ધન રાશિ / વિક્રમ સંવત 2076નું વાર્ષિક રાશિફળ

Sagittarius yearly horoscope of vikram samvat 2076 Dhanu Rashifal in Gujarati
X
Sagittarius yearly horoscope of vikram samvat 2076 Dhanu Rashifal in Gujarati

Divyabhaskar.com

Oct 28, 2019, 12:30 AM IST

ધર્મ ડેસ્કઃ વિક્રમ સંવત 2076 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આગામી વર્ષ તમારા માટે કેવું રહેશે, સ્વાસ્થ્ય, વ્યવસાય, નોકરી, પારિવારિક, આર્થિક વગેરે દ્રષ્ટિએ આવનારું વર્ષ તમારું કેવું રહેશે તેના વિશે અમે અહીં જણાવીશું. કારતક સુદ એકમથી શરૂ થતું ગુજરાતી બેસતું વર્ષ 28 ઓક્ટોબર 2019થી શરૂ થઈ રહ્યું છે જે આસો વદ, 14 નવેમ્બર 2020ના રોજ પૂર્ણ થશે. જાણો તમને નવું વર્ષ કેટલું ફળદાયી રહેશે?

શુભાશુભ તારીખોઃ-

માસ    સાનુકૂળ તારીખ    પ્રતિકૂળ તારીખ
નવેમ્બર    8,10,14,17,19,22,25,30    9,11,15,16,21,24,28
ડિસેમ્બર    1,2,3,5,18,19,20,23,27    6,7,9,10,12,17,28
જાન્યુઆરી    3,7,10,12,14,15,22,28    1,2,8,13,17,20,21,24
ફેબ્રુઆરી    2,6,7,8,11,13,17,26,28    3,5,10,12,15,19,21,22
માર્ચ    1,12,15,19,20,25,29,30    2,5,9,10,16,18,21,28
એપ્રિલ    5,6,7,8,10,16,17,21,24    1,2,3,11,14,15,28,30
મે    1,3,8,10,11,14,15,19,30    12,17,20,23,25,27,28
જૂન    6,8,12,16,17,20,22,25    1,3,5,10,15,18,23,24
જુલાઇ    3,5,10,13,15,18,21,30    2,7,8,11,14,20,24,27
ઓગસ્ટ    8,9,14,19,20,24,26,28    3,6,7,11,12,17,25,29
સપ્ટેમ્બર    2,8,12,15,17,21,29,30    1,3,7,10,14,18,20,28
ઓક્ટોબર    10,13,17,19,24,25,28    4,6,8,12,14,15,26,31

ધન રાશિના જાતકોએ કરવાના ઉપાયઃ-

 • રાશિનો મંત્ર :ૐ ગું ગુરુભ્યો નમઃ|
 • અનુકુળ દેવતા : દત્તાત્રેય
 • અનુકુળ વ્યવસાય : પશુપાલન , માળીકાર્ય , ખેતીવાડી   
 • અનુકુળ રત્ન: માણેક, મૂંગા  
 • અનુકુળ ગ્રહ: સૂર્ય, ચંદ્ર  
 • શુભ રંગ : લીલો  
 • શુભ અંક : 4, 5  
 • શુભ વાર : બુધ, ગુરુ
 • શુભ દિશા : ઉત્તર, પૂર્વ  
 • મિત્ર રાશિ : મીન
 • શત્રુ રાશિ : મેષ , વૃશ્ચિક

સંપૂર્ણ વર્ષમાં કેટલો લાભ થશે?

1. ગુરુ ગ્રહનું વર્ષફળ

આપની રાશિનો અધિપતિ ગુરુ બારમા ભાવે ભ્રમણ કરશે જેના કારણે વધુ ને વધુ મુસાફરીના યોગ બને. એકંદરે આપનો ગુરુ આપને સૌથી વધુ વ્યય કરાવી શકે છે. લક્ષ્મીજી સ્થિર ન થતાં આપની આવક સારી હોય, પરંતુ આપ બચત ન કરી શકો. ગુરુકૃપાથી આ વર્ષે સરકારી નોકરીની શક્યતાઓ વધુ છે. સામાજિક મુશ્કેલીઓ દૂર થશે.

