મીન રાશિ / વિક્રમ સંવત 2076નું વાર્ષિક રાશિફળ

Pisces yearly horoscope of vikram samvat 2076 Meen Rashifal in Gujarati
X
Pisces yearly horoscope of vikram samvat 2076 Meen Rashifal in Gujarati

Divyabhaskar.com

Oct 28, 2019, 11:40 AM IST

ધર્મ ડેસ્કઃ વિક્રમ સંવત 2076 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આગામી વર્ષ તમારા માટે કેવું રહેશે, સ્વાસ્થ્ય, વ્યવસાય, નોકરી, પારિવારિક, આર્થિક વગેરે દ્રષ્ટિએ આવનારું વર્ષ તમારું કેવું રહેશે તેના વિશે અમે અહીં જણાવીશું. કારતક સુદ એકમથી શરૂ થતું ગુજરાતી બેસતું વર્ષ 28 ઓક્ટોબર 2019થી શરૂ થઈ રહ્યું છે જે આસો વદ, 14 નવેમ્બર 2020ના રોજ પૂર્ણ થશે. જાણો તમને નવું વર્ષ કેટલું ફળદાયી રહેશે?

શુભાશુભ તારીખોઃ-

માસ સાનુકૂળ તારીખ

પ્રતિકૂળ તારીખ

નવેમ્બર 7,8,10,17,19,22,27,28

11,14,15,21,23,25,29

ડિસેમ્બર 1,2,5,8,10,15,21,28,30

3,6,9,11,14,20,24,29

જાન્યુઆરી 11,13,15,19,25,28,29

1,2,3,5,7,9,10,18,30

ફેબ્રુઆરી 1,2,13,17,24,25,26,27

5,6,9,14,16,23,28

માર્ચ 5,6,11,18,22,27,28,29   

3,4,10,15,21,23,25

એપ્રિલ 4,5,7,13,23,25,28,30 1,2,6,9,11,14,15,29
મે 3,7,9,11,20,26,29,31 2,5,13,14,16,19,25
જૂન 2,6,7,10,21,25,28,30

1,5,9,11,22,26,29

જુલાઇ 1,2,3,5,19,20,24,26,29

4,6,7,10,15,18,21,27

ઓગસ્ટ 8,9,10,13,17,21,28,30

2,6,7,11,12,15,22,26

સપ્ટેમ્બર 2,5,8,11,16,19,22,30 1,3,10,13,15,17,21,25
ઓક્ટોબર 1,9,11,13,15,24,25,29 2,3,7,10,14,18,23,26

મીન જાતકોએ કરવાના ઉપાયઃ-

  • રાશિનો મંત્ર : ૐ બૃં બૃહસ્પતયે નમઃ|
  • અનુકુળ દેવતા : કાર્તિકેય  
  • અનુકુળ વ્યવસાય : શિક્ષણ ક્ષેત્ર
  • અનુકુળ રત્ન :  મોતી, મૂંગા
  • અનુકુળ ગ્રહ : કેતુ, શનિ
  • શુભ રંગ : આછો કાળો  
  • શુભ અંક:  3, 8  
  • શુભ વાર :  મંગળ , ગુરુ
  • શુભ દિશા :  અગ્નિ, પશ્ચિમ
  • મિત્ર રાશિ :  મકર
  • શત્રુ રાશિ :  વૃષભ, ધન 

સંપૂર્ણ વર્ષમાં કેટલો લાભ થશે?

1. ગુરુ ગ્રહનું વર્ષફળ

આ વર્ષ દરમિયાન ગુરુ મહારાજ આપની રાશિથી ગુરુસ્થાને પસાર થશે જેને કારણે આપને ભાગ્યની નવી તકો પ્રાપ્ત થઇ શકે છે. આપ મહત્ત્વની યોજનાઓ પરિપૂર્ણ કરી શકશો. ધાર્યા કરતાં આપની પ્રગતિ ખૂબ સારી રહે. વર્ષના મધ્ય ભાગમાં આપનાં કાર્યોમાં થોડી રુકાવટો આવી શકે છે, પરંતુ તેની કોઈ ચિંતા કરવી નહિ.

