રશિયા-યુક્રેન યુદ્ધ 12મો દિવસ LIVE:બેલારુસમાં યુક્રેન અને રશિયા વચ્ચે ત્રીજા તક્કાની વાતચીત શરૂ, સવારે રશિયાએ યુદ્ધવિરામની જાહેરાત કરેલી

5 મહિનો પહેલા
 • મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લગભગ 50 મિનિટ સુધી વાત કરી હતી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ છે. યુક્રેન યુદ્ધ મામલે ઈન્ટરનેશનલ કોર્ટમાં સુનાવણી શરુ થઈ ગઈ છે. જો કે રશિયા આ સુનાવણીમાં ભાગ લઈ રહ્યું નથી. આ સુનાવણી આજે અને કાલે બે દિવસ ચાલશે. વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી.

બીજી બાજુ રશિયાએ સંપૂર્ણ યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન યુદ્ધમાં ફસાયેલા લોકોને સુરક્ષિતપણે બહાર કાઢવા માટે હ્યૂમન કોરિડોર બનાવવામાં આવશે. આ બીજી વખત છે કે જ્યારે રશિયાએ યુક્રેનમાં યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. આ અગાઉ બે શહેરમાં યુદ્ધવિરામ કરવામાં આવ્યું હતું. જોકે રશિયાએ કેટલાક કલાકમાં જ તેને પૂરું કરી વ્યાપક પ્રમાણમાં હુમલા શરૂ કરી દીધા હતા. યુદ્ધવિરામ વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચે બેલારુસમાં ત્રીજા દિવસે વાતચીત ચાલી રહી છે. બેલારુસના વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપી છે. આ અગાઉ 28 ફેબ્રુઆરીના રોજ પહેલા અને 3 માર્ચના બીજા તબક્કાની વાત કરી હતી.

જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે જો યુક્રેન રશિયાની શરતોનું પાલન કરે છે તો સૈન્ય કાર્યવાહીને અટકાવી દેવામાં આવશે. પેસ્કોવે કહ્યું કે યુક્રેનને કહેવામાં આવ્યું છે કે જો તેઓ શરતો માનવા માટે તૈયાર હોય તો સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવશે.

મોદીએ ઝેલેન્સ્કી અને પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લગભગ 50 મિનિટ સુધી વાત કરી હતી. તેમણે એ વાત પર સૌથી વધુ ભાર મૂક્યો કે યુદ્ધ-ક્ષેત્રમાંથી ભારતીયોને સલામત રીતે બહાર નીકળવા દેવા જોઈએ. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન તેમણે રશિયા-યુક્રેન વચ્ચેના સીધા સંવાદની પણ પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે યુક્રેનના સમર્થનનો આભાર માન્યો હતો.

રશિયાએ યુક્રેનમાં બીજી વખત સીઝફાયરની જાહેરાત કરી છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં હવે યુક્રેનના સામાન્ય લોકોનો જીવ પણ જઈ રહ્યો છે. ભયભીત લોકો સલામત વિસ્તારોમાં જવા માગે છે, જેને કારણે સદીનું સૌથી મોટું સ્થળાંતર પણ આ 12 દિવસમાં જોવા મળ્યું હતું.

યુક્રેનમાં અત્યારસુધીમાં 38 બાળકોનાં મોત થયાં છે, 71 બાળકો ઘાયલ
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યારસુધીમાં 38 બાળકોનાં મોત થયાં છે, જ્યારે 71 બાળકો ઘાયલ થયા છે. આ દાવો યુક્રેનના સંસદના માનવ અધિકાર કમિશનર લ્યુડમિલા ડેનિસોવાએ કર્યો છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રવિવારે અમેરિકાના સાંસદો સાથે વાત કરતાં કહ્યું હતું કે જો તેમને પશ્ચિમી દેશોની મદદ નહીં મળે તો રશિયાને રોકવું અત્યંત મુશ્કેલ બની જશે. ઝેલેન્સ્કીએ ખૂબ જ લાગણીશીલ રીતે કહ્યું હતું. 'જો મદદ ન મળે તો તમે મને છેલ્લી વાર જીવતો જોતા હશો'

ત્યાર બાદ તરત જ અમેરિકા અને NATOએ યુક્રેનને મદદ કરવા માટે 17,000 એન્ટી-ટેન્ક મિસાઇલો અને અન્ય શસ્ત્રો મોકલ્યાં હતાં. આ તરફ રશિયાએ યુક્રેનને મદદ કરનાર દેશોને ધમકી આપી છે કે આમ કરીને તેઓ રશિયા સાથે યુદ્ધને આમંત્રણ આપી રહ્યા છે.

યુદ્ધનાં મહત્ત્વનાં અપડેટ્સ..

 • વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર 50 મિનિટ સુધી વાત કરી છે.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે લગભગ 35 મિનિટ સુધી વાત કરી હતી. બંને નેતાઓએ યુક્રેનની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
 • યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું- અમે યુદ્ધમાં લોકોની હત્યા કરનારાઓને માફ નહીં કરીએ. અમે યુદ્ધ દરમિયાન થયેલા અત્યાચારોને ભૂલીશું નહીં.
 • યુક્રેને કહ્યું- રશિયા દ્વારા બેલારુસની સરહદ પર બનાવવામાં આવેલ કોરિડોરથી લોકો બહાર જશે નહીં.
 • પોલેન્ડે યુક્રેનને ફાઈટર પ્લેન આપવાનો ઈનકાર કરી દીધો છે. રશિયાએ પાડોશી દેશોને ધમકી આપી હતી કે જો તેઓ યુક્રેનને એરક્રાફ્ટ કે અન્ય હથિયારો આપીને મદદ કરશે તો તેમને પણ યુદ્ધમાં સામેલ ગણવામાં આવશે.
 • યુક્રેન પર રશિયાના હુમલાના વિરોધમાં હવે અમેરિકન એક્સપ્રેસ કંપનીએ જાહેરાત કરી છે કે તે રશિયા અને બેલારુસમાં તેની કામગીરી બંધ કરી રહી છે.
 • હવે નેટફ્લિક્સે પણ રશિયામાં તેની સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
 • રશિયાની સેનાએ યુક્રેનની રાજધાની કિવ પર બે બાજુથી હુમલો કર્યો છે. પૂર્વના તરફથી રશિયાની સેનાએ કિવમાં પ્રવેશવા આગળ વધી રહી છે. જ્યારે પશ્ચિમમાંથી રશિયાના સૈનિકો સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે.
 • યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રવિવારે કહ્યું હતું કે રશિયાએ યુક્રેનના સંરક્ષણ ઉદ્યોગ સાથે જોડાયેલી સંસ્થાઓ પર હુમલાની જાહેરાત કરી છે. આમાંના મોટા ભાગનાં શહેરો વચ્ચે છે, જ્યાં ચારેય તરફ સામાન્ય નાગરિકો રહે છે. આવી સ્થિતિમાં રશિયાનો હુમલો સીધો જ નાગરિકોની હત્યા છે.
 • ઝેલેન્સ્કીએ ખાર્કિવ, ચેર્નિહિવ, મારિયુપોલ, ખેરસન, હોસ્ટોમેલ અને વોલ્નોવાખા શહેરોને સોવિયેત પરંપરા અનુસાર, હીરો સિટી તરીકે બિરુદ આપ્યું છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ સોવિયત સંઘનાં 12 શહેરોને આ બિરુદ આપવામાં આવ્યું હતું.
 • રશિયા અને યુક્રેન પોલેન્ડમાં શાંતિ સમજૂતી પર ત્રીજા રાઉન્ડની વાતચીત કરી શકે છે.

રશિયન રક્ષા મંત્રાલય ક્રેમલિનના હવાલાથી સ્પુતનિકે જણાવ્યું હતું કે રશિયન સેનાએ યુક્રેનનાં તમામ લડાયક વિમાનો નષ્ટ કરી નાખ્યાં છે. રશિયન રક્ષામંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનાશેનકોવે રોઇટર્સને જણાવ્યું હતું કે કિવ સરકારનાં લગભગ તમામ પ્રભાવી વિમાન નષ્ટ કરી દેવામાં આવ્યાં છે. કોનાશેનકોવે વધુમાં કહ્યું હતું કે યુક્રેનમાં વાયુસેનાની એક એરફિલ્ડ પણ નષ્ટ કરી દેવામાં આવી છે.

યુક્રેનનો દાવો- રશિયાના 11 હજારથી વધારે સૈનિકો માર્યા ગયા

નાટોના સભ્ય દેશો યુક્રેનમાં લડાયક વિમાન મોકલી શકશેઃ અમેરિકા
અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કને કહ્યું હતું કે નાટોના સદસ્ય યુક્રેનમાં લડાયક વિમાન મોકલી શકે છે અને અમેરિકા તે દેશોને મદદ કરવા માટે તૈયાર છે. ‘શું નાટોના સભ્ય પોલેન્ડને યુક્રેનમાં લડાકુ વિમાન મોલવાની મંજૂરી છે?’ આ પ્રશ્નના જવાબમાં બ્લિન્કને જવાબ આપ્યો હતો કે તેને પણ લીલી ઝંડી આપીએ છીએ. અમે અત્યારે પોલેન્ડના મિત્રો સાથે વાત કરી રહ્યા છે કે અમે તેમની જરૂરિયાતો માટે શું કરી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે પોલેન્ડની બોર્ડર યુક્રેન સાથ જોડાયેલી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને 11 દિવસ પસાર થઈ ચૂક્યા છે. યુક્રેનની સેના અત્યારસુધી રશિયાને ટક્કર આપી રહી છે. રશિયા તરફથી યુક્રેનની રાજધાની કિવ તથા અન્ય મોટાં શહેરો ખાર્કિવ પર કરવામાં આવી રહેલા હુમલામાં મોટી સંખ્યામાં નાગરિકો માર્યા ગયા છે એમ છતાં યુક્રેનની સેના યુદ્ધ મેદાનમાં અડીખમ છે. રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધ મુદ્દે કવરેજ પર કંટ્રોલ રાખવા ન્યૂઝ ચેનલો સહિત કેટલાક ન્યૂઝ પોર્ટલ્સને બ્લોક કર્યા છે. જેમાં Mediazona, રિપબ્લિક, Snob.ru અને Agentstvo વગેરેનો પણ સમાવેશ થાય છે.

