યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે પંજાબના બરનાલાના વિદ્યાર્થી ચંદન જિંદલનું બ્રેઈન હેમરેજને લીધે મોત થયું છે. 2 ફેબ્રુઆરીની રાત્રે ચંદન બ્રેઈન હેમરેજ અને હાર્ટ એટેક બાદ કોમામાં આવી ગયો હતો અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચંદનના પરિવારને ભારત સરકાર સમક્ષ મૃતદેહને પરત દેશમાં લાવવાની માગ કરી છે.
બરનાલાની સરકારી હોસ્પિટલના ફાર્મસિસ્ટ શિષન જિંદલના દીકરા ચંદન વર્ષ 2018માં MBBSના અભ્યાસ માટે યુક્રેન ગયો હતો. ચંદન ત્યાં વિનિસ્તિયા શહેરમાં નેશનલ પાઈરોગોવ મેમોરિયલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્સાય કરતો હતો. 2 ફેબ્રુઆરીની રાત્રે તેને ઓચિંતા જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેને પગલે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરે 4 ફેબ્રુઆરીના રોજ તેનું ઓપરેશન કરાયું હતું. પણ તે કોમામાં જતો રહ્યો હતો અને બુધવારે તેનું મૃત્યુ થયું હતું.
દીકરાની કાળજી લેવા માટે પિતા અને કાકા યુક્રેન પહોંચ્યા હતા
કેટલાક દીવસ અગાઉ દીકરા ચંદનની દેખરેખ માટે પિતા શિષન અને કાકા કુષ્ણ કુમાર યુક્રેન ગયા હતા. ત્યારપછીના બે દિવસ બાદ યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી, તેને કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા હતા. બે દિવસ અગાઉ કાકા કુષ્ણ કુમાર બરનાલા પરત ફર્યાં હતા. ચંદનના પિતા ત્યાં ફસાયેલા છે. દીકરાના મોત બાદ પિતાની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે. આ સમાચાર સાંભળીને માતા કિરણ તથા અન્ય પરિવાર પણ ખૂબ જ રડી રહ્યા છે.
અધિકારીઓએ મદદ ન કરી, વિદ્યાર્થીઓ તરફથી સહકાર મળ્યો
યુક્રેનથી પરત આવેલા ચંદનના કાકા કૃષ્ણ કુમારે ભારત પરત ફરતી વખતે જે તકલીફ પડી તે અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે 2 ફેબ્રુઆરીના રોજ માહિતી મળી હતી કે ચંદનની સ્થિતિ ગંભીર છે અને તાત્કાલિક ઓપરેશનની જરૂર પડશે. પરિવારને મોબાઈલ ફોન પર ઓપરેશન માટે મંજૂરી આપી હતી અને ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ ચંદનના પિતા શિષન જિંદલ સાથે તેમના દીકરાની દેખરેખ માટે યુક્રેન ગયા. તે સમયે યુક્રેનની સ્થિતિ સામાન્ય હતી અને રાજધાનીના એરપોર્ટ પર ઉતરી સીધા જ હોસ્પિટલ પહોંચ્યા હતા.
કુષ્ણ કુમારે જણાવ્યું કે ભારતીય દૂતાવાસના અધિકારીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પણ તેમના તરફથી કોઈ જ મદદ મળી ન હતી. પણ ત્યાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તરફથી તેમને ઘણી મદદ મળી હતી. અમે યુક્રેનના વિનીસિયા સ્ટેટમાં હતા,જ્યાં યુદ્ધની વધારે અસર ન હતી. ત્યા તમામ પ્રકારની સુવિધાઓ અને સારવાર મળી રહી હતી. ત્યારબાદ ભાઈ અને ચંદનના પિતાએ નક્કી કર્યું કે એક વ્યક્તિ ઘરે પરત જાય તો તેઓ સ્વદેશ પરત ફર્યાં.
ભારત પરત ફરતી વખતે વધારે મુશ્કેલી
કૃષ્ણકુમારે કહ્યું કે તેમણે ભારત પરત ફરતી વખતે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરત ફરતી વખતે રોમાનિયાથી ભારત પહોંચ્યા હતા. વિનીસિયા શહેરથી 46 અન્ય વિદ્યરાથીઓ સાથે 47 હજાર યુક્રેનિયન ચલણ આપી એક ગાડીમાં બોર્ડર સુધી પહોંચ્યા હતા. બોર્ડર સુધી પહોંચવા માટે 10થી 12 કિમી ચાલવું પડ્યું હતું. રોમાનિયાની સરહદ પર સ્થિતિ સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.