• Gujarati News
  • International
  • With Only 2 Months Of Import Money Left In The Treasury, Half A Cup Of Tea Was Left Behind; Doing So Will Save Rs 5,000 Crore

પાકિસ્તાનીઓને ચા પીવાનાં પણ ફાંફાં!:તિજોરીમાં માત્ર 2 મહિનાના આયાતના રૂપિયા બચ્યા, અડધો કપ ચા છોડવાની સ્થિતિ સર્જાઈ; આવું કરતાં 5,000 કરોડ બચશે

19 દિવસ પહેલાલેખક: અભિષેક પાંડે
  • કૉપી લિંક
  • પાકિસ્તાન દર વર્ષે 9,500 કરોડ રૂપિયાની ચાની આયાત કરે છે

હું સમુદાયને પણ અપીલ કરીશ કે આપણે ચાના એક-એક અને બે-બે કપમાં ઘટાડો કરવો જોઈએ, કારણ કે આપણે જે ચા આયાત કરીએ છીએ એ પણ ક્રેડિટ પર આયાત કરીએ છીએ." મંત્રી અહેસાન ઈકબાલે આ સલાહ તેમના નાગરિકોને આપી છે. એવામાં આ અપીલથી પાકિસ્તાનની દયનીય આર્થિક સ્થિતિ ફરી ચર્ચામાં આવી છે.

તમે વિચારતા હશો કે પાકિસ્તાનની આર્થિક દુર્દશાનો ચા સાથે શો સંબંધ છે? શા માટે પાકિસ્તાનના મંત્રી ચાનું સેવન ઘટાડવાની અપીલ કરી રહ્યા છે? તો ચાલો... આનું કારણ આગળ સમજીએ...

પાકિસ્તાન દર વર્ષે 9,500 કરોડ રૂપિયાની ચાની આયાત કરે છે
220 મિલિયનની વસતિ ધરાવતું પાકિસ્તાન વિશ્વમાં ચાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. બે વર્ષ પહેલાં એટલે કે 2020માં પાકિસ્તાને 590 મિલિયન ડોલર એટલે કે લગભગ 120 અબજ પાકિસ્તાની રૂપિયાની ચા ખરીદી હતી. એ જ સમયે 2021-22માં પાકિસ્તાને લગભગ 82 અબજ પાકિસ્તાની રૂપિયાની ચાની આયાત કરી હતી. 2022-23માં પાકિસ્તાનની ચાની આયાત લગભગ 95 અબજ રૂપિયા અથવા 9,500 કરોડ રૂપિયા જેટલી થઈ ગઈ છે.

હવે આ દેશ માટે સમસ્યા એ છે કે જૂનમાં તેનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને માત્ર 10 બિલિયન ડોલર પર આવી ગયો છે. આ સાથે તે આગામી 2 મહિના માટે જ આયાત કરી શકશે. આ જ કારણ છે કે પાકિસ્તાનના મંત્રીએ લોકોને ચા ઓછી પીવાની અપીલ કરી છે. તાજેતરમાં જ પાકિસ્તાને ડોલર બચાવવા માટે લક્ઝરી વસ્તુઓની આયાત પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

પાકિસ્તાનીઓ દર મહિને 770 કરોડ કપ ચા પીવે છે
નેશનલ ટી એન્ડ હાઈ વેલ્યુ ક્રોપ્સ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડો. અબ્દુલ વાહીદના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં દર સેકન્ડે 3,000 કપ ચા પીવામાં આવે છે, એટલે કે પાકિસ્તાનમાં દરરોજ લગભગ 260 મિલિયન કપ ચા પીવામાં આવે છે. દર મહિને લગભગ 770 મિલિયન કપ અને દર વર્ષે લગભગ 9,300 મિલિયન કપ ચા પીવામાં આવે છે.

છેલ્લાં ઘણાં વર્ષોથી પાકિસ્તાનમાં માથાદીઠ ચાનો વાર્ષિક વપરાશ 1 કિલોની આસપાસ સ્થિર રહ્યો છે, પરંતુ દર વર્ષે વસતિમાં 2-3% વધારા સાથે ચાનો વપરાશ પણ વધી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન અથવા FAOના ડેટા અનુસાર, પાકિસ્તાનમાં 2007 અને 2016 વચ્ચે માથાદીઠ ચાના વપરાશમાં 35.8%નો વધારો થયો છે.

પાકિસ્તાનમાં 850 રૂપિયા પ્રતિ કિલો ચાની પત્તી
પાકિસ્તાનમાં વધતી મોંઘવારીએ ચાની ચુસકી પણ મોંઘી કરી દીધી છે. ત્યાં 1 કિલો ચાની પત્તીનો ભાવ જૂનમાં 850 રૂપિયા પર પહોંચી ગયો છે, જે 4 મહિના પહેલાં સુધી 700-750 રૂપિયા હતો.

પાકિસ્તાનીઓ એક દિવસ ચા ન પીવે તો 26 કરોડની બચત થશે
જો આપણે પાકિસ્તાનમાં ચાની એક દિવસની આયાતની કિંમત પર નજર કરીએ તો એ લગભગ 26 કરોડ રૂપિયા થાય છે. એનો અર્થ એ છે કે જો પાકિસ્તાનમાં લોકો એક દિવસ પણ ચા નહીં પીવે તો લગભગ 26 કરોડ રૂપિયાની બચત થશે. હાલમાં પાકિસ્તાનમાં ચાની દુકાનો પર ચાના કપની કિંમત 45 રૂપિયા છે. થોડા મહિના પહેલાં સુધી આ કિંમત કપદીઠ 30 રૂપિયા હતી.

પાકિસ્તાન દર વર્ષે લગભગ 2 લાખ ટન ચા વિદેશમાંથી આયાત કરે છે
એવું નથી કે પાકિસ્તાનમાં ચાનું ઉત્પાદન થતું નથી, પરંતુ ત્યાં માત્ર 50 હેક્ટરમાં ચાની ખેતી થાય છે અને ચાની વાર્ષિક ઊપજ માત્ર 10 ટન છે. જ્યારે ત્યાં ચાનો વપરાશ વાર્ષિક 2 લાખ ટન જેટલો થાય છે. પાકિસ્તાને જુલાઈ 2020થી એપ્રિલ 2021 દરમિયાન 2.21 લાખ ટન ચાની આયાત કરી હતી. એટલા માટે પાકિસ્તાન પોતાની જરૂરિયાતની મોટા ભાગની ચાની આયાત કરે છે.

યુએનના આંકડા અનુસાર, પાકિસ્તાનીઓ હાલમાં દર વર્ષે લગભગ 1.80 લાખ ટન બ્લેક ટી પીવે છે. આ આંકડો 2027 સુધીમાં વધીને 2.50 લાખ ટન થવાની ધારણા છે.

પાકિસ્તાન તેની 80% ચા કેન્યાથી આયાત કરે છે
પાકિસ્તાનમાં ચા અનેક પ્રકારે પીવામાં આવે છે. બ્લેક ટી ત્યાં સૌથી વધુ પીવામાં આવે છે. આ સાથે ગ્રીન ટી, હોટ ટી, કોલ્ડ ટી, મીઠી ચા, ખારી અને મસાલેદાર ચા પણ પીવામાં આવે છે. ત્યાં ઉકાળેલા મીઠા દૂધમાં ચાની પત્તી ભેળવીને બનાવેલી ચા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. કેન્યા ઉપરાંત પાકિસ્તાન ચીન, તાંઝાનિયા, યુગાન્ડા અને બુરુન્ડી જેવા પૂર્વ આફ્રિકન દેશોમાંથી પણ ચાની આયાત કરે છે.

સફરમાં પાકિસ્તાનની આર્થિક દુર્દશા પર એક નજર...
પાકિસ્તાની નાણાં મંત્રાલય અનુસાર, 2013માં પાકિસ્તાન પર લગભગ 8.87 લાખ કરોડ પાકિસ્તાની રૂપિયાની લોન હતી, જે એપ્રિલ 2021 સુધીમાં વધીને લગભગ 18 લાખ કરોડ પાકિસ્તાની રૂપિયા થઈ ગઈ.
પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 200 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગઈ છે.

  • પાકિસ્તાની રૂપિયામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. 1 ડોલર સામે 207ની ઉપર પહોંચી ગયો છે.
  • પાકિસ્તાન પણ પાવર કટોકટીનો સામનો કરી રહ્યું છે.
  • એક અઠવાડિયા પહેલાં તેણે બજારો રાત્રે 8.30 વાગ્યા સુધી બંધ રાખવાં, 10 વાગ્યા પછી લગ્નો પર પ્રતિબંધ અને ઓફિસમાં કામકાજના દિવસો 6 દિવસથી ઘટાડીને અઠવાડિયાના 5 દિવસ કરવાનો નિર્ણય લીધો હતો.
  • પાકિસ્તાન આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે IMF પાસેથી 3 બિલિયન ડોલરની આર્થિક મદદ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...