તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Libra Yearly Horoscope Of Vikram Samvat 2076 Tula Rashifal In Gujarati

વિક્રમ સંવત 2076નું વાર્ષિક રાશિફળ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ ડેસ્કઃ વિક્રમ સંવત 2076 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આગામી વર્ષ તમારા માટે કેવું રહેશે, સ્વાસ્થ્ય, વ્યવસાય, નોકરી, પારિવારિક, આર્થિક વગેરે દ્રષ્ટિએ આવનારું વર્ષ તમારું કેવું રહેશે તેના વિશે અમે અહીં જણાવીશું. કારતક સુદ એકમથી શરૂ થતું ગુજરાતી બેસતું વર્ષ 28 ઓક્ટોબર 2019થી શરૂ થઈ રહ્યું છે જે આસો વદ, 14 નવેમ્બર 2020ના રોજ પૂર્ણ થશે. જાણો તમને નવું વર્ષ કેટલું ફળદાયી રહેશે?

શુભાશુભ તારીખોઃ-

માસ   સાનુકૂળ તારીખ   પ્રતિકૂળ તારીખ
નવેમ્બર   10,12,17,18,20,27,30   9,11,15,21,24,28,29
ડિસેમ્બર   1,2,3,4,10,13,18,24,25   5,7,8,12,21,26,30,31
જાન્યુઆરી   2,5,9,12,15,19,23,29,311,6,10,17,20,22,28,30
ફેબ્રુઆરી   1,3,6,10,13,17,20,28,   2,5,8,9,11,14,21,25
માર્ચ   3,5,7,9,11,19,22,26,30   1,2,6,12,13,18,20,23
એપ્રિલ   6,8,10,14,20,23,27,28   3,5,7,11,13,17,26,29
મે   5,7,9,17,19,25,29,30   1,2,4,15,22,24,28,31
જૂન   4,8,11,12,15,20,24,26   3,5,7,13,16,17,19,29
જુલાઇ   7,9,10,13,16,23,28,29   5,6,8,11,15,20,22,30
ઓગસ્ટ   1,2,3,5,12,17,22,26,30   6,9,10,13,14,23,25
સપ્ટેમ્બર   8,9,10,13,15,27,28,29   1,3,5,7,14,19,24,30
ઓક્ટોબર   9,11,12,14,17,24,29,30   6,7,8,13,15,18,21,26

તુલા રાશિના જાતકોએ કરવાના ઉપાયઃ-

 • રાશિનો મંત્ર : ૐ ભવબંધ વિમોચકાય નમઃ|
 • અનુકૂળ દેવતા : ભગવાન શ્રી રામ
 • અનુકૂળ વ્યવસાય : ફિલ્મ ક્ષેત્ર, હોટલ
 • અનુકૂળ રત્ન : માણેક
 • અનુકૂળ ગ્રહ: સૂર્ય
 • શુભ રંગ : વાદળી ,જાંબલી
 • શુભ અંક : 7
 • શુભ વાર : રવિવાર
 • શુભ દિશા : પૂર્વોત્તર
 • મિત્ર રાશિ : કુંભ, મિથુન
 • શત્રુ રાશિ: મીન, સિંહ

1) સંપૂર્ણ વર્ષમાં કેટલો લાભ થશે?

આવનારું સંવત 2076નું વર્ષ ગુરુની દૃષ્ટિએ આપની રાશિથી પરાક્રમ સ્થાને રહેશે. આપના પરિવાર સાથેના સંબંધોમાં મતભેદ હશે તો સુધારો આવી શકશે. આપના આત્મવિશ્વાસના કારણે કેટલીક બાબતોમાં આપને સફળતા મળે. વર્ષના અંતમાં મુશ્કેલીઓનો અંત આવતા આપની ચિંતામાં ઘટાડો  થાય. કાર્યબોજ વધતા આપની દોડધામમાં વધારો થઈ શકે છે. સામાજિક દૃષ્ટિએ  માન-પ્રતિષ્ઠા વધવાથી ફાયદો થાય. શંંકા-કુશંકાથી બચવું યોગ્ય રહેશે.

