ધર્મ ડેસ્કઃ વિક્રમ સંવત 2076 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આગામી વર્ષ તમારા માટે કેવું રહેશે, સ્વાસ્થ્ય, વ્યવસાય, નોકરી, પારિવારિક, આર્થિક વગેરે દ્રષ્ટિએ આવનારું વર્ષ તમારું કેવું રહેશે તેના વિશે અમે અહીં જણાવીશું. કારતક સુદ એકમથી શરૂ થતું ગુજરાતી બેસતું વર્ષ 28 ઓક્ટોબર 2019થી શરૂ થઈ રહ્યું છે જે આસો વદ, 14 નવેમ્બર 2020ના રોજ પૂર્ણ થશે. જાણો તમને નવું વર્ષ કેટલું ફળદાયી રહેશે?
શુભાશુભ તારીખોઃ-
માસ | સાનુકૂળ તારીખ | પ્રતિકૂળ તારીખ |
નવેમ્બર | 4,11,18,25,28,30 | 6,8,9,14,21,23,29 |
ડિસેમ્બર | 2,5,8,17,21,26,31 | 4,7,16,19,22,28 |
જાન્યુઆરી | 7,15,19,23,27,29 | 1,6,12,18,24,30 |
ફેબ્રુઆરી | 3,6,9,15,18,24,27 | 4,8,10,17,21,28 |
માર્ચ | 3,11,13,19,22,25,29 | 1,5,8,10,18,26,30 |
એપ્રિલ | 7,9,14,17,21,24,30 | 13,15,20,28,29 |
મે | 5,6,11,15,18,24,31 | 21,22,25,28,29 |
જૂન | 2,3,8,9,19,26,28 | 18,20,21,24,29,30 |
જુલાઇ | 1,10,11,16,21,26 | 2,7,12,18,23,28,30 |
ઓગસ્ટ | 1,3,6,8,11,13,16 | 2,5,9,14,20,27,29 |
સપ્ટેમ્બર | 1,2,5,8,12,17,23 | 3,6,9,13,15,19,21 |
ઓક્ટોબર | 3,9,12,14,15,17,20 | 2,5,7,19,23,28,29 |
વૃષભ રાશિના જાતકોએ કરવાના ઉપાયઃ-
1) સંપૂર્ણ વર્ષમાં કેટલો લાભ થશે?
આ વર્ષ દરમ્યાન જીવનસાથી સાથે સામાન્ય બાબતને લઈને મોટો ખટરાગ થઇ શકે છે. આપના જીવનસાથીની મુશ્કેલીઓમાં વધારો થવાથી આપના દાંપત્યજીવન પર તેની નકારાત્મક અસર થઇ શકે છે. દાંપત્યજીવનને સુખમય બનાવવા માટે એકબીજા ઉપર વિશ્વાસ કેળવવો અગત્યનો બની રહેે. જે લોકોની સગાઇ થઇ ગઈ છે તે લોકોને આ વર્ષના મધ્યભાગમાં લગ્નના યોગ બની શકે છે. લગ્ન થયા પછી લગ્નજીવનમાંં કંકાસ ચાલતો હોય તેવા જાતકોને આ વર્ષે શાંતિ મળી શકે તેમ છે.
આપની રાશિનો અધિપતિ વર્ષના પ્રારંભે સાતમાં સ્થાને છે માટે આરોગ્યની દૃષ્ટિએ આ વર્ષ લાભદાયી બની શકે તેમ છે. જે મિત્રો ગંભીર બીમારીથી પીડાય છે તે લોકોને બીમારીથી મુક્ત થવા માટેના અવસરો મળી શકે તેમ છે. વેપાર-વ્યવસાયને લઈને મુસાફરી વધારે થઇ શકે છે. ખાસ કરીને પોતે વાહન ચલાવી મુસાફરી કરતા હોવ તો સાવધાની રાખવી. વર્ષના મધ્યભાગમાં ધાર્મિક યાત્રામાં સામાન્ય અડચણ આવી શકે છે.
સંતાન બાબતે આ વર્ષે સાવધાની રાખવાની જરૂર છે. સંતાનકારક ગુરુ આપની રાશિથી આઠમે જતા તેનું બળ ઓછું થાય જેના કારણે સંતાન સંબંધિત મુશ્કેલીમાં વધારો થતો જણાય. માર્ચથી જૂન માસનો સમય ગર્ભધારણ માટે શ્રેષ્ઠ ગણી શકાય. સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું. વિદ્યાર્થીમિત્રોએ જુસ્સો ટકાવી રાખવો. જે લોકો પ્રોફેશનલ કોર્સની શરૂઆત કરી રહ્યા છે તેવા લોકોને ઉત્તમ ફળ પ્રાપ્ત થઇ શકે.
નોકરિયાતોને આ વર્ષે આધિ-વ્યાધિ અને ઉપાધી આવી શકે તેમ છે. વધારે પડતી મહેનતના કારણે થાક અને કંટાળાનો અનુભવ થાય. સાથે કામ કરતા મિત્રો તેમજ ઉપલા વર્ગના અધિકારીઓના વર્તનથી દબાણ રહ્યા કરે અને નોકરી છૂટી જવાની ચિંતાને કારણે સ્વભાવમાં બદલાવ જોવા મળે. ધંધાની આવકમાં વધારો કરી શકાય. આ વર્ષે અગાઉના વર્ષોની સરખામણીએ આવકમાં ઘટાડો જોવા મળે. એકંદરે નોકરી અને ધંધામાં આ વર્ષ સામાન્ય બની રહે.
આ વર્ષે સંપત્તિમાં ફેરફાર કરવા માટે ઉત્તમ સમય છે. જો વાણી અને નાણાં બાબતે સાવધાની નહીં રાખો તો આગળ જતાં તકલીફ થઇ શકે તેમ છે. દરદાગીના લેવા માટે આ વર્ષે સાવધાની રાખવી. પોતાનું ઘર ખરીદવાનો વિચાર કરતા હોવ તો ઘણું બધું મનોમંથન કરવું જરૂરી બને. જો કોઈ જમીન કે મિલકત વિવાદમાં ફસાઈ હોય તો તેનું નિરાકરણ લાવવું બહુ મુશ્કેલ બને. આ વર્ષ દરમ્યાન જીવનસાથીના નામે જગ્યા કે કોઈ મિલકત લીધી હશે તો લાભદાયી બની શકે છે.
આવનારા વર્ષમાં ગ્રહોની પરિસ્થિતિને જોતા શત્રુઓ માનસિક રીતે આપના ઉપર હાવી થઇ શકે છે. આવા સમયે મન ઉપર કાબૂ રાખવો આપના માટે વિશેષ લાભદાયી રહેશે. જો કોઈ સામાજિક બાબતને લઇ કોર્ટમાં કેસ ચાલતો હોય તો તેનું સુખદ નિરાકરણ આવી શકે છે. જો આપને ખોટી રીતે કાયદાકીય બાબતોમાં ફસાવવામાં આવ્યા હશે તો આ વર્ષમાં આપ નિર્દોષ છૂટી શકો છો. એકંદરે કોઈ પણ મુદ્દાને સામેથી ના છંછેડવો. આ વર્ષના અંત ભાગમાં શત્રુતા મિત્રતામાં પરિણમે તેવું બની શકે છે. જેનો આપને લાભ પણ મળે.
આ વર્ષમાં પ્રથમ સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોતા સામાન્ય અડચણો આવ્યા કરે. પ્રવાસના આયોજનથી આપનું મન આનંદિત રહે. આપને ભાગ્ય ફરતું હોય એવું લાગે. પોતાના રજૂ કરેલા વિચારો માન્ય ન રહેવાથી કૌટુંબિક ક્ષેત્રે કંઈક ને કંઈક ખટરાગ રહ્યા કરે. આપને સંતાનનું સુખ ઓછું મળે છે તેવું લાગ્યા કરે. જે બહેનોને સુવાવડ સંબંધિત મુશ્કેલી હોય તેઓને આ વર્ષે લાભ થઇ શકે. એકંદરે આત્મબળે પારિવારિક અને વ્યાવસાયિક જીવન જીવી શકાય.