2. શનિ ગ્રહનું વર્ષફળ

શનિ ગ્રહ આ વર્ષ દરમિયાન આપની રાશિમાં જ રહેશે જે આખા વર્ષ દરમિયાન બદલવા પામતા નથી. એકંદરે આપને સાડાસાતીનો બીજો તબક્કો છે એમ કહી શકાય. આ કારણોસર આપની શારીરિક પીડા, આર્થિક પીડા, ભાઈ-બહેનથી પીડા, ભય, તણાવ જેવી બાબતો સતાવી શકે તેમ છે. નકારાત્મક વિચારો ઉપર કાબૂ રાખવો.

3. રાહુ ગ્રહનું વર્ષફળ

આપની રાશિથી રાહુનું સપ્તમ સ્થાનનું ભ્રમણ આપને યશ અને વિજય અપાવી શકે છે. પ્રતિષ્ઠા સાથે ધનપ્રાપ્ત થવાથી આપનાં આનંદ અને ઉત્સાહમાં વધારો થશે. રાહુના કારણે બની શકે છે કે સમાજનાં અગત્યનાં અને સેવાનાં કાર્યોમાં આપનું પદાર્પણ વધે. સેવાકીય પ્રવૃત્તિને કારણે આપનો સમય સારી રીતે પસાર કરી શકો.

4. લગ્નજીવન અને દાંપત્ય

આવનારું વર્ષ આપના લગ્નજીવન અને દાંપત્ય માટે બહુ બધી ખુશીઓ લઇને આવનારું છે. પતિ અને પત્ની વચ્ચેનો કોઈ પણ કારણોવાળો વિયોગ દૂર થાય. નાની નાની વાતમાં જે કડવાશ સંબંધોમાં ઊભી થઇ હતી તેનું નિરાકરણ આવે. પત્નીના સહકારથી આપ સર્વત્ર વિજય પ્રાપ્ત કરી શકો. આ વર્ષે આપના લગ્નની તિથિ નક્કી થતાં આપનો ઉત્સાહ વધે. જે જીવનસાથીની શોધ આપ કરી રહ્યા હતા તે આપની ઈચ્છા અનુસાર પ્રાપ્ત થાય. લગ્નની સારી વાતો આવવાને કારણે આપનું મન પ્રસન્ન રહે.

5. આરોગ્ય અને પ્રવાસ

વર્ષના આરંભે આપના ગ્રહો આપને સહકાર નથી આપી રહ્યા માટે શારીરિક બાબતમાં આપે ખાસ કાળજી રાખવી. દવાઓ સમયસર લેવી. કોઈ પણ મેડિકલ રિપોર્ટ કરાવવામાં મોડું ન કરવું. ફેફસાં, આંતરડા સંબંધિત મુશ્કેલી સર્જાતા ઓપરેશનના યોગ નકારી ન શકાય. માતા-પિતાનું આરોગ્ય આપને ચિંતા કરાવે. આ વર્ષે સુંદર પ્રવાસનું આયોજન થઇ શકે છે. સામાજિક રીતે કુટુંબ સાથેનો પ્રવાસ આપની માનસિક શાંતિ માટે વધુ જરૂરી બને. ધાર્મિક પ્રવાસથી આપના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય.

6. સંતાન અને અભ્યાસ

સંતાન અને અભ્યાસની દૃષ્ટિએ આવનારું આ વર્ષ મિશ્ર ફળદાયી બનશે. જે નાના મહેમાનના આગમનની તૈયારીઓ આપ કરી રહ્યા છો તે પૂર્ણ થાય. ખાસ કરીને દવા કે દુવા દ્વારા સંતાનસુખ આપને મળી શકે છે. સંતાનોના એડમિશન, પરીક્ષા કે અન્ય બાબતો સરળ બનતા રાહત અનુભવશો. જોકે, સંતાનોના વિદેશ અભ્યાસના પ્રશ્ને આપને વધુ વિચારવું પડી શકે તેમ છે. વિદ્યાર્થીવર્ગ માટે અભ્યાસ આ વર્ષે વધુ અગત્યનો બનશે. માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી નોકરી શોધવાની તક પ્રાપ્ત થઇ શકે. ભૂગોળ, ઈતિહાસ અને ભાષાના વિષયોમાં મહેનત વધુ કરવી પડે.

