તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Leo Yearly Horoscope Of Vikram Samvat 2076 Singh Rashifal In Gujarati

વિક્રમ સંવત 2076નું વાર્ષિક રાશિફળ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ ડેસ્કઃ વિક્રમ સંવત 2076 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આગામી વર્ષ તમારા માટે કેવું રહેશે, સ્વાસ્થ્ય, વ્યવસાય, નોકરી, પારિવારિક, આર્થિક વગેરે દ્રષ્ટિએ આવનારું વર્ષ તમારું કેવું રહેશે તેના વિશે અમે અહીં જણાવીશું. કારતક સુદ એકમથી શરૂ થતું ગુજરાતી બેસતું વર્ષ 28 ઓક્ટોબર 2019થી શરૂ થઈ રહ્યું છે જે આસો વદ, 14 નવેમ્બર 2020ના રોજ પૂર્ણ થશે. જાણો તમને નવું વર્ષ કેટલું ફળદાયી રહેશે?

શુભાશુભ તારીખોઃ-

માસસાનુકૂળ તારીખ

પ્રતિકૂળ તારીખ

નવેમ્બર5,6,8,12,15,18,20,29   2,4,11,21,24,27,28
ડિસેમ્બર3,4,7,11,16,20,22,25   1,5,10,17,19,21,23,30
જાન્યુઆરી1,2,11,14,15,16,18,20,21   3,5,9,10,12,19,22,25
ફેબ્રુઆરી8,9,10,12,16,23,25,27   7,15,20,21,24,28
માર્ચ6,7,11,14,17,24,28,30   1,2,3,5,15,18,31
એપ્રિલ2,3,4,5,13,15,21,27,29   6,7,8,12,20,28,30
મે4,6,7,9,10,16,19,28,30   3,5,11,15,18,23,31
જૂન1,2,5,9,13,17,21,25,29   10,12,18,22,26,30
જુલાઇ5,7,9,10,11,14,21,25,27   2,3,12,15,23,28,29
ઓગસ્ટ7,8,11,13,18,20,25,26   1,3,5,9,12,17,21,28
સપ્ટેમ્બર2,3,5,10,14,19,27,30   6,7,9,12,15,21,26
ઓક્ટોબર1,2,3,4,13,20,22,25,31   5,10,12,14,19,26,27

સિંહ રાશિના જાતકોએ કરવાના ઉપાયઃ-

 • રાશિનો મંત્ર :ઓમ્ કરુણારસ સિંધવે નમઃ |
 • અનુકૂળ દેવતા : ભગવાન શિવ
 • અનુકૂળ વ્યવસાય : ધર્મયાત્રા આયોજન, ઈમ્પોર્ટ – એક્સપોર્ટ, મિડીએટર તરીકેનાં ક્ષેત્રો
 • અનુકૂળ રત્ન : પોખરાજ
 • અનુકૂળ ગ્રહ: ગુરુ,
 • શુભ રંગ : સફેદ, પીળો
 • શુભ અંક : 8, }શુભ વાર : બુધવાર,
 • શુભ દિશા : પૂર્વ
 • મિત્ર રાશિ : ધન , મેષ
 • શત્રુ રાશિ: મકર, મિથુન

1) સંપૂર્ણ વર્ષમાં કેટલો લાભ થશે?

ગુરુની આપની રાશિથી પાંચમા સ્થાને ભ્રમણ કરશે જેના કારણે અણધારી સફળતા મળી શકે છે. શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આ વર્ષ દરમિયાન ખૂબ લાભ થઇ શકે તેમ છે. છેલ્લા કેટલાય સમયથી જે આધિ-વ્યાધિ, ઉપાધિમાંથી મુક્તિ મળે. કાર્યોમાં ધારેલી સફળતા મળે. સંતાનકારક ગુરુ આ વર્ષ દરમિયાન સંતાન યોગ પૂર્ણ કરાવે છે. વર્ષના અંત ભાગમાં બંધન ના હોવા છતાં ક્યાંક બંધાયેલા છો તેવું મનમાં લાગ્યા કરે.

