ઓપરેશન ગંગા LIVE:ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- અત્યાર સુધીમાં આશરે 16 હજાર વિદ્યાર્થીને યુક્રેનથી લાવવામાં આવ્યા

5 મહિનો પહેલા

યુક્રેન-રશિયા યુદ્ધનો આજે 11 દિવસ છે. હંગેરી સ્થિત ભારતીય દૂતાવાસે આજે એક મહત્વની જાહેરાત કરી છે કે આજથી ઓપરેશન ગંગાનો અંતિમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે.

76 ફ્લાઈટ મારફતે 15920 વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા
ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કરી માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 76 ફ્લાઈટ મારફતે 15920 વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા છે. રોમાનિયામાંથી 31 ફ્લાઈટ મારફતે 6680, પોલેન્ડમાંથી 13 ફ્લાઈટ મારફતે 2822, હંગેરીમાંથી 26 ફ્લાઈટ મારફતે 5300 જ્યારે સ્લોવાકિયાથી 6 ફ્લાઈટ મારફતે 1118 વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા છે.

આ સંજોગોમાં ત્યાં ફસાયેલા લોકો આજે સ્થાનિક સમય પ્રમાણે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે બુડાપેસ્ટના હંગેરિયા સિટી સેન્ટર પહોંચ્યા હતા. ઓપરેશન ગંગા હેઠળ આજે રવિવારે 11 ફ્લાઈટથી 2135 ભારતીય વતન પરત ફર્યાં છે. ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 15 હજાર 900 ભારતીય નાગરિક દેશ પરત ફર્યાં હતા. ઓપરેશન ગંગા 22 ફેબ્રુઆરીના રોજ શરૂ થયું હતું. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આવતીકાલે એટલે કે સોમવારે કુલ 8 સ્પેશિયલ ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવશે. તેમાંથી 5 બુડાપેસ્ટથી ઓપરેટ થશે.એકંદરે 1500 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવશે.

આ અગાઉ રવિવારે બપોરે 182 ભારતીય નાગરિકોને લઈ એક વિશેષ ઉડ્ડાન રોમાનિયાના બુખારેસ્ટથી મુંબઈ આવી પહોંચી હતી. જ્યારે અન્ય એક ફ્લાઈટ 183 વિદ્યાર્થીઓને લઈ બૂડાપેસ્ટથી દિલ્હી પહોંચી હતી. જ્યારે ઈન્ડિયન એરફોર્સનું C-17 વિમાન 210 યાત્રીઓને લઈ દિલ્દી પાસે હિંડન એરબેઝ પર ઉતરાણ કર્યું હતું. અત્યાર સુધીમાં ત્રણ વિમાનથી 575 યાત્રી દિલ્હી તથા મુંબઈ આવી પહોંચ્યા છે.

સ્લોવાકિયા અને યુક્રેનના લોકોએ મદદ કરી
સ્લોવાકિયાના કોસિસેથી દિલ્હી આવેલા વિદ્યાર્થી મોહન કુમારે જણાવ્યું- હું ઈવાનો- ફ્રેકિવ્સ્કથી આવ્યો હતો. 3 માર્ચે બોર્ડર ક્રોસ કરી હતી. સ્લોવાકિયા અને યુક્રેનના લોકોએ અમારી ખૂબ જ મદદ કરી, ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરી આપી. અમે સ્લોવાકિયાની મદદના કારણે ભારતીય દૂતાવાસ સાથે આવ્યા.

PMએ ઓપરેશન ગંગાને લઈને બેઠક યોજી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ફરી એકવાર યુક્રેન સંકટ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. છેલ્લા 4 દિવસમાં પીએમની આ 9મી બેઠક હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી પીએમએ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ગંગા વિશે સંપૂર્ણ માહિતી લીધી હતી. આ સાથે, બાકીના ફસાયેલા ભારતીયોને પરત લાવવાની કામગીરીને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે પીએમ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે સતત આવી બેઠકો કરી રહ્યા છે અને પરિસ્થિતિ પર જાતે નજર રાખી રહ્યા છે.