આપની રાશિથી પરિભ્રમણ કરતો શનિ આપને ખૂબ પરાક્રમ કરાવે. વર્ષના પ્રારંભિક તબક્કામાં આપની પ્રગતિ થાય. સામાજિક, માનસિક અને અાધ્યાત્મિક બાબતોમાં ઉન્નતિ થાય. પરિવારમાં હળીમળીને રહેવાની ભાવના આપને ઊંચા મુકામે લઈ જાય. લોકો સાથે સબંધો કેળવવાથી લાભ થાય. વર્ષના મધ્ય ભાગમાં ધારેલા કાર્યો પૂર્ણ થતાં આપની શ્રદ્ધા હોય ત્યાં જવાથી આનંદ થાય. ઑગસ્ટ માસના અંતે આકસ્મિક સફળતા મળી શકે છે.

વર્ષના પ્રારંભે આપની રાશિથી ચોથે, આઠમે કે બારમે રાહુની પરિસ્થિતિ જોતાં સામાજિક પ્રગતિ થતી જણાય. આપના જોશ અને હિંમત વધતાં જણાય. ખર્ચ ઉપરનું નિયંત્રણ લાભદાયી બને. પૈસા કમાવા તરફ ધ્યાન આપવાથી ઘરની કાળજી લઇ શકાય. આ વર્ષ દરમિયાન આપની શારીરિક તકલીફ ઓછી થતી જણાય. પિત્તનું પ્રમાણ ઘટે, પરંતુ ક્યારેક ઋતુના બદલાવને કારણે નાની નાની બીમારી રહ્યા કરે. એકંદરે રાહુ આપને શુભ ફળદાયી બની શકે છે.

આપનું લગ્નજીવન સુખરૂપ છે. સંયુક્ત પરિવારમાં રહેતાં હો, તો તેના કારણે આપના આનંદમાં વધારો થાય, પરંતુ ફેબ્રુઆરી માસ પછી પોતાના પરિવારથી એકલાં રહેવાનો અવસર આવે. જે લોકોને ઘણા સમયથી લગ્ન ન થતાં હોવાનો પ્રશ્ન છે તેનું સમાધાન આવતાં ખુશીનો માહોલ બનતો જણાય. વર્ષના મધ્ય  ભાગ પછી દાંપત્યજીવનમાં સામાન્ય ખટરાગ થઇ શકે છે, પરંતુ એકબીજાની સાથે સમજણ કેળવી હશે તો વિવાદ વધુ ના પણ થાય. એકંદરે આ વર્ષ તમારા લગ્નજીવન અને દાંપત્ય માટે ખુશાલીભર્યું બની રહે.

આપના આરોગ્યની ચિંતા વર્ષના આરંભથી રહેશે. નાની નાની બીમારીઓ વારંવાર આવવાથી થોડી હતાશા પણ થઇ શકે. જે જાતકો હૃદયરોગથી પીડાય છે, તે લોકોને આ વર્ષે હળવાશ મળી રહે. ત્વચા સંબંધિત રોગોથી સાવધાની રાખવી. ખાવા-પીવામાં ધ્યાન રાખવું. આ વર્ષનો પ્રવાસ આપના જીવનને નવી દિશા આપનારો બની શકે છે. આ વર્ષ દરમ્યાન પ્રવાસ દરમ્યાન કોઈ એવી વ્યક્તિની મુલાકાત થાય, જેના દ્વારા જીવનમાં આમૂલ પરિવર્તન આવી શકે છે.

