દુનિયાના ઘણાં દેશોમાં મંકિપોક્સના કેસ ઝડપથી વધી રહ્યા છે. વધતા કેસને ધ્યાનમાં રાખીને જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 23 જૂને ઈમરજન્સી બેઠક બોલાવી છે. શક્ય છે કે આ બેઠકમાં મંકિપોક્સને વૈશ્વિક ઈમરજન્સી પણ જાહેર કરવામાં આવી શકે છે. WHOના ડિરેક્ટર ટેડ્રોસ અધનોમ ગેબ્રેયેસસે કહ્યું કે, મંકિપોક્સનો વૈશ્વિક પ્રકોપ ચિંતાજનક છે. તેથી આ વિશે આગામી સપ્તાહે એક ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.
આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે કે મંકિપોક્સનો આ પ્રકોપ મહામારી કહી શકાય કે નહીં. ધેબ્રેયસસે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં WHOએ 39 દેશોમાં મંકિપોક્સના 1600થી વધારે કેસ નોંધ્યા છે અને અંદાજે 1500 કેસ શંકાસ્પદ નોંધાયા છે.
EUએ મંકિપોક્સ પર નિયંત્રણ મેળવવા ખરીદી વેક્સિન
યુરોપીય સંઘે મંકિપોક્સને ફેલાતો અટકાવવા માટે વેક્સિન ખરીદવા ડેનિશના નિર્માતા બવેરિયન નોર્ડિક સાથે એક સમજૂતી કરાર કર્યા છે. યુરોપીય સ્વાસ્થ્ય સચિવ સ્ટેલા ક્યારીકાઈડ્સે કહ્યું કે, વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. યુરોપીય સંઘના સભ્ય રાજ્યો, નોર્વે અને આઈસલેન્ડ માટે પહેલી ડિલીવરી જૂનના અંત સુધીમાં કરવામાં આવશે. હાલના સમયમાં EUમાં અંદાજે 900 મંકિપોક્સના કેસ છે.
બ્રિટનમાં સૌથી વધારે સંક્રમિત
માનવામાં આવે છે કે મંકિપોક્સની શરૂઆત બ્રિટનથી થઈ છે. બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંકિપોક્સથી સંક્રમિત 104 અન્ય દર્દીઓની ઓળખ કરી છે. હવે આફિક્રન દેશોમાં પણ મકિપોક્સનો કહેર ફેલાઈ રહ્યો છે. બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એનજન્સીએ ગયા સોમવારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી જેટલા પણ કેસ નોંધાયા છે તેમાં સૌથી વધારે કેસ સમલૈંગિક લોકોમાં જોવા મળ્યા છે. મંકિપોક્સ વાયરસ વિશે વૈજ્ઞાનિકોએ પણ ચેતવણી આપી છે કે, કોઈ પણ વ્યક્તિ મંકિપોક્સ વાયરસ થયો તેના સંપર્કમાં આવશે તો તે પણ સંક્રમિત થઈ શકે છે.
નવા દેશમાં ફેલાયો ત્યાં ઓછા જીવ ગયા
WHOના મહાનિર્દેશકે જણાવ્યું કે, જે 39 દેશોમાં મંકિપોક્સ વાયરસ ફેલાયો છે તેમાંથી 7 દેશ એવા છે જેમાં મંકિપોક્સના કેસ ઘણાં વર્ષોથી આવી રહ્યા છે. જ્યારે 32 નવા પ્રભાવિત દેશ છે. તે ઉપરાંત, આ વર્ષે અત્યાર સુધી પ્રભાવિત દેશોમાં 72 લોકોના મોત થયા છે જ્યારે નવા પ્રભાવિત દેશોમાં અત્યાર સુધી કોઈના પણ મોત થયા નથી. જોકે WHOનું માનવું છે કે, બ્રાઝિલમાં એક વ્યક્તિનું મોત મંકિપોક્સના કારણે થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.