7. નોકરી અને ધંધો

નોકરી એ આવકનો સ્તોત્ર ગણી શકાય. જે સ્થાને આપ નોકરી કરો છો તે સ્થાને નિષ્ઠાપૂર્વક કામ કરવાથી આપને બોસ તરફથી ખૂબ સન્માન પ્રાપ્ત થઇ શકે છે. વર્ષના મધ્ય ભાગમાં પોતાના અંગત કારણોસર નોકરી છોડવી પડી શકે તેમ છે. વ્યવસાયમાં જો અગાઉના વર્ષે વધુ રોકાણ કર્યું હોય તો આ વર્ષે નહિ કરવાની સલાહ છે. ધંધામાં રોકાયેલાં નાણાં પાછાં આવે તો અન્ય ધંધો પ્રસ્થાપિત કરી શકાય છે. નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા શ્રેષ્ઠ સમય છે.

8. જમીન–મકાન–સંપત્તિ

વારસાગત પ્રાપ્ત થયેલી મિલકતમાં વધારો-ઘટાડો કરવાના યોગ આ વર્ષે બની શકે છે. ખેતીલાયક જમીન લઇ ગ્રીન હાઉસ જેવા પ્લાન વિચારી શકો છો જે ફાયદાકારક રહેશે. આ વર્ષે આપ જરૂરિયાત મુજબનું મકાન વસાવી શકો છો. પ્લોટ,  દુકાન, ફેક્ટરીના શેડ, પેટ્રોલ પંપ જેવી જગ્યાઓમાં આ વર્ષ દરમિયાન રોકાણ થઇ શકે છે. આપની સંપત્તિમાં કોઈ ભાગીદારનો ઉમેરો કરવો હોય તો ઉમેરો કરી શકાય છે. એકંદરે સંપત્તિની દૃષ્ટિએ આ વર્ષ સારું રહે.

9. શત્રુ–કોર્ટ–કચેરી

ગ્રહોની માયાજાળના કારણે આપ ન ઈચ્છતા હોવ તો પણ કોઈની સાથે દુશ્મનાવટમાં પડી શકો છો. જરૂરી નથી કે દુશ્મન કોઈ બહારનો હોય. તે કુટુંબમાંથી પણ હોઈ શકે છે. નાના મતભેદોને કારણે કુટુંબ-પરિવારમાં સંબંધોમાં તિરાડ પડી શકે છે. વર્ષ દરમિયાન ભાઈ ભાઈના મુદ્દે જમીન વિભાજન સંબંધમાં ઘર્ષણ થઇ શકે છે. આપને મનદુઃખ થતા કુટુંબના વડીલ વ્યક્તિ કે કોર્ટનો સહારો આપ લઇ શકો છો. કોઈ જૂના મુદ્દા કોર્ટમાં ચાલતા હોય તો સમાધાન થકી તેનો નિર્ણય આવી શકે છે. કારણ વગરનો ગુસ્સો કે અહંકાર આપને મોટી મુશ્કેલીમાં ધકેલી શકે છે.

10. મહિલા વર્ગ

બહેનો માટે જેટલું આ વર્ષ વિચારો છો તેટલું સરળ ના બને. આ વખતે કેટલીક નિરાશાઓ અને હતાશા આપને પ્રાપ્ત થાય. જીવનમાં આપ ઘણા ઉત્સાહી હોવ, ઘણા સકારાત્મક હોવ, પરંતુ આ વર્ષે કેટલાક મુદ્દે ભાગ્ય સાથ ન આપે. સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીના કારણે આપ વધુ ચિંતિત રહો. વર્ષના ઉતરાર્ધમાં આપના જીવનસાથીને મદદરૂપ થવાથી, એમના ધંધામાં સહકાર આપવાથી આપનું માન વધી શકે છે. આપની સૂઝબૂઝને કારણે દરેક કાર્ય સહેલાં થાય. નીતિસભર કાર્ય કરશો તો ક્યારેય મુશ્કેલી નહિ આવે.

11. પ્રેમ સંબંધ

દરેક વ્યક્તિના જીવનમાં પ્રેમ અને પ્રિય પાત્ર અગત્યનું સ્થાન ધરાવે છે. આપની વ્યથા, વેદના અને લાગણીને વાચા આપવાવાળી વ્યક્તિની શોધ પૂર્ણ કરી શકશો. જેને ઘણા સમયથી ઓળખતા હોવ એવા વ્યક્તિનો પ્રેમ આપને પ્રાપ્ત થઇ શકે છે. ખરેખર પ્રેમ શબ્દને ચરિતાર્થ કરવા માટે આપ ઉત્તમ ઉદાહરણ બની શકો છો. ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે માતા-પિતા અને વડીલોના આશીર્વાદથી કોઈ પણ નિર્ણય લેવો. માત્ર સમય પસાર કરવા માટે આનંદ અને મોજના સાધન માટે જો આ પ્રવૃત્તિ કરતા હોવ તો તે છોડી દેવી.

12. વિદેશ યોગ

વિદેશ સંબંધમાં આ વર્ષે આપને નોંધપાત્ર સુધારો થાય. વિદ્યાર્થીમિત્રો જે વિદેશ જવાના પ્રયત્નો કરે છે તેમના પ્રયત્નો સાર્થક બને. જે જાતકોનાં સ્વજનો વિદેશમાં રહેતાં હોય તેઓ કોઈ માંગલિક પ્રસંગે વિદેશ જઈ શકે છે. આ વર્ષ દરમિયાન વિદેશથી સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. જે લોકો વ્યવસાયના કરે છે તેમને વિદેશમાં આવક ઊભી કરવાની તક મળી શકે છે. જે લોકો પૂર્વના દેશોમાં જવાનો વિચાર કરી રહ્યા હોય તેમને વધુ સફળતા મળે.

13. નડતર નિવારણ

આપ જેટલું પણ દાન કરશો એટલો ફાયદો થશે. સૌ પ્રથમ પૂર્ણિમાના દિવસે દાળ અને ચણાનું દાન કરવું. શનિવારના દિવસે ગોળ તેમજ કેળાનું દાન કરવું. ગુરુની સેવા કરવી. કોઈ પણ શુભ કાર્ય કરવા જાવ તે પહેલાં પોતાની જીભ પર કેસર મિશ્રિત જળ મૂકવું લાભદાયી રહેશે. ભાગ્યની ઉન્નતિ માટે સોનાનાં ઘરેણાં પહેરવા લાભદાયક છે. ગુરુવારે 7 સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવાથી લાભ થાય. ‘ૐ ર્જાં ર્જી ર્જૌં જા: બૃહસ્પતયે નમ:|’ મંત્રનો 3 માળાજાપ કરવો.

14. માનસિક સ્થિતિ

વર્ષના પ્રારંભમાં સામાન્ય ટેન્શન હોવાને કારણે આપ વધુ ચીડિયા સ્વભાવના રહો. આવો સ્વભાવ આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. આવા સ્વભાવ અને માનસિક સ્થિતિને કાબૂમાં લેવા માટે આધ્યાત્મિક માર્ગ પસંદ કરવો લાભદાયી રહેશે. વધુ પડતા વિચારોને કારણે આપનું મન સ્થિર નથી. માટે ધ્યાન કરવું લાભદાયક રહેશે.

15. નાણાકીય સ્થિતિ

વર્ષના પ્રારંભે મકર રાશિનો કેતુ આપને નાણાકીય ભીડ વધુ અપાવે. આકસ્મિક ખર્ચાઓનું પ્રમાણ આ સમયમાં વધુ રહે. ખોટા ખર્ચ થવાને કારણે રોકાણ કરવામાં તકલીફ ઊભી થાય. લાંબા ગાળાના રોકાણમાંથી નાણાં પરત થતાં પુનઃ નાની બચત શરૂ કરવાના યોગ બને. ઘરમા માંગલિક પ્રસંગ આવતા ખરીદારી અને સાથે ખર્ચો વધે.

(વાર્ષિક ભવિષ્યફળ રજૂ કરી રહ્યા છે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા. [email protected])

COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી