રશિયા-યુક્રેન યુદ્ધ LIVE:અમેરિકા યુક્રેનને 6 હજાર કરોડ રૂપિયાની મિલિટરી સહાય આપશે, રશિયાએ અમેરિકાના 398 સાંસદ પર બેન મૂક્યો

એક મહિનો પહેલા
  • ઝેલેન્સ્કીએ ચેતવણી આપી-યુક્રેનને વધુ હથિયારો ન મળ્યાં તો યુદ્ધમાં વધુ લોહી રેડાશે

યુક્રેન યુદ્ધના 50 દિવસ પૂરા થઈ ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેનને 800 મિલિયન ડોલર (અંદાજે 6089 કરોડ રૂપિયા)ની મિલિટરી સહાયની મંજૂરી આપી છે. રશિયાના હુમલાનો સામનો કરવા માટે આપવામાં આવી રહેલી આ સહાયમાં તોપ, બખ્તરબંધ ગાડીઓ અને હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે.

આ તરફ રશિયાએ અમેરિકાના 398 સાંસદને ટ્રાવેલ બેન લિસ્ટમાં મૂકી દીધા છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમેરિકા દ્વારા ગયા મહિને રશિયાના સાંસદો પર બેન લગાવાયો હતો, તેના જવાબમાં આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત રશિયાએ કેનેડાના સેનેટના 87 સભ્ય પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

લાઈવ અપડેટ્સ

  • ભારતીય વિદેશ મંત્રાલય એસ. જયશંકરે કહ્યું હતું કે ભારતે યુક્રેનને માર્ચ મહિનામાં 90 ટન રાહત સામગ્રી પહોંચાડી છે. હાલ દવાની કમીને પૂરી કરવામાં આવી રહી છે.
  • ચેક દૂતાવાસે ફરી કિવમાં કામ શરૂ કરી દીધું છે. ચેક વિદેશ મંત્રાલયનું કહેવું છે કે અમે યુક્રેન સાથે છીએ.
  • કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ યુક્રેન પર રશિયાના હુમલાને નરસંહાર કહ્યો છે.
ઇમેન્યુઅલ મેક્રોનની ફાઈલ તસવીર.
ઇમેન્યુઅલ મેક્રોનની ફાઈલ તસવીર.

ઇમેન્યુઅલ મેક્રોનના નિવેદનથી ઝેલેન્સ્કી નારાજ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે તેમની આ વાતથી અમને દુ:ખ થયું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ રશિયાના હુમલાને નરસંહાર કહેવાનો ઈનકાર કરી દીધો હતો. મેક્રોને કહ્યું હતું કે નરસંહાર શબ્દ ન વાપરી શકાય, કારણ કે બન્ને દેશના લોકો વચ્ચે ભાઈચારો છે.

ઝેલેન્સ્કીએ ચેતવણી આપી, યુક્રેનને વધુ હથિયારો ન મળ્યાં તો યુદ્ધમાં વધુ લોહી રેડાશે
યુક્રેનની રાજધાની કિવમાં હજુ સુધી 720 મૃતદેહ મળ્યા છે. મૃત્યુ પામનારા તમામ નાગરિક છે. તો 200થી વધુ લોકો ગુમ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

તો બીજી તરફ રશિયન સેના રાજધાની કિવ પર કબજો મેળવવા માટે જોરદાર હુમલાની તૈયારીમાં છે. પૂર્વી યુક્રેન પર જોરદાર હુમલા માટે રશિયા મોટે પાયે તૈયારીઓ કરી રહ્યું છે. સૈન્ય પ્રવૃત્તિઓની એક સેટેલાઈટ તસવીર સામે આવી છે. આ તસવીરમાં બેલ્ગોરોદમાં રશિયન કાફલાની તહેનાતી જોવા મળે છે.

રશિયન સેના પર નજર રાખનારી અમેરિકાની મેક્સાર ટેક્નોલોજીએ આ તસવીર જાહેર કરી છે, જેમાં રશિયાના ટેન્ક જોવા મળે છે.
રશિયન સેના પર નજર રાખનારી અમેરિકાની મેક્સાર ટેક્નોલોજીએ આ તસવીર જાહેર કરી છે, જેમાં રશિયાના ટેન્ક જોવા મળે છે.

બ્રિટને 178 રશિયન અલગતાવાદીઓ પર લગાવ્યા પ્રતિબંધ
બ્રિટિશ સરકારે બુધવારે રશિયા વિરુદ્ધ વધુ પ્રતિબંધ મૂક્યા છે. બ્રિટને કથિત ડોનેત્સ્ક અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિક્સના સ્વઘોષિત વડાપ્રધાન સહિત 178 રશિયન અલગતાવાદીઓ પર પ્રતિબંધ લગાવ્યા છે. આરોપ છે કે આ લોકો યુક્રેનના આ વિસ્તારમાં રશિયાના ગેરકાયદે કબજાઓનું સમર્થન કરે છે.

વધુ હથિયારો નહીં મળે તો છેલ્લે આ યુદ્ધમાં હજુ ઘણું લોહી રેડાશેઃ ઝેલેન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે જો અમને વધુ હથિયારો નહીં મળે તો આ યુદ્ધમાં વધુ લોહી રેડાશે તેમજ પીડા અને વિનાશ જોવા મળશે. એક વીડિયો સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયાએ જે યોજના બનાવી હતી તેની તુલનાએ ઘણી સારી રીતે લાંબા સમયથી અમે અમારી સુરક્ષા કરી રહ્યા છીએ, પરંતુ રશિયામાં હજુ પણ યુક્રેન વિરુદ્ધ હુમલાઓ કરવાની ક્ષમતા છે. અને જો યુક્રેનની આઝાદી છીનવાય જશે તો તેમનું આગામી નિશાન પોલેન્ડ, મોલ્ડોવા, રોમાનિયા અને બાલ્ટિક દેશ હશે.

યુક્રેન પહોંચ્યા પોલેન્ડ અને ત્રણ બાલ્ટિક દેશના રાષ્ટ્રપતિ
પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડુડા અને ત્રણ બાલ્ટિક રાષ્ટ્રોના રાષ્ટ્રપતિ રશિયન હુમલાને કારણે યુક્રેનને રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવાની વાતચીત પહેલાં યુદ્ધ પ્રભાવિત દેશ પહોંચ્યા છે. ડુડાના કર્મચારી પોવેલ સજરોતે કહ્યું હતું કે પોલેન્ડના રાષ્ટ્રપતિ લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયાના રાષ્ટ્રપતિની સાથે હજુ યુક્રેનમાં જ છે. તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત પહેલાં કિવની મુલાકાત લઈ રહ્યા છે.

યુક્રેનનો દાવો- યુદ્ધમાં રશિયાના 19,800 સૈનિકોનાં મોત

રશિયન હુમલામાં જીવ ગુમાવનારાં બાળકોની સંખ્યા 191 થઈ
યુક્રેન દ્વારા દાવો કરાયો છે કે રશિયન હુમલામાં જીવ ગુમાવનારાં બાળકોની સંખ્યા વધીને 191 થઈ છે. તો 349 બાળકો ઘાયલ છે.

પુતિનની નજીકનો માણસ પકડાયો
રશિયન રાષ્ટ્રપતિ પુતિનનો નજીકનો માણસ વિક્ટર મેદવેદચુકને યુક્રેનની ગુપ્તચર એજન્સીએ પકડી લીધો છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પકડાયેલા મેદવેદચુકની એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. મીડિયા રિપોટ્સ મુજબ રશિયન હુમલો શરૂ થયો તે પહેલા યુક્રેનમાં વિપક્ષી નેતા મેદવેદચુકને દેશદ્રોહ કેસમાં નજરકેદ રાખવામાં આવ્યો હતો પરંતુ તે યુદ્ધ શરૂ થયા બાદ ગુમ થઈ ગયો હતો.

વિપક્ષી રાજનેતા મેદવેદચુક, પુતિનને પોતાની નાની દીકરીના ગોડફાધર ગણાવે છે.
વિપક્ષી રાજનેતા મેદવેદચુક, પુતિનને પોતાની નાની દીકરીના ગોડફાધર ગણાવે છે.

તો રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયાની સામે એક પ્રસ્તાવ રાખ્યો છે. તેમને રશિયાને કહ્યું કે જો તમે મેદવેદચુકને સુરક્ષિત રાખવા માગો છો તો કેદી બનાવવામાં આવેલા યુક્રેનના નાગરિકોને મુક્ત કરી દો.

અન્ય સમાચારો પણ છે...