2. શનિ ગ્રહનું વર્ષફળ

શનિ આપની રાશિથી દસમે એટલે કે કર્મસ્થાને ભ્રમણ કરશે. જેના કારણે આપના કાર્યનો વિસ્તાર થઈ શકે છે. ધંધાના વ્યાપમાં વધારો થવાથી આપને ફાયદો થઇ શકે છે. જોકે, ધંધો પોતે સંભાળી શકો તો જ વ્યાપ વધારવો. કોઈના ભરોસે ખોટું સાહસ કરવું નહિ. શનિને કારણે આપના જીવનમાં પરિવર્તન આવી શકે છે.

3. રાહુ ગ્રહનું વર્ષફળ

રાહુ આપની રાશિથી વર્ષના પ્રારંભે ત્રીજા સ્થાને ત્યાર બાદ ચોથા સ્થાને ભ્રમણ કરશે. જેના કારણે આપનું માનસિક મનોબળ નબળું થઇ શકે છે. રાહુ કેટલીક બાબતોમાં એવી રીતે અસર કરે કે તમે જાણતા હોવા છતાં કેટલીક બાબતો પુરવાર ન કરી શકો. જેને કારણે આપના મનની સ્થતિ વણસી શકે છે. મકાનના પ્રશ્નો ગૂંચવાઈ શકે છે.

4. લગ્નજીવન અને દાંપત્ય

લગ્નજીવનની બાબતમાં સંવત ૨૦૭૫નું વર્ષ આપના માટે નૂતન સૂર્યોદય સમાન બનશે. જેમના ગત વર્ષે લગ્નના યોગ નથી બન્યા તેમના લગ્નના યોગો આ વર્ષે પ્રબળ છે. કુંડળીને આધારે સંબંધ જોડવાનો વિચાર કરવો યોગ્ય રહેશે. વિવાહ-સંબંધમાં રુકાવટ આવતી હોય, સારું પાત્ર ના મળતું હોય તો શિવ આરાધના કરવાથી દાંપત્યજીવનનું સુખ મળશે. જીવનસાથીનો સહયોગ દરેક ક્ષેત્રમાં આપને પ્રાપ્ત થતા આપના આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થાય. એકંદરે લગ્નજીવન અને દાંપત્યજીવન માટે આ વર્ષ સારું રહે.

5. આરોગ્ય અને પ્રવાસ

આરોગ્ય બાબતે આ વર્ષ વધુ સંભાળવા જેવું બને છે. આપના શરીરનો ઘેરાવો તેમજ કદકાઠીના કારણે આપની મુશ્કેલીઓમાં વધારો થાય. મેદસ્વિતા વધતા ઘણીબધી મુશ્કેલીઓનો સામનો આપે કરવો પડે. ખાનપાન બાબતે ખાસ ધ્યાન રાખવું. ધંધાકીય પ્રવાસને કારણે આપને થાક તેમજ બેચેની જેવું લાગ્યા કરે. પરિવાર સાથે ધાર્મિક તેમજ ફરવાનાં સ્થળોએ પ્રવાસને કારણે બાળકો સાથે સારો સમય પસાર કરી શકો. નાનો પ્રવાસ યાદગાર બની રહે. વ્યાવસાયિક પ્રવાસ તમને થકવી નાખનારો સાબિત થાય.

6. સંતાન અને અભ્યાસ

આવનારું આ વર્ષ સંતાનોની બાબતમાં પ્રગતિકારક રહે. ગુરુની સ્થિતિ બળવાન હોવાને કારણે પોતાનાં સંતાનોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ઝડપથી આવે. આપે જેવા સંતાનની કલ્પના કરી હોય તેવું સંતાન પ્રાપ્ત થવાથી આનંદમાં વૃદ્ધિ થશે. સંતાનોના ભાવિ અંગેની ચિંતા આપને સતાવે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખૂબ મહેનત કરી રહ્યા હોય તેમને કલ્પના પણ ન કરી હોય તેવું પરિણામ પ્રાપ્ત થાય. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારો દેખાવ કરી શકશો. ઇચ્છિત જગ્યા કે પ્રવાહમાં એડમિશન મળવાથી આનંદ અનુભવાય.

