યુક્રેનના રાષ્ટ્રપતિના શાબ્દિક પ્રહાર:વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું- રશિયાના માત્ર ચાર દોસ્ત, તાનાશાહી વધુ દિવસ સુધી નહિ ચાલે

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • 9 હજાર રશિયન સૈનિકોના મોતનો દાવો
  • દુશ્મન વર્ષોથી યોજના બનાવી રહ્યું હતું, અમે એક સપ્તાહમાં નિષ્ફળ બનાવી

યુક્રેન-રશિયાના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયા સતત યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયા પર શાબ્દિક પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે રશિયાના માત્ર ચાર જ મિત્ર છે, એમાં ઉત્તર કોરિયા, ઈરિટ્રિયા, સિરિયા અને બેલારુસ સામેલ છે. તાનાશાહી વધુ દિવસ સુધી નહિ ચાલે. ઉલ્લેખનીય છે કે આ ચાર દેશે સંયુક્ત રાષ્ટ્ર મહાસાભામાં રશિયાની વિરુદ્ધ આવેલા પ્રસ્તાવમાં રશિયાના પક્ષમાં વોટ કર્યો હતો. આ પ્રસ્તાવમાં યુક્રેનમાંથી રશિયાની આર્મીને કાઢવાની વાત કહેવામાં આવી હતી.

યુક્રેને વર્ષોથી બનાવેલા પ્લાનને એક સપ્તાહમાં જ નિષ્ફળ કર્યોઃ ઝેલેન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ મોડી રાતે ટેલિગ્રામ મેસેજિંગ સર્વિસ પર પણ વીડિયો પોસ્ટ કરીને રશિયા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે યુક્રેન એક સપ્તાહમાં જ દુશ્મનની વર્ષોની ડરપોક યોજનાઓને તોડવામાં સફળ રહ્યું છે. અમે એવો દેશ છે, જેણે એક સપ્તાહમાં જ દુશ્મનોની યોજનાઓને નિષ્ફળ કરી દીધી છે. આ પ્લાન વર્ષોથી તૈયાર કરવામાં આવ્યો હતો. જે અમારા દેશ અને નાગરિકો પ્રત્યેની નફરતથી ભરેલો હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે દરેક કબજો કરનારને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે તેને યુક્રેનિયનથી ભયંકર ટક્કર મળશે. તે એને હમેશાં યાદ રાખશે. અમે હાર માનીશું નહિ. અમે એ લોકો છીએ, જેમણે દુશ્મનોની યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી.

હવે તેમનું મનોબળ ભાંગી રહ્યું છે, તેઓ ઘરે પરત ફરવા માગે છે
ઝેલેન્સ્કીએ રશિયાના સૈનિકો પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું હતું કે તેમનું મનોબળ ભાંગી રહ્યું છે. તેઓ ઘરે જવા માટે ભાગી રહ્યા છે. હું ઈમાનદારીથી યુક્રેનિયનની પ્રશંસા કરું છું. જે ખાલી હાથે પણ બહાર નીકળે છે અને પોતાનાં શહેરો પર કબજો કરનારને ભગાડે છે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે એક સપ્તાહમાં લગભગ 9000 રશિયન મૃત્યુ પામ્યા છે. બીજી તરફ રશિયાએ હુમલાની શરૂઆત પછી પ્રથમ વખત મૃત્યુ પામનારાની સંખ્યાની જાહેરાત કરતાં કહ્યું હતું કે તેના 498 સૈનિક મૃત્યુ પામ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ પણ નમે એવું લાગી રહ્યું નથી. તેમણે લોકોને સંબોધતાં કહ્યું હતું કે તમામ ઘૂસણખોરોએ સમજવું જોઈએ કે તેમને અહીં કંઈ જ મળશે નહિ. રશિયા ગમે તેટલા સૈનિક કેમ ન લગાવી દે, અમે નમવાના નથી. અમારો દુશ્મન હારીને જ જશે.

ઉત્તર કોરિયા, ઈરિટ્રિયા, સિરિયા, બેલારુસ અને રશિયાએ પ્રસ્તાવની વિરુદ્ધ મત આપ્યો હતો.
ઉત્તર કોરિયા, ઈરિટ્રિયા, સિરિયા, બેલારુસ અને રશિયાએ પ્રસ્તાવની વિરુદ્ધ મત આપ્યો હતો.

ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં લાવવામાં આવેલા પ્રસ્તાવનું સ્વાગત કર્યું
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવ પર વોટિંગ થયા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક ટ્વીટ કરતાં કહ્યું હતું કે હું રશિયા સંઘના આ વિશ્વાસઘાતી હુમલાને તાત્કાલિક રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં લાવવામાં આવેલા પ્રસ્તાવ પર અભૂતપૂર્વ બહુમતીનું સ્વાગત કરું છું. ઝેલેન્સ્કીએ વધુમાં કહ્યું હતું કે હું એ તમામનો આભારી છું, જેમણે આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું છે.

ઝેલેન્સ્કીએ પુતિનને યુદ્ધનો અપરાધી ગણાવ્યો
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિને યુદ્ધનો અપરાધી ગણાવ્યો છે. ઝેલેન્સ્કીએ ભાષણ સમાપ્ત થયા પછી મુઠ્ઠી બાંધીને યુક્રેનને બચાવવાના પોતાના અટલ સંકલ્પનો સંદેશ આપ્યો. એ પછી ઈયુના તમામ સાંસદોએ લગભગ પાંચ મિનિટ સુધી તાળી વગાડીને આ સાહસને પ્રોત્સાહન આપ્યું.

અન્ય સમાચારો પણ છે...