ઇંગ્લેન્ડ:ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા ‘દુનિયાના સૌથી ઉંમરલાયક પુરુષ’ બોબ વેટન કેન્સરને લીધે 112 વર્ષે મૃત્યુ પામ્યા

લંડન3 વર્ષ પહેલા
  • બોબનો જન્મ 29 માર્ચ,1908ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો
  • બોબને ત્રણ સંતાન, 10 પૌત્રો-પૌત્રી અને 25 પ્રપૌત્રો-પ્રપૌત્રી છે
  • નિવૃત્ત થયા બાદ તેઓ લંડનની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા

બ્રિટનના 112 વર્ષીય બોબ વેટને આ વર્ષે માર્ચ મહિનામાં દુનિયાના સૌથી ઉંમરલાયક પુરુષનો રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. બોબ છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડાતા હતા. તેમણે 28 મેના રોજ દુનિયાને અલવિદા કહ્યું છે. બોબના પરિવારે આ માહિતી આપી છે. 

વ્યવસાયે બોબ એન્જિનિયર હતા
બોબનો જન્મ 29 માર્ચ,1908ના રોજ યોર્કશાયરમાં થયો હતો. બોબે પોતાનું જીવન તાઇવાન, જાપાન અને કેનેડામાં વિતાવ્યું હતું. તેમણે આ દેશોમાં એન્જિનિયરનું કામ કર્યું હતું. ઘણા વર્ષોથી તેઓ ઇંગ્લેન્ડમાં રહેતા હતા અને લંડનની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા. બોબને ત્રણ સંતાન, 10 પૌત્રો-પૌત્રી અને 25 પ્રપૌત્રો-પ્રપૌત્રી છે. 

‘દરેકના જીવનમાં હાસ્યનું મહત્ત્વ હોવું જોઈએ’
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ થતા બોબે જણાવ્યું  હતું કે, ‘મને આ ટાઈટલથી ખુશી નથી થઈ, કારણકે આ ટાઈટલ મારે નામ થતા પહેલાં કોઈનું મૃત્યુ થયું છે. ’બોબ પોતાની ઉંમર વિશે લોકોને કહેતા કે, મને લાગે છે દરેકના જીવનમાં હાસ્યનું મહત્ત્વ હોવું જોઈએ. દુનિયાના ઘણા લોકો પોતાને ગંભીર લઇને જીવનમાં મુશ્કેલીઓ વધારી દે છે. હું મૃત્યુ વિશે વિચારતો જ નથી અને ખુશ રહીને જીવન જીવું છું. 

બોબના મૃત્યુથી દુનિયાએ સૌથી ઉંમરલાયક પુરુષ ખોઈ દીધા છે.

અન્ય સમાચારો પણ છે...