રશિયા-યુક્રેન યુદ્ધનો દસમો દિવસ LIVE:ઈઝરાયલના PM નફ્ટાલી બેનેટ ઓચિંતા જ મોસ્કો પહોંચ્યા, રશિયાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત શરૂ; યુદ્ધ વિરામની સંભાવના ઉજળી બની

7 મહિનો પહેલા
 • પુતિને કહ્યું- યુક્રેન નહીં સુધરે તો અસ્તિત્વ જોખમમાં મુકાશે
 • ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે રશિયન રોકેટ કિવમાં રાષ્ટ્રપતિ ભવનની બહાર પડ્યું હતું

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો 10મો દિવસ છે. રશિયાએ યુક્રેનનાં બે શહેરોમાં સીઝફાયરની જાહેરાત કરી છે. યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રશિયા તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અહીં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં નહીં આવે ત્યાં સુધી હુમલા કરવામાં આવશે નહીં. ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યે સીઝફાયર કરવામાં આવ્યું છે. જોકે, મારિયુપોલમાં હ્યુમન કોરિડોર થોડા કલાકો બાદ જ બંધ કરી દેવામાં આવ્યું છે.

યુક્રેનનો આરોપ છે કે રશિયા સીઝફાયરની શરતોનું પાલન નથી કરી રહ્યું. બીજી તરફ રશિયાએ ચીનને આશ્વાસન આપ્યું છે કે યુક્રેનમાં ફસાયેલા ચીની નાગરિકોને રશિયન સેના એરપોર્ટ પહોંચાડશે.બીજી બાજુ રશિયાની સરકારી વિમાની કંપની એરોફ્લોતે પોતાની તમામ ફ્લાઈટ્સની ઉડ્ડયન સેવા બંધ કરી છે.

ઈઝરાયલના PM નફ્ટાલી ઓચિંતા જ મોસ્કો પહોંચ્યા
ઈઝરાયલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટ શનિવારે ઓચિંત જ મોસ્કો પહોંચ્યા છે. તેમની સાથે ઈન્ટેલિજન્સ ચીફ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે વ્લાદિમીર પુતિન અને બેનેટ વચ્ચે વાતચીત ચાલી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમિર ઝેલેન્સ્કીએ બેનેટને મધ્યસ્થતા કરવા માટે અપીલ કરી હતી. ઈઝરાયલનું વલણ અત્યાર સુધી તટસ્થ રહ્યું છે. બેનેટ અંગે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પુતિનને સંપૂર્ણ યુદ્ધ વિરામ માટે તૈયાર કરી શકે છે.

રશિયાનું મોટું પગલું
પુતિન સરકારે શનિવારે સાંજે મોસ્કોથી એક સ્પેશિયલ ફ્લાઈટ વોશિંગ્ટન માટે રવાના કરી છે. આ ફ્લાઈટથી રશિયાના રાજદ્વારીઓને મોસ્કો પરત લાવવામાં આવી રહ્યા છે. રશિયાના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકા સાથે કોઈ જ પ્રકારની વાતચીત યોજાશે નહીં.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને શનિવારે રાતે કહ્યું કે લીડરશિપને તે સમજી લેવુ જોઈએ કે તેઓ જે કરી રહ્યા છે તે ચાલુ રાખશે તો એક દેશ તરીકે તેમનું બચવુ મુશ્કેલ બની જશે. તેના માટે તેઓ જ જવાબદાર રહેશે.

યુક્રેનની રાજધાની ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો કે યુક્રેનના સુરક્ષાદળોએ પોતાના જ દેશના એક વાર્તાકાર ડેનિસ કિરીવની દગાની શંકામાં હત્યા કરી દીધી છે. ડેનિસ કિરીવ રશિયા અને યુક્રેન વચ્ચે થયેલી બેઠકમાં સામેલ થયા હતા. ન્યૂઝ એજન્સીના દાવાને યુક્રેનના એક સાંસદ વેરખોવા રાદાએ સાચો ગણાવ્યો છે. જોકે સરકાર તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન બહાર આવ્યું નથી.