7. નોકરી અને ધંધો

આ વર્ષ દરમિયાન નોકરીમાં લાભ મળે. જે બાબતો સંભવ ન લાગતી હોય તેવી બાબતો સંભવિત થતી જણાય. આપના ઉપર આવેલી જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક વહન કરવાથી ઉત્તરોત્તર પ્રગતિ થતી જણાય. ગ્રહ ગોચરને ધ્યાનમાં લેતા ધંધાકીય દૃષ્ટિકોણથી સાવધાન રહેવું આપના માટે લાભદાયી રહેશે. આપનો ધંધો ભલે નાનો હોય, પરંતુ પોતાની મહેનતથી ધીરે-ધીરે ધંધાને વેગ આપી શકાય. ધંધાના કામમાં જો કોઈ વેપારી પાસેથી માલ કે નાણાં લીધાં હોય તો સત્વરે પરત કરવાં.

8. જમીન–મકાન–સંપત્તિ

સ્થાવર અને જંગમ મિલકતમાં આ વર્ષે નોંધપાત્ર વધારો થઇ શકે છે જે આપના માટે લાભદાયી રહેશે. જમીનમાં મૂડી રોકાણ કરેલું હશે તેનું યોગ્ય વળતર મળશે. જમીનોના સોદામાં કોઈ પણ વ્યવહાર ખૂબ જ સાવધાનીથી કરવો. નવું કે મોટું ઘર ખરીદવાની ઇચ્છા આ વર્ષે પૂરી થતી જણાશે. નવી દુકાન કે શો-રૂમ ખરીદવાનું વિચારતા હોવ તો તેમાં જરાય મોડું કરશો નહીં. દસ્તાવેજ જેવા અગત્યનાં કાર્યોમાં સામાન્ય વિલંબ થઇ શકે છે. નવું વાહન વસાવવાનું સ્વપ્ન પૂરું થતું જણાય.

9. શત્રુ–કોર્ટ–કચેરી

આપના વિરોધી માણસો, હિતશત્રુઓ અને કાનૂની બાબતોમાં આ વર્ષ દરમિયાન સતત મૂંઝવણ રહ્યા કરે. આપે જેના ઉપર સંપૂર્ણ ભરોસો કર્યો હોય તે વ્યક્તિ આપને વિશ્વાસઘાત કરી શકે છે. કેટલીક બાબતો કે પ્રશ્નોના ઉકેલથી શત્રુતા પણ મિત્રતામાં પરિણમી શકે છે. કૌટુંબિક ક્ષેત્રે વાદવિવાદ કે અબોલા ચાલતા હોય તો તેનું સુખદ નિરાકરણ લાવી શકો છો. કોર્ટના માધ્યમથી બે ભાઈ વચ્ચેનો વિખવાદ આ વર્ષ દરમિયાન પૂર્ણ થઇ શકે છે. કોર્ટ-કચેરી સાથે સંબંધિત કાર્યો કે જે કેટલાય સમયથી અટક્યાં હોય તે પરિપૂર્ણ થઇ શકે છે.

10. મહિલા વર્ગ

બહેનો માટે આ વર્ષ સારું પસાર થાય. આપનું ભાગ્ય આપને સાથ આપે. આ વર્ષ દરમિયાન મોજશોખના કારણે નાણાકીય ખર્ચ વધુ આવી શકે છે. વધુ પડતા કામના કારણે હાથપગમાં સ્નાયુઓનો દુખાવો રહ્યા કરે. કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં પડવું નહિ. પોતાનાં માતા-પિતાના સ્વાસ્થ્યની ચિંતા આપને સતત રહ્યા કરે. આપના આત્મવિશ્વાસને કારણે રાજકીય ક્ષેત્રે આપને સારી સફળતા મળે. આપની બધી મનોકામના આ વર્ષે સિદ્ધ થઇ શકે છે. નોકરી અને ઘર વચ્ચે સંતુલન સારી રીતે જાળવી શકશો.

