પાકિસ્તાનમાં આગામી મહિનાઓમાં હવામાનની સાથેસાથે રાજકીય પારો પણ ચરમ પર પહોંચી જશે. પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ(પીટીઆઈ) પાર્ટીના વડા ઈમરાન ખાને તેમની પાર્ટીના શાસન હેઠળનાં રાજ્યોમાં વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ઈમરાન સરકાર સમક્ષ સામાન્ય ચૂંટણી યોજવા સતત માગ કરી રહ્યા છે. તેમણે બુધવારે નિર્ણય કર્યો કે સૌથી પહેલા પંજાબ વિધાનસભા ભંગ કરીશું. બીજા તબક્કામાં ખૈબર પખ્તૂનખ્વાની વિધાનસભા ભંગ કરાશે. તેના પછી પણ સરકાર નહીં માને તો પીટીઆઈના સાંસદો પણ રાજીનામાં આપશે. ઈમરાનનો આ દાવ અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી પ્રહાર સાબિત થઇ શકે છે. જોકે તેમના માટે આ રાજકીય નિર્ણયને લાગુ કરવો તલવારની ધાર પર ચાલવા સમાન રહેશે.
સત્તારુઢ પીએમએલ-એનએ ઈમરાનના સહયોગી પક્ષોનો સંપર્ક કર્યો છે. પંજાબમાં પીટીઆઈ પીએમએલ-ક્યૂ સાથે સરકારમાં સાથીદાર છે. પીએમએલ-એનએ તેમને ઈમરાનનો સાથ છોડી પોતાની સાથે જોડાઈ જવાની ઓફર કરી છે.
પીટીઆઈના સાંસદોનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. જોડ-તોડના માસ્ટર કહેવાતા પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ ઝરદારી લાહોર પહોંચી ગયા છે. તેમને ઈમરાનના સહયોગીઓને તોડવાનું ટાસ્ક અપાયું છે. રાજકીય નિષ્ણાત નજમ સેઠીએ કહ્યું કે ઈમરાન તેમનાં તમામ રાજકીય કાર્ડ રમી ચૂક્યા છે. આ કાર્ડ(વિધાનસભા ભંગ કરવી) ચાલી જશે તો ગેમચેન્જર સાબિત થશે. પણ આ નિર્ણયને લાગુ કરતા પહેલાં ઈમરાને અનેકવાર વિચારવું પડશે.
ચૂંટણીપંચે ઈમરાનને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી
પાક.ના ચૂંટણીપંચે ઈસ્લામાબાદ હાઈકોર્ટને જણાવ્યું કે તોશખાના મામલે ઈમરાનને પીટીઆઈ અધ્યક્ષ પદેથી હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. ચૂંટણીપંચના કાયદાના મહાનિર્દેશક મોહમ્મદ અરશદે કહ્યું કે કોર્ટમાં આગામી સુનાવણી 20 ડિસેમ્બરે થશે. ઈસ્લામાબાદમાં એક જિલ્લા અને સેશન કોર્ટે પણ ઈમરાન ખાન વિરુદ્ધ તોશખાના મામલે ચૂંટણીપંચની અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો.
પાકિસ્તાન સરકાર ઈમરાનને વાતચીત માટે બોલાવી શકે છે
રાજકીય નિષ્ણાતો માને છે કે હાલમાં રાજકીય માહોલ ઈમરાનની તરફેણમાં છે. તેમને લોન્ગ માર્ચથી ફાયદો થયો. ગોળી વાગતા સહાનુભૂતિ પણ મળી. તે મજબૂત સ્થિતિમાં છે. જોકે બીજી બાજુ શાહબાઝ સરકાર નબળી સ્થિતિમાં છે. એટલે સરકાર તેમને મંત્રણા માટે બોલાવી શકે છે. આગામી 5-6 મહિનામાં ચૂંટણી યોજવા સંમત થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.