વૃક્ષો સાથે જોડાયેલું વાસ્તુશાસ્ત્ર / પીપળાના પૂજનથી ગ્રહદોષોનું નિવારણ થાય છે, છતાં તેને ઘરના આંગણામાં ન ઉછેરવો જોઈએ

Vastu for Plants and Trees
X
Vastu for Plants and Trees

ઘરના આંગણામાં કેળનું વૃક્ષ ઈશાન ક્ષેત્રમાં વધારે શુભ માનવામાં આવે છે. કેળની પાસે તુલસીનો છોડ રાખવાથી ઘરના વાસ્તુદોષોનું શમન થાય છે

 

divyabhaskar.com

May 02, 2019, 03:38 PM IST

ધર્મ ડેસ્ક: પ્રકૃતિની વિવિધ કૃતિઓમાં વૃક્ષ-છોડનું સ્થાન સર્વોપરી કહી શકાય. ખરેખર તો વૃક્ષ-છોડ દેવતા જ છે. તેઓ આપણને માત્ર ને માત્ર આપે જ છે, આપણી પાસે કશું જ લેતા નથી. દરેક વ્યક્તિ એ સારી રીતે જાણે છે કે વૃક્ષો આપણા રોજિંદા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે.

વિવિધ પ્રકારનાં વૃક્ષ-છોડનું આપણે ત્યાં પૂજન પણ થાય છે, કારણ કે તેનામાં ઔષધીય ગુણો પણ રહેલા હોય છે. વૃક્ષો મનુષ્યને એ શક્તિ આપે છે જે તેના જીવનમાં શાંતિ તથા સમૃદ્ધિ લાવે છે. વૃક્ષો વગર ઘર અધૂરું છે. વાસ્તુદોષના નિવારણમાં પણ વૃક્ષ-છોડનું વિશેષ મહત્વ છે.

દિશા, સ્થાન અનુસાર વિવિધ પ્રકારનાં વૃક્ષ-છોડ ઉછેરવામાં આવે તો વાસ્તુદોષ દૂર કરી શકાય છે. ઘણા લોકો ઘરના આંગણામાં કયું વૃક્ષ ઉછેરાય અને કયું નહીં, તે કઈ દિશામાં ઉછેરવું અને તેનું ફળ શું મળે તે બાબતને લઈને મૂંઝવણ અનુભવતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં વર્ણિત કેટલાંક વૃક્ષ-છોડ સંબંધિત મહત્વની બાબતો વિશે જાણીએ.

વાસ્તુશાસ્ત્રમાં વર્ણિત વિવિધ વૃક્ષો વિશે જાણો

1. પીપળો

શાસ્ત્રો અનુસાર પીપળાના વૃક્ષ પર શનિ, નાગ, દેવતા, લક્ષ્મીજી, ભૂતપ્રેત, પિતૃઓ અને ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. શનિવારે તથા અમાસના દિવસે સંતાનની કામના તથા ગ્રહદોષોના અનિષ્ટના નિવારણ માટે પીપળાનું પૂજન કરવામાં આવે છે. છતાંય પીપળાને ઘરના આંગણામાં ન ઉછેરવો જોઈએ.
 

2. તુલસી

તુલસીને પવિત્ર છોડ માનવામાં આવ્યો છે. તે જીવનદાયી અને હિન્દુ માન્યતાઓ પ્રમાણે લક્ષ્મીજીનું જ સ્વરૂપ મનાય છે. ઘરના આંગણામાં તુલસીનો છોડ ઉછેરીને તેને દરરોજ સવારે પાણી સિંચવું અને પૂજન કરવું. આમ કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે અને નકારાત્મક ઊર્જા ઘરમાંથી બહાર નીકળી જાય છે. તુલસીનો છોડ ક્યારેય આંગણાના દક્ષિણ ભાગમાં ન રાખવો. તેને ઘરમાં ઈશાન અથ‌વા પૂર્વ દિશામાં રાખવો.
 

3. કેળ

ઘરના આંગણામાં કેળનું વૃક્ષ ઈશાન ક્ષેત્રમાં વધારે શુભ માનવામાં આવે છે. કેળની પાસે તુલસીનો છોડ રાખવાથી ઘરના વાસ્તુદોષોનું શમન થાય છે. ઈશાનમાં વાવેલા કેળના વૃક્ષની પાસે બેસીને અભ્યાસ કરવો લાભદાયી હોય છે.
 