11. પ્રેમ સંબંધ

જેને હૃદયથી ચાહો છો તે વ્યક્તિ સાથે આપના સંબંધોમાં ખટાસ આવી શકે છે. જેને કારણે આપની માનસિક સ્થિતિ વધુ કથળાશે. જો આપ પરિણીત હોવ અને કોઈની સાથે પ્રેમમાં હોવ તો સમાજમાં નીચું જોવું પડી શકે છે. આપના પ્રેમ માટે આપનો અભિગમ સ્પષ્ટ હશે, પરંતુ સામેવાળા પાત્રને આપની કદર ન હોય તેવું પણ બની શકે છે. એકંદરે એવું કહી શકાય કે પ્રેમ પ્રકરણમાં એક બાજુ ઘસાવવું પડે તેમજ ખૂબ ધ્યાન રાખવું પડે. બગડેલા સબંધો સુધારવા માટે આ વર્ષ આપના માટે કારગર સાબિત થશે. પ્રિયજન સાથેની મુલાકાતથી આનંદ થાય.

12. વિદેશ યોગ

આવનારું આ વર્ષ વિદેશ સંદર્ભમાં ધારી હોય તેવી સિદ્ધિ અપાવે તેમ લાગતું નથી. આપને વિદેશ જવાની ઇચ્છા હોય, પરંતુ કેટલાક કારણોસર તમે જઈ શકશો નહીં.  સરકારી કામકાજને કારણે અટકાયત ઊભી થઇ શકે તેમ છે, પરંતુ જો જન્મકુંડળીના ગ્રહો બળવાન નહિ હોય તો વિદેશ સંબંધમાં આપને સફળતા મળવી મુશ્કેલ છે. વિદ્યાર્થીબંધુ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના પ્રયત્નમાં સફળ થાય, પરંતુ વિદેશ ગયા પછી વધુ પડતા સંઘર્ષને કારણે પરત આવવાના યોગ પણ બને.

13. નડતર નિવારણ

કોઈ પણ ગુરુવારેે બ્રહ્મભોજન કરાવવું અને ગરીબોને પીળાં વસ્ત્રોનું દાન કરવું. ઘરના આંગણમાં તુલસીનો ક્યારો અવશ્ય રાખવો. કોઈ સારા કાર્યના પ્રારંભમાં માતા–પિતાના આશીર્વાદ લઇ કાર્યનો પ્રારંભ કરશો તો નિશ્ચિત લાભ થશે. વિષ્ણુ ભગવાનની ચાંદીની પ્રતિમાનું ઘરના મંદિરમાં સ્થાપન કરીને દરરોજ પૂજન કરવું. ‘ૐ ગુરુવે નમ:|’ મંત્રનો દરરોજ 7 માળાજાપ કરવો. શુભ કાર્ય માટે બહાર જતી વખતે કપાળમાં ચંદનનું તિલક જરૂર કરવું.

14. માનસિક સ્થિતિ

માનસિક શાંતિ નથી તેવું આ વર્ષ દરમિયાન આપને અનુભવાઈ શકે છે. વિકટ પરિસ્થિતિનો સામનો કરી આપ માનસિક રીતે વધુ પડતા થાકેલા રહેશો. આ થાકની અસર આપના કાર્યક્ષેત્ર પર પડી શકે છે. વર્ષના મધ્ય ભાગમાં એક અણબનાવ બની જતા આપને નિરાશા ઘેરી વળશે. મનને શાંત કરવા આધ્યાત્મિક દૃષ્ટિકોણ લાભ કરાવી જાય.

15. નાણાકીય સ્થિતિ

ખર્ચાનું પ્રમાણ નહીંવત્ રહેતા આપને આવકમાં સ્થિરતા જણાશે. જે સ્થાને નાણાં રોક્યાં છે તે નાણાં છૂટાં થવામાં કેટલોક સમય લાગી શકે છે. આ વર્ષે કોઈ નુકસાન કે ખોટા ખર્ચનો સામનો કરવો પડે. આંધળું સાહસ ચિંતાનું કારણ બનશે. એકંદરે એવું કહી શકાય કે નાણાકીય તંગી વર્તાશે નહિ. જે પ્રમાણે મહેનત કરશો તે પ્રમાણું ધન અર્જિત કરશો.

(વાર્ષિક ભવિષ્યફળ રજૂ કરી રહ્યા છે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા. [email protected])

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી