વિક્રમ સંવત 2076નું વાર્ષિક રાશિફળ

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ ડેસ્કઃ વિક્રમ સંવત 2076 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આગામી વર્ષ તમારા માટે કેવું રહેશે, સ્વાસ્થ્ય, વ્યવસાય, નોકરી, પારિવારિક, આર્થિક વગેરે દ્રષ્ટિએ આવનારું વર્ષ તમારું કેવું રહેશે તેના વિશે અમે અહીં જણાવીશું. કારતક સુદ એકમથી શરૂ થતું ગુજરાતી બેસતું વર્ષ 28 ઓક્ટોબર 2019થી શરૂ થઈ રહ્યું છે જે આસો વદ, 14 નવેમ્બર 2020ના રોજ પૂર્ણ થશે. જાણો તમને નવું વર્ષ કેટલું ફળદાયી રહેશે?

શુભાશુભ તારીખોઃ-

માસસાનુકૂળ તારીખ

પ્રતિકૂળ તારીખ

નવેમ્બર1,2,3,11,15,17,21   5,7,9,12,18,29
ડિસેમ્બર3,5,6,9,12,15,19   4,8,11,13,18,20,21
જાન્યુઆરી5,7,9,12,16,21,26   6,8,10,13,20,23,24
ફેબ્રુઆરી7,9,12,16,20,24,28   2,5,10,21,26
માર્ચ9,11,15,21,27,28,30   4,12,14,17,18,22
એપ્રિલ11,13,18,21,25,27,29   6,7,8,17,20,23,26
મે13,15,21,22,26   1,6,8,9,17,25
જૂન15,17,24,26,28,30   1,4,6,9,13,21,25
જુલાઇ17,19,27,28   1,3,5,8,10,12,15
ઓગસ્ટ18,21,24,27,30   7,9,13,15,16,21,25
સપ્ટેમ્બર20,26,27,29,30   5,7,12,15,18,23
ઓક્ટોબર22,24,26,28,30   11,18,17,23,29

કર્ક રાશિના જાતકોએ કરવાના ઉપાયઃ-

 • રાશિનો મંત્ર : ઓમ્ શ્રી શ્રી શ્રો સ: ચંદ્ર્મસે નમઃ |
 • અનુકૂળ દેવતા : ભગવાન નારાયણ
 • અનુકૂળ વ્યવસાય : કેમિકલ, મિકેનિક, સફેદ વસ્તુમાં રોકાણ
 • અનુકૂળ રત્ન : ગોમેદ
 • અનુકૂળ ગ્રહ: મંગળ
 • શુભ રંગ : ભૂરો , આછો પીળો
 • શુભ અંક : 1
 • શુભ વાર : સોમ
 • શુભ દિશા : ઉત્તર, પૂર્વ
 • મિત્ર રાશિ : મેષ, કન્યા
 • શત્રુ રાશિ: મીન

1) સંપૂર્ણ વર્ષમાં કેટલો લાભ થશે?

દાંપત્યજીવનની દૃષ્ટિ એ આ વર્ષ ઠીક ઠીક પસાર થતું જણાશે.વર્ષનો પ્રારંભિક તબક્કો આપના માટે સારો જણાય. કુટુંબીજનોનો સાથ સહકાર મળે. કેટલીક વખત કામકાજને કારણે પત્ની મનોસ્થિતિ સમજી ન શકે,  જેના કારણે માનસિક નબળાઈનો અનુભવ થાય. જેમનું દાંપત્યજીવનનું પૂર્ણ થવાના આરે છે તેમને છૂટા પડવાનો યોગ બની રહે.વર્ષના અંતિમ ભાગમાં લગ્નજીવનમાં સુખદ પળોનો અનુભવ કરી શકાય. જે વ્યક્તિ લગ્ન માટે સારા પાત્રની શોધમાં છે તેમને થોડી રાહ જોવી પડે.

આરોગ્યની દૃષ્ટિએ સામાન્ય દોડધામ કરવી પડે પરંતુ એટલો વાંધો ન આવે. જે લોકો મેદસ્વી છે તે લોકોને પિત્ત સંબંધિત મુશ્કેલી સર્જાઈ શકે. કેટલીક વખત વાઇરલ ઇન્ફેકશન થવાથી લોહી સંબંધિત બીમારીનો સામનો કરવો પડે. આ વર્ષ દરમિયાન આરોગ્યની દૃષ્ટિએ સંપૂર્ણ સાવધાન રહેવું. આપના ઉત્સાહને કારણે પરિવાર સાથે પ્રવાસ અથવા તો નાની યાત્રા થઇ શકે છે. પ્રવાસ દરમિયાન આપનું સ્વાસ્થ્ય બગડે નહીં તેની કાળજી રાખવી.

સંતાનની દૃષ્ટિએ આપ જો પરણિત હો તો આ વર્ષે સંતાનની આશા ફળીભૂત થતી હોય તેમ જણાતું નથી પરંતુ જે લોકો ડોક્ટર કે આયુર્વેદિક માર્ગદર્શન લઇ રહ્યા છે તે લોકોને 4/5/2020 પછી લાભ થઇ શકે છે. સંતાનોનાં લગ્ન તેમજ આરોગ્યની ચિંતા આપના કાર્યમાં રુકાવટ લાવી શકે છે. આપે આપના અભ્યાસમાં રુચિ રાખવી. એન્જિનિયરિંગ તેમજ ટેક્નિકલ બાબતો સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ અભ્યાસમાં પૂરતું ધ્યાન રાખવું.

આ વર્ષે નોકરીમાં વધુ પડતા ઉતારચડાવ આવે. કેટલીક વખત એવું બને કે પોતાના ઉપરી અધિકારીની નારાજગીનો સામનો કરવો પડે. નોકરીમાં પ્રમોશન મળી શકે. આપ જે નોકરીની શોધમાં હો તે મળી શકે. સરકારી નોકરીના સ્વપ્ન વર્ષે પૂર્ણ ન થઇ શકે. ધંધામાં આ વર્ષે અસમંજસની  સ્થિતિ રહે. કરેલું રોકાણ આપને લાભ કરાવે, પરંતુ સાહસિક રોકાણ કરવું નહીં. વર્ષના મધ્ય ભાગ પછી નાણકીય લેવડદેવડને કારણે ભાગીદારો સાથે મનદુઃખ થઇ શકે છે.

સ્થાવર-જંગમ મિલકતમાં અા વર્ષ આપને ખૂબ લાભ કરાવે. જે મકાન કે દુકાન રોકાણ માટે લીધું હોય તેનું યોગ્ય વળતર પ્રાપ્ત થાય. જે પૈતૃક સંપત્તિમાં ભાગને કારણે મુશ્કેલી હોય તેવી જમીન આ વર્ષે છૂટી થતી જણાય. સ્થિર સંપત્તિમાં વધારો કરી શકાય. સોના અને ચાંદીમાં રોકાણથી આપને લાભ થઇ શકે છે ખેતી બજારમાં જો રોકાણ કર્યું હોય તો આ વર્ષે આપને લાભ થઇ શકે. એકંદરે એવું કહી શકાય કે આ વર્ષે ચલ-અચલ સંપત્તિમાં નિશ્ચિતરૂપે વધારો કરી શકાશે .

છઠ્ઠે શનિના ભ્રમણને કારણે આપના પર શત્રુઓ દ્વારા  પ્રપંચ થઇ શકે છે. શત્રુઓની વૃદ્ધિ આપના જીવનને અસ્થિર બનાવી શકે છે. કોઈ પણ કાર્યમાં શત્રુઓ દ્વારા વિક્ષેપ પડી શકે છે, જેને કારણે પ્રગતિ અટકતી હોય તેમ લાગે. કેટલાક જૂના કેસોમાં આપને ટૂંકા ગાળાની રાહત મળવાથી આપના આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. કેટલીક વખત વધુ પડતા આત્મવિશ્વાસને કારણે જાહેરમાં લડવા-ઝઘડવાને કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે. માટે જાહેરમાં કોઈ પણ પ્રકારનું કૃત્ય ન આચરવું.

આ વર્ષ દરમિયાન આપ શારીરિક-માનસિક મૂંઝવણ તેમજ વ્યગ્રતાનો અનુભવ કરી શકો. કેટલીક બાબતે ગેરસમજ ને કારણે વિવાદ થઇ શકે  છે. જૂના મિત્રોને આકસ્મિક મળવાથી લાભ થાય. સરકારી ક્ષેત્રોમાં જો કામ કરતા હો તો આપને લાભ થઇ શકે. ગળાં તેમજ આંખની સમસ્યાથી આ વર્ષે ચેતતું રહેવું પડે. પતિનો સહયોગ મળી રહેશે. સાસરી પક્ષમાં લોકોના સાત્વિક ચિંતનને કારણે આપનું માનપાન વધવાથી આપના ઉત્સાહમાં વધારો થઇ શકે.

વિક્રમ સંવત 2076 નું આ વર્ષ આપના માટે પ્રેમ સંબંધમાં નવો વળાંક લઇને આવે. જે પ્રિયતમાની શોધમાં હો તે જ પાત્ર મળવાથી આપના આનંદનો પાર ન રહે. આપ જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ નિસ્વાર્થ આપને પ્રેમ આપતી હોવાથી આપનું પ્રેમજીવન લગ્ન સંબંધમાં પરિણમી શકે છે. એકબીજાને આપેલાં વચનો પૂર્ણ થવાથી આનંદમાં વધારો થાય, પરંતુ પ્રેમમાં જો એકતરફી પ્રેમ હશે તો બીજી બાજુ તરફથી પ્રેમ પ્રાપ્ત થવો થોડો અઘરો બને.

વિદેશ યોગની દૃષ્ટિએ આ વર્ષ આપને ખૂબ લાભ અપાવી શકે. છેલ્લા કેટલાય સમયથી વિદેશ જવાના આપના પ્રયત્નો ફળીભૂત થઇ શકે. વિદેશ જવાનું સ્વપ્ન પૂર્ણ થતા આપનો ઉત્સાહ વધે. વિદ્યાર્થીબંધુઓ જે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં છે તેમને લાભ થઇ શકે. સપ્ટેમ્બર ઓક્ટોબર પછી વિદેશમાં વ્યવસાય કરતા લોકો માટે સારા રોકાણની તકો ઊભી થઇ શકે છે જે લોકો ગેરકાયદેસર રીતે વિદેશમાં રહે છે તે લોકોને માર્ચ પછી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.

કર્ક રાશિના મિત્રોને જીવનમાં સુખ-શાંતિ માટે દર મંગળવારે ભગવાન નારાયણનું સ્મરણ કરવું. યથાશક્તિ ઘી-ગોળ લોટના લાડુ બનાવી ભગવાનને અર્પણ કરવા. ત્યારબાદ બીજા દિવસે સૂર્યોદય સમય એક લાડુ ગાયને ખવડાવવો. એક લાડુ કીડીઓના દર પૂરવાં અને જો લાડુ બચે તો નાનાં બાળકોમાં વહેંચવા. નાનાં બાળકો સાથે કોઈ પણ વ્યક્તિ પ્રસાદ લઇ શકે. વહેતાં પાણીમાં સ્નાન કરી, તુલસીદલથી સત્યનારાયાણની કથાનું પૂજન, અર્ચન, શ્રવણ કરવું.

ગુરુ મહારાજ આપની રાશિથી છઠ્ઠા સ્થાને ભ્રમણ કરે છે, જેને કારણે આપનું રોગ સ્થાન પ્રભાવિત થાય છે. નાની નાની બીમારી રહ્યા કરે. ખાસ ચિંતા ન કરવી. બહુ બચત ન કરી શકાય.લોકો આપને છેતરવાનો પ્રયત્ન કરે પણ સમય જતા આપ સાવધાન રહી શકો. વર્ષના મધ્ય ભાગ પછી પરિસ્થિતિ સામાન્ય બનતી જણાય. ગુરુ આપને ભક્તિ માર્ગ તરફ દોરી જાય જે આપના માટે માટે શુભ ફળદાઈ બને. સરખી ઉંમરના લોકો સાથે સારો તાલમેળ રહે.

શનિ આપની રાશિથી છઠ્ઠા ભાવે ભ્રમણ કરશે જેથી વર્ષની શરૂઆતમાં આપને યાતનાનો સામનો કરવો પડે. આપને વારંવાર એવું લાગે કે દુ:ખનો પહાડ તમારા પર પડ્યો છે પણ આપના જે સંચિત કર્મો છે એનું ફળ આપને ભોગવવું પડે. નીતિ ક્યારેય છોડવી નહીં અને અસત્યનો માર્ગ ક્યારેય અપનાવવો નહીં. 24/1/2020 પછી પરિસ્થિતિમાં બદલાવ આવે. વિપરીત પરિસ્થિત સાનકૂળ થતી જણાય. ભાગીદારીમાં ધ્યાન રાખવું.

વિક્રમ સંવત 2076ના વર્ષનો રાહુ  મહદ્્ંશે લાભકારી બની શકે છે. સામાજિક ક્ષેત્રમાં માનહાનિ થઇ હોય તો આપને પાછું સન્માન મળેે. લોકો તમારા પર ભરોસો મૂકી શકે. કેટલાય નવા સંબંધો સ્થપાય. આનાથી લાભ થાય. જુલાઈ પછીનો સમય  થોડો સાવધાનીવાળો બને, જેમાં સાચવવું પડે. ખાસ કરીને ઉતાવળથી કોઈ પણ નિર્ણય ન લેવો. સમયસૂચકતા વાપરીને યોગ્ય સ્થાને વાણી અને નાણાંનો ઉપયોગ કરવો.

(વાર્ષિક ભવિષ્યફળ રજૂ કરી રહ્યા છે જ્યોતિષાચાર્ય ડૉ. જલ્પેશ મહેતા. acharyajalpeshmehta@gmail.com)

અન્ય સમાચારો પણ છે...