રશિયા-યુક્રેન યુદ્ધે આખી દુનિયાના તાણાવાણા બદલી નાંખ્યા છે. આ યુદ્ધથી કોરોના મહામારીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલી દુનિયાને મોંઘવારીમાં ધકેલી દીધી છે. ખાવા-પીવાની ચીજોથી લઈને ઈંધણની કિંમતો આસમાને છે. મોંઘવારીના વિરોધમાં દેખાવ થઈ રહ્યા છે અને આ ચૂંટણી મુદ્દો બની રહ્યો છે. જર્મની, ઈટાલી અને સ્પેન સહિત અનેક યુરોપિયન દેશોમાં સનફ્લાવર ઓઈલ અને લોટનો જથ્થો ઘટી રહ્યો છે. એટલે લોકો ગભરાઈને ખરીદી કરી રહ્યા છે. સ્પેનમાં જરૂરી ચીજવસ્તુઓના વેચાણમાં 14% ઊછાળો નોંધાયો છે.
માર્ચમાં સ્પેનમાં જીવનજરૂરી ચીજવસ્તુઓમાં 9.8%નો વધારો થયો, જે 1985 પછી સૌથી મોટો વધારો છે. યુરોપના બીજા દેશોમાં પણ આવો જ માહોલ છે. પેનિક બાઇંગ રોકવા અને ચીજોની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે જર્મની, સ્પેન, ઈટાલીના સુપર માર્કેટે ગ્રાહકોને જરૂર હોય એટલો જ સામાન ખરીદવાના નિયમો લાગુ કર્યા છે. હાલ અહીં એક ગ્રાહક સનફ્લાવર ઓઈલની એક જ બોટલ ખરીદી શકે છે. આમ છતાં, સુપર સ્ટોરમાં સનફ્લાવર ઓઈલના શેલ્ફ ખાલી છે. લોકોને સરસવ અને ઓલિવ ઓઇલ જેવી વધુ કિંમતના વિકલ્પો પસંદ કરવા પડી રહ્યા છે.
સમગ્ર દુનિયામાં નિકાસ થતા સનફ્લાવર ઓઈલનો 46% હિસ્સો યુક્રેન અને 23% હિસ્સો રશિયા પહોંચાડે છે. રશિયા ઘઉંનું પણ સૌથી મોટું નિકાસકાર છે. આ બંને દેશ યુદ્ધમાં હોવાથી અન્ય દેશો પાસે બીજા વિકલ્પો પણ નથી. આ ઉત્પાદનોનો યુરોપના દરેક ઘરમાં મોટા પાયે ઉપયોગ થાય છે. તેની અછતની અસર ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી પર પણ થઈ છે. યુદ્ધના કારણે ઈન્ડસ્ટ્રિયલ કોમ્પોનન્ટ્સ અને મટિરિયલ્સનું ટ્રાન્સપોર્ટેશન ખોરવાતા તેમજ મોંઘી એનર્જીની અસર યુરોપના ઉદ્યોગો પર પણ પડી છે. જાણકારોના મતે, સ્ટિલ, નિકલ અને એલ્યુમિનિયમ મોટા પાયે રશિયાથી આવે છે. એટલે એન્જિનિયરિંગ અને ઈન્ડસ્ટ્રિયલ ક્ષેત્રે તેનો સૌથી વધુ પ્રભાવ પડશે. ઓટોમોબાઈલ કંપનીઓએ રશિયામાં પોતાના ઉત્પાદનો વેચવાના બંધ કર્યા છે, જેનાથી તેમના નફા પર અસર થશે.
કોરોના પછી યુરોપને સૌથી વધુ સૌથી વધુ આશા પ્રવાસન ઉદ્યોગ પર હતી, પરંતુ સહેલાણીઓ વધદા જ યુદ્ધ શરૂ થયું. એટલે નવા આંતરરાષ્ટ્રીય બુકિંગ અટકી ગયા. યુદ્ધના પહેલા સપ્તાહમાં જ યુરોપમાં એરલાઈન બુકિંગ 23% ઘટી ગયું અને યુરોપિયન દેશોનું ટ્રાન્સ-એટલાન્ટિક બુકિંગ 13% ઘટી ગયું. સ્પેન, ગ્રીસ, ઈટાલી અને ક્રોએશિયા સહિત અનેક યુરોપિયન દેશો પ્રવાસન પર નિર્ભર છે. તેઓ મહામારી પછી આવકનું નુકસાન ભરપાઈ કરવાના સપના જોતા હતા, પરંતુ હવે તે અશક્ય લાગી રહ્યું છે.
અમેરિકાઃ રશિયાની સાઈબર હુમલાની તૈયારી, મોંઘવારીથી લોકોનું બજેટ ખોરવાયું
અનેક સાઈબર સુરક્ષા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, રશિયાના હેકરો અમેરિકન બિઝનેસને તબાઇ કરી શકે છે. FBIએ પણ ચેતવણી આપી છે કે, રશિયન ઈન્ટરનેટ સાથે જોડાયેલા હેકરો અમેરિકન ઊર્જા કંપનીઓના નેટવર્કને સ્કેન કરી રહ્યા છે. 40 વર્ષમાં ઈંધણમાં સૌથી વધુ વધારો થયો છે. રશિયા સસ્તા ખાતરનું સૌથી મોટું ઉત્પાદક છે. તેનાથી ખેતી પર અસર પડશે અને ખાદ્ય મોંઘવારી વધશે.
