બ્રેનસનનું વર્જિન સ્પેસ શિપ (VSS) યુનિટી સ્પેસપ્લેનની સફળ ફ્લાઈટ પૃથ્વીની કક્ષાની અંદર, એટલે કે એણે સબઓર્ટિબલ ટૂરિઝમના નવા માર્ગ ખોલી આપ્યા છે. આ સાથે જ એજ ઓફ સ્પેસ એટલે કે અંતરિક્ષના છેડા સુધી પ્રાઈવેટ કોમર્શિયલ સ્પેસ ટ્રાવેલનું માર્કેટ પણ ઝડપથી વધશે. અત્યારસુધી ક્રૂ વિનાના મિશન સફળ રહ્યાં છે. બ્રેનસનની વર્જિન ગેલેક્ટિક, બેજોસની બ્લુ ઓરિજિન સાથે જ એલન મસ્કની સ્પેસએક્સ અને બોઈંગ પણ સ્પેસ ટૂરિઝમના ક્ષેત્રમાં આગળ ડગ માંડી રહ્યાં છે.
દુનિયાના દિગ્ગજ અબજપતિઓમાં અંતરિક્ષમાં કારોબાર કરવાની હોડ લાગી ગઈ છે. આમ તો આ હોડ ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ હવે આ નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. ત્યારે શું કારણ છે કે અબજપતિઓ વચ્ચે અંતરિક્ષમાં જવાની હરીફાઈ જોવા મળી રહી છે.
અંતરિક્ષમાં કબજો જમાવવાની હોડ કેમ?
દુનિયાના કુબેર, એટલે કે રિચર્ડ બ્રેનસન, જેફ બેજોસ અને એલન મસ્ક હવે અંતરિક્ષમાં પણ પોતાના ઝંડા ફરકાવવા માગે છે, જેની પહેલી કડી રવિવારના રોજ જોવા મળી. તો આ કડીના બીજા બે અધ્યાય આગામી દિવસોમાં જોવા મળી શકે છે. આવનારા સમયમાં સ્પેસ ટૂરિઝમક્ષેત્રે એક નવું જ સેક્ટર ડેવલપ થઈ રહ્યું છે, જેમાં વિકાસની અનેક તકો રહેલી છે. સ્પેસમાં જવાની ચાહ રાખનારાઓને લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આવી સ્થિતિમાં તમામ પ્રાઈવેટ સ્પેસ કંપનીઓ તાત્કાલિક ધોરણે પોતાને સાબિત કરવાના પ્રયાસમાં છે. જે કંપનીનું પ્રદર્શન સૌથી સારું હશે અને દુર્ઘટનાની શક્યતા ઓછી હશે એને જ લોકો પ્રાથમિકતા આપશે એ સ્વાભાવિક છે.
આ ઉપરાંત આ અબજપતિઓમાંથી બીજા સફળ વ્યવસાય પણ છે, એટલે કે જો તેઓ નિષ્ફળ રહેશે તો જે નુકસાન થશે તેનો બોજો પણ સહન કરી શકશે. અંતરિક્ષના ક્ષેત્રમાં હંમેશાં નવી ટેક્નિક માટે રિસર્ચની જરૂરિયાત હોય છે, જેના માટે ફંડિંગ કરવામાં આ ટાયકૂન્સને કોઈ જ મુશ્કેલી પણ નહીં પડે.
100 કિલોમીટરની ઉપર અંતરિક્ષ શરૂ
તમને લાગતું હશે કે જ્યાં વાયુમંડળ સમાપ્ત, ત્યાંથી સ્પેસ શરૂ થઈ જાય છે, પરંતુ એવું નથી. વાયુમંડળ તો ધરતીથી લગભગ 10 હજાર કિમી ઉપર છે, પરંતુ આ પણ અંતિમ સત્ય નથી. જેમ જેમ તમે ઉપર જશો, હવા ઓછી થતી જશે. ક્યાં ખતમ થઈ ગઈ એ નિશ્ચિતપણે જાણવું મુશ્કેલ છે.
એ તો ઠીક, સ્પેસ શરૂ થવા અંગે અલગ-અલગ એજન્સીઓની પોતાની પરિભાષાઓ છે. નાસા અને આંતરરાષ્ટ્રીય સ્તરે એરોનોટિકલ અને એસ્ટ્રોનોટિકલ રેકોર્ડ રાખનાર સંગઠન ફેડરેશન એરોનોટિક ઈન્ટરનેશનલ માને છે કે કારમન લાઈનથી અંતરિક્ષ શરૂ થઈ જાય છે તો પછી કારમન લાઈન શું છે? આ એક કાલ્પનિક લાઈન છે, જે સમુદ્રની સપાટીથી 100 કિમી ઉપર છે. એનાથી ઉપર જનારને એસ્ટ્રોનોટ માનવામાં આવે છે.
બ્રેનસને બાજી મારી
વર્જિન ગેલેક્ટિકના પેસેન્જર રોકેટ પ્લેન VSS યુનિટમાં સવાર થઈ બ્રેનસન અંતરિક્ષના કિનારા સુધી ગયા અને ત્યાં ગુરુત્વાકર્ષણ વગરની સ્થિતિનો અનુભવ કર્યો. પ્લેન રાત્રે લગભગ 8:10 વાગ્યે (ભારતીય સમય) સ્પેસ યાત્રા માટે ઉડાન ભરી હતી. વર્જિન ગ્રુપે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટમાં આ અંગે જાણકારી આપી હતી. વર્જિન ગેલેક્ટિક રોકેટ પ્લેનથી 60 મિનિટની અંતરિક્ષ યાત્રા કરી પરત ફર્યા. લેન્ડિંગ સાથે તેમણે પોતાના આ અનુભવોને યાદગાર ગણાવ્યા હતા. બ્રેનસને કહ્યું કે આ જીવનનો યાદગાર અનુભવ છે. વર્જિન ગેલેક્ટિક પર 17 વર્ષથી કામ કરી રહેલી અમારી શ્રેષ્ઠ ટીમને અભિનંદન.આટલા લાંબા સમય સુધી કઠોર મહેનતથી જ અહીં પહોંચી શકાયું છે.
બ્રેનસન કંપનીએ વિમાન વીએમએસ ઇવ (VMS Eve)માં સવાર થઈને સ્પેસપોર્ટ અમેરિકાથી ઉડાન ભરી. લગભગ 15 કિલોમીટર સુધી ગયા પછી, યુનિટી સ્પેસક્રાફ્ટ અલગ થયું અને તેનું રોકેટ એન્જિન મેક-3 (એટલે કે 3704.4 કિમી/કલાક)ની ઝડપ પકડી. તેના પછી VSS યુનિટ પોતાના રોકેટથી લગભગ 90-100 કિમીની ઊંચાઈ સુધી ગયું. એ સમયે બ્રેનસન સહિત અન્ય પેસેન્જર્સને લગભગ 4 મિનિટ વેઈટલેસનેસનો અનુભવ પણ થયો. અહીંથી ગોળ પૃથ્વી નજરે પડી એટલે કે તેનું કર્વેચર દેખાયું.
2022થી કોમર્શિયલ ટૂર શરૂ કરશે
રિચાર્ડ બ્રેનસનની પોતાની કંપની વર્જિન ગેલેક્ટિક છે. તે અત્યારસુધી ત્રણ વખત એજ ઓફ સ્પેસનો પ્રવાસ કરી ચૂકી છે. પરંતુ આજ સુધી તે ફક્ત ટેસ્ટ ફ્લાઇટ્સ જ હતી. 25 જૂને કંપનીને સત્તાવાર રીતે લાઇસન્સ મળ્યું છે, હવે કંપની સામાન્ય લોકોને તાલીમ આપ્યા પછી અવકાશમાં લઈ જઈ શકે છે. બ્રેનસનની ઉડાનને એની ટ્રાયલ કહી શકાય છે. બ્રેનસન અને બેજોસની કંપનીઓને ક્રૂ સાથેના મિશન માટેની પરવાનગી મળી ગઈ છે.
બ્રેનસનની કંપની 2022થી દર સપ્તાહે સ્પેસ સુધી લઈ જવાની છે. આ માટે તે 2.50 લાખ ડોલર એટલે કે લગભગ 1.90 કરોડ રૂપિયા વસૂલવાની તૈયારીમાં છે. આ જ આધારે રોઇટર્સના એક રિપોર્ટના પ્રમાણે 2030 સુધીમાં સ્પેસ ટૂરિઝમ માર્કેટ 3 બિલિયન ડોલર, એટલે કે 26 હજાર કરોડ રૂપિયા થવા જઈ રહ્યા છે.
બ્રેનસન બાદ હવે બેજોસની ઉડાન અંતરિક્ષ ભણી
રિચર્ડ બ્રેનસને રવિવારે 12મી જુલાઈએ ઈતિહાસ રચ્યો, અને ન્યૂ મેક્સિકોથી અંતરિક્ષમાં હનુમાન છલાંગ લગાવી. બ્રેનસને ડબલ ફ્યુઅલ એરક્રાફ્ટમાં બે પાઇલોટ અને ત્રણ અન્ય કર્મચારીઓની સાથે એક રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા.
જ્યારે બેજોસ જે દિવસે આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો, એ જ દિવસે સ્પેસની સફર કરશે, એટલે કે 9 દિવસ બાદ 20 જુલાઈએ વેસ્ટ ટેક્સાસથી સંપૂર્ણ રીતે સ્વંયચાલિત કેપ્સ્યૂલમાં સાથી યાત્રી ભાઈ માર્ક બેજોસ, 82 વર્ષની મહિલા એવિએટર વેલી ફંક અને અન્ય એક યાત્રી સાથે ઉડાન ભરશે. અમેરિકાના વેસ્ટ ટેક્સાસથી અંતરિક્ષમાં જવા માટેનાં ડગ માંડશે. બેજોસની ફ્લાઈટ લગભગ 11 મિનિટની હશે, જે 100 કિલોમીટર સુધી જશે. બ્લુઓરિજિન.કોમ અને યુટ્યુબ પર આ ઐતિહાસિક ક્ષણ જોઈ શકાશે.
બેજોસે અંતરિક્ષ યાત્રા માટે 20 જુલાઈનો જ દિવસ કેમ પસંદ કર્યો?
જ્યાં સુધી અમેઝોન ફાઉન્ડર જેફ બેજોસના સ્પેસ ટ્રાવેલનો સવાલ છે, તેના અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. તેમની પોતાની કંપની બ્લુ ઓરિજિનની આ પ્રથમ સમાનવ કે ક્રૂ ફ્લાઈટ હશે. ખાસ વાત એ છે કે 20 જુલાઈનો દિવસ નક્કી કરવાનું ખાસ કારણ છે. અમેરિકાના અપોલો 11 મૂન લેન્ડિંગ મિશનનની 52મી વર્ષગાંઠ આ જ દિવસે છે. આ દિવસે 52 વર્ષ અગાઉ નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનારા પ્રથમ વ્યક્તિ બન્યા હતા.
આ કેવી રીતે ઊડશે
બેજોસની ફ્લાઈટ બ્રેનસનથી ઘણી અલગ રહેવાની છે. બ્રેન્સન પ્રથમ કેરિયર વિમાનમાં અને પછી સ્પેસક્રાફ્ટમાં જશે. પરંતુ બેજોસ એક કેપ્સ્યૂલમાં બેસશે અને તેમની કંપનીના રિયુઝેબલ ન્યૂ શેપર્ડ રોકેટના પેલોડ તરીકે ઉડ્ડયન કરશે. રોકેટનું નામ ન્યૂ શેપર્ડ રાખવાની પણ એક કહાની છે. 5 મે 1961ના રોજ ફ્રીડમ 7 સ્પેસક્રાફ્ટ સાથે સ્પેસ મિશન પર જનારા પ્રથમ અમેરિકન એલન શેપર્ડના નામ પર રોકેટનું નામ રાખવામાં આવ્યું છે.
બેજોસની કેપ્સ્યૂલ રોકેટથી અલગ થશે. રોકેટ તો પૃથ્વી પર પરત આવશે પરંતુ કેપ્સ્યૂલ અલગ થઈને એજ ઓફ સ્પેસ પાસે રહી જશે. આ કેપ્સ્યૂલને ઓટોનોમસ બનાવાઈ છે. જેથી તેને અંદરથી કંટ્રોલ કરી શકાય. પછી ત્રણ મિનિટ વેઈટલેસનેસનો અનુભવ કરીને આ કેપ્સ્યૂલ પેરેશૂટની મદદથી જમીન પર ઊતરશે.
તેમાં વધુ શું ખાસ છે
બેજોસની સાથે ત્રણ લોકો જશે. બેજોસના ભાઈ માર્ક બેજોસ, 82 વર્ષીય એવિએટર વેલી ફંક અને 28 મિલિયન ડોલર (207 કરોડ રૂપિયા)માં ઓક્શનના વિજેતા, જેમનું નામ જણાવાયું નથી, તેમને સ્પેસ ટ્રાવેલનો મોકો મળી રહ્યો છે. ફંક આ મિશનની સાથે અંતરિક્ષની મુલાકાત લેનારા સૌથી વૃદ્ધ વ્યક્તિ બની જશે.
બ્રેનસનની લાંબી તો બેજોસની ઊંચી ઉડાન
ટેસ્લાની સ્પેસએક્સ પર હરીફાઈમાં
ટેસ્લાના CEO એલન મસ્કે પોતાની અંતરિક્ષ કંપી સ્પેસએક્સની સ્થાપના 2002માં કરી હતી. એ સમયે તેનો લક્ષ્ય અંતરિક્ષમાં પરિવહન ખર્ચને ઓછો કરવાનો અને મંગળ પર મનુષ્યને વસાવવાનો છે. સ્પેસએક્સનું પૂરું નામ એક્સપ્લોરેશન ટેક્નોલોજીસ કોર્પોરેશન છે. સ્પેસએક્સે ફાલ્કન રોકેટની મદદથી અત્યારસુધીમાં અંતરિક્ષમાં અનેક સેટેલાઈટ્સને પહોંચાવામાં આવ્યા છે. સ્પેસએક્સને સૌથી મોટી ઓળખ પોતાના ક્રૂ ડ્રેગન કેપ્સ્યૂલથી મળી. આ કેપ્સ્યૂલમાં બેસીને અનેક અંતરિક્ષ યાત્રી ઈન્ટરનેશનલ સ્પેશન સ્ટેશન પહોંચ્યા છે.
તેના પછી બોઈંગના સ્ટારલાઈનરની પણ છે ઓર્બિટલ ફ્લાઈટ ટેસ્ટ 2 (OFT-2)
ક્યારેઃ 30 જુલાઈ, શુક્રવાર
સમયઃ રાતે લગભગ સાડાબાર વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ક્યાંથીઃ SLC-41, કેપ કેનાવરલ એરફોર્સ સ્ટેશન, ફ્લોરિડા
ફ્લાઈટની અવધિઃ5-10 દિવસ
કેટલી ઉપર જશેઃ 400 કિમી
અહીં દેખાશે લાઈવઃ નાસા ટીવી અને યુટ્યૂબ
આ નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામનો હિસ્સો છે, જેથી પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ દ્વારા સ્પેસ ટ્રાવેલને સસ્તા અને અનુકૂળ બનાવી શકાય. નાસાના પ્રોગ્રામના પ્રથમ હિસ્સા તરીકે મે-2020માં એલન મસ્કની સ્પેસએક્સે ડ્રેગન કેપ્સ્યૂલમાં નાસાના બે એસ્ટ્રોનોટ્સને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પહોંચાડ્યા હતા. આ એક મોટી કામયાબી હતી.
આના બીજા હિસ્સા તરીકે બોઈંગનું સીએસટી-100 સ્ટારલાઈનર 30 જુલાઈના રોજ ઉડ્ડયન કરવાનું છે. ટેસ્ટ ફ્લાઈટ છે, આ કારણથી એમાં કોઈ માણસ નહીં હોય. આ દરમિયાન સ્ટારલાઈનર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી જશે અને ત્યાં થોડા સામાનની ડિલિવરી કરીને ત્યાં જ રોકાઈ જશે. 5-10 દિવસ પછી પરત આવશે.
આ કેવી રીતે ઊડશે
બોઈંગ પોતાની સ્ટારલાઈન કેપ્સ્યૂલને ટેસ્ટ કરી રહી છે. તેને સીએસટી-100 નામ અપાયું છે. યુનાઈટેડ લોન્ચ એલાયન્સ એટલાસ-5 રોકેટ સાથે કેપ્સ્યૂલ લોન્ચ થશે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઊતરશે. ત્યાં 5-10 દિવસ રહેશે અને પછી પૃથ્વી પર પરત આવશે. એ પણ બેજોસના કેપ્સ્યૂલની જેમ પેરેશૂટની મદદથી ઊતરશે. જો સ્ટારલાઈનર પોતાની ટેસ્ટમાં સફળ રહ્યા તો આ જ વર્ષના અંતમાં નાસાના બે એસ્ટ્રોનોટ લઈને તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને જશે.
અંતરિક્ષમાં જનારી પહેલી વ્યક્તિ આજે થઈ રહી છે ટ્રેન્ડ
સોશિયલ મીડિયામાં આજે યુરી ગાગરિન ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. 12 એપ્રિલ 1961ના રોજ યુરી ગાગરિનને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા. એ સમયે યુરીએ અંતરિક્ષમાંથી ધરતી જોઈને કહ્યું હતું કે ધરતી ઈન્સાનો ઝઘડા માટે ઘણી જ નાની છે પરંતુ સહયોગ માટે ઘણી મોટી.
સાત ટેસ્ટ ફ્લાઈટ પછી એ વાત પુરવાર થઈ હતી કે વોસ્તોક 2કેએ-3 સ્પેસક્રાફ્ટ યુરી ગાગરિનને અંતરિક્ષમાં મોકલવા માટે સૌથી યોગ્ય યાન છે. આ પહેલાં એમાં યંત્ર અને જાનવર અંતરિક્ષમાં જઈ ચૂક્યાં હતાં. તેથી 27 વર્ષના સોવિયત એરફોર્સના પાયલોટ યુરી એલેક્સેવિચ ગાગરિનને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા. યુરીને વોસ્તોક સ્પેસક્રાફ્ટમાં બેસાડીને સ્પેસ તરફ રવાના કરવામાં આવ્યા. આ સ્પેસક્રાફ્ટ 2.3 મીટર વ્યાસનું પ્રેશરાઈઝ્ડ કેબિન હતું. યુરી ગાગરિન લોન્ચની 11 મિનિટ 16 સેકન્ડ પછી ધરતીની કક્ષામાં પહોંચી ગયા હતા. તેમણે ધરતીનું એક ચક્કર લગાવ્યું, જેમાં તેમને લગભગ 108 મિનિટ થઈ હતી. એ બાદ તેઓ ધરતી પરત ફર્યા હતા, જોકે એમાં તેમને કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ અંતે સુખરૂપ તેઓ ધરતી પર પહોંચ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.