જો આપ પરીણિત હો તો આ વર્ષે આપના સંતાનની મહેચ્છા પૂર્ણ થતી જણાય. આપને સંતાન હોય અને તેમના વિશેે ચિંતિત હો તો ધીરે ધીરે ચિંતાના વાદળો દૂર થતાં જણાય. આપના સંતાનના વિદેશગમનના સમાચારથી આનંદ થાય અને સાથ છોડી જવાનું દુ:ખ પણ રહ્યા કરે. સંતાનના અભ્યાસની પ્રગતિ આપને માન-સન્માન અપાવે. અભ્યાસ સંબંધમાં ડિપ્લોમા કોર્સ અને કોમ્પ્યુટરના ક્ષેત્રે સફળતા મળતી જણાય. નાટક, નૃત્ય અને સિનેમામાં સફળતા મળતી જણાય.

વિક્રમ સંવત 2076નું વર્ષ નોકરી બાબતે સાનુકુળ રહે. નોકરીમાં એકાગ્રતા જાળવી રાખવી આપના માટે લાભદાયી બની શકે. નવી સરકારી નોકરી મળી હોય ત્યારે મહેનતથી સ્થાન ટકાવી રાખવું. પ્રારંભિક તબક્કે અઘરુંં જણાય. જે લોકોને નોકરી નથી તેમને પોતાના વિચાર પ્રમાણેની ન પણ મળી શકે. વ્યવસાયમાં નહિ નફો કે નહિ નુકસાનની પરિસ્થિતિ વેઠવી પડે. ઘણી મહેનત કર્યા પછી પોતાના ધંધામાં નૂતન સાહસ કરવું લાભદાયી બને.

સ્થાવર-જંગમ મિલકત માટે આવનારું આ વર્ષ આપને લાભદાયી બની શકે છે. જમીન ખરીદવાનો વિચાર કરતા હો, તો તેના પેપર જોઈ ખરીદવી. અન્યથા કોઈ પ્રકારની મુશ્કેલી સર્જાઈ શકે છે. આપની પત્નીના નામે કોઈ પ્રકારની સંપત્તિ વસાવવાના યોગ બને છે. કેટલીક સંપત્તિમાં જો વાદવિવાદ થયા હશે તો તેમાં નિરાકરણ આવતું ન જણાય, જેને કારણે ચિંતામાં વધારો થાય. ઘરમાં માંગલિક  પ્રસંગ આવવાનો હોવાથી સોના કે ચાંદીમાં રોકાણ લાભ અપાવે.

શત્રુઓના મામલે આ વર્ષ મિશ્ર ફળદાયી બની શકે છે. બની શકે કે તમારી સાથે રહેતા લોકો તમારા શત્રુ હોય. આપે જો દરેક જગ્યાએ સંબંધોમાં કડવાશ રાખી હશે તો તેનું વિપરીત પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આપે ન કર્યા હોય તેવા અપરાધોનો ગુનો લગાડવામાં આવે, જેનાથી આપ વધારે પરેશાન રહી શકો છો. કેટલીક બાબતમાં સત્યની સાથે રહેશો તો આપને સફળતાની સીડીઓ ચડતા વાર નહિ લાગે. એકંદરે કોર્ટ કચેરીની બાબતમાં સાવધાન રહેવું આ વર્ષમાં આપના માટે જરૂરી છે.

મહિલાઓ માટે આવનારું વર્ષ ખૂબ સારું બની શકે છે. જીવન જીવવા માટે જેટલાં પણ સ્વપ્નો સેવ્યાં હોય, તે પૂરા થતાં જણાય, પરંતુ પોતાનાં સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી લેવી. કયા સ્થાને કેટલું બોલવું તેનું જ્ઞાન હશે તો વાદવિવાદ વધુ નહિ થઇ શકે. વર્ષના મધ્ય ભાગે નાણાકીય ભીડ રહી શકે છે. સંતાનો માટે સમય આપવાથી આપની જીવનશૈલીમાં બદલાવ આવી શકે છે. કારણ વગરની ચિંતા અને અનિદ્રાનો ભોગ વર્ષના અંત ભાગે થઇ શકે છે.

વિક્રમ સંવત 2076નું આ વર્ષ પ્રેમ સંબંધો માટે થોડું ચિંતાજનક બની શકે છે. જેનો આપ હંમેશાંથી વિચાર કરતા આવ્યા છો, તેને છોડવાનું દુ:ખ આપને રહ્યા કરે, જેને કારણે આપની સ્થિતિ દયનીય રહે. જેને આપ પ્રેમ કરો છો તેને આપના તરફથી કોઈ દગો ન મળે તેની વિશેષ કાળજી રાખશો. પ્રેમસંબંધને લગ્નમાં પરિણમવા માટે પરિવારનો સહયોગ ન પણ મળે જેને કારણે દુ:ખ વર્તાય.  જો ભાગીને કે કોઈની જાણ વગર લગ્ન કરશો, તો  લાંબા ગાળે મુશ્કેલી સર્જાઈ શકે છે.

આવનારું આ વર્ષ વિદેશ સાથે સંકળાયેલી કેટલીક બાબતોમાં નીરસ કરી શકે છે. જે વિદ્યાર્થીમિત્રો  અભ્યાસ માટે વિદેશ જવાના છે તેવા લોકોને ઘણી અડચણોનો સામનો કરવો પડે. વિદેશમાં વસતા કોઈ મિત્રોના ત્યાં જવાથી તેમનો સહયોગ અને સહકાર ન પણ મળી શકે જેને કારણે આપને દુ:ખ થાય. વિદેશમાં કરેલું રોકાણ આપને ખાસ લાભ ન કરાવી શકે. એવું બને કે વિઝા મળવા છતાં વિદેશ ન જઈ શકાય. વર્ષના અંત ભાગમાં વિદેશથી સહાય પ્રાપ્ત થઇ શકે છે.

તુલા રાશિના મિત્રોને આ વર્ષ દરમિયાન કષ્ટમાંથી મુક્તિ માટે નિત્ય રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો. લવિંગ, કપૂર, અષ્ટગંધ, ગૂગળનો નિત્ય ધૂપ કરવો. જ્યારે રોહિણી નક્ષત્ર હોય ત્યારે સફેદ વસ્તુનું દાન કરવું શ્રેષ્ઠ બની રહેશે. ઘરની સ્ત્રીએ દરરોજ  ઉંબરાનું પૂજન કરી, ઉંબરે સ્વસ્તિક બનાવી પાંચ ચાંલ્લા કરવાથી ઘરની ઉન્નતિ વધશે. સાથે રવિવારના દિવસે પ્રાત: સમયે યથાશક્તિ રામચરિત માનસની ચોપાઇનો પાઠ કરવો તેમ જ હનુમાન ચાલીસાના યથાશક્તિ પાઠ કરવા.

વિક્રમ સંવત 2076નું વર્ષ માનસિક દૃષ્ટિએ આપને લાભ કરાવી શકે છે. કેટલાય સમયથી ચાલતા વિચારોના વમળમાંથી બહાર નીકળી શકાય. ધારી સફળતા ના મળતા આત્મવિશ્વાસમાં કમી જણાય. કેટલીક વખત મનદુ:ખનો થાય, પણ દૈવી શક્તિની કૃપાથી આપ વિજય મેળવી શકો છો.

આર્થિક દૃષ્ટિએ આ વર્ષે બીજા ભાવમાં બુધ, ગુરુ અને શુક્ર  વૃશ્ચિક રાશિમાં રહેલા છે. જેને કારણે આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહે. ભાગ્યના સાથથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય. જાન્યુઆરી પછી વધુ આવકનો અવસર મળે. આ વર્ષે નાણાકીય પરિસ્થિતિમાં વધુ જોખમ દેખાતું નથી.

(વાર્ષિક ભવિષ્યફળ રજૂ કરી રહ્યા છે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા. acharyajalpeshmehta@gmail.com)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો