યુક્રેનના ખાર્કિવમાં ફસાયેલા ભારતીયોએ તાત્કાલિક શહેર છોડવાની સમય સીમા પૂરી થઈ ગઈ છે. કીવ સ્થિત ભારતીય એમ્બેસીએ ચેતવણી આપતા કહ્યું હતું કે ભારતીય કોઈપણ સંજોગોમાં સાંજે 6 વાગ્યા (ભારતીય સમય પ્રમાણે 9.30 વાગ્યા) સુધી ખાર્કિવ છોડી દે. આ એલર્ટ રશિયા તરફથી મળેલા ઈનપુટ બાદ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત હાઈલેવલ બેઠક બોલાવી છે.બીજી બાજુ રેસ્ક્યુ માટે બુખારેસ્ટ પહોંચેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે આગામી 48 કલાકમાં યુક્રેનથી 4800 ભારતીયને ઓપરેશન ગંગા હેઠળ રેસ્ક્યૂ કરવામાં આવશે.
યુક્રેન મુદ્દે PM મોદીની પાંચમી બેઠક
બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફરી એક વખત તેમના સિનિયર પ્રધાન સાથે બેઠક કરી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો પણ સમાવેશ થતો હતો. બેઠકમાં યુક્રેન સહિત ઓપરેશન ગંગા મુદ્દે ચર્ચા થઈ છે. આ અગાઉ મંગળવારે સાંજે પણ વડાપ્રધાને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. તેમા 8 માર્ચ સુધી 46 ઉડ્ડાન યુક્રેનથી ભારતીયોને લાવવા માટે મોકલવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે એરફોર્સે પણ આ ઓપરેશનમાં સામેલ થવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. યુક્રેન મુદ્દે છેલ્લા ત્રણ દિવસમાં PMની આ પાંચમી બેઠક છે.
બીજી બાજુ ખાર્કિવમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ચાલીને અન્ય શહેરો તરફ નિકળ્યા છે. ખાર્કિવથી પોસેચિન 11 કિમી, બાબઈ 12 કિમી તથા બેજુલ્યોદોવ્કા 16 કિમી દૂર છે.ખાર્કિવ રેલવે સ્ટેશન પર હજારો ભારતીયો ફસાયેલા છે, કારણ કે અહીંથી ટ્રેનો ચાલી રહી નથી. ભારતીય એમ્બેસી તરફથી આ એલર્ટ જાહેર થયાના થોડા કલાકો બાદ જ સિટી કાઉન્સિલ પર મિસાઈલ હુમલો પણ થયો છે. આવતીકાલે સવારે 4 ગ્લોબલમાસ્ટર 800 યાત્રી લઈને પહોંચશે.10 ફ્લાઈટ્સથી 2305 ભારતીયનો એરલેફ્ટ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ ઉત્તરપ્રદેશના રોબર્ટ્સગંજની ચૂંટણી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું અમે ઓપરેશન ગંગા અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા લોકોને કાઢવાના શક્ય તેટલા તમામ પ્રયત્ન કરી રહ્યાં છે. હજારો નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. આ મિશનને ગતિ આપવા માટે ભારતે પોતાના 4 મંત્રીઓને મોકલ્યા છે, ભારતીયોની સુરક્ષિત યાત્રા માટે કોઈ ખામી છોડી નથી.
રશિયાએ સતત 7માં દિવસે યુક્રેન પર હુમલા ચાલુ રાખ્યા છે. આ દરમિયાન 10 ફ્લાઈટ્સથી 2305 ભારતીયોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં રશિયાના રજદૂત ડેનિસ અલીપોવે કહ્યું કે- અમે ખાર્કિવ અને પૂર્વી યુક્રેનના અન્ય ક્ષેત્રોમાં ફસાયેલા ભારતીય અધિકારીઓના સંપર્કમાં છે.
યુક્રેનમાં ફસાયેલા લોકોને ભારત પરત લઈ આવવાના અભિયાન 'ઓપરેશન ગંગા'માં એરફોર્સ પણ જોડાયું છે. એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન C-17 બુધવારે સવારે 4 વાગ્યે હિંડન એરબેઝથી રવાના થયું છે. આ સિવાય એરફોર્સનું એક વિમાન, ટેન્ટ, કેબલ અને અન્ય માનવીય સહાયતા સામગ્રીને લઈને હિંડન એરબેઝથી રવાના થવાની તૈયારીમાં છે. એમ કહેવાઈ રહ્યું છે કે પોતાની પ્રથમ ઉડાનમાં જ 400થી વધુ ભારતીય સ્ટુડન્ટ્સને આ વિમાન એરલિફ્ટ કરીને બુધવાર સાંજ સુધીમાં ભારત લાવી શકે છે. આ દરમિયાન ભારતીયોને લઈને વધુ એક ફ્લાઈટ દિલ્હી પહોંચી છે. કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કર્યું છે.
સિંધિયાએ કહ્યું- મોલડોવાની બોર્ડર પણ ભારતીય માટે ખુલ્લી
બીજી તરફ ઓપરેશન ગંગાનું મોનિટરિંગ કરવા માટે રોમાનિયાના બુખારેસ્ટ પહોંચેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્યા સિંધિયાએ ત્યાં રાહ જોઈ રહેલા ભારતીયો સાથે વાત કરી. તેઓ રોમાનિયા અને મોલડોવાના રાજદૂતને મળ્યા. સિંધિયાએ જણાવ્યું કે મોલડોવાની બોર્ડર પણ ભારતીયો માટે ખોલવામાં આવી છે. ત્યાં પહોંચનારા ભારતીયોની ત્યાં રહેવાની પણ સગવડ કરવામાં આવી છે.
પોલેન્ડ એમ્બેસીની એડવાઈઝરી, બુડોમાઈર્ઝ બોર્ડરથી એન્ટ્રી કરો
પોલેન્ડમાં ઈન્ડિયન એમ્બેસીએ કહ્યું કે ત્યાં પહોંચી રહેલા ભારતીય માટે નવી એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનના લ્વીવ, ટર્નોપિલ અને પશ્ચિમ હિસ્સામાંથી પોલેન્ડ આવી રહેલા ભારતીયોઓએ સરળતાથી એન્ટ્રી માટે બુડોમાઈર્ઝ બોર્ડર ચેક પોઈન્ટનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાં ઈન્ડિયન એમ્બેસીના અધિકારી પણ તહેનાત કરવામાં આવ્યા છે. પોલેન્ડમાં પ્રવેશ માટે શિહાઈની-મિડાઈકા બોર્ડરનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. ત્યાં ખૂબ જ ભીડભાડ છે. આ દરમિયાન પોલેન્ડથી ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ પણ રવાના થઈ ગઈ છે.
પીએમએ બેઠક કરી, એરફોર્સની મદદ લેવાનો નિર્ણય
આ પહેલા મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈ લેવલ બેઠક કરી હતી. તેમાં એરફોર્સની મદદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલે જણાવ્યું કે પીએમએ યુક્રેનથી ભારતીયોને કાઢવા માટે 3 દિવસમાં 26 ફ્લાઈટ્સ મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારતીયોને એરલિફ્ટ કરવા માટે બુખારેસ્ટ અને બુડાપોસ્ટ સિવાય પોલેન્ડ અને સ્લોવાકના એરપોર્ટનો પણ ઉપયોગ કરવામાં આવશે.
કુલ 46 ફ્લાઈટ્સને મોકલવામાં આવશે
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, 8 માર્ચ સુધીમાં બુડાપોસ્ટ સહિત અન્ય સ્થાનો પર કુલ 46 ફ્લાઈટ્સને મોકલવામાં આવશે.
રોમાનિયાના બુખારેસ્ટમાં કુલ 29 ફ્લાઈટ્સ જશે. તેમાં 13 એર ઈન્ડિયાની, 8 એર ઈન્ડિયા એક્સપ્રેસની, 5 ઈન્ડિગોની, 2 સ્પાઈસજેટની અને એક ઈન્ડિયન એરફોર્સનું એરક્રાફટ હશે. બુડાપોસ્ટમાં 10 ફ્લાઈટ જશે. તેમાંથી 7 ઈન્ડિગોની, 2 એર ઈન્ડિયાની અને એક સ્પાઈસ જેટની ફ્લાઈટ હશે. પોલેન્ડમાં ઈન્ડિગોની 6 ફ્લાઈટ, કોસિસમાં સ્પાઈસ જેટની એક ફ્લાઈટ જશે. એમ કહેવાઈ રહ્યું છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટની કેપેસિટી 250 મુસાફરોની છે. જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસમાં 180, ઈન્ડિગોની 216 અને સ્પાઈસ જેટની 180 મુસાફરોની ક્ષમતા છે.
12,000 વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ચુક્યા છે
શ્રૃંગલાએ વધુમાં જણાવ્યું કે અમારા તમામ નાગરિકોએ કીવ છોડી દીધુ છે. અમારી પાસે જે માહિતી છે, તે મુજબ કીવમાં અમારા બીજા નાગરિકો નથી. ત્યાંથી અમારો કોઈએ પણ સંપર્ક કર્યો નથી. અમે જ્યારે પોતાની પ્રથમ એડવાઈઝરી બહાર પાડી હતી. તે સમયે યુક્રેનમાં લગભગ 20,000 ભારતીય વિદ્યાર્થીઓ હતા. ત્યારથી લગભગ 12,000 વિદ્યાર્થી યુક્રેન છોડી ચુક્યા છે. બાકી બચેલા 40 ટકા સ્ટુડન્ટ્સમાંથી લગભગ અડધા સંધર્ષ ક્ષેત્રમાં છે અને અડધા યુક્રેનની પશ્ચિમ બોર્ડર પર પહોંચી ગયા છે અથવા તો તેની તરફ આગળ વધી રહ્યાં છે.
શ્રૃંગલાએ જણાવ્યું કે અમે તમામ નાગરિકોને કીવથી બહાર નીકળવાની સલાહ આપી હતી. તે હંગેરી, સ્લોવાકિયા, રોમાનિયા, પોલેન્ડ અને મોલ્દોવા તરફ જઈ શકે છે. 7700 નાગરિક આ માર્ગેથી નીકળી ચુક્યા છે, 2000 પરત આવી ગયા છે અને 4થી 5 હજાર લોકો ફ્લાઈટ્સની રાહ જોઈ રહ્યાં છે.
એર ઈન્ડિયાનું દસમુ વિમાન દિલ્હી પહોંચ્યુ
બુધવારે દસમું વિમાન ભારતીયોને લઈને દિલ્હી પહોંચ્યું છે. આ પહેલા 9મી ફ્લાઈટમાં રાતે 1.30 વાગ્યે 218 ભારતીય દિલ્હી પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દિલ્હી એરપોર્ટ પર વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું. ઓપરેશન ગંગા અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 9 ફ્લાઈટ્સથી કુલ 2,054 ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યા છે. આજે 7 ફ્લાઈટ્સ યુક્રેનની આસપાસના દેશમાંથી ભારતીયોને લઈને સ્વદેશ પહોંચશે.
ફિલિપિન્સથી કાબુલ સુધી C-17 ગ્લોબમાસ્ટર સંજીવની બન્યું
C-17 ગ્લોબમાસ્ટરથી અફઘાનિસ્તાનમાં અશાંતિ દરમિયાન 640 લોકોએ લઈને ઉડાન ભરી હતી. ભારતીય એરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર વિમાનથી ભારતીયોને કાબુલથી બે વખત એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ભારતની પાસે 11 C-17 ગ્લોબમાસ્ટર વિમાન છે. આ વિમાનનો બહારનો ઢાંચો મજબુત છે, તેની પર રાઈફલ અને નાના હથિયારોના ફાયરિંગની કોઈ જ અસર થતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.