વર્ષના પ્રારંભે શનિ પંચમ ભાવે ભ્રમણ કરશે જેને કારણે આપને વધુ પરિશ્રમ કરવો પડે. કારણ વગરનો ગુસ્સો આપને મુસીબતમાં મૂકી શકે છે. આ વર્ષે આપને એવું લાગે કે પોતાનું ભાગ્ય સાથ નથી આપી રહ્યું પરંતુ  ભાગ્ય, ભાગ્યનું કાર્ય કરશે. સાત્વિક કર્મો જાળવી રાખવા. જાન્યુઆરી માસના અંતે છઠ્ઠા સ્થાને ભ્રમણ કરતો શનિ શત્રુઓને વધારી શકે છે. એકંદરે શનિ આપને સફળતાના શિખરે લઇ જઈ શકે, પણ સાત્વિક કર્મો હશે તો જ.

આ વર્ષે રાહુ આપને ખોટા ખર્ચામાં ન ઉતારે તેનું ધ્યાન રાખશો. એક સમયે એવું લાગે કે કોઈ પણ બાબતે વિચાર્યા વગર રોકાણ થાય, પરંતુ તે દરેક બાબતમાં કાળજી રાખશો. ખર્ચા ઉપર કાબૂ નહીં રાખો તો આપનું આર્થિક તંત્ર ખોરવાઈ શકે છે. વર્ષના મધ્ય ભાગ પછી રાહુ વિદ્યાર્થીઓ માટે લાભદાયી બની શકે. ભણવામાં રસ વધવાને કારણે ઉચ્ચ ક્રમાંક કે સ્થાન પ્રાપ્ત કરી શકાય છે પોતાના મિત્રોને ભરોશે કોઈ પણ પ્રકારનું અનૈતિક કાર્ય કરવું નહીં.

આપના દાંપત્યજીવનના સુખમય જીવનને કારણે આપના પરિવારને ફાયદો થાય. સાસરી પક્ષમાં બનેલી ગેરસમજ કે મનદુઃખ દૂર થવાથી આનંદની પ્રાપ્તિ થાય. પોતાના જીવનસાથીના પૂર્ણ સહયોગને કારણે દરેક ક્ષેત્રમાં આપની પ્રશંસા થાય. જૂન મહિના પછી જે વ્યક્તિ લગ્ન કરવા માટે ઈચ્છુક છે તેમના લગ્નનો યોગ બનતો જણાય. જે લોકોને દામ્પત્ય જીવનમાં ખટરાગ ચાલે છે તે લોકોનું આ વર્ષે નિરાકરણ આવી શકે. આ વર્ષમાં દાંપત્યજીવનમાં વસંત ખીલી શકે છે. સંબંધોના ગૂંચવાડાનો નિવેડો આવવાથી કૌટુંબિક જીવન અને દાંપત્ય સુખમય બને.

તમામ ગ્રહો સાનુુકૂળ પરિસ્થિતિમાં હોવાને કારણે આપનું આરોગ્ય જ‌ળવાઇ રહે. શારીરિક તકલીફો જણાય નહીં. પરંતુ જે લોકો નિયમિતરૂપે દવા લેતા હોય તેમણે દવા ચાલુ રાખવી પડે. હૃદયરોગથી પીડાતા દર્દીઓએ વારંવાર ચેક અપ કરાવવું પડે. જો કોઈ ગંભીર બીમારીનો ભોગ બન્યા હો તો આપને તેનું નિરાકરણ મેળવવા માટે પરિસ્થિતિ સાનુકૂળ બને. ધાર્મિક પ્રવાસના આયોજનને કારણે આપનું સ્વાસ્થ્ય એકંદરે સારું રહે. વિદેશમાં યાત્રા થકવી નાખનારી રહે.

આ વર્ષ દરમિયાન સંતાનને લગતી બાબતોથી સંતાપ અનુભવતા હો તો તેનું સુખદ નિરાકરણ આવતું જણાય. જેની આપ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હો તે ખુશીની પળ આ વર્ષે પ્રાપ્ત થઇ શકે છે. આપના સંતાનના સ્વભાવથી જો ચિંતિત હો તો સંતાનોનો સ્વભાવ ધીરે ધીરે બદલાઈ શકે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં બહુ ધ્યાન આપવું પડે. મેડિકલના વિદ્યાર્થીઓને અન્ય વિષયો તરફ વધુ ધ્યાન આપવું પડે. એકંદરે વિદ્યાર્થી મિત્રોને મહેનત કરવી પડે.

નોકરીમાં આ વર્ષે માન-સન્માન મળે. આપના કામની પ્રશંસા થાય. ઇચ્છાનુસાર નોકરી મળવાથી આપના પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. નોકરીના કારણે આપને દૂર દૂર સુધી પ્રવાસ કરવો પડે. જેને કારણે સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે.વ્યવસાયમાં વૃદ્ધિ કરી શકો. એક વ્યવસાય હોય તો બીજો વ્યવસાય શરુ કરવામાં આપને સફળતા મળે. વર્ષના મધ્ય ભાગ પછી ધંધામાં રુકાવટ આવે, પરંતુ એમાં ચિંતા કરવાની જરૂર નથી. સૂઝબૂઝથી તેને બરાબર ન્યાય આપી શકો.

આ વર્ષે મિલકતમાં ફેરફાર કરવાના યોગ બહુ ઓછા છે. આપની સંપત્તિમાંથી આવક ઊભી કરવી હોય તો આપ કરી શકો છો. આપની લીધેલી જગ્યાનું સારું વળતર મળી શકે છે. મકાનના કોઈ દસ્તાવેજી પુરાવા ના હોય તો સત્વરે કરાવી લેવા. આપના મકાન પર કોઈ દાવો કે કેસ ચાલતો હશે તો તેનું સુખદ નિરાકરણ આવી શકે છે. ચલ સંપત્તિમાં વધારો કરવાથી ઉજ્જવળ તકો પ્રાપ્ત થઇ શકે છે. રોકાણમાં ધીરજ રાખી આગળ વધવાથી વિશેષ લાભ થઇ શકે.

શત્રુઓના મામલે આપ શત્રુઓ પર હાવી થઇ શકો. આપના શત્રુઓ પોતાની બધી ચાલમાં નિષ્ફળ થઇ શકે છે. ભૂતકાળમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કે કાવાદાવા થયા હોય તેનો નિર્ણય આપની તરફ આવતો જણાય. સચ્ચાઈના મામલે આપ લડાઈ લડી રહ્યા હશો તો આપને સફળતા મળી શકે છે. ઑગસ્ટ, 2020 પછી કેટલાક નિર્ણયો આપની મુશ્કેલીમાં લઇ જઈ શકે છે. કેટલીક વખતે સમાજમાં અનૈતિક મૂલ્યોનાં દમન માટે આપે કોર્ટ કચેરીમાં જવું પડી શકે. તમે તમારા શત્રુઓને હંફાવી શકશો અને શત્રુ વિજય પ્રાપ્ત કરી શકો છો.

સ્ત્રીઓ માટે આવનારું વર્ષ જાજરમાન બની શકે છે. સ્ત્રીઓને કમરનો તેમજ ઢીંચણનો અસહ્ય દુખાવો વધુ મુશ્કેલીમાં મૂકી શકે. આપના નામે લીધેલી સંપત્તિ આપના માટે લાભદાયી બની શકે છે. સ્ત્રી તરીકે એકલપંડે જીવન વ્યતીત કરી રહ્યા હો તો આપના માટે સુવર્ણ અવસરો પ્રાપ્ત થઇ શકે છે. પોતાના મિત્રો સાથે યાત્રા કરવાને લીધે આપને વિશેષ લાભ મળી શકે તેમ છે. વર્ષના મધ્ય ભાગમાં આપના સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ આવતા આપને લાભ મળી શકે.

આ વર્ષ દરમ્યાન પ્રેમ સંબંધમાં વિશેષ સકારાત્મકતા દેખાઈ શકે છે. કેટલાય વખતથી ચાલતા પ્રેમ સંબંધને વિવાહ સંબંધમાં પરિવર્તિત કરી શકાય. માર્ચ-એપ્રિલ પછી આ સંબંધમાં સામાન્ય ખટાશ આવતી જણાય. એકબીજાના વિશ્વાસના પ્રશ્નો ઉપસ્થિત થાય. આ કારણસર એક બીજાના પ્રત્યે મનદુઃખની લાગણી પ્રવર્તી શકે છે. એકંદરે એટલું કહી શકાય કે આપના પ્રેમ સંબંધને વિવાહ સંબંધમાં પરિવર્તિત કરવા માટે વડીલોના આશીર્વાદ ખૂબ જરૂરી બનશે.

વિક્રમ સંવંત ૨૦૭૬ નું આ વર્ષ વિદેશના દૃષ્ટિકોણથી આપના માટે લાભ દાયી બની શકે તેમ છે. પ્રારંભિક તબક્કામાં ફરવા માટે વિદેશ જઈ શકાય, પરંતુ સ્થાયી થવાના વિચાર સાથે જો પ્રયત્ન કરશો તો બની શકે છે કે પ્રથમ પ્રયત્ને સફળતા ન મળે. જે વિદ્યાર્થીમિત્રો ઉચ્ચ વિદ્યાભ્યાસ માટે ફાઈલ કરી રહ્યા હોય તેમને સફળતા મળી શકે. વિદેશમાં વસતા કોઈ સ્વજન સાથે વ્યાપાર કે ધંધામાં આગળ વધવાથી આર્થિક રીતે લાભ મળે. એકંદરે વિદેશથી લાભ થાય.

સિંહ રાશિના મિત્રોએ હળદરને ઓગાળી, દાડમની કલમ બનાવી, સફેદ કાગળ પર ચોરસ યંત્ર બનાવવું. એમાં વચ્ચે ઓમ્ અને શ્રી લખવા. રાશિ મંત્ર- ઓમ્ કરુણારસ સિંધવે  નમઃ ની રોજ 11 માળા કરવી. તેમજ 45 દિવસ સુધી મંત્રના જાપ કરવા. 45 દિવસ પછી કાગળ પર બનાવેલું યંત્ર હંમેશાં પોતાની પાસે જ રાખવું. ખૂબ લાભ થશે. 45 દિવસ પછી રોજ માળા ચાલુ રાખવી તેમજ દર વર્ષે યંત્ર નવું બનાવવું. જૂનું યંત્ર પાણીમાં પ્રવાહિત કરવું.

માનસિક દૃષ્ટિકોણથી જોતા આ વર્ષે રાહુ કે શનિનો પ્રભાવ ન હોવાથી મોટી રાહત મળી શકે. જિંદગી રાબેતા મુજબ પસાર થતી હોવાને કારણે મન શાંત રહે. ઘણા મહત્ત્વના નિર્ણય લઇ શકાય. વર્ષ ના મધ્ય ભાગ પછી માનસિક સ્થિતિમાં સામાન્ય બદલાવ જોવા મળે. એનાથી ચિંતા જણાય.

આર્થિક દૃષ્ટિએ જોતા વર્ષના પ્રારંભે કન્યા રાશિનો મંગળ નાણાકીય સુખમાં સાથ આપે. દેવું હોય તો નવેમ્બર માસના અંત ભાગમાં ચૂકવાય. વર્ષના પ્રારંભથી નાણાકીય બચત કરવાથી લાભ થાય. જાન્યુઅારી માસ પછી ધન પ્રાપ્તિનો માર્ગ અનુકૂળ બનતો જશે. નાણાકીય સ્થિતિ સારી રહે.

(વાર્ષિક ભવિષ્યફળ રજૂ કરી રહ્યા છે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા. acharyajalpeshmehta@gmail.com)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો