચાર વાગ્યે પોલીસે કાનો અશોકસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, પૃથ્વીસિંહ હરિસિંહ જાડેજા, કેવલસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ ઊર્ફે શિવમ જાડેજા અને પ્રકાશ મોહનભાઈ ભોજક તથા બાકીના 8થી 10 અજાણ્યા યુવકો વિરૂધ્ધ હથિયાર ધારો, હત્યાનો પ્રયાસ, ધિંગાણું, મહાવ્યથા સહિતની કલમો તળે ફરિયાદ નોંધી હતી. 

આઇજી ઘટનાસ્થળે દોડી આવ્યા
પોલીસ ફાફલો ઘટના  સ્થળે પહોંચી  આખા વિસ્તારને કોર્ડન કરી લીધો હતો, આ ઘટનાના પગલે બોર્ડર રેન્જ આઇજી ડી.બી. વાઘેલા , પુર્વ કચ્છ વીભાગના પોલીસવડા તેમજ ભચાઉ વિભાગના ડીવાયએસપી ઘટના સ્થળે પહો઼ચ્યા હતા અને તાગ મેળવ્યો હતો, તો એફએસએલની તપાસનો ધાધમાટ શરૂ કર્યો છે.

એસઆરપી ચોકીની સામે જ બની
જે જગ્યાએ ભચાઉમાં આ ફાયરીંગનો બનાવ બન્યો તે જગ્યાની બરોબર સામેની બાજુ એસઆરપીની ચોકી લોકોના રક્ષણ અને કાયદો વ્યવસ્થા જાળવવા બનાવાઇ છે અને તેમ છતાં આ ઘટના બનતાં અટકી નહીં. પરંતુ એસઆરપીની ચોકી જ્યાં એસઆરપીના જવાન સાથે પોલીસ પાણ તૈનાત હોય છે તેમ છતાં ફાયરિંગ સાથેની જથ અથડામણની ઘટના બની તે શરમજનક બાબત કહી શકાય.