લૉકડાઉનમાં દારુ પાર્ટી ભારે પડી:બ્રિટનના PM બોરિસ પર રાજીનામાનું દબાણ, ઋષિ સુનાક પહેલી પસંદ બન્યા

લંડન6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોરિસ જોનસનની લોકપ્રિયતા ઘટીને 36 ટકા થઈ

કોરોના લૉકડાઉનમાં દારૂ પાર્ટી અને પછી સંસદમાં કમને માફી બાદ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પર રાજીનામા માટે દબાણ વધી રહ્યું છે. ભારતીય મૂળના નાણામંત્રી ઋષિ સુનાકની લોકપ્રિયતામાં વધારો થયો છે. નોંધનીય છે કે ઋષિ સુનાક ઇન્ફોસિસના ચેરમેન એમિરેટ્સ એન. આર. નારાયણ મૂર્તિના જમાઇ છે. તેમના જ પક્ષના યુગૉવ પોલ સરવેમાં 46% લોકોએ માન્યું કે ઋષિ બોરિસથી સારા વડાપ્રધાન સાબિત થઇ શકે છે. ઋષિ વડાપ્રધાન બનશે તો મે, 2024માં થનારી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને વધુ બેઠકો મળી શકે છે.

રાજીનામાના દબાણ વચ્ચે કન્ઝર્વેટિવ પાર્ટીના જ 10માંથી 6 મતદારોએ બોરિસની કાર્યપ્રણાલીને ખરાબ ગણાવી છે. સરવેમાં ત્રીજા ભાગના મતદારોએ કહ્યું કે બોરિસ પીએમ પદ છોડે. તેમની લોકપ્રિયતામાં આ ઘટાડો જુલાઇ, 2020 બાદ સર્વાધિક છે. આ દરમિયાન થયેલા સરવેમાં બોરિસને તેમના પક્ષના 85% મતદારોનું સમર્થન હતું જ્યારે ઋષિની લોકપ્રિયતા સતત વધી છે. બીજી તરફ બ્રિટનના આરોગ્ય સચિવ જોનાથન ટૈમે ગુરુવારે રાજીનામું આપ્યું.

ઋષિ સુનાક આ 4 કારણથી ફ્રન્ટરનર બન્યા
1.
કોરોનાકાળમાં દેશને આર્થિક મંદીમાંથી સફળતાપૂર્વક બહાર લાવ્યા. તમામ વર્ગોને ખુશ કર્યા.
2. 2020માં હોટલ ઇન્ડસ્ટ્રીને ‘ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ’ સ્કીમ દ્વારા 15,250 કરોડની મદદ કરી.
3. કર્મચારીઓ અને સ્વરોજગારવાળા લોકોને ઓગસ્ટ, 2021માં 2-2 લાખ રૂ.ની મદદ કરી.
4. બ્રિટનમાં કોરોનાની હાલની લહેર દરમિયાન ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને 10 હજાર કરોડનું પેકેજ.

બ્રેક્ઝિટ સમર્થક: ઋષિ સુનાકનાં માતા-પિતા પંજાબી મૂળનાં છે. તેઓ પૂર્વ આફ્રિકાથી 1960ના દાયકામાં ઇંગ્લેન્ડમાં સ્થાયી થયાં. બેન્કર તરીકે કરિયર શરૂ કરનારા ઋષિ 2015માં પહેલીવાર ચૂંટણી જીત્યા. થેરેસા મે સરકારમાં સંસદીય સચિવ રહેલા ઋષિ બ્રેક્ઝિટ સમર્થક રહ્યા છે.

પ્રીતિ પટેલ પણ દાવેદાર
બ્રિટનનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલ પણ બોરિસના રાજીનામાની સ્થિતિમાં પીએમ પદનાં દાવેદાર હોઇ શકે છે. જમણેરી વિચારધારાનાં સમર્થક પ્રીતિ પ્રવાસીઓને આશ્રય આપવાની વિરુદ્ધમાં છે.

લેબર પાર્ટીએ લીડ મેળવી
યુગૉવ પોલના ગુરુવારે આવેલાં પરિણામોમાં બ્રિટનમાં વિપક્ષ લેબર પાર્ટીને કન્ઝર્વેટિવ પાર્ટી પર 10% સરસાઇ મળી છે. કન્ઝર્વેટિવ પાર્ટીને 28% જ્યારે લેબર પાર્ટીને 38% સમર્થન મળ્યું. લેબર પાર્ટીને 2013 બાદ સૌથી વધુ સમર્થન મળ્યું છે. લેબર પાર્ટી બ્રિટનની વિપક્ષી પાર્ટી છે અને કન્ઝર્વેટિવ પાર્ટી સામે તેની લોકપ્રિયતા વધી રહી છે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...