આ અગાઉ રશિયાએ UNSCની બેઠકમાં કહ્યું કે અમે યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશી નાગરિકોને નીકાળવા માટે તૈયાર છીએ. થોડા સમય પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુતિન જોડે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને રશિયાના રસ્તે રેસ્ક્યૂ કરવા પર ચર્ચા કરી હતી.

યુદ્ધનાં મહત્ત્વનાં અપડેટ્સ...

 • કિવ નજીક બુચામાં કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં એક યુવતી સહિત 2 લોકાનાં મોત થયાં છે.
 • ઇટાલીએ રશિયાની સૌથી ધનિક વ્યક્તિનું લક્ઝરી ક્રૂઝ જપ્ત કર્યું છે.
 • યુક્રેનમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીના મૃતદેહને લાવવાના પ્રયાસો ચાલુ, કર્ણાટકના મુખ્યમંત્રીએ વિદેશમંત્રી સાથે વાત કરી.
 • ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે રશિયન રોકેટ કિવમાં રાષ્ટ્રપતિ ભવનની બહાર પડ્યું હતું. તેણે કહ્યું હતું કે રશિયા ફરી નિશાન ચૂકી ગયું છે.
 • દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે યુક્રેનને મદદ કરવા માટે સીધા જ 60 લાખ ડોલરનું દાન આપવાનો નિર્ણય કર્યો છે. વધુમાં, 10 લાખ ડોલરના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પણ માનવતાવાદી સહાય તરીકે મોકલવામાં આવશે.
 • યુક્રેન પર રશિયાના હુમલા સતત તબાહી મચાવી રહ્યા છે. રશિયાની સેનાએ યુક્રેનના ઓડેસા શહેરમાં એક પુલ ઉડાવી દીધો છે.
 • યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેનને નો-ફ્લાય ઝોનમાંથી બહાર કાઢવાના NATOના નિર્ણયની નિંદા કરી છે.
 • યુક્રેનના પૂર્વ વડાપ્રધાન અઝારોવે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી કિવની મધ્યમાં આવેલા બંકરમાં હોઈ શકે છે. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ બંકર એટલું મજબૂત છે કે તેના પર પરમાણુ હુમલાની પણ કોઈ અસર નહીં થાય.
 • યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી યુએસ ડેમોક્રેટિક અને રિપબ્લિકન સેનેટરો સાથે વર્ચ્યુઅલ મીટિંગ્સ કરશે. મળતી માહિતી મુજબ આજે સાંજે 4.30 કલાકે બેઠક યોજાશે.
 • રશિયાએ શુક્રવારે યુક્રેનના શહેર મેરીયુપોલના એક રહેણાક એપાર્ટમેન્ટ પર મિસાઈલ છોડી હતી. જોકે ઘટના સમયે ઈમારતમાં કોઈ લોકો નહોતા. હુમલા બાદ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી.
 • ઝેલેન્સ્કીએ યુક્રેનને નો-ફ્લાય ઝોન ન બનાવવા બદલ નાટોની ટીકા કરી છે. નાટોના વિદેશમંત્રીઓની બેઠકમાં ઝેલેન્સ્કીનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો.
 • ફ્રાન્સે ઝેપોરિઝિઝ્યા ન્યૂક્લિયર પ્લાન્ટ પર રશિયન હુમલાની નિંદા કરી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદન બહાર પાડીને યુએનને તેની સુરક્ષા માટે વિશેષ સત્ર બોલાવવા વિનંતી કરી છે.
 • રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ સહિત ખાર્કિવ, મારીયુપોલ જેવાં શહેરોને ઘેરી લીધા છે. અહીં આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કાપ મૂકવામાં આવ્યો છે, જેને કારણે ફસાયેલા નાગરિકોની મુશ્કેલીઓ વધી છે.

રશિયાએ 500 થી વધુ મિસાઈલ હુમલા કર્યા
યુક્રેનના ધ કિવ ઈન્ડિપેન્ડન્ટના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે રશિયા તરફથી 500થી વધુ મિસાઈલો છોડવામાં આવી છે. પેન્ટાગોનના એક અધિકારીએ કહ્યું કે રશિયા દરરોજ લગભગ 24 મિસાઈલો છોડે છે. તે યુક્રેન વિરુદ્ધ તમામ પ્રકારની મિસાઈલોનો ઉપયોગ કરી રહ્યું છે.

રશિયાએ મારીયુપોલ શહેરમાં એક એપાર્ટમેન્ટ પર મિસાઇલ છોડી હતું, જેમાં એપાર્ટમેન્ટનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે બળી ગયો હતો.
રશિયાએ મારીયુપોલ શહેરમાં એક એપાર્ટમેન્ટ પર મિસાઇલ છોડી હતું, જેમાં એપાર્ટમેન્ટનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે બળી ગયો હતો.

ઝેલેન્સ્કીએ NATO પર પ્રહાર કર્યા
NATOએ યુક્રેનને નો-ફ્લાય ઝોન જાહેર કરવાની યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની અપીલને ફગાવી દીધી છે. માગનો અસ્વીકાર કરાયા બાદ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ NATO પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પશ્ચિમનું લશ્કરી જોડાણ યુક્રેનમાં થનારાં મૃત્યુ અને વિનાશ માટે જવાબદાર હશે. તેમણે એમ પણ કહ્યું કે NATOની નબળાઈ અને એકતાનો અભાવ મોસ્કોના હાથ સંપૂર્ણપણે ખોલી દેશે, જે રશિયાના હવાઈ હુમલાને વધુ તીવ્ર બનાવશે.

રશિયાએ સરકાર સમર્થિત કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવા માટે ફેસબુક અને ટ્વિટર પર કાર્યવાહી કરી છે.
રશિયાએ સરકાર સમર્થિત કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવા માટે ફેસબુક અને ટ્વિટર પર કાર્યવાહી કરી છે.

રશિયા દ્વારા યુક્રેનમાં ભયાનક હુમલા થઈ રહ્યા છે
સતત દસ દિવસથી રશિયા દ્વારા યુક્રેનમાં ભયાનક હુમલા થઈ રહ્યા છે. લોજિસ્ટિક્સ સમસ્યાઓના કારણે રશિયન સેના ધાર્યા સમયમાં યુક્રેન પર કબજો કરી શકી નહીં, પણ રશિયાના હવાઈહુમલા ઘાતક રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ પોતાની આકરી છતાં ભાવુક સ્પીચમાં આ માટે નાટોને જવાબદાર ગણાવ્યું હતું. ઝેલેન્સ્કીએ કહ્યું, ‘નાટોએ યુક્રેનના આકાશને નો-ફ્લાય ઝોન જાહેર કરવાનો ઈનકાર કરતાં રશિયાને ભયાનક હવાઈહુમલા કરવા માટે છૂટો દોર મળી ગયો છે. આજના દિવસથી હવે પછી જેટલા લોકો મોતને ભેટશે એ તમારી નબળાઈને કારણે, તમારા કારણે મોતને ભેટશે.’

ઝેલેન્સ્કીરએ ભૂતકાળની વાત પણ યાદ કરાવી અને કહ્યું હતું કે સોવિયેત યુગમાં જ્યારે પરમાણુ શસ્ત્રો વિથડ્રો કર્યા ત્યારે યુક્રેનને 1994માં સુરક્ષા અંગે ખાતરી આપવામાં આવી હતી, પરંતુ આજે એનો અર્થ ન રહ્યો હોય એવું પ્રતીત થાય છે.

રશિયાએ ફેસબુક-ટ્વિટર બ્લોક કર્યાં
યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયાએ ફેસબુક બ્લોક કર્યા પછી ટ્વિટર પણ બ્લોક કર્યુ છે. યુક્રેન પરના હુમલા પછી રશિયાના સ્ટેટ કમ્યુનિકેશન વૉચડોગ દ્વારા ફેસબુક બાદ હવે ટ્વિટરને બ્લોક કરી દેવાયું છે. એજન્સી રોસ્કોમ્નાદ્ઝોરે કહ્યું હતું કે રશિયન પ્રોસિક્યુટર જનરલના કાર્યાલયના નિર્ણય પછી ટ્વિટર બ્લોક કરવામાં આવ્યું છે.

રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને એક સપ્તાહ કરતાં વધારે સમય પસાર થઈ ચુક્યો છે, પણ યુક્રેન ઝૂકવા તૈયાર નથી તો રશિયા એની ઉપર કરવામાં આવી રહેલા જીવલેણ હુમલાને અટકાવવા તૈયાર નથી. તો બીજી બાજુ વિશ્વ સમુદાયની વિવિધ સંસ્થાઓ સતત એક યા બીજા કારણોથી બેઠકો યોજી રહી છે, પણ કોઈ જ શાંતિપૂર્ણ ઉકેલ મેળવવામાં સફળતા મેળવી શકી નથી. આ તમામ પરિસ્થિતિમાં યુક્રેનની પ્રજાએ ભારે ખુવારીનો સામનો કરવો પડી રહ્યો છે.

દરમિયાન રશિયાએ યુક્રેનનાં અનેક શહેરો પર પોતાનો કબજો જમાવી લીધો છે. ઝેપોરિઝિઝ્યામાં પરમાણું સંયંત્ર પર પણ રશિયન સેનાએ હુમલો કરી પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે, જે યુરોપનું સૌથી મોટું પરમાણું સંયંત્ર માનવામાં આવે છે. આ ઉપરાંત યુક્રેનમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવાના આરોપ માટે સ્વતંત્ર પંચની રચના કરવા અંગે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર પરિષદમાં મતદાન યોજાયું છે. ભારતે આ મતદાનમાં ભાગ લીધો ન હતો.

પોલેન્ડે સ્પેનિશ પત્રકારની ધરપકડ કરી
પોલેન્ડમાં સુરક્ષા દળોએ સ્પેનિશ પત્રકાર પાબ્લો ગોન્ઝાલેઝની રશિયા વતી જાસૂસી કરવાની શંકામાં ધરપકડ કરી છે. આ કેસમાં તેને 10 વર્ષ સુધી જેલમાં રહેવું પડી શકે છે. પત્રકારની પત્ની ઓહાના ગોહરીનાએ રોઇટર્સને જણાવ્યું હતું કે પોલીસે શુક્રવારે તેની ધરપકડ કરી અને તેને જેલમાં કેદ કર્યા છે. પોલેન્ડ યુક્રેનનો સરહદી દેશ છે અને ત્યાં લાખો યુક્રેનિયનોએ યુદ્ધને કારણે આશ્રય લીધો છે.

રશિયા સામે માઈક્રોસોફ્ટની મોટી જાહેરાત
અગ્રણી ટેકનોલોજી કંપની માઈક્રોસોફ્ટે કહ્યું હતું કે તે રશિયામાં પોતાનાં ઉત્પાદનો અને સેવાઓના નવા વેચાણને રદ કરી રહી છે. આ અગાઉ નાઈકી, એપલ, H&M તથા આઈકિયા જેવી અનેક કંપનીઓએ પણ યુક્રેન પર રશિયાના હુમલાને લીધે આ પ્રકારનાં પગલાં ભર્યાં છે. નવા વેચાણને રદ કરવા ઉપરાંત માઈક્રોસોફ્ટે કહ્યું હતું કે અમે અમેરિકાના પ્રતિબંધોનું પાલન કરવામાં રશિયામાં પોતાના વ્યાપારને લગતી અનેક બાબતોને અટકાવી દીધી છે.

શાળાઓ પર થઈ રહ્યા છે હુમલા
રશિયાના ફાઈટર જેટ્સે તમામ અપીલોને નજરઅંદાજ કરીને શાળાઓ પર પોતાના હુમલા બંધ કર્યા નથી. ઝાયટોમિરમાં એક મિડલ સ્કૂલ પર હુમલો થયો હતો. શાળાની ઈમાતર તૂટી ગઈ હતી. આ અગાઉ શાળાના મેદાનમાં પણ મિસાઈલ છોડવામાં આવી હતી. શાળા બંધ હતી, જેને લીધે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી. અત્યારસુધીમાં ચાર શાળાને રશિયાને તોડી નાખી છે.