રશિયા-યુક્રેન યુદ્ધને 52 દિવસ વીતી ગયા છે. રશિયાના હુમલામાં યુક્રેનમાં સૈનિકોની સાથે અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. કિવ પોલીસના જણાવ્યા અનુસાર રાજધાનીમાં અત્યાર સુધીમાં 900 થી વધુ નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાંથી બૂચામાંથી 350થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ CNNને આપેલા નિવેદનમાં કહ્યું હતુ કે 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં યુક્રેનમાં લગભગ અઢીથી ત્રણ હજાર સૈનિકો શહીદ થયા છે, જ્યારે 10 હજારથી લોકો વધુ ઈજાગ્રસ્ત થયા છે.
બીજી તરફ કાળા સમુદ્રમાં યુદ્ધ જહાજ ડૂબી જવાની ઘટના બાદ રશિયાએ અમેરિકાને ચેતવણી આપી છે. રશિયાએ કહ્યું છે કે અમેરિકા યુક્રેનને હથિયાર આપવાનું બંધ કરે. જો આવું નહીં કરવામાં આવે તો અમેરિકાને એવા જોખમોનો સામનો કરવો પડી શકે છે, જેનો અંદાજ પણ ન લગાવી શકાય. આ બાબતે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે અમેરિકાને યુક્રેનનું સમર્થન કરતા કોઈ રોકી શકશે નહીં.
યુદ્ધ અપડેટ્સ…
ઝેલેન્સ્કીએ બાઈડનને અપીલ કરી- રશિયાને આતંકવાદને સ્પોન્સર કરનારો દેશ જાહેર કરો
વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે ફોન પર વાતચીત કરી હતી. ઝેલેન્સ્કીએ બાઈડેનને રશિયાને આતંકવાદને સ્પોન્સર કરનારો દેશ જાહેર કરવાની અપીલ કરી હતી. જો કે, બાઈડને આ અંગે કોઈ ખાતરી આપી ન હતી.
રશિયન સેનાની પીછેહઠ બાદ કિવમાં 900 થી વધુ નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે
રશિયાના હુમલાને લીધે યુક્રેનની રાજધાની કિવમાં અત્યારસુધીમાં 900થી વધારે લોકોનાં મોત થયાં છે. કિવ વિસ્તારના પોલીસ અધિકારી આંદ્રી નેબિટોવે આપેલી માહિતી પ્રમાણે, સૌથી વધારે નાગરિકોની હત્યા બુચામાં થઈ છે. કિવની ઉત્તર-પશ્ચિમ સ્થિત બુચામાં 350થી વધારે લોકોનાં મોત થયાં છે.
અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું- 2022ના અંત સુધી યુદ્ધ ચાલી શકે છે
સીએનએનના રિપોર્ટ અનુસાર અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે અમેરિકાનું માનવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ 2022ના અંત સુધી ચાલી શકે છે. CAN દ્વારા બે યુરોપિયન અધિકારીઓને ટાંકીને આ વાત કહેવામાં આવી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 50થી વધુ દિવસોનો સમય પસાર થઈ ચૂક્યો છે. રશિયા તરફથી જે સંકેત મળી રહ્યા છે એ વિશ્વ ખૂબ ભયાજનક સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું હોય એવું જણાય છે. રશિયાની સરકારી ટીવી ચેનલે કહ્યું છે કે યુક્રેન યુદ્ધમાં રશિયાનું જે વોરશિપ ડૂબ્યું છે એનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે.
વોરશિપ ડૂબ્યા બાદ યુક્રેને દાવો કર્યો હતો કે આ યુદ્ધ જહાજને એના દ્વારા ડુબાડવામાં આવ્યું છે. આ દાવા અંગે રશિયાના સરકારી ટીવી ચેનલ રશિયા-1ની પ્રેઝન્ટર ઓલ્ગા કાર્બેયેવાએ પોતાના પ્રોગ્રામમાં કહ્યું- યુક્રેનના દાવાને ખરો માનવામાં આવે તો એમ કહી શકાય છે કે આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. અમે નાટોની સામે લડી રહ્યા છીએ. મસ્કવા પરનો હુમલો પ્રત્યક્ષ રીતે રશિયા પર હુમલો છે. બીજી બાજુ, રશિયા તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જહાજ કોઈ હુમલામાં ડૂબ્યું નથી, પણ ટેક્નિકલ ખામી બાદ એમાં આગ લાગી હતી. રશિયાએ યુક્રેનના મિલિટરી બેઝનો નાશ કર્યો છે.
રશિયન ટીવીએ શું કહ્યું
રશિયાના સંરક્ષણમંત્રીએ ગુરુવારે મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું હતું કે યુક્રેનમાં સૈન્ય અભિયાન સમયે નુકસાનગ્રસ્ત થયા બાદ વોરશિપ મસ્કવા બ્લેક સીમાં ડૂબી ગયું છે. એના પરથી મિસાઈલો છોડવામાં આવતી હતી. વોરશિપ ડૂબ્યા બાદ યુક્રેને દાવો કર્યો હતો કે તેણે આ યુદ્ધ જહાજને ડુબાવ્યું છે. આ દાવા અંગે રશિયાની સરકારી ટીવી ચેનલ રશિયા-1ની પ્રેઝન્ટર ઓલ્ગા કાર્બેયેવાએ તેના કાર્યક્રમમાં કહ્યું- યુક્રેનના દાવાને સાચો માનવામાં આવે તો કહી શકાય કે આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. દરમિયાન મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ડૂબેલા વોરશિપમાં પરમાણુ હથિયાર પણ હતા.
રશિયાએ કહ્યું- યુરોપિયન મિશનોના સભ્યો દેશ છોડી દે
મોસ્કોએ કહ્યું હતું કે રશિયામાં રહેલા યુરોપીય સંઘનાં મિશનોના 18 સભ્ય તાત્કાલિક દેશ છોડી દે. રશિયાએ આ નિર્ણય યુરોપિયન યુનિયન તરફથી 19 રશિયન રાજદ્વારીઓને બેલ્જિયમથી બહાર જવા આદેશ આપ્યા બાદ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.