આવનારું વર્ષ પ્રેમ સંબંધોની બાબતમાં આપને લાભ કરાવી શકે તેમ છે. કોઈની સાથેના સંબંધો આપના જીવનમાં મહદ્ અંશે લાભદાયી થઇ શકે છે. આપના પ્રેમ સંબંધની અસર વૈવાહિક જીવન પર પડતા લગ્નભંગ સુધી વાત પહોંચી શકે છે. વર્ષના અંત ભાગમાં પોતાની પ્રિય વ્યક્તિના દૂર જવાથી આપને આઘાત લાગી શકે છે. પ્રિય વ્યક્તિ સાથે આકસ્મિક મિલન થાય. પ્રેમ સંબંધની જાણ કોઈ અન્ય કરે તે પહેલાં ઘરે કરવામાં ભલાઈ છે.
વર્ષ દરમ્યાન ગોચરના ગ્રહોને ધ્યાનમાં રાખતા મેનેજમેન્ટ તેમજ આર્ટના વિષયોને લઇ વિદેશ અભ્યાસ અર્થે જવાનું શક્ય બને. જો વિદેશમાં વસતા હોવ તો કોઈ ને કોઈ કામ અર્થે ભારત આવવું પડે. વિદેશમાં વ્યવસાય સંદર્ભે વિસ્તાર કરવા ઇચ્છતા હોવ તો આ વર્ષ આપને લાભદાયી બની શકે તેમ છે. પત્નીના આધારે વિદેશ માટેની ફાઈલ કરવાથી લાભ થાય. જો વિદેશમાં રોકાણ કર્યું હોય તો આવનારા સમયમાં શ્રેષ્ઠ વળતર મળી શકે છે.
વૃષભ રાશિના મિત્રોએ કોઈ પણ સમસ્યાના નિવારણ માટે ત્રણસો ગ્રામ અડદના લોટની સાથે ગોળ રાખીને નાની નાની ગોળીઓ બનાવવી. કુલ 101 ગોળીઓ બનાવવી. કોઈ પણ ગુરુવારના દિવસથી તે ગોળીઓ જળાશયમાં પધરાવવી. દર ગુરુવારે ઉપરોક્ત વિધાન કરવું. ખાસ એ વાતની કાળજી રહે કે જે જળાશયમાં પધરાવતા હોવ તેમાં માછલીઓ હોય. 101 ગોળીઓ એક એક કરી પધરાવવી. 40 ગુરુવાર સુધી આ પ્રમાણે કરવાથી નિશ્ચિત લાભ થશે.
વર્ષની શરૂઆતમાં માનસિક સ્થિતિને કાબૂમાં રાખવા માટે શંકા-કુશંકાઓથી દૂર રહેવું. એટલા લાગણીશીલ ન બનવું કે જેનો અન્ય કોઈ લાભ લઇ જાય. વર્ષના મધ્ય ભાગમાં આપની મનોકામના પૂરી ન થવાથી આપનું મન વધારે ખિન્ન રહે. માનસિક રોગથી પીડાતા લોકોને લાભ થાય.
નાણાંભીડ સમગ્ર વર્ષ દરમ્યાન રહી શકે છે. માટે ખર્ચ ઉપર કાબૂ રાખવો પડશે. 14 જાન્યુઆરી પછી સખત નાણાંની ખેંચ પડે, પરંતુ માર્ચ પછી ધીરે ધીરે પરિસ્થિતિ સામાન્ય બનતી જણાય. લાંબા ગાળાનું રોકાણ લાભદાયી બની શકે છે. આ વર્ષે નાણાકીય સ્થિતિ સામાન્ય રહશે.
(વાર્ષિક ભવિષ્યફળ રજૂ કરી રહ્યા છે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા. acharyajalpeshmehta@gmail.com)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.