યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવના એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ પર આજે રશિયાએ મિસાઈલથી હુમલો કર્યો છે. વીડિયોમાં આ બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે.
હુમલો સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યે થયો
આ હુમલો ઈમારત પર સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યે કરવામાં આવ્યો હતો. હુમલાને કારણે મોટા પ્રમાણમાં નુકસાન તથા જાનહાનિ થઈ છે. જોકે હજી સુધી મૃત્યુનો કોઈ ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી
ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડી દેવા કહેવામાં આવ્યું
યુક્રેન પર રશિયાના હુમલાના છઠ્ઠા દિવસે રાજધાની કિવમાં નાગરિકો પરનો ખતરો વધુ ઘેરો બન્યો છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડી દેવા જણાવ્યું છે. દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી ઈમર્જન્સી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોએ જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં તરત જ શહેરની બહાર નીકળી જાય.
ઘણા દેશોએ લશ્કરી સાધનો મોકલીને યુક્રેનને મદદ કરી
યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહી મંગળવારે છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. વિશ્વના ઘણા દેશો લશ્કરી સાધનો મોકલીને યુક્રેનને મદદ કરી રહ્યા છે. રશિયાએ આ દેશોને ચેતવણી આપી હતી કે જો આ લશ્કરી સાધનોનો ઉપયોગ રશિયા વિરુદ્ધ થશે તો તેને મોકલનારા દેશ જવાબદાર રહેશે. આ તરફ યુક્રેનના મિલિટરી બેઝ પર રશિયાની સેનાએ મોટો હુમલો કર્યો છે, જેમાં યુક્રેનના 70થી વધુ સૈનિકો માર્યા ગયા છે.
કિવ પર કબજો કરવા માટે રશિયાએ એક વિશાળ સૈન્ય કાફલો મોકલ્યો
રશિયાની સેના ઝડપથી કિવ તરફ આગળ વધી રહી છે. યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવા માટે હવે રશિયા દ્વારા એક વિશાળ સૈન્ય કાફલો મોકલવામાં આવ્યો છે. રશિયાનો 40 માઈલ (64-કિલોમીટર) લાંબો કાફલો કિવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયન હુમલા બાદ યુક્રેન મોકલવામાં આવેલો આ સૌથી લાંબો સૈન્ય કાફલો છે. આ પહેલાં મોકલવામાં આવેલા રશિયન કાફલાનું કદ 3 માઇલ સુધીનું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.