રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન વ્લાદિમિર પુતિનના સંરક્ષણમંત્રી સર્ગેઈ શોઇગુ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેમને હાર્ટ-એટેક આવ્યો છે. એની પાછળનાં કારણો પણ સ્વાભાવિક રીતે જણાવાયાં નથી. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન પર રશિયાના આક્રમણ બદલ 20 જનરલની ધરપકડ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2012થી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના નજીકના સહયોગી શોઇગુ છેલ્લા કેટલાંક અઠવાડિયાંથી ગુમ છે. રશિયન-ઇઝરાયેલ ઉદ્યોગપતિ લિયોનીદ નેવઝલીને પણ પુતિન અને તેમના નજીકના સલાહકારો અને લશ્કરી નેતાઓ વચ્ચેના મોટા અણબનાવ અંગે સનસનાટીભર્યો દાવો કર્યો હતો.
રશિયા-યુક્રેન યુદ્ધને 51 દિવસ
રશિયા-યુક્રેન યુદ્ધને 51 દિવસ થઈ ગયા છે. અનેક દેશોના હસ્તક્ષેપ છતાં રશિયા અને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ પગલાં નથી લઈ રહ્યા. આ વચ્ચે યુક્રેનનાં સશસ્ત્ર દળોની કમાને કહ્યું હતું કે રશિયન સેના, યુક્રેનના ડોનેત્સ્ક અને ખેરસોન વિસ્તારમાં હુમલાઓ કરવાની યોજના બનાવી રહી છે. તો અમેરિકા ઝેલેન્સ્કીને મળવા માટે ઉચ્ચ સ્તરીય અધિકારીઓને કિવ મોકલવા અંગે વિચાર કરી રહ્યું છે.
રશિયાએ કિવ બહાર યુક્રેનના મિલિટ્રી બેઝ પર હુમલો કર્યો
કિવ ઈન્ડિપેન્ડન્ટ મુજબ રાજધાની કિવમાં બ્લાસ્ટની જાણકારી મળી છે. અહીં એક પછી એક એમ 3 વિસ્ફોટ થયા છે. કિવ બહાર રહેલું યુક્રેનનું મિલિટ્રી બેઝ સંપૂર્ણ તબાહ થઈ ગયું છે. રશિયાએ એમ પણ ધમકી આપી છે કે જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો અમે પરમાણુ હુમલો કરીશું.
યુક્રેને રશિયન વોરશિપને ધ્વસ્ત કર્યું
આ વચ્ચે યુક્રેને બ્લેક સીમાં રશિયન વોરશિપને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દીધું છે. રશિયન રક્ષા મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે બ્લેક સીની રક્ષા કરનારી નેપ્યૂન મિસાઈલે રશિયન જહાજને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. જોકે રશિયાએ દાવો કર્યો કે વિસ્ફોટ પહેલાં જ જહાજની અંદરથી બધાને બહાર કાઢી લીધા હતા.
યુદ્ધ અપડેટ્સ…
પુતિને સ્વીકાર્યું કે પ્રતિબંધોથી રશિયાના તેલ અને ગેસ સેકટરને નુકસાન થયું છે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ગુરુવારે સ્વીકાર્યું હતું કે પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોથી રશિયાનાં તેલ અને ગેસ સેકટરને નુકસાન થયું છે. આને કારણે એક્સપોર્ટમાં ઘટાડો થયો છે અને ઉદ્યોગ માટે ખર્ચમાં વધારો થયો છે. પુતિને મોસ્કોમાં અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે પશ્ચિમી દેશોની બેંકોએ રશિયન ઊર્જા એક્સપોર્ટ માટે ચુકવણીમાં વિલંબ કર્યો છે.
અમેરિકા એક સિનિયર વહીવટી અધિકારીને યુક્રેન મોકલવાનું વિચારી રહ્યું છે
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરુવારે કહ્યું હતું કે અમેરિકા પોતાના એક સિનિયર વહીવટી અધિકારીને યુક્રેન મોકલી શકે છે. તેઓ આ મુદ્દે પોતાની ટીમ સાથે જવાનું વિચારી રહ્યા છે. બાઈડને વધુમાં કહ્યું હતું - હજુ આ મામલે ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે.
યુક્રેનને 800 મિલિયન ડોલરની મદદ કરશે અમેરિકા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેન માટે 800 મિલિયન ડોલર (લગભ 6,089 કરોડ રૂપિયા)ની મિલિટરી સહાયની મંજૂરી આપી છે. રશિયન હુમલાનો સામનો કરવા માટે આપવામાં આવતી આ મદદમાં તોપ, બખતરબંધ ગાડીઓ અને હેલિકોપ્ટર સામેલ છે.
રશિયાએ 398 અમેરિકી સાંસદો પર પ્રતિબંધ મૂક્યો
રશિયાએ અમેરિકાની સંસદના 398 સભ્યોને ટ્રાવેલ બેન લિસ્ટમાં મૂકી દીધા છે. રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા ગત મહિને રશિયન સાંસદો પર પ્રતિબંધ લગાવાયો હતો, જેના જવાબમાં રશિયાએ આ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રશિયાએ કેનેડીયન સેનેટના 87 સભ્યો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
બ્રિટને વધુ બે રશિયન પર પ્રતિબંધ મૂક્યા
બ્રિટન સરકારે બે રશિયન વિરુદ્ધ પ્રતિબંધની જાહેરાત કરી છે, જેમાં ચેલ્સી ફૂટબોલ ક્લબના ડાયરેક્ટર યુજીન ટેનેંબોમ અને ચેલ્સીના માલિક રોમ અબ્રામોવિચના સહયોગી ડેવિડ ડેવિડોવિચના નામ સામેલ છે.
જર્મનીએ જપ્ત કરી દુનિયાની સૌથી મોટી સુપર યાટ
જર્મનીએ દુનિયાની સૌથી મોટી સુપર યાટ 'દિલબર' જપ્ત કરી છે. આ કાર્યવાહી તપાસમાં એ વાત સામે આવ્યા બાદ કરાઈ છે કે આ સુપર યાટ પ્રતિબંધિત રશિયન એલિશર ઉસ્માનોવની બહેનની છે. આ સુપર યાટની કિંમત 60 કરોડ અમેરિકી ડોલર જણાવવામાં આવી છે.
ફિનલેન્ડ-સ્વીડન નાટોમાં સામેલ થશે તો કાર્યવાહી કરીશું: રશિયા
રશિયાએ કહ્યું હતું કે જો ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં સામેલ થશે તો અમે બાલ્ટિકમાં અમારું ડિફેન્સ મજબૂત કરવા માટે મજબૂર બનીશું, જેમાં પરમાણુ હથિયારોની તહેનાતી પણ સામેલ છે.
આ શરતે થઈ શકે છે પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મુલાકાતને લઈને ક્રેમલિને કહ્યું હતું કે આ બેઠકની શરત એ છે કે પહેલા એક દસ્તાવેજ પર બંને નેતા હસ્તાક્ષર કરે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પોતાની દૈનિક પ્રેસ વાર્તામાં એ વાતનો ઈનકાર કર્યો કે પુતિને પોતાના યુક્રેન સમકક્ષને મળવાની મનાઈ કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ એવી બેઠકથી ક્યારેય ઈનકાર નથી કર્યો,. પરંતુ એ માટે યોગ્ય સ્થિતિ તૈયાર થવી જોઈએ.
રશિયામાંથી પોતાનું કામ સમેટી રહ્યું છે ઈન્ફોસિસ
ઈન્ફોસિસના CEO સલીલ પારેખે કહ્યું હતું કે અમે રશિયામાંથી ખસી રહ્યા છીએ. રશિયામાં અમારા 100થી પણ વધુ કર્મચારી છે અને અમે કોઈ રશિયન ગ્રાહક સાથે કામ નથી કરી રહ્યા. અમે યુક્રેનને માનવીય મદદ આપવા માટે 10 લાખ ડોલરના ફંડની શરૂઆત પણ કરી છે.
યુદ્ધમાં રશિયાના 19900 સૈનિકનાં મોત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.