ઓડિયોથી હડકંપ:જસ્ટિસ પર કોણે દબાણ કર્યું : મરિયમ, ઈમરાને કહ્યું - આ શરીફ પરિવારનો ડ્રામા

ઈસ્લામાબાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાક.ના પૂર્વ ચીફ જસ્ટિસે કહ્યું - નવાઝ શરીફને ફસાવાયા

પાકિસ્તાનમાં લીક થયેલા એક ઓડિયો ટેપથી રાજકારણમાં હડકંપ મચી ગયો છે. ઓડિયોમાં પાકિસ્તાનની સુપ્રીમકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસાર કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. તેમાં તે કહે છે કે તેમના પર તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમ નવાઝને સજા કરવા દબાણ કરાયું હતું જેથી ઈમરાન ખાનને સત્તામાં લાવી શકાય.

ઓડિયોમાં નિસાર સામેવાળી વ્યક્તિને કહે છે કે હું સ્પષ્ટ કહેવા માગું છું કે દુર્ભાગ્યપૂર્ણ રીતે આપણે ત્યાં એવી શક્તિશાળી સેના છે જે જજોને આદેશ આપે છે. હવે તે કહે છે કે નવાઝ શરીફને સજા કરવી છે કેમ કે અમે ઈમરાન ખાનને સત્તામાં લાવવા માગીએ છીએ. વ્યક્તિ કહે છે કે નવાઝને સજા તો ઠીક છે પણ દીકરીને સજા ન કરવી જોઇએ. તેના પર જસ્ટિસ નિસાર કહે છે કે હા, તેનાથી જ્યુડિશિયરી સામે સવાલો ઊભા થશે.

આ ઓડિયો ક્લિપને પાકિસ્તાનની પ્રસિદ્ધ યુટ્યૂબર અને જર્નાલિસ્ટ આલિયા શાહે જાહેર કરી છે. તે દાવો કરે છે કે આવનારા દિવસોમાં આ ટેપ સંપૂર્ણપણે સામે આવશે. ઓડિયો અંગે શરીફની દીકરી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ નેતા મરિયમ નવાઝે કહ્યું કે જસ્ટિસ સાકિબ નિસાર જણાવે કે મને અને મારા પિતાને દોષિત ઠેરવવા તેમના પર કોણે દબાણ કર્યું હતું. મરિયમે કહ્યું કે આ ન્યાયિક દખલ મારા પિતાના પક્ષમાં પાંચમી સાક્ષી છે. આજે કે કાલે તમારે દેશને સત્ય જણાવવું જ પડશે. હવે સમય આવી ગયો છે કે સાકિબ નિસાર અને લેફ્ટનન્ટ જનરલ ફૈજ હમીદને સંસ્થાનોની આડ લેવાનું બંધ કરવું જોઈએ.

બીજી બાજુ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે કથિતરૂપે પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસારની ઓડિયો ટેપ એક નાટક છે. તેની શરૂઆત ત્યારે થઇ જ્યારે પનામા પેપર્સમાં શરીફ પરિવારના ભ્રષ્ટાચારનો ખુલાસો થયો હતો. ઈમરાને મરિયમ પર નિશાન સાધતાં કહ્યું કે તમે કોર્ટ અને સૈન્યને ખરાબ કહી શકો પણ જણાવો કે તમને એ એપાર્ટમેન્ટ ખરીદવા માટે પૈસા ક્યાંથી મળ્યા?

ઈમરાનને વિપક્ષ સિલેક્ટેડ પીએમ ગણાવે છે
આ ઓડિયો બાદ આવનારા દિવસોમાં ઈમરાનની રાજકીય સ્થિતિ બગડી શકે છે. સૈન્ય પણ અપમાનિત થશે તે નક્કી છે. આમ પણ પાકિસ્તાનના તમામ વિપક્ષી દળો ઈમરાન ખાનને 3 વર્ષથી સિલેક્ટેડ પીએમ ગણાવતા રહ્યા છે. મરિયમ નવાઝ, મૌલવી ફજલ-ઉર-રહેમાન અને બિલાવલ ભુટ્ટો જરદારી દરેક પબ્લિક પ્લેટફોર્મ પરથી ઈમરાનને સિલેક્ટેડ વજીર-એ-આઝમ જ કહે છે. તેનો અર્થ એ થયો કે પ્રજા અને બીજા નેતા ઈમરાનની હકીકત જાણે છે પણ સીધી રીતે સૈન્યનું નામ લેતા ડરે છે. આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા અને આઈએસઆઈ તેનો ફાયદો ઉઠાવે છે.

તાલિબાન તથા ઈમરાનની પાર્ટી સમાન, બંને નથી જાણતા કે સરકાર કેવી રીતે ચલાવે
કેબિનેટ ડિવિઝનના સંયુક્ત સચિવ હમ્માદ શમીમીએ ઈમરાન સરકારની મજાક ઉડાવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઈમરાનની પાર્ટી પીટીઈ અને તાલિબાનમાં એક સમાનતા છે કે બંનેને સમજાતું નથી કે સત્તા સંભાળ્યા બાદ સરકાર કેવી રીતે ચલાવાય?

પાકિસ્તાનને લોન આપવા આઈએમએફનો ઈનકાર
ઇમરાન સરકારને આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડે મોટો આંચકો આપ્યો છે. પાકિસ્તાનને લોન આપવાનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. અહેવાલ મુજબ સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનની કોઈ પણ જવાબદારી પર આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાન સંમત નથી.

અન્ય સમાચારો પણ છે...