4. નારિયેળ

નારિયેળના વૃક્ષનું ઘરની સીમામાં હોવું શુભ માનવામાં આવે છે. ઘરની સીમામાં આ વૃક્ષ હોય તો ઘરના સદસ્યોનાં માન-સન્માનમાં વૃદ્ધિ તથા ઉન્નતિ થાય છે.
 

5. અશ્વગંધા

ઘરના આંગણામાં સ્વત: ઊગનારો અશ્વગંધાનો છોડ શુભ તથા વાસ્તુદોષ નિવારક હોય છે.
 

6. દાડમ

આંગણામાં દાડમનો છોડ પણ શુભ ગણાય. જોકે, ઘરના અગ્નિ અથવા નૈઋત્ય ખૂણામાં તે ન વાવવો જોઈએ.

7. જાંબુ

વાસ્તુ અનુસાર જાંબુનું વૃક્ષ ઘરના આંગણામાં દક્ષિણ ભાગમાં હોવું શુભ ગણાય, પણ ઉત્તરમાં તે ન ઉછેરવું. જો ઉત્તરમાં જાંબુનું વૃક્ષ હોય તો તેને કાપવું નહીં, પણ તેની પાસે દાડમ અથવા આંબળાંનું વૃક્ષ ઉછેરવું. આમ કરવાથી લાભ થશે અને દોષ પણ દૂર થશે.
 

8. આંબો

આંબો ઘરના આંગણામાં શુભ નથી મનાતો. છતાંય જો તે હોય તો તેને કાપવો નહીં, પણ દરરોજ તેના મૂળમાં કાળા તલ નાખીને જળ ચઢાવવું, આમ કરવાથી તેનું અશુભત્વ સમાપ્ત થઈ જશે. સાથે જ નિર્ગુંડીનો છોડ તેની પાસે ઉછેરવો, તેનાથી તે શુભત્વ પ્રદાન કરવા લાગશે.
 

9. અશોક વૃક્ષ

અશોક વૃક્ષને ઘરની નજીક ઉછેરવાથી અન્ય અશુભ વૃક્ષોના દોષ સમાપ્ત થઈ જાય છે. અશોક વૃક્ષ આસોપાલવ તરીકે પણ ઓળખાય છે. આ વૃક્ષ શોકને દૂર કરનારું અને પ્રસન્નતા આપનારું મનાય છે. તે ઘરના વાસ્તુદોષને દૂર કરીને સદસ્યો વચ્ચેનો પ્રેમ અને સૌહાર્દ વધારે છે. આ વૃક્ષ આંગણામાં હોય તો ઘરમાં સુખ-શાંતિ ને ધન-સમૃદ્ધિનો વાસ થાય છે.
 

10. આંબળાં

ઘરના આંગણામાં આંબળાંનું વૃક્ષ ઉત્તર અથવા પૂર્વ દિશામાં ઉછેરવું ખૂબ જ લાભદાયક છે. આંબળાંના વૃક્ષનું પૂજન કરવાથી તમામ પ્રકારનાં પાપનો નાશ થાય છે અને કેટલાક વાસ્તુદોષો પણ દૂર થાય છે.
 

11. શમી

શમીનું વૃક્ષ ઘરના આંગણાની બહારની બાજુએ (વરંડાની બહાર) ઉછેરવું શુભ મનાય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શમીનો સંબંધ શનિ ગ્રહ સાથે મનાય છે અને શનિદેવની કૃપાપ્રાપ્તિ માટે શમીનું પૂજન કરવાનું વિધાન છે. શમીનું વૃક્ષ ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુએ હોવું જોઈએ. શમી વૃક્ષની નીચે નિયમિત રીતે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિનો પ્રકોપ અને પીડા ઓછી થશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
 

12. શ્વેતાર્ક

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દૂધવાળા છોડ ઉછેરવાની મનાઈ છે. આવા છોડ આંગણામાં હોય તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે, પરંતુ શ્વેતાર્ક (સફેદ આકડો) આમાં અપવાદ છે. એવી માન્યતા છે કે જે ઘરની નજીક શ્વેતાર્કનો છોડ ફૂલે-ફાલે છે ત્યાં હંમેશાં બરકત જળવાઈ રહે છે. 


(માહિતી- વાસ્તુ એક્સપર્ટ ધનંજય પટેલ)

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી