તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • An Epidemic Wiped Out An Entire Empire, Someone Wiped Out 90% Of America's Population, Some Diseases Out Of Control Even After 700 Years

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020 કરતાં પણ વધારે ખરાબ અનેક વર્ષો:કોઈ મહામારીએ સંપૂર્ણ સામ્રાજ્યને સમાપ્ત કરી નાખ્યું તો કોઈએ અમેરિકાની 90% વસતિનો નાશ કર્યો, કેટલીક બીમારી 700 વર્ષ બાદ પણ અંકુશ બહાર

2 મહિનો પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
  • કૉપી લિંક

ગયા વર્ષના નવેમ્બર મહિનામાં ચીનના વુહાનમાં એક અલગ પ્રકારના ફ્લૂનો ફેલાવો થયો હતો. આજથી એક વર્ષ અગાઉ 31 ડિસેમ્બર 2019ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO)એ એને ન્યૂમોનિયા તરીકે ગણાવ્યો હતો. આ વાઈરલ ન્યૂમોનિયા આપણી સૌની વચ્ચે કોવિડ-19 સ્વરૂપમાં પહોંચ્યો. ત્રણ મહિના બાદ 11 માર્ચના રોજ WHOએ એને મહામારી જાહેર કરી હતી. કોરોનાથી અત્યારસુધીમાં વિશ્વભરમાં 18 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પૈકી 1.5 લાખ ભારતીયનો સમાવેશ થાય છે.

વર્ષ 2020ને આપણે સૌ અત્યારસુધીનું સૌથી ખરાબ વર્ષ માની છીએ, પણ હકીકત એ છે કે માનવીનાં હજારો વર્ષના ઈતિહાસમાં એવાં અનેક વર્ષો પસાર થયાં છે, જેમાં કોઈને કોઈ મહામારી ફેલાઈ છે અને કરોડો લોકોને ભરખી ગઈ છે. જસ્ટિનિયન પ્લેગે આશરે 1500 વર્ષ અગાઉ એક સામ્રાજ્યને જ સમાપ્ત કરી નાખ્યું હતું, જ્યારે 15મી સદીમાં શીતળાએ અમેરિકાની 90 ટકા વસતિને જ મારી નાખી હતી.

આશરે 100 વર્ષ અગાઉ સ્પેનિશ ફ્લૂને લીધે 5 કરોડથી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં. તો ચાલો જાણીએ એવી 10 મહામારી કે જેને આપણા પૂર્વજોના વર્ષને બગાડી નાખ્યું હતું....

1. એન્ટોનિયન પ્લેગ- વર્ષઃ 165

રોમમાં ફેલાયેલી બીમારીથી રાજા સહિત 50 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા

ઈતિહાસમાં જઈએ તો વર્ષ 165માં પ્રથમ વખત કોઈ મહામારી ફેલાઈ હતી. એને એન્ટોનિયા પ્લેગ નામ આપવામાં આવ્યું છે. આ સાથે એવું માનવામાં આવે છે કે રોમનું સૈન્ય જ્યારે મેસોપોટામિયાથી પરત ફર્યું તો તેની સાથે આ સંક્રમણ રોમમાં આવ્યું હતું. તેને લીધે દરરોજ 2 હજાર લોકો જીવ ગુમાવતા હતા. 169માં આ સંક્રમણથી રોમન સમ્રાટ લુસિયસ વેરસનું મૃત્યુ થયું હતું. એ સમયે આ મહામારીને લીધે 50 લાખ જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં.

2. જસ્ટિનિયન પ્લેગ-વર્ષઃ 541

આ મહામારીએ વિશ્વની અડધી વસતિનો જીવ લીધો હતો

એન્ટોનિયન પ્લેગ બાદ જે મહામારી ફેલાઈ એનું નામ- જસ્ટિનિયન પ્લેગ છે. આ મહામારી વર્ષ 541માં એશિયા, ઉત્તર આફ્રિકા, આરબ અને યુરોપમાં ફેલાઈ હતી. જોકે એની સૌથી વધારે અસર પૂર્વ રોમન સામ્રાજ્ય બાઈજેન્ટાઈન પર થઈ હતી. આ મહામારીને લીધે 5 કરોડ લોકોના જીવ ગયા હતા. એ સમયે વિશ્વની કુલ વસતિનો એ અડધો ભાગ હતો. આ બીમારી એટલી ખતરનાક હતી કે એને બાઈજેન્ટાઈન સામ્રાજ્યને જ સમાપ્ત કરી નાખ્યું હતું.

3. ધ બ્લેક ડેથ- વર્ષઃ 1347-1351

યુરોપમાં એટલા લોકો મર્યા કે એટલી વસતિ થવામાં 200 વર્ષનો સમય લાગ્યો

વર્ષ 1347થી 1351 વચ્ચે ફરી એક વખત પ્લેગ ફેલાયો. એને બ્યુબોનિક પ્લેગ નામ આપવામાં આવ્યું. તેની સૌથી વધારે અસર યુરોપ અને એશિયામાં થઈ. એ સમયે મોટા ભાગનો કારોબાર સમુદ્રી માર્ગે જ થતો હતો. સમુદ્રી જહાજો પર ઊંદરો મોટી સંખ્યામાં રહેતા હતા. આ ઊંદરોથી માખીઓ મારફત આ બીમારી ફેલાઈ હતી. આ બીમારીથી એ સમયે 20 કરોડ લોકો માર્યા ગયા હતા. આ સાથે એવું કહેવામાં આવે છે કે આ બીમારીથી યુરોપમાં જ એટલી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં કે એને વર્ષ 1347 અગાઉની વસતિના સ્તર સુધી પહોંચવામાં 200 વર્ષનો સમય લાગ્યો હતો. આ માટે તેને બ્લેક ડેથ પણ કહેવામાં આવે છે. બ્યુબોનિક પ્લેગ અથવા બ્લેક ડેથ આજે પણ સમાપ્ત થયો નથી.

4. સ્મોલપોક્સ (શીતળા )- વર્ષ : 1492

યુરોપથી આવેલી આ બીમારીએ અમેરિકાના 90 ટકા લોકોનો જીવ લીધો હતો

વર્ષ 1492માં યુરોપિયન્સ અમેરિકા પહોંચ્યા હતા. તેમના આવતાંની સાથે જ સ્મોલપોક્સ એટલે કે શીતળા નામના સંક્રમણનો ફેલાવો થયો. આ બીમારીથી સંક્રમિત 10 પૈકી 3 લોકોનાં મોત થતાં હતાં. એ સમયે એને લીધે 2 કરોડ અમેરિકનનાં મૃત્યુ થયાં હતાં. જે-તે સમયે અમેરિકાની કુલ વસતિનો 90 ટકા ભાગ હતો. ેને લીધે યુરોપિયન્સને ઘણો લાભ થયો. તેમને અહીં ખાલી જગ્યા મળી ગઈ અને પોતાની કોલોનીઓ વસાવવાની શરૂઆત કરી. શીતળા રોગ હજુ પણ સમાપ્ત થયો નથી. બીબીસીના અહેવાલ પ્રમાણે, એને લીધે અત્યારસુધીમાં 35 કરોડથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. વર્ષ 1796માં ડોક્ટર એડવર્ડ જેનરે આ બીમારીની વેક્સિન તૈયાર કરી હતી.

5. કોલેરા- વર્ષ : 1817

એક એવી બીમારી કે જે ભારતમાંથી ઉદભવી હતી અને અમેરિકા-આફ્રિકા સુધી ફેલાઈ

વર્ષ 1817માં વિશ્વમાં કોલેરા નામની બીમારી ફેલાઈ હતી. આ એ બીમારી હતી કે જેનું ભારતમાંથી સર્જન થયું હતું. આ બીમારી ગંગા નદીના ડેલ્ટા મારફત એશિયા, યુરોપ, ઉત્તરી અમેરિકા અને આફ્રિકામાં પણ ફેલાઈ હતી. દૂષિત પાણી આનું મુખ્ય કારણ હતું. આ બીમારીને લીધે એ સમયે 10 લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં. WHOના જણાવ્યા પ્રમાણે, અત્યારે પણ પ્રત્યેક વર્ષ 13 લાખથી 40 લાખ વચ્ચે આ બીમારીનો ભોગ બને છે. આજે પણ પ્રત્યેક વર્ષ 1.5 લાખ લોકો સુધી આ બીમારીથી મૃત્યુ પામે છે.

6. સ્પેનિશ ફ્લૂ- વર્ષઃ 1918

5 કરોડ લોકોના જીવ લેનાર ફ્લૂ, ભારતમાં જ 1.7 કરોડ લોકો માર્યા ગયા હતા

વર્ષ 1918માં ફેલાયેલી ફ્લૂની મહામારીને સ્પેનિશ ફ્લૂ પણ કહેવામાં આવે છે. એ છેલ્લાં 500 વર્ષના ઈતિહાસમાં સૌથી ખતરનાક મહામારી હતી. આ સાથે એવું માનવામાં આવે છે કે આ મહામારીથી એ સમયે વિશ્વની ત્રીજા ભાગની વસતિ એટલે કે 50 કરોડ લોકો સંક્રમિત થયા હતા. વિશ્વભરમાં એને લીધે 5 કરોડથી વધારે મૃત્યુ થયા છે. એકલા ભારતમાં જ એને લીધે 1.7 કરોડ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બીમારી એટલી વિચિત્ર હતી કે એને લીધે સૌથી વધારે મૃત્યુ તંદુરસ્ત લોકોનાં થયાં હતાં. સ્પેનિશ ફ્લૂ માટે H1N1 વાઈરસ જવાબદાર હતો. આ વાઈરસ આજે પણ આપણી વચ્ચે છે અને પ્રત્યેક વર્ષ માનવીને સંક્રમિત કરે છે.

7. એશિયન ફ્લૂ- વર્ષઃ 1957

હોંગકોંગમાંથી આવેલી બીમારીએ વિશ્વભરમાં 11 લાખ લોકોના જીવ લીધા

આ બીમારી ફેબ્રુઆરી 1957માં હોંગકોંગમાંથી શરૂ થઈ હતી, કારણ કે બીમારી પૂર્વ એશિયામાંથી નીકળી હતી, આ માટે એને એશિયા ફ્લૂ કહેવામાં આવે છે. બીમારી H2N2 વાઈરસને લીધે ફેલાઈ હતી. જોકે કેટલાક મહિનામાં એ અનેક દેશોમાં ફેલાઈ ગઈ. એને લીધે વિશ્વભરમાં 11 લાખથી વધારે લોકો માર્યા ગયા હતા.

8. હોંગકોંગ ફ્લૂ- વર્ષઃ 1968

આ ચીની ફ્લૂએ એવા લોકોને શિકાર બનાવ્યા કે જે અગાઉથી જ બીમાર હતા

13 જુલાઈ 1968ના રોજ ફ્લૂનો પ્રથમ કેસ હોંગકોંગમાં મળ્યો હતો. એને લીધે તેને હોંગકોંગ ફ્લૂ કહેવામાં આવે છે. કેટલાક જાણકારોનું માનવું છે કે એ ચીનથી હોંગકોંગમાં આવ્યો હતો. આ ફ્લૂ માટે H3N2 વાઈરસ જવાબદાર હતો. કેટલાક મહિનામાં આ વાઈરસ વિયેતનામ, સિંગાપોર, ભારત, અમેરિકા અને યુરોપ પહોંચી ગયો. આ વાઈરસથી મૃત્યુ પામાનારા મોટા ભાગના લોકોની ઉંમર 65 વર્ષથી વધારે હતી. તેની ઝપટમાં મોટા ભાગે એવા લોકો આવ્યા હતા કે જે અગાઉથી ગંભીર બીમાર હતા. આ બીમારીને લીધે વિશ્વભરમાં 10 લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં.

9. HIV એઈડ્સ-વર્ષ 1981

ચિમ્પાજીથી ફેલાઈ બીમારી, આજે પણ પ્રત્યેક વર્ષ લાખો લોકોના જીવ જાય છે

વર્ષ 1981માં HIV વાઈરસ ફેલાયો હતો, જેને હ્યુમન ઈમ્યુનો ડેફિશિયન્સી વાઈરસ પણ કહે છે. આ વાઈરસથી માનવીમાં એઈડ્સ નામની બીમારી ફેલાય છે. આ બીમારી આફ્રિકાના દેશ કોંગોની રાજધાની કિન્શાસાથી શરૂ થઈ હતી. આ બીમારીનું નિર્માણ થવા પાછળનું કારણ 30 વર્ષ બાદ જાણવા મળ્યું હતું. આ બીમારી ચિમ્પાજીમાંથી માનવીમાં ફેલાઈ છે, કારણ કે એ સમયે કિન્શાસા બુશમીટનું મોટું બજાર હતું અને અહીંથી આ વાઈરસ માનવીમાં આવ્યો હતો. આ બીમારીથી અત્યારસુધીમાં 3.5 કરોડથી વધારે જીવ ગયા છે. WHO પ્રમાણે, વર્ષ 2019માં એઈડ્સથી આશરે 6.90 લાખ લોકો માર્યા ગયા હતા. આ બીમારીનો કોઈ અસરકારક ઈલાજ મળી શક્યો નથી.

10. સ્વાઈન ફ્લૂ- વર્ષઃ2009

WHO એ 1 વર્ષમાં જ મહામારીની યાદીમાંથી હટાવી, જોકે આજે પણ જીવલેણ

એપ્રિલ 2009માં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ મેક્સિકોમાંથી સામે આવ્યો હતો. ત્યાર બાદ 13 મેના રોજ ભારતમાં પણ સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ આવ્યો હતો. 11 જૂન 2009ના રોજ તેને મહામારી જાહેર કરવામાં આવી હતી. સ્વાઈન ફ્લૂ H1N1 વાઈરસની જગ્યાએ આવ્યો અને આ વાઈરસ સુવરોમાંથી માનવીમાં આવ્યો. ઓગસ્ટ 2010માં WHOએ તેને મહામારી નહીં રહેવાની જાહેરાત કરી હતી. જોકે હજુ પણ આ બીમારી આપણી વચ્ચે છે. સ્વાઈન ફ્લૂથી વિશ્વભરમાં અત્યારસુધીમાં 5.5 લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં 44 લોકો તેને સીધે સંક્રમિત થતાં મૃત્યુ પામી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

    વધુ વાંચો