યુક્રેન પરના હુમલા વચ્ચે આજે UNGAમાં રશિયા વિરૂદ્ધ નિંદા પ્રસ્તાવ પાસ થયો છે. રશિયા વિરૂદ્ધ 141 મત પડ્યા જ્યારે રશિયાના સમર્થનમાં માત્ર 5 જ મત પડ્યા. તો ભારત સહિત 35 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. રશિયાના સમર્થનમાં મત આપનારાઓ દેશ છે- રશિયા, બેલારુસ, નોર્થ કોરિયા, ઈરીટ્રિયા અને સીરિયા. ગેરહાજર રહેનારા દેશોમાં ભારત, પાકિસ્તાન, ચીન, ઈરાક અને ઈરાન સામેલ છે.
યુક્રેન પર રશિયનો હુમલો બુધવારે સાતમાં દિવસથી પણ યથાવત છે. ખાર્કિવ સહિત અનેક મુખ્ય શહેરોમાં સતત હુમલાઓ થઈ રહ્યાં છે. અહીં 24 કલાકમાં થયેલાં હુમલાઓમાં 21 લોકો માર્યા ગયા, 112 ઘાયલ થઈ ગયા. આજે સવારે રશિયન પેરાટૂપર્સે ખાર્કિવમાં એક હોસ્પિટલમાં હુમલો કર્યો. તો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમિર ઝેલેન્સ્કીએ દાવો કર્યો કે જંગમાં અત્યાર સુધીમાં 6000 રશિયન સૈનિકો માર્યા ગયા છે.યુક્રેનમાં ડિફેન્સ મિનિસ્ટ્રીએ બુધવારે રાત્રે કહ્યું- રશિયના અનેક સૈનિક અમારા કબજામાં છે. તેમને જન્મ આપનારી માતાઓ આવીને તેમને લઈ જઈ શકે છે. મંગળવારે આ સૈનિકોની સંખ્યા 60 જણાવવામાં આવી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને બુધવારે રાત્રેકહ્યું- યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમિર ઝેલેન્સ્કી ઈચ્છે તો અમે તેમને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢી લઈશું. તેમની મરજી છે, તેઓ ઈચ્છે તો યુક્રેન છોડી દે કે પછી ત્યાં જ રહે. અમે તેમની દરેક પ્રકારની મદદ કરવા તૈયાર છીએ. બાઇડેનનું નિવેદન ઘણું જ મહત્વનું છે, કેમકે સોમવારે CNNએ દાવો કર્યો હતો કે CIAની સ્પેશિયલ યુનિટ કોઈ પણ સમયે ઝેલેન્સ્કીને એરલિફ્ટ કરી લેશે.
મીડિયા રિપોટ્સ મુજબ, વડાપ્રધાન મોદીએ થોડી વાર પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે વાતચીત કરી. યુદ્ધ શરૂ થયા પછી બંને નેતાઓએ આ બીજી વખત વાતચીત કરી. માનવામાં આવે છે કે આ દરમિયાન ભારતીય લોકોને સુરક્ષિત રીતે પાછા લાવવા અંગે ચર્ચા થઈ.
સતત બીજા દિવસે ભારતીય વિદ્યાર્થીનું મોત થયું
યુક્રેન સામે રશિયાનું આક્રમણ બુધવારે સાતમા દિવસે પણ ચાલી રહ્યું છે. જેનો ડર હતો એ જ થઈ રહ્યું છે, યુક્રેનમાં સતત બીજા દિવસે ભારતીય વિદ્યાર્થીના મોતના સમાચાર છે. યુક્રેનમાં અભ્સાસ કરી રહેલા મૂળ પંજાબના વિદ્યાર્થી ચંદન જિંદાલનું યુક્રેનમાં બ્રેન-સ્ટ્રોકને કારણે મોત થયું છે.
મળતી માહિતી મુજબ ચંદન 2 ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં દાખલ હતો અને તેને વધુ સારવારની જરુર હતી, પરંતુ યુક્રેન-રશિયાના યુદ્ધને કારણે તેને વધુ સારવાર મળી ન શકી અને તેનું મોત થયું છે. ખાર્કિવ શહેરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રશિયન સેનાએ ખાર્કિવ શહેરમાં ક્રુઝ મિસાઈલ વડે હુમલો કરી એક કાઉન્સિલની બિલ્ડિંગ ધરાશાયી કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે હવે થોડી જ મિનીટોમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી શકે છે. યુદ્ધ થયા બાદ બંને નેતાઓ વચ્ચે આ બીજી વાતચીત થશે. આ દરમિયાન ભારતીય લોકોના સુરક્ષિત પરત ફરવા મુદ્દે ફોકસ રહેશે.
યુક્રેનનો દાવોઃ રશિયાના બે ફાઈટર જેટ્સ તોડી પાડ્યાં
ન્યૂઝ એજન્સી પ્રમાણે, યુક્રેન યુદ્ધમાં રશિયાને મોટા-મોટા ફટકા પડી રહ્યા છે. યુક્રેનના બે મિગ-29એ બે સુખોઈ-35 ફાઈટર જેટ્સને ક્રેશ કર્યા છે. જોકે પછીથી યુક્રેનનું એક મિગ 29 પણ ક્રેશ થયુ હતું. ટેક્નોલોજી પ્રમાણે વિમાનો વચ્ચે થનારા આ યુદ્ધને ડોગફાઈટ કહેવામાં આવે છે. બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કન્ફર્મ કર્યું છે કે પોલેન્ડમાં રશિયા અને યુક્રેનના ઓફિસરોની વાતચીત ટૂંક સમયમાં શરુ થવાની છે. પહેલી બેઠક સોમવારે થઈ હતી.
રશિયાએ આપી ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી
બુધવારે, રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે સંકેત આપતાં ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી આપી હતી. તેમણે કહ્યું- જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એનાં પરિણામો ખૂબ જ ભયાનક આવશે. અને એમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ ખુલ્લેઆમ થશે. અમે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે યુક્રેનને પરમાણુ હથિયારો મેળવવાની મંજૂરી આપીશું નહીં. જે યુદ્ધ ચાલી રહ્યું છે એના માટે અમેરિકા અને પશ્ચિમી દેશો જવાબદાર છે. તેમણે રશિયાને આપેલાં વચનો પૂરાં કર્યાં નથી. યુક્રેન શરૂઆતથી જ અમેરિકાના ઈશારે ચાલી રહ્યું છે.
હવે રશિયા હલકટાઈ પર ઊતરી આવ્યું છે. રશિયાની આર્મીએ ખાર્કિવમાં આડેધડ હુમલા શરૂ કર્યા છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયાની સેનાએ યુક્રેનના ઝાયટોમીરમાં પ્રસૂતિગૃહ પર હુમલો કરીને એને સળગાવ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રાલય દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. એમાં લખ્યું છે કે રશિયન સેનાએ ઝાયટોમીરમાં એક પ્રસૂતિગૃહ પર હુમલો કરીને નષ્ટ કરી દીધું છે. રશિયાની સેનાના પ્રસૂતિગૃહ પરના હુમલા બાબતે યુક્રેને કહ્યું કે આ નરસંહાર નથી તો શું છે? રશિયા યુનિવર્સિટીઓ અને રહેણાક વિસ્તારોમાં પણ હુમલા કરી રહ્યું છે.
રાજધાની કિવ અને ખાર્કિવ સહિત અનેક મોટાં શહેરોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. રશિયાના પેરાટ્રૂપર્સે ખાર્કિવમાં હોસ્પિટલ પર હુમલો કર્યો છે. યુક્રેનની સેનાએ જણાવ્યું હતું કે રશિયાની એરફોર્સના સૈનિકો ખાર્કિવમાં ઊતર્યા છે અને સ્થાનિક હોસ્પિટલ પર હુમલો કર્યો છે. રશિયાની સેનાએ ખેરસોન શહેર પર કબજો કર્યો છે.
છ દિવસમાં 6 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા- ઝેલેન્સ્કી
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે યુક્રેનની સેનાએ છ દિવસમાં 6 હજારથી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે.
અપડેટ્સ...
યુક્રેનનો દાવો- રશિયાની સેનાએ મેટરનિટી હોમને સળગાવ્યું, યુક્રેને કહ્યું- શું આ નરસંહાર નથી?
યુક્રેનના વિદેશ મંત્રાલય દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. એમાં લખ્યું છે કે રશિયન સેનાએ ઝાયટોમીરમાં એક પ્રસૂતિગૃહ પર હુમલો કરીને નષ્ટ કરી દીધું છે. રશિયાની સેનાના પ્રસૂતિગૃહ પરના હુમલા બાબતે યુક્રેને કહ્યું કે આ નરસંહાર નથી તો શું છે?