મિડલ ઈસ્ટઃ યુદ્ધ જોખમી અસરોની સાથે લેવડદેવડની અને સોદાબાજીની તકો લાવ્યું
ખાડી દેશો માટે યુદ્ધ જોખમી અસરો, લેવડદેવડની અને સોદાબાજીની પણ તકો લઈને આવ્યું છે. 300 પશ્ચિમી કંપનીઓએ રશિયા સાથે સંબંધ તોડ્યા છે. યુરોપિયન દેશ રશિયા પર પોતાની ઊર્જા નિર્ભરતા ઘટાડી રહ્યા છે, જેથી મિડલ ઈસ્ટ એક વિકલ્પ બની શખે છે. { મિડલ ઈસ્ટ ઓઈલની કિંમતોમાં 13% ઘટાડો કરવા સક્ષમ છે., પરંતુ આવું નહીં કરીને તેમણે અમેરિકાને પણ કડક સંદેશ મોકલ્યો છે.
બ્રિટન: બ્રિટનમાં ઘરની સરેરાશ આવક 2553 યુરો ઘટી જશે, ખાતર 5 ગણા મોંઘા
યુક્રેન, રશિયા ‘ધ બ્રેડ બાસ્કેટ ઑફ યુરોપ’ કહેવાય છે. યુદ્ધ પછી અનાજના ભાવ 40.6% વધ્યા છે. CEBRના જણાવ્યા મુજબ બ્રિટનમાં ઘરની સરેરાશ આવક 2.11 લાખ રૂ. ઘટી જશે. ખાતરના ભાવ 5 ગણા વધી ગયા છે, ખાદ્યાન્ન સંકટ ઊભું થશે. બ્રિટને યુક્રેનના લોકોને શરણ આપવા 10 હજાર વિઝા ઇશ્યુ કર્યા. વિઝા ઇશ્યુ કરવામાં વિલંબને કારણે માત્ર 10% લોકો જ બ્રિટન પહોંચ્યા.
ઓસ્ટ્રેલિયા: પેટ્રોલના ભાવ બમણા, મોંઘવારી ચૂંટણીમુદ્દો બનતા રાહતોનો પટારો ખોલ્યો
ઓસ્ટ્રેલિયામાં પેટ્રોલનો ભાવ બમણો થઇ ગયો છે, મોંઘવારી ચૂંટણીમુદ્દો બન્યો છે, જેથી સરકારે લોઅર-મિડલ ક્લાસના દરેક પરિવારને 19 હજાર રૂ. અને ઇનકમ ટેક્સમાં 1.14 લાખ રૂ.ની રાહત આપી છે. ઓસ્ટ્રેલિયાએ રશિયા-ચીનની મિત્રતાને નાપાક ગણાવી છે. { ઓસ્ટ્રેલિયાએ આશંકા વ્યક્ત કરી છે કે આમ કરીને ચીન ઓસ્ટ્રેલિયામાં કે આસપાસના દેશોમાં રશિયા જેવી હરકત કરવા માગે છે.
જાપાન: રશિયાને મોસ્ટ ફેવર્ડ નેશન્સમાંથી હટાવ્યું પણ ઇંધણ મામલે હાથ તંગ
જાપાને રશિયાને વેપારમાં મોસ્ટ ફેવર્ડ નેશન્સની યાદીમાંથી બહાર કરી દેતા રશિયાથી આયાત મોંઘી થઇ ગઇ છે. જાપાને પુટિન અને તેમની નજીકના લોકોની સંપત્તિ જપ્ત કરી છે, જ્યારે 266 વસ્તુની નિકાસ રોકી છે. જોકે, ઇંધણ મુદ્દે રશિયા સામે પગલાં લેતા જાપાન ખચકાય છે. { જાપાનના 17 ન્યુક્લિયર પ્લાન્ટમાંથી 6 ચાલુ છે અને ઉદ્યોગો ટકાવી રાખવા ક્રૂડ તથા એલએનજીની આયાત ઘટાડવી પડી છે.
ચીન: EUનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર, ત્યાં આર્થિક સંકટથી ચીનને પણ અસર થશે
યુદ્ધની ચીન પર મિશ્ર અસર પડશે. રશિયન ક્રૂડ, ગેસ, ખનીજો અને ખાદ્ય સામગ્રીની નિકાસ પર રોકને કારણે રશિયાએ ચીનને તે નીચા ભાવે આપવા પડશે. રશિયા, યુક્રેન સાથે ચીનનો વેપાર અનુક્રમે 11.2 લાખ કરોડ અને 8.45 લાખ કરોડનો છે, જેના અસર થશે. { ચીન યુરોપિયન યુનિયનનું સૌથી મોટું ભાગીદાર છે. યુરોપ આર્થિક સંકટમાં છે. જીડીપી 1 પોઇન્ટ ઘટવાથી ચીનને 0.3% નુકસાન થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.