રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 68મો દિવસ છે. હવે યુદ્ધનાં મોરચે યુક્રેનની સાથે રશિયાની સેનાને પણ મોટા ઝટકાનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વિશ્વાસુ સેના પ્રમુખ જનરલ વાલેરી ગેરાસિમોવ ઘાયલ થયા છે. પુતિને તેને ઝડપી સફળતા હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે ખાર્કિવનાં મોરચે તહેનાત કર્યા હતા.
આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીના સલાહકાર એરેસ્ટોવિચે દાવો કર્યો છે કે રશિયન મેજર જનરલ આંદ્રે સિમોનોવનું પણ ખાર્કિવ મોરચે મૃત્યુ થયું છે. યુક્રેનમાં અત્યાર સુધીમાં રશિયાના ટોચના નવ કમાન્ડર માર્યા ગયા છે.
રશિયા-યુક્રેન યુદ્ધના મુખ્ય અપડેટ્સ
ખેરસોનમાં યુક્રેનિયન ચલણને રશિયન ચલણ રૂબલ સાથે બદલવામાં આવી રહ્યું
ખેરસન પર સૈન્ય કબજો કર્યા પછી, રશિયન સેના અહીં મોટા આર્થિક ફેરફારો કરી રહી છે. આ માટે અહીં યુક્રેનિયન ચલણને રશિયન ચલણ રૂબલ સાથે બદલવામાં આવી રહ્યું છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયના ગુપ્ત અહેવાલ મુજબ, રશિયન સેના અહીં પોતાના કબજાને યોગ્ય ઠેરવવા માટે આ વ્યૂહરચના અપનાવી રહી છે.
પુરમાં ગામ ડુબી ગયું છતા પણ લોકો ખુશ
યુક્રેનનું ડેમિડીવ ગામ પૂરમાં ડૂબી ગયું છે. જેના કારણે ગ્રામજનો દુઃખી થવાના બદલે ખુશી મનાવી રહ્યા છે. વાસ્તવમાં યુક્રેનની સેનાએ ગામમાં બનેલા ડેમને ખોલીને બોર્ડર પર ખરાબ સ્થિતિ સર્જી દીધી હતી. જેના કારણે કિવ પર હુમલો કરવા માટે રશિયન ટેન્ક ઘૂસી ન શકી અને યુક્રેનની સેનાને પણ તૈયારી કરવાનો સમય મળ્યો. 750 ઘરોના આ ગામમાં અનેક ઘરો પાણીમાં ડૂબી ગયા છે.
ડોનેત્સ્ક પર રશિયાની સેનાના ફાયરિંગમાં 4 લોકોના મોત
યુક્રેનના પૂર્વી શહેર ડોનેત્સ્ક પર ગઈ કાલે રશિયાની સેનાના ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા અને 11 ઘાયલ થયા હતા. જ્યારે, ખાર્કિવ પર રશિયન હુમલામાં 3 નાગરિકો માર્યા ગયા અને 8 લોકો ઘાયલ થયા. ખાર્કિવ વહીવટીતંત્રનું કહેવું છે કે રશિયન સૈન્યએ ફરી શહેર પર બોમ્બમારો તેજ કર્યો છે.
અજોસ્ટાલ સ્ટીલ પ્લાન્ટમાં હજુ પણ 1000 લોકો ફસાયેલા છે
યુક્રેન દાવો કરે છે કે મારિયુપોલના અજોસ્ટાલ સ્ટીલ પ્લાન્ટમાં લગભગ 1,000 નાગરિકો ફસાયેલા છે. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ગયા દિવસે અહીંથી લગભગ 100 નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. યુક્રેનનું માનવું છે કે આજથી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા ફરી શરૂ થશે.
યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે રશિયાના ડોનબાસ હુમલો સફળ થઈ શકો નથી, કારણ કે અમેરિકાએ 12 ફ્લાઈટ મારફત જે હથિયારો મોકલ્યા હતા તેનાથી શક્તિમાં વધારો થયો છે. બીજી બાજુ યુક્રેને પણ દાવો કર્યો છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 219 બાળકોનાં મોત થયાં છે અને 404 બાળકો ઈજાગ્રસ્ત થયા છે.
યુક્રેન પર ચારે તરફથી હુમલા થઈ શકે છે
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિજય દિવસ નિમિત્તે યુક્રેન સામે ચોતરફથી હુમલા કરવાની જાહેરાત કરી શકે છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે કીવ પર કબ્જો કરવામાં નિષ્ફળતા મળતા સેનાને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિનો બદલો લેવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સત્તાવાર રીતે યુક્રેન સામે 9 મેના રોજ યુદ્ધની જાહેરાત કરી શકે છે.
યુક્રેને રશિયા પાસેથી ચાર ગામ છોડાવ્યા
યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે તેણે શનિવારે ખાર્કિવ વિસ્તારમાં ચાર ગામ પર નિયંત્રણ હાંસલ કરી લીધુ છે. રશિયાની સેના પૂર્વમાં ઝડપભેર વિશાળ ક્ષેત્રો પર જલદીથી નિયંત્રણ મેળવવાની યોજનામાં સફળ નિવડી નથી.
રશિયા-યુક્રેન યુદ્ધનું અપટેડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.