ખાર્કિવમાં રશિયાના બોમ્બવિસ્ફોટમાં 21નાં મોત
યુક્રેનના ખાર્કિવ શહેરમાં રશિયન હુમલા ચાલુ છે. શહેરના ગવર્નરે દાવો કર્યો છે કે આ હવાઈહુમલામાં 21 લોકોનાં મોત થયાં છે, જ્યારે 112 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત ખાર્કિવમાં મિલિટરી એકેડમી પર પણ રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઇમારત પર ભીષણ આગ લાગી હતી. યુક્રેનના ગૃહ મંત્રાલયના સલાહકાર દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે, આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે પોલીસ વિભાગની ઇમારત પર રશિયાની સેનાનો હુમલો થયો હતો.
રશિયાના પેરાટ્રૂપર્સે ખાર્કિવમાં હોસ્પિટલ પર હુમલો કર્યો છે
રશિયામાં સામાન્ય જનતા પરેશાન, ATM, બેંકો ઠપ, રૂપિયા ઉપાડવા માટે ATM પર લોકોની લાંબી લાઈનો
રશિયાની આક્રમકતાને જોતા અમેરિકા સહિત લગભગ તમામ પશ્ચિમી દેશોએ રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે. રશિયન બેંકો પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે, જેને કારણે તેમના ગ્રાહકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડોલર સામે રશિયન ચલણ રુબલમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
રશિયન ચલણમાં ઘટાડાને કારણે સામાન્ય લોકોની બચતને અસર થઈ છે, જેને કારણે ભયભીત થઈને નાગરિકોમાં રૂપિયા ઉપાડવા માટેની અફરાતફરી મચી છે. ATM પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
સાત લાખથી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું
કિવ પર કબજો મેળવવાના યુદ્ધમાં યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકોની હિજરત થઈ રહી છે. એક અહેવાલ અનુસાર, અત્યારસુધીમાં સાત લાખથી વધુ લોકો યુક્રેન છોડીને પડોશી દેશોમાં આશરો લીધો છે. આ સંખ્યા હજુ પણ વધી શકે છે.
UNHRCના 100 ડિપ્લોમેટ્સે રશિયાના વિદેશમંત્રીનો બહિષ્કાર કર્યો
સૈન્ય કાર્યવાહી સિવાય યુએનમાં રશિયાને શરમજનક અવસ્થાનો સામનો કરવો પડ્યો છે. મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં જેવા રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે બોલવાનું શરૂ કર્યું ત્યારે લગભગ 100 ડિપ્લોમેટ્સે ગૃહમાંથી વોકઆઉટ કર્યું, જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયન વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરવા આદેશ આપ્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સંબોધન કર્યું હતું
યુક્રેન સામે રશિયાનું યુદ્ધના સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યુએસ કોંગ્રેસમાં સ્ટેટ ઓફ ધ યુનિયન (SOTU)ને સંબોધન કર્યું હતું. સંબોધનમાં બાઈડને કહ્યું- જે રીતે રશિયા યુક્રેન પર હુમલો કરી રહ્યું છે એ વિશ્વ શાંતિ માટે ખતરો છે. અમેરિકા યુક્રેનની સાથે છે. પુતિને યુક્રેન પર હુમલો કરીને ખોટું પગલું ભર્યું છે. પુતિનને લાગ્યું કે પશ્ચિમી દેશો અને નાટો પ્રતિક્રિયા નહીં આપે. અમે સાથે છીએ અને સાથે જ રહીશું. યુક્રેન રશિયાનાં જૂઠાણાંનો સામનો સત્ય સાથે કરી રહ્યું છે. અમેરિકાની સૈન્ય રશિયા સાથે ટકરાશે નહીં, પરંતુ રશિયાને મનમરજી મુજબ કરવા નહીં દઈએ.
જો બાઈડનના સંબોધનની મોટી વાતો...
આ પહેલાં મંગળવારે રાત્રે રશિયન દળો રાજધાની કિવના ટીવી ટાવર પર મિસાઈલ હુમલો હતો. આ હુમલામાં 5 લોકોનાં મોત થયાં હતાં. રશિયાએ યહૂદીઓના નરસંહારની યાદમાં બનાવવામાં આવેલા બેબીન યાર હોલોકોસ્ટ મેમોરિયલ સેન્ટર પર પણ હવાઈહુમલો કર્યો હતો.
ઈન્ફોગ્રાફિક પરથી સમજો કે યુક્રેનના 6 લાખ શરણાર્થીઓમાંથી કેટલા લોકો કયા દેશમાં પહોંચ્યા
રશિયન સેનાએ મંગળવારે રાત્રે ખાર્કિવ અને કિવ વચ્ચે આવેલા ઓખ્તિરકા શહેરમાં આવેલા મિલિટરી બેઝ પર હુમલો કર્યો. આ હુમલામાં 70 યુક્રેની સૈનિકો માર્યા ગયા છે. તો રશિયન ફોર્સે કિવ, ખાર્કિવ અને ચેર્નિહિવમાં આર્ટિલરી (તોપ)થી હુમલા વધાર્યા છે અને રહેણાક વિસ્તારને નિશાન બનાવી રહ્યા છે. કિવના મુખ્ય માર્ગો પર હુમલાઓ થઈ રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ છે, લોકો પોતાનો જીવ બચાવવા પોતાની ગાડીઓ મૂકીને ભાગી રહ્યા છે. આજે મોડી રાત સુધીમાં હજુ ભયાનક હુમલા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કિવની ભારતીય એમ્બેસીને બંધ કરવામાં આવી છે. મીડિયા રિપોટ્સ મુજબ યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીતનો બીજો તબક્કો આજે પોલેન્ડમાં થશે. જોકે એનો સમય નથી જણાવવામાં આવ્યો.
મંગળવારે રાત્રે રશિયાએ કિવમાં ટીવી ટાવર્સ અને ખાર્કિવમાં સામાન્ય લોકોને નિશાન બનાવ્યા. ખાર્કિવ એરસ્ટ્રાઈકમાં 8 લોકોનાં મોત થયા છે. કિવના ટીવી ટાવર્સ પર મિસાઈલ અટેક કર્યો છે. અહીં 5 લોકોનાં મોત નીપજ્યાં છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ EU પાર્લમેન્ટમાં ભાષણ આપ્યું. તેમને કહ્યું- અમે અમારા અસ્તિત્વ માટે યુદ્ધ લડી રહ્યા છીએ.
ઝેલેન્સ્કીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન સાથે વાત કરી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે વાત કરી છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા વિરોધ પ્રતિબંધો અને યુક્રેનને રક્ષા સહાયતાને લઈને અમેરિકી નેતૃત્વની સાથે ચર્ચા કરી. અમારે આ આક્રમકતા જેમ બને તેમ ઝડપથી રોકવી પડશે.
કિવના લોકોને રશિયાએ આપી ચેતવણી
રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસના જણાવ્યા મુજબ, રશિયાના રક્ષા મંત્રાલયે કિવના લોકોને ઘર છોડવાની ચેતવણી આપી છે. રશિયા હવે યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે.નિષ્ણાતોનું કહેવું છે કે રશિયા મંગળવારની રાત્રે યુક્રેન પર મોટો હુમલો કરી શકે છે. કિવને રશિયાના સૈનિકોએ ઘેરી લીધું છે. આ તરફ કિવે પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે લોકો બહાર નીકળી જાય, નહીંતર આગળની સ્થિતિ માટે યુક્રેન જવાબદાર નહીં હોય.
રશિયાની બીજી મોટી બેંક પર કાર્યવાહી કરશે EU
યુરોપિયન સંઘ રશિયાની બીજી સૌથી મોટી બેંક વીટીબી સહિત તેમની અર્થવ્યવસ્થામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર છ અન્ય બેંકને સ્વિફ્ટ બેંક મેસેજિંગ સિસ્ટમથી અલગ કરવા અંગે વિચાર કરશે.
કીવમાંથી નીકળી ગયા તમામ ભારતીયઃ શ્રૃંગલા
ભારતીય વિદેશ સચિવ શ્રૃંગલાએ કહ્યું કે- આપણાં તમામ નાગરિકોએ કીવ છોડી દીધું છે, અમારી પાસે જે માહિતી છે તે મુજબ કીવમાં આપણાં એક પણ નાગરિક નથી, ત્યાંથી અમારો કોઈએ સંપર્ક કર્યો નથી. તેમને કહ્યું કે અમે ટૂંક સમયમાં જ આપણાં નાગરિકોને યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢીશું અને નવીન શેખરપ્પાનો મૃતદેહ પરત લાવીશું, અમે આ અંગે ત્યાંના સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છીએ.
