ધર્મ ડેસ્કઃ વિક્રમ સંવત 2076 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આગામી વર્ષ તમારા માટે કેવું રહેશે, સ્વાસ્થ્ય, વ્યવસાય, નોકરી, પારિવારિક, આર્થિક વગેરે દ્રષ્ટિએ આવનારું વર્ષ તમારું કેવું રહેશે તેના વિશે અમે અહીં જણાવીશું. કારતક સુદ એકમથી શરૂ થતું ગુજરાતી બેસતું વર્ષ 28 ઓક્ટોબર 2019થી શરૂ થઈ રહ્યું છે જે આસો વદ, 14 નવેમ્બર 2020ના રોજ પૂર્ણ થશે. જાણો તમને નવું વર્ષ કેટલું ફળદાયી રહેશે?
શુભાશુભ તારીખોઃ-
માસ | સાનુકૂળ તારીખ | પ્રતિકૂળ તારીખ |
નવેમ્બર | 6,8,12,15,21,23,27 | 9,10,11,16,19,20,29 |
ડિસેમ્બર | 8,10,15,19,25,30,31 | 5,7,9,10,12,21,24,26 |
જાન્યુઆરી | 1,3,6,19,20,25,26,30 | 4,5,7,8,10,15,21,29 |
ફેબ્રુઆરી | 4,5,12,13,17,24,27 | 1,2,3,7,9,10,15,23,28 |
માર્ચ | 3,7,11,15,19,20,25,27 | 1,4,5,8,16,21,26,30 |
એપ્રિલ | 2,6,8,12,14,17,21,30 | 5,7,10,11,22,25,29 |
મે | 1,2,3,10,18,20,25,31 | 4,6,7,9,11,19,21,28 |
જૂન | 5,6,10,14,19,24,28,29 | 1,3,7,11,13,16,22,30 |
જુલાઇ | 7,9,11,17,20,22,25,30 | 1,3,5,10,18,21,26,28 |
ઓગસ્ટ | 3,5,7,10,15,19,26,28 | 4,6,9,11,14,17,20,25 |
સપ્ટેમ્બર | 2,3,6,11,16,27,28,29 | 1,5,7,10,14,26,30 |
ઓક્ટોબર | 5,7,10,12,15,20,25,26 | 1,3,4,11,13,21,27,28 |
મકર રાશિના જાતકોએ કરવાના ઉપાયઃ-
1) સંપૂર્ણ વર્ષમાં કેટલો લાભ થશે?
ગુરુ ગ્રહ આપની રાશિથી લાભસ્થાને છે જેના કારણે ધારેલાં કાર્યો અટકાય, પરંતુ વર્ષ પસાર થતાં તે જ કાર્યો ઉકેલી શકો છો. આ વર્ષ દરમિયાન ગુરુની દૃષ્ટિએ યશ-કીર્તિ, પદ-પ્રતિષ્ઠા, માન-સન્માન પ્રાપ્ત કરી શકો. ભાગ્યનો સાથ મળવાથી સારી તકો ઊભી થાય. ગોચરની દૃષ્ટિએ ગ્રહબળને લીધે આવનારું વર્ષ આપને લાભ કરાવે.
સંવત ૨૦૭૫ના વર્ષમાં આપની રાશિથી બારમા સ્થાને શનિનું ભ્રમણ રહેશે. જેના કારણે આપને અણધાર્યા ખર્ચા થઇ શકે છે. શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલે છે. જેના કારણે સામાન્ય મુશ્કેલીનો સામનો કરવો પડે. જો જન્મકુંડળીના ગ્રહો બળવાન હશે તો મુશ્કેલી ઓછી થશે નહિ, તો વધુ પરિશ્રમ કરવો પડે.
રાહુનું ભ્રમણ આપની રાશિથી છઠ્ઠા સ્થાને રહેશે, જે રોગ અને શત્રુઓનું સ્થાન છે. છઠ્ઠા સ્થાનનો રાહુ આપને શુભ ફળદાયી બનશે. જેમાં આ વર્ષે ઘણાં બધાં લાભનાં કાર્યો થઇ શકે છે. જુદાં જુદાં ક્ષેત્રોમાં પ્રગતિ થાય. એકંદરે આ વર્ષ ઘણું સાનુકૂળ બની રહે તેમજ જે કોઈ બાબત બગડી હોય તેને સુધારી શકાય.
લગ્નજીવન સંદર્ભે આપનું આવનારું આ વર્ષ થોડું મધ્યમ રહી શકે છે. મોટી ઉંમરના વ્યક્તિઓ જેને લગ્નની ઉત્સુકતા છે તેવા મિત્રોને આનંદના સમાચાર મળી શકે છે. દાંપત્યજીવનમાં આ વર્ષે સંપૂર્ણ રીતે સાવધાન રહેવું. શંકા-કુશંકા આપનાથી બની શકે તેટલી દૂર રાખવી. જીવનસાથીના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આપ લાવી શકો. આખા વર્ષ દરમિયાન એકબીજાને સમજી આગળ વધશો તો પ્રેમ-મધુરતામાં વધારો થશે. કોઈ બાબતે મનમુટાવ હોય તો વડીલોને વચ્ચે રાખીને સમાધાન કરવાથી જીવનમાં સુખની વૃદ્ધિ થશે.
આરોગ્યની દૃષ્ટિએ આ વર્ષે ખૂબ સકારાત્મક રહેજો નહીં તો આપે તેનું મોટું વળતર ચૂકવવું પડી શકે છે. માર્ચ મહિનાની આસપાસ કોઈ પણ કારણે નાની મોટી શસ્ત્ર ક્રિયા કરાવી પડી શકે તેમ છે. લાંબી મુસાફરીના કારણે ઢીંચણ અને કમ્મર સંબંધિત તકલીફ પડી શકે તેમ છે. લાંબા સમયથી ગંભીર બીમારી થઇ હોય તેવા જાતકોને રાહતના અને આનંદના સમાચાર પ્રાપ્ત થાય. ધાર્મિક યાત્રા એટલે કે કૈલાસ માનસરોવર કે ચારધામ યાત્રા થઇ શકે છે. પરિવારજનો સાથે હવા ખાવાના સ્થળે પ્રવાસનો આનંદ માણી શકો છો. બાળકોને નાની પિકનિક કરાવી શકશો.
સંતાનપ્રાપ્તિથી લઈને સંતાનોની અન્ય બાબતોએ આ વર્ષ આપના માટે ફાયદાકારક રહેશે. જે આશા અપેક્ષાઓ આપનાં સંતાનોથી રાખી છે તે પરિપૂર્ણ થાય. વ્યાવસાયિક અભ્યાસ કરતાં સંતાનોના સારા પરિણામથી આપને હરખ થઈ શકે છે. સંતાનપ્રાપ્તિ આડેની બાધાઓ ધીરે-ધીરે દૂર થવા લાગશે. સંતાનોના વિકાસ સંબંધિત ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આવનારું વર્ષ સફળતા અપાવનારું રહેશે. અભ્યાસ થકી શ્રેષ્ઠ કારકિર્દી ઘડી શકાશે. મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે.
નોકરીના ક્ષેત્રમાં આપની જવાબદારીમાં વધારો થાય. સરકારી નોકરી કરતા જાતકોને જો તેઓ યોગ્ય રીતે કાર્ય નહીં કરતા હોય તો તેમના પર કાયદેસરનાં પગલાં કે કાર્યવાહી થઇ શકે છે. વધુ ચિંતા નહીં રહે, પરંતુ સાવધાન રહેવું આપના માટે લાભદાયી રહે. ધંધામાં ટૂંકા ગાળાના ફાયદામાં આપ જે વિચારી રહ્યા છો તે ગણતરી અને ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. બેંકની લોન વેપાર માટે લીધી હશે તો તેને ચૂકવવા સંબંધિત યોગ્ય વ્યવસ્થા કે યોજના ઘડી શકશો.
સ્થાવર મિલકતમાં આ વર્ષે આપ સારો એવો વધારો કરી શકો છો. વર્ષ દરમિયાન નાની નાની બચત કરી જમીન ઈત્યાદિ ખરીદી શકશો. કોઈ પણ ખરીદી કરતા કામના કાગળો તેમજ પોતાના ભાગીદાર સાથેના કરારો બરાબર વાંચી લેવા. નવા મકાન કે જે રહેતા હોવ તે મકાનના રિનોવેશન કરવાના યોગ બને છે. જૂનું મકાન કે મિલકત વેચી હોય તો તેમાંથી થોડાં નાણાંનું રોકાણ સોના-ઝવેરાતમાં કરવાથી લાભ થશે. નવી કાર વસાવી શકશો, પણ તેના માટે મહેનત વધારવી પડે.
આપની સફળતાની પાછળ ઘણાં બધાં કારણ હોઈ શકે છે, પરંતુ કોઈને હેરાન કરી કે કોઈનું નુકસાન કરી મેળવેલી સફળતા શત્રુઓમાં વધારો કરી શકે છે. જો કોઈએ તમારી ખોટી રીતે ફસામણી કરી હશે તો તમે તેમાંથી તમારો આબાદ બચાવ થશે. જે કોઈ જૂના કેસ ચાલે છે તેની મુદતો પડે જશે, જેથી વર્ષના મધ્યભાગ સુધી ધીરજ જાળવી રાખવી. શત્રુઓ દ્વારા કેટલીક મુશ્કેલી ઉપસ્થિત થઈ શકે છે, પરંતુ તેના કોઈ ગંભીર પરિણામ નહીં આવે. એકંદરે શત્રુ-કોર્ટ-કચેરીના મામલે આ વર્ષ મધ્યમ ફળદાયી બને.
સ્ત્રીઓને આ વર્ષે મનની પ્રસન્નતા વધુ રહેશે. આમ તો શનિની સાડા સાતી ચાલે છે, પરંતુ તેની અસર સ્ત્રીઓને ઓછી થાય છે. તેમ છતાં પણ અન્ય ગ્રહગોચરને કારણે સ્વાસ્થ્યની નાની મોટી ફરિયાદ રહે. જીવનસાથીના કેટલાક અંગત પ્રશ્નો આપની ચિંતાનું કારણ બની શકે છે. સાસુ-સસરા અને નણંદના સારા વ્યવહારને કારણે આપ આનંદમાં રહી શકો. આધ્યાત્મિક માર્ગ પસંદ કરવાથી ઉત્તરો ઉત્તર આપની પ્રગતિ થાય. જે મહિલાઓ નોકરી કે વ્યવસાય કરે છે તેમને શ્રમના પ્રમાણમાં વળતર કે લાભ પણ મળશે.
પ્રેમસંબંધમાં સફળતાનું મુખ જોવા મળી શકે છે. જોકે, ઘણાં બધાં વિઘ્નો પાર કરવાનાં થાય. જેને આપ પ્રેમ કરો છો એની મુલાકાતથી આપનો દિવસ આનંદમાં પસાર થાય. પ્રેમસંબંધને લગ્નસંબંધ સુધી પહોંચાડવામાં આપના નજીકના મિત્રોનો સાથ-સહકાર મળી રહે. જો તમે પ્રેમ પૈસા, સંપત્તિ, જમીન-વાહન કે માત્ર સુંદરતા જોઈને કર્યો હશે તો તે બહુ ટકશે નહીં. પરિવારમાં તમારા પ્રેમસંબંધની જાણ થઈ જવાથી તમારે સંબંધો છુપાવી નહીં રાખવા પડે, ઊલટાનું તેનાથી તમારી તમામ મુશ્કેલીઓ દૂર થશે. એકંદરે વર્ષ મધુરતાવાળું રહે.
આવનારું આ વર્ષ આપના માટે બહુ હિલચાલવાળું કહી શકાય. વિદેશમાં જવાથી આપને લાભ થશે, પરંતુ ઇચ્છિત દેશના વિઝા મેળવવામાં આપને મુશ્કેલી થઇ શકે છે. વિદ્યાર્થીઓ કે જે વિદેશ અભ્યાસ માટે જવા ઇચ્છે છે તેમને વિઝા મેળવવામાં સફળતા મળી શકે છે. પરિવાજનોનાં વિદેશમાં કમાયેલાં નાણાંનું રોકાણ યોગ્ય રીતે કરવાથી લાભ થાય. જેના ભરોસે તમે ગયા હોય તેવી વિદેશમાં રહેતી વ્યક્તિઓના અસહકારને કારણે આપની મુશ્કેલીમાં વધારો થઇ શકે તેમ છે.
શક્ય હોય તો કાળાં-વસ્ત્રો પહેરવાનું ટાળવું. આ વર્ષ દરમિયાન મહાદેવની પૂજા-ઉપાસના કરવાથી લાભ થાય. દર શનિવારે શિવલિંગ પર સરસવ અને મધથી અભિષેક કરવો લાભદાયી રહેશે. ગરીબ વ્યક્તિને જરૂરિયાતની વસ્તુનું દાન કરવું. હનુમાનજીના મંદિરમાં સાત શનિવાર સુધી સતત જઈને સફેદ આકડાની માળા અર્પણ કરવી અને હનુમાન ચાલીસાના પાઠ કરવા. ‘ૐ શનિશ્ચરાય નમ:|’ મંત્રનો 3 માળાજાપ કરવો. શનિવારે છાયાદાન કરવું.
માનસિક-ભાવાત્મક બાબતોમાં આ વર્ષ દરમિયાન ઘેરાયેલા રહેશો. આપની લાગણીઓ અને આપની સંવેદનાઓને કોઈ ન સમજતા આપને ઠેસ પહોંચી શકે છે. જેના કારણે આપના મનને ચેન ન પડે. વર્ષના મધ્ય ભાગ પછી પોતાના વ્યક્તિઓના સહકારને કારણે, ધાર્યા કાર્યમાં સફળતાને કારણે આપની ચિંતાનો ઉકેલ મળતો જાય.
આ વર્ષ દરમિયાન આવકનાં સ્થાનો કરતાં જાવકનાં સ્થાનો વધુ છે. જે લોકોને કામ કરવું છે તેવા લોકોને સરળતાથી કામ ન મળતા નાણાકીય કટોકટી સર્જાઈ શકે છે. આપના ગત જન્મોનાં કે પ્રવર્તમાન સમયનાં સારાં કર્મોને કારણે આર્થિક સંકડામણ અનુભવાશે નહીં. એકંદરે આર્થિક દૃષ્ટિકોણથી આ વર્ષે વધુ સાચવીને પગલાં ભરવાં.
(વાર્ષિક ભવિષ્યફળ રજૂ કરી રહ્યા છે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા. acharyajalpeshmehta@gmail.com)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.