ખૂબ જ ખતરનાક થયો ઓમિક્રોન:WHOએ કહ્યું- કમ્યુનિટી ટ્રાન્સમિશનના કારણે 3 દિવસમાં બેગણા થયા છે કેસ, માસ્ક અને સેનિટાઈઝેશન ખૂબ જરૂરી

એક મહિનો પહેલા
  • ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે
  • સામાન્ય રીતે માણસ કોરોનાના એક મ્યુટેન્ટથી જ સંક્રમિત થાય છેઃ ડો.બર્ટન

વિશ્વના 89 દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના વેરિયન્ટ મળ્યા છે અને કમ્યુનિટી ટ્રાન્સમિશનના પગલે તેના કેસ 1.5થી 3 દિવસમાં જ બેગણા થઈ રહ્યાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને(WHO) આ માહિતી આપી છે. WHOના સભ્ય દેશોએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે એ વાતનું પ્રમાણ મળ્યું છે કે ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

જોકે ચિંતા કરવા જેવી વાત તો એ છે કે ઓમિક્રોન એ દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યાં વસ્તીમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધુ છે. જોકે હજી સુધી એ વાત સ્પષ્ટ થઈ શકી નથી કે આ વાઈરસમાં ઈમ્યુનિટીથી બચવાની ક્ષમતા છે કે પછી તેની સંક્રામકતા વધી ગઈ છે.

26 નવેમ્બરે મળ્યો હતો વેરિયન્ટ ઓફ કન્સર્નનો દરજ્જો
WHOએ કહ્યું- અમે 26 નવેમ્બરે ઓમિક્રોનને વેરિયન્ટ ઓફ કન્સર્નનો દરજ્જો આપ્યો હતો. જોકે અમને એ વાતનો ખ્યાલ નથી કે આ નવો વેરિયન્ટ કેટલો ગંભીર સાબિત થઈ શકે છે. જોકે આ વેરિયન્ટ અંગે ખૂબ જ ઓછા ડેટા ઉપલબ્ધ છે, તેના પગલે કઈ પણ કહેવું મુશ્કેલ છે. ઓમિક્રોન પર વેક્સિનના પ્રભાવ અંગે પણ કંઈ જ ન કહી શકાય.

સંગઠને કહ્યું કે રાહતના સમાચાર એ છે કે ઓમિક્રોન એટલો ઘાતક નથી, જેટલો કોરોનાનો પહેલો વેરિયન્ટ હતો. જોકે જે ગતિથી તે ફેલાઈ રહ્યો છે, તેને જોતા માસ્ક, સેનિટાઈઝેશન અને ભીડથી બચવું તે જ તેનો ઉપાય છે.

ઓમિક્રોન અને ડેલ્ટા મળીને બની શકે છે સુપર-વેરિયન્ટ
મોર્ડનાના ચીફ મેડિકલ અધિકારી ડો.પોલ બર્ટનનું કહેવું છે કે જો ઓમિક્રોન અને ડેલ્ટા સ્ટ્રેન મળીને કોઈને સંક્રમિત કરે છે તો કોરોનાનો નવો સુપર વેરિયન્ટ બની શકે છે. બ્રિટનમાં ડેલ્ટા અને ઓમિક્રોનના આઉટબ્રેકની સ્પીડે સુપર-વેરિયન્ટની શક્યતાને વધારી દીધી છે. તેમણે જણાવ્યું કે બંને વાઈરસ પરસ્પર મળીને જીન શેર અને સ્વેપ કરી શકે છે.

ડો.બર્ટને કહ્યું કે સામાન્ય રીતે માણસ કોરોનાના એક મ્યુટેન્ટથી જ સંક્રમિત થાય છે, જોકે કેટલાક ખાસ સંજોગોમાં બે સ્ટ્રેન એક દર્દીને એક જ સમયે સંક્રમિત કરે છે. જો ડેલ્ટા અને ઓમિક્રોન બંને એક સેલને સંક્રમિત કરે છે તો તે પરસ્પર DNAની અદલા-બદલી કરી શકે છે. આ બંને મળવાથી કોરોનાનો એક નવો સુપર સ્ટ્રેન બની શકે છે.

દેશમાં રોજના 14 લાખ કેસ આવી શકે છે
ભારતમાં સતત 20 દિવસથી કોરોનાના રોજના 10 હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યાં છે. જોકે તેનાથી ખતરો ઘટતો નથી. નીતી આયોગના સભ્ય વીકે પોલ કહ્યું કે જો આપણે બ્રિટનમાં ઓમિક્રોનનું સંક્રમણ જોઈએ અને તેની સરખામણી ભારતની વસ્તી સાથે કરીએ તો એમ કહી શકાય કે સંક્રમણ ફેલાવાથી ભારતમાં રોજના 14 લાખ કેસ આવશે. તેમણે વધુમાં કહ્યું કે દરેક કેસનું જીનોમ સીક્વેંસિગ ન કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...