પુતિનના વેક્સ સ્ટેચ્યુને હટાવવામાં આવ્યા
પેરિસના પ્રખ્યાત વેક્સ મ્યૂઝિયમ ગ્રેવિનમાંથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વેક્સ સ્ટેચ્યૂને હટાવવામાં આવ્યાં છે. મંગળવારે તેના અલગ અલગ ભાગ કરીને સ્ટોરમાં રાખી દીધા છે. ખાસ વાત એ છે કે 2014માં જ્યારે રશિયાએ ક્રીમિયા પર હુમલો કર્યો હતો ત્યારે પણ સ્ટેચ્યૂને કેટલાંક લોકોએ તોડી નાંખ્યું હતું.
સોશિયલ મીડિયા પર રશિયાનો બોયકોટ
ફેસબુક, યૂટ્યૂબ અને ટિકટોકે રશિયાના મીડિયા આઉટલેટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મુદ્દે ખાસ વાત એ છે કે ટિકટોકની પેરેન્ટ કંપની ચીનની છે અને રશિયા-યુક્રેનની જંગમાં ચીન અત્યાર સુધી રશિયાની નિંદા કરવાનું ટાળી રહ્યું છે. રશિયાને આ પ્રતિબંધથી ઘણું નુકસાન થશે, કેમકે તેમનો પક્ષ સોશિયલ મીડિયાની મદદથી દુનિયાના અન્ય દેશ સુધી નહીં પહોંચી શકે.
ચીનનું વિચિત્ર નિવેદન
ચીને મંગળવારે એક અજીબ નિવેદન આપ્યું હતું. અમે યુદ્ધના કારણે યુક્રેનમાં મૃત્યુ પામેલા લોકોના મોતનો અફસોસ કરીએ છીએ, પરંતુ અમે એમ ન કહી શકીએ કે રશિયાએ યુક્રેનમાં ઘૂસણખોરી કરી છે. આ દરમિયાન મોસ્કો ટાઈમ્સે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ટાંકીને જણાવ્યું હતું કે તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે વાતચીત કરવા તૈયાર નથી. વાસ્તવમાં પુતિન એ વાતથી નારાજ છે કે યુરોપીય દેશોએ પણ તેમના પર ખાનગી પ્રતિબંધો લગાવ્યા છે.
ભારતમાં યુક્રેનના રાજદૂતે PM મોદીને કરી અપીલ
યુક્રેનમાં રશિયાના હુમલા વચ્ચે એક ભારતીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. એ બાદ ભારતે યુક્રેન અને રશિયાના રાજદૂતને બોલાવ્યા હતા અને ઘટનાને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. વિદેશ મંત્રાલયથી પરત આવ્યાં બાદ ભારતમાં યુક્રેનના રાજદૂત ઈગોર પોલિખાએ ભારતીય વિદ્યાર્થીના મોત પર સંવેદના વ્યક્ત કરી હતી. યુક્રેનના રાજદૂતે કહ્યું કે "યુક્રેનના ખાર્કિવમાં માર્યા ગયેલા ભારતીય છાત્ર નવીન શેખરપ્પાના મોત પર હું દુઃખ વ્યક્ત કરું છું. પહેલાં સૈન્ય સ્થળો પર ગોળીબારી અને બોમ્બ ફેંકવામાં આવતા હતા, પરંતુ હવે નાગરિક ક્ષેત્રોમાં પણ હુમલાઓ થઈ રહ્યા છે. રશિયાના હુમલાને એક નરસંહાર ગણાવતાં તેમણે કહ્યું હતું કે આ બિલકુલ એ રીતનો નરસંહાર છે કે જેવો મોગલોએ રાજપૂત પર કર્યો હતો. અમે PM મોદી સહિત દુનિયાના તમામ મોટા નેતાઓને પુતિન વિરુદ્ધ આગળ આવવાની અપીલ કરી રહ્યા છે, જેનાથી રશિયા દ્વારા કરવામાં આવતા હુમલાઓને અટકાવી શકાય."
શક્તિશાળી સેનાને રોકી રહી છે યુક્રેનની સેના- રાજદૂત
ભારતમાં યુક્રેનના રાજદૂત પોલિખાએ વધુમાં કહ્યું, "રશિયાને યુક્રેનમાં ઘૂસણખોરીના 6 દિવસ થઈ ગયા છે. અમારી સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેનામાંથી એકને રોકવામાં સફળ રહી છે. દુર્ભાગ્યથી આ યુદ્ધમાં રશિયા-યુક્રેનના સૈનિકોની સાથે સાથે મોટી સંખ્યામાં નાગરિકો મરી રહ્યા છે." આ દરમિયાન યુક્રેનના રાજદૂતે ભારત દ્વારા મોકલવામાં આવતી માનવીય મદદને લઈને આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.