દરમિયાન ખાર્કિવમાં યુક્રેનની સેનાએ કરેલા વળતા હુમલામાં રશિયાનાં ઉપકરણોના 30 યુનિટ પોતાના અંકુશમાં લઈ લીધા છે. યુક્રેનની સમાચાર એજન્સી ઈન્ટરફેક્સે જણાવ્યું હતું કે દેશના નોવા કાખોવ્કા શહેરમાં રશિયાના હુમલાનો વિરોધ કરી રહેલા વિરોધ પ્રદર્શનકારીઓ પર રશિયાનાં દળોએ ફાયરિંગ કર્યું હતું, જેને પગલે ઓછામાં ઓછા પાંચ લોકોને ઈજા પહોંચી છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે, 2000 લોકો શહેરના માર્ગો પર વિરોધ કરતા હતા.

વિનીતસિયા શહેર પર રશિયાએ 8 મિસાઈલ વડે હુમલો કર્યો
દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેનના શહેર વિનીતસિયા પર રશિયાએ મિસાઈલો વડે હુમલો કર્યો છે. 8 જેટલી મિસાઈલને લીધે આ શહેરની શાંતિ ભંગ કરવામાં આવી છે. આ શહેર પર અગાઉ રશિયાએ ક્યારેય હુમલો કર્યો નહતો, પણ આ વખતે મિસાઈલોથી હુમલો કર્યો છે, જેને પગલે વિમાની મથન સંપૂર્ણપણે નાશ પામ્યું છે.

રશિયા અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સંપૂર્ણ નાશ કરી રહ્યું છે. અમારા જીવનને અમારા દ્વારા અને અમારાં માતાપિતા તથા વડવાઓ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. રશિયા અમને ધીમે ધીમે મારી રહી રહ્યું છે. આ માટે વિશ્વના રાજકીય નેતાઓ જવાબદાર છે.

પરમાણુ સંયંત્રની ઘટના માટે પુતિને યુક્રેન પર આરોપ મૂક્યો
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ત્રણ માર્ચના રોજ ઝેપોરિઝિઝ્યા પરમાણુ પાવર પ્લાન્ટ પર થયેલી દુર્ઘટના માટે યુક્રેનના ઉગ્રવાદીઓને જવાબદાર ઠરાવ્યા છે. ક્રેમલિને કહ્યું હતું કે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પુતિન સાથે વાતચીત કરી યુરોપના સૌથી મોટા પરમાણુ સંયંત્ર પર લાગેલી આગ અંગે પૂછ્યું હતું. પુતિને કહ્યું કે આ વિસ્તારમાં યુક્રેનના ઉગ્રવાદીઓ તરફથી સતત હુમલા થતા હતા, જેથી યુક્રેનના નાગરિકોને મારિયુપોલમાંથી બહાર નીકળવા દેવાતા નહોતા. પુતિને કહ્યું- યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટ પર હુમલો નહીં કરીએ, કિવ લડાઈ બંધ કરશે તો ઓપરેશન અટકાવી દઈશું.

દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે રવિવારે વાતચીત કરી હતી. મેક્રોનની ઓફિસ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પુતિને જણાવ્યું હતું કે યુક્રેને રશિયાની શરતો માની લેવી જોઈએ. પુતિને મેક્રોનને કહ્યું હતું કે રશિયા યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટ પર હુમલો કરવા ઈચ્છતું નથી.

15 લાખ યુક્રેની નાગરિકો દેશ છોડી ગયા
રશિયા-યુક્રેન યુદ્ધને લીધે અત્યારસુધીમાં 15 લાખ યુક્રેની નાગરિકો દેશ છોડીને જતા રહ્યા છે. પોલેન્ડમાં સૌથી વધારે 8 લાખ લોકોએ શરણ લીધું છે. બીજી બાજુ, રશિયા પર નિયંત્રણની અસર દેખાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે, રશિયાનાં અનેક શહેરોમાં લોકો જથ્થાબંધ ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે. એને લીધે કાળાં બજાર થવા લાગ્યાં છે. સરકારે આ સંજોગોમાં રિટેલર્સ માટે મર્યાદા લાદી છે.

ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયે કહ્યું હતું કે લોકો જરૂરિયાતથી વધારે સામાન ખરીદી રહ્યા છે. પોપ ફ્રાંસિસે રશિયા અને યુક્રેનને કહ્યું હતું કે હવે બહુ થયું. તમને વિનંતી છે કે તમે લોહી અને આંસુની નદીઓ વહાવવાનું બંધ કરો.