અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડન વહીવટીતંત્રને રશિયા અંગે એક મહત્ત્વનું સૂચન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ F-22 લડાકુ વિમાનો પર ચીનના ઝંડા લગાવી રશિયા પર બોમ્બ ફેંકવો જોઈએ. તેમના દ્વારા આપવામાં આવેલા આ નિવેદન અંગે અમેરિકામાં વ્યાપક પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે.
આ અગાઉ ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો તેઓ રાષ્ટ્રપતિ હોત તો રશિયા ક્યારેય યુક્રેન પર હુમલો કરી શક્યું ન હોત. તેમણે ત્યાં સુધી કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડન અને નાટો મૂર્ખાઓની માફક કામ કરી રહ્યા છે. દરમિયાન ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેઓ એક સ્માર્ટ રાજકીય નેતા છે.
અમેરિકાએ F-22 પર ચીનનો ઝંડો લગાવી હુમલો કરવો જોઈએ.
ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે રિપબ્લિક નેશનલ કમિટીના અગ્રણી દાતાઓ સાથેની મુલાકાત સમયે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકાએ F-22 લડાકુ વિમાનો પર ચીનનો ઝંડો લગાવવો જોઈએ અને રશિયાને બોમ્બથી ઉડાવી દેવું જોઈએ....ત્યાર બાદ આપણે કહેશું કે આ હુમલો તો ચીને કર્યો છે. ત્યાર પછી રશિયા-ચીન એકબીજા સાથે લડશે અને આપણે પાછા આવી બેસીને જોઈશું. આ બેઠક સમયે ટ્રમ્પે જ્યારે આ મજાક કરી તો ત્યાં ઉપસ્થિત તમામ લોકો હસવા લાગ્યા અને તાળીઓ પાડવા લાગ્યા.
ટ્રમ્પે નાટો ને કાગળ પરનો વાઘ ગણાવ્યો
CBS ન્યૂઝના એક અહેવાલ પ્રમાણે, ટ્રમ્પે નાટોને કાગળ પરનો વાઘ ગણાવી એની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે છેવટે કયા પ્રસંગે એ દેશ કહે છે કે અમે મનાવતા સામેના આ મોટા ગુનાને થવા દેશું નહી. NATO કાગળ પરના વાઘથી વિશેષ કંઈ જ નથી. આ સાથે બાઈડને એમ કહેવાનું પણ બંધ કરી દેવું જોઈએ કે આપણે રશિયા પર ક્યારેય હુમલો નહીં કરીએ, કારણ કે તે એક પરમાણુ શક્તિ છે.
પુતિનની અનેક વખત પ્રશંસા કરી ચૂક્યા છે ટ્રમ્પ
ટ્રમ્પ આગાઉ પણ પુતિનની પ્રશંસા કરી ચૂક્યા છે. ટ્રમ્પે આ સાથે એવો પણ દાવો કર્યો કે રશિયાના નેતા પુતિન જો બાઈડનને ઢોલની જેમ વગાડી રહ્યા છે. પુતિન એક સ્માર્ટ નેતા છે, ચોક્કસપણે તેઓ સ્માર્ટ છે, પણ ખરી સમસ્યા એ છે કે આપણા નેતા જ મૂર્ખ છે. મૂર્ખ, ખૂબ જ મૂર્ખ.
ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે નિવેદન આપી રહ્યા છે
રિપબ્લિકન સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2024માં અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી ફરી વખત લડવાના છે. તેમણે અનેક વખત આ અંગે માહિતી આપેલી છે. રિપબ્લિકન પાર્ટીના અનેક સાંસદ ટ્રમ્પને આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર માની ચૂક્યા છે. અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનના નાદુરસ્ત સ્વાસ્થને લીધે તેઓ આગામી ચૂંટણી ન લડે એવી શક્યતા છે. આ સંજોગોમાં ડેમોક્રેટિક પાર્ટીએ નવા ઉમેદવારને રજૂ કરવો પડશે. આ સ્થિતિમાં ટ્રમ્પ પાસે અગાઉ ચૂંટણી લડવાનો અને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાનો સારો અનુભવ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.