તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાગળ બધે કાળા:અમેરિકામાં વધતી જતી કામચોરી માટે જવાબદાર કોણ?વાંચો NRI લેખિકા રેખા પટેલની કલમે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગવર્મેન્ટ ઓફિસો, બેંક તથા કંપનીઓ બંધ રહી ત્યારે લોકોને રજાઓ મળી અને ઘરે રહી કામ કરવાનું થતા લોકો આળસું અને બિનજવાબદાર બની ગયા
  • મોટાભાગના ધંધાકીય લોકો કહે છે કે કામદારો મળતા નથી.૧૦૦ લોકોની જરૂર હોય ત્યાં ૨૦ લોકો પરાણે કામ ઉપર આવવા તૈયાર હોય છે

કામચોરી સમાજની સંપૂર્ણ વ્યવસ્થાને ખોરવી નાખે છે. જે પણ દેશ કે સમાજમાં આ દુષણ પહોચી જાય છે ત્યાંની સુખ શાંતિ અને અર્થવ્યવસ્થા ખોરવાઈ જાય છે. થોડા વર્ષો પૂર્વ અમેરિકામાં કાર્યનિષ્ઠા અને વહીવટના ઉદાહરણો અપાતા હતા. લગભગ દરેક જગ્યાએ લોકો પોતપોતાના કામ અને જવાબદારીઓને સંપૂર્ણપણે ઈમાનદારીથી નિભાવતા હતા.

અમુક લોકોને બાદ કરતા કામચોરીનો અભાવ હતો. ભલે પાંચ મિનિટના વધારાના કાર્ય બદલ ઓવર ટાઈમ અપાતો હોય પરંતુ નિશ્ચિત સમય દરમિયાન પૂરી નિષ્ઠાથી કામ કરતા હતા. તેના બદલે આજે ઠેરઠેર બિનજવાબદાર રીતથી કામકાજ થતા જોઈ દુઃખ થાય છે. જાણે કોઈને કામ કરવુ જ નથી. કોઈ મેળાવડામાં આવ્યા હોમ તેમ પાંચ મીનીટના કામ પાછળ વીસ મિનીટ લગાવે છે. અહી સમાજનું કે મફત કામ કરવાની વાત નથી. પુરેપુરો પગાર લીધા પછી પણ યોગ્ય કામ કરતા નથી. અચાનક આવેલા આ બદલાવનું કારણ શું?

આ વાત માટે ઝાઝો વિચાર કરવો પડે તેવું નથી. કોરોનનાં ઉપદ્રવ પછી ઘણું બધું બદલાઈ ગયું છે. તેની આડ અસરોમાં આ એક દુષણ અમેરિકામાં ઘર કરી રહ્યું છે. જો આમજ રહેશે તો ટૂંક સમયમાં સાચેજ ચિંતાનો વિષય બની જવાનો તેમાં કોઈ શંકા નથી.

કોરોનાની બીમારી અને લોકડાઉન દરમિયાન બેરોજગારીની સમસ્યા વધી જતા. લોકોને આર્થિક મદદ હેઠળ વ્યક્તિ દીઠ ઘણા બધા ડોલર અત્યાર સુધી અપાઈ ચુક્યા છે. સાથે રાહતના નામે ઘણી લોન માફ થઇ ગઈ બીજા પણ ફાયદા મળ્યા છે. આ ઉપરાંત આ સમય દરમિયાન લોકોને ઘરે રહી કામ કરવાનું બન્યું કે પછી ગવર્મેન્ટ ઓફિસો, બેંક સાથે બીજી ઘણી કંપનીઓ બંધ રહી, આ સમય દરમિયાન લોકો રજાઓ મળી અને ત્યારબાદ ઘરે રહી કામ કરવાનું બન્યું. જેના કારણે ઘણા લોકો આળસું અને બિનજવાબદાર બની ગયા.

બેરોજગારીના ભથ્થા હેઠળ સરકાર તરફથી મળતી રાહતો અને આર્થિક સહાયમા, સામાન્ય કામદારો જે અઠવાડીએ ચારસો પાનસો ડોલર કમાતા હોય તેવા લોકોને આટલી રકમ અન એમ્પ્લોયમેન્ટમાં મફત મળવા લાગી. હવે જો ડોલર મફત મળતા હોય તો શું કામ મહેનત કરવી?

સરકારની આ રાહતો એ તેમની કુટેવોને વધુ પોસી રહી છે તેમ કહેવું ખોટું નથી. મફત મળતી સહાય અને ડોલર્સને પરિણામે હવે કોઈને કામ કરવું નથી. અનએમ્પ્લોયમેન્ટનો દર એકજ વર્ષમાં ઘણો વધી ગયો. પહેલા આ આંકમાં આફ્રિકન અમેરિકનની સંખ્યા વધારે હતી હવે અમેરિકન અને મેક્સિકન સાથે ભારતીઓ પણ જોડાઈ રહ્યા છે.

ફિલાડેલ્ફિયાની વાત કરીએ તો કોવીડ પહેલા જે દર ૪ ટકા હતો જે ૨૦૨૦ એપ્રિલમાં ૧૫ ટકા થયો. જે આજે ૨૦ ટકા થઇ ગયો. જેનો સીધો અર્થ લોકોએ કામ કરવાનું છોડી દીધું. કામ નથી મળતું એવું જરાય નથી. લોકોને કામ કરવું નથી. જેના પરિણામ સ્વરૂપે આજે અમેરિકામાં લેબર વર્ક, એટલેકે મહેનતી કામ માટે કામદારો મળતા નથી.

જેની સીધી અસર ધંધાઓ અને તેને ચલાવતા માલિકો ઉપર પડી રહી છે. હોટલ, મોટલ અને રેસ્ટોરન્ટ સાથે છૂટક કામ કરવા કોઈ કામદારો મળતા નથી. માણસો વિના કોઈ કામ સહેલાઈથી થાય તેમ નથી હોતા.

મોટાભાગના ધંધાકીય લોકોની ફરિયાદ છે કે તેમને કામદારો મળતા નથી.૧૦૦ માણસની જરૂરીયાત હોય ત્યાં ૨૦ માણસો પરાણે કામ ઉપર આવવા તૈયાર હોય છે. પગાર વધારો ઘણો કરવા છતા પણ ઠેરઠેર વર્કરોની ખોટ પડી રહી છે. કેટલીય જગ્યાએ ફેકટરીઓમાં હાલત બહુ ખરાબ છે જેના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે.

કોઈ સ્ટોર કે ગેસ સ્ટેશન હોય, કામ કરવા એમ્પ્લોય ના આવે તો માલિક જાતે સવાર થી સાંજ વધારાનું કામ કરી માલિક ધંધા ચલાવી શકે. પરંતુ મોટેલના ધંધામાં રૂમ બનાવનાર થી લઈને લોન્ડ્રી માટે કામદારોની જરૂર પડે છે ત્યાં આવી અછત માલિકોને મુશ્કેલીમાં મૂકી દે છે. કેટલી જગ્યાએ વર્કરો વિના રૂમો બંધ રાખવાની ફરજ પડે છે.

આ માટે કેટલાક ગવર્મેન્ટ તરફથી મળતા બેકારીના લાભોને જવાબદાર ગણાવે છે. વધારાની મળતી સહાય તેમને બિનજવાબદાર અને કામચોરી શીખવી રહ્યા છે. આજ પરિસ્થિતિ વધુ રહેતા બેરોજગારીનો આંક વધી જશે તે સાચું. અહી સંપૂર્ણ ગવર્મેન્ટની ભૂલ છે એમ તો ના કહી શકાય, પરંતુ અનએમ્પ્લોયમેન્ટની છૂટછાટ ઉપર કડક થવાની જરૂર ખરી.

અત્યારે ઘણા લોકો ગમેતે કંપની કે સ્ટોરના નામે અરજી કરી પોતે બેરોજગાર બની ગયા હોવાનો દાવો કરે છે. આ રીતે ખોટા ડોલર્સ ગવર્મેન્ટના પડાવે છે. જે તે સ્ટોર કે કંપનીમાં આવી અરજીઓ આવે ત્યારે જાણ થાય કે આવી તો કોઈ વ્યક્તિએ ભુતકાળમાં પણ અહી કામ કર્યું નથી. તેનો અર્થ લોકો ખોટી રીતે પૈસા પડાવી રહ્યા છે.​​​​​​​

કોવીડના રોગચાળા દરમિયાન ઓફીસ અને કંપનીઓમાં કામ કરતા લોકોને ઘરેથી કામ કરવાનું બન્યું જેમાં પણ ઘણા લોકો હદ વગરના બિનજવાબદાર બની ગયા છે. એક ફોન કોલને રીસીવ કરવા માટે અડધો કલાક હોલ્ડ ઉપર મૂકી દેવાય છે. બેંકમાં જ્યાં આઠ દસ લોકો કામ કરતા ત્યાં આજે માંડ ત્રણ જોવા મળે ત્યારે બધુજ ખોરવાઈ જાય સ્વાભાવિક છે.

કેટલીય ગવર્મેન્ટ ઓફીસ હજુ પણ સંપૂર્ણપણે કાર્યરત નથી મોટાભાગનું કામ ઓનલાઈન થઈ ગયું છે. જેના કારણે મુશ્કેલીના સમયમાં કોઈ જવાબદાર વ્યક્તિ સાથે સીધી વાત થઇ શકાતી નથી. જેના પરિણામે ધંધાકીય લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. આશા રાખીએ કામ્ચોરીનું દુષણ કાયમી નાં રહેતા લોકો પોતપોતાના કાર્યો ફરી જવાબદારીથી નિભાવતા થઈ જાય.

જોકે આ પેન્ડામિક દરમિયાન એવો પણ વર્ગ રહ્યો છે જેમને જવાબદારી પૂર્વક એક પણ દિવસની રજા પાડ્યા વિના પોતાના કાર્યો કર્યા છે. કોઈ પણ પગાર વધારાની વાત પણ કરી નથી, તેમની અલગ રાખીને આ આરોપ મૂકી